You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અર્ણવ ગોસ્વામીની ધરપકડ 'પ્રેસની આઝાદી પર હુમલો' કે 'અર્ણવનો વ્યક્તિગત મામલો?'
રિપબ્લિક ટીવી ચેનલના સંપાદક (ઍડિટર-ઇન-ચીફ) અર્ણવ ગોસ્વામીની મહારાષ્ટ્ર પોલીસ દ્વારા ધરપકડ બાદ સોશિયલ મીડિયામાં પણ આ મામલે ચર્ચા થઈ રહી છે.
એક તરફ મોદી સરકારના કેન્દ્રીય મંત્રીઓએ આ મુદ્દે મહારાષ્ટ્ર સરકાર પર નિશાન સાધીને ઘટનાને પ્રેસની સ્વતંત્રતા પર હુમલો ગણાવી છે.
અત્રે નોંધવું કે અર્ણવ ગોસ્વામી સામે ઘણાં રાજ્યોમાં એફઆઈઆર દાખલ થયેલી છે. પાલઘરમાં બે સાધુ અને એક ડ્રાઈવરના મૉબ લિન્ચિંગ મામલે અર્ણવના શોમાં કૉંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધી સામે કરાયેલી 'આપત્તિજનક ભાષા'ને લઈને પણ એક એફઆઈઆર થઈ છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો હતો.
બીજી તરફ અન્ય વ્યક્તિઓ પણ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહી છે. વળી આ મુદ્દે પત્રકારો પણ પોતાની વાત કહી રહ્યા છે.
વરિષ્ઠ પત્રકાર સ્વાતિ ચતુર્વેદીએ આ વિશે ટ્વીટર પર લખ્યું કે અર્ણવ જે કરે છે એ કોઈ પણ પ્રકારનું પત્રકારત્વ નથી. તેમણે રિયા સામે વેરઝેરની નીતિ અપનાવી. મોદી સરકાર ઇચ્છે તેમને ટાર્ગેટ કર્યાં. પણ જે રીતે તેમની ધરપકડ થઈ એ ખોટું છે.
જોકે શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું કે પોલીસ કાયદા મુજબ કાર્યવાહી કરે છે. મહારાષ્ટ્રમાં કાયદાનું રાજ છે.
એક અન્ય પત્રકાર અનુશા રવિ સૂદે લખ્યું રિપબ્લિકના સંપાદક અર્ણવ ગોસ્વામી માટે આત્મહત્યા દુષ્પ્રેરણા કેસમાં કેન્દ્રીય મંત્રીઓ સમર્થનમાં આવી ગયા છે. પણ જ્યારે અન્ય પત્રકારો સામે હુમલા થાય છે અને તેમને કામ કરવાથી રોકવામાં આવે છે ત્યારે આ મંત્રીઓ ક્યાં ગાયબ થઈ જાય છે?
તેમણે આ ટ્વિટ સાથે કેન્દ્રીય મંત્રીઓના ટ્વીટના સ્ક્રિનશૉટ પણ મૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ એક અન્ય મહિલા પત્રકાર પાલકી શર્માએ ટ્વીટ કર્યું કે તમે અર્ણવ સાથે અસંમત હોવ પણ તેમની ધરપકડ ખોટી રીતે થઈ છે. આ ખોટું છે. સત્તાના રખેવાળે આવું ન કરવું જોઈએ.
દરમિયાન કેટલાક ટ્વીટર યુઝર પણ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ઉમંગ નામના યુઝરે લખ્યું, શું આપણે લોકશાહીમાં રહીએ છીએ?
જોકે એક યુઝર મોહમદ થાવરે જે કેસમાં અર્ણવ ગોસ્વામીની ધરપકડ કરવામાં આવી છે. તે કેસ સાથે સંકળાયેલ પીડિત પરિવારની તસવીર મૂકી છે અને તેમાં પરિવારની વાત લખી છે.
તેમણે લખ્યું, અન્વય નાઇકનો પરિવાર - "અર્ણવની ધરપકડથી અમે ખુશ છીએ. અગાઉ કેસ પાછો ખેંચી લેવા અમારી પર દબાણ કરાયું હતું. મારા પતિએ નાણાં ચૂકવવા અર્ણવને ઇમેલ કર્યો હતો અને એ જીવન મરણનો સવાલ હતો પણ તે પિતાજીને ન મળ્યા."
અત્રે નોંધવું કે આ સિવાય મોદી સરકારમાં કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ, સ્મૃતિ ઈરાની સહિતના મંત્રીઓએ પ્રતિક્રિયા આપી ઘટનાને વખોડી છે.
વળી ગૃહ મંત્રી અમિત શાહે પણ આ ઘટનાને પ્રેસની આઝાદી પર હુમલા સમાન ગણાવતું ટ્વિટ કર્યું હતું.
દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ પ્રતિક્રિયા આપી કૉંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા.
બીજી તરફ સુધિર સૂર્યવંશી નામના યુઝરે ટ્વિટ કરી લખ્યું કે મહારાષ્ટ્રના પત્રકાર એસોસિયેશને ઘટનાને વખોડી નથી. તેમનું કહેવું છે કે આ અર્ણવનો વ્યક્તિગત મામલો છે અને અભિવ્યક્તિની આઝાદી સાથે તેને કંઈ લેવાદેવા નથી.
વળી રવિન્દ્ર પુટ્ટેવર નામના યુઝરે લખ્યું,"આ સારો નિર્ણય છે. રિપોર્ટિંગના નામે કોઈની પણ પાસે સરકારને બ્લૅકમેલ કરવાનો કે કોઈને આત્મહત્યા કરવા પ્રેરવાનો અધિકાર ન હોવો જોઈએ."
તદુપરાંત એક તરફ કેટલાક ટ્વિટર યુઝર્સ મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી રહ્યા છે, તો કેટલાક નિર્ણયને યોગ્ય પણ ઠેરવી રહ્યા છે.
અર્ણવ ગોસ્વામીની જ્યારે સવારે ધરપકડ થઈ ત્યારે તેમણે પોલીસે તેમની સાથે દુર્વ્યવહાર કર્યાના આરોપ પણ લગાવ્યા હતા જેને મુંબઈ પોલીસે ફગાવ્યા હતા.
અર્ણવ ગોસ્વામીની ધરપકડને લઈને સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રની શિવસેના-એનસીપી-કૉંગ્રેસ સરકાર પર સવાલ કરવામાં આવી રહ્યો છે.
સોશિયલ મીડિયામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અભિવ્યક્તિની આઝાદી પર સ્ટેન્ડ નથી લઈ રહ્યાં તેવી વાત થઈ રહી છે ત્યારે ગુજરાત કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે પોતાનો મત આપ્યો છે.
હાર્દિક પટેલે કહ્યું કે, તમે કઈ અભિવ્યક્તિની આઝાદી પર નિંદા કરો છો? ગુજરાતમાં મે સત્તા સામે અધિકારની માગ કરી તો મારા પર અલગ અલગ 32 ખોટાં કેસ કરવામાં આવ્યા, મહેસાણા જિલ્લામાં પ્રવેશ નથી કરવા દેવાતો, ગુજરાતની બહાર નથી જવા દેવામાં આવતો. શું આ બદલાની ભાવના નથી, મારી અભિવ્યક્તિની આઝાદીનું શું?
જોકે ઘણા એ પણ સવાલ કરી રહ્યા છે કે શું આ અર્ણવનો વ્યક્તિગત મામલો છે કે પછી સાચે જ પ્રેસની સ્વતંત્રતા પર હુમલો છે?
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો