You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ખેડૂત આંદોલન : કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો આજે એક દિવસના ઉપવાસ પર
કૃષિકાયદાના વિરોધમાં ખેડૂતો દિલ્હીની સીમાઓ પર પ્રદર્શન કરી રહ્યા છે અને આજે 19મો દિવસ છે. પોતાનું આદોલન વધુ ઉગ્ર બનાવવા માટે ખેડૂતો આજે દિવસભર અનશન કરશે.
વિરોધપ્રદર્શનના ભાગરૂપે ખેડૂતસંઘોના તમામ વડાઓ સોમવારે એક દિવસ પૂરતું અનશન કરશે. એનડીટીવીના અહેવાલ અનુસાર ખેડૂતનેતા ગુરુનામસિંહે સિંઘુ બૉર્ડર પર સંબંધિત જાહેરાત કરી હતી.
તો દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે પણ ખેડૂતોના સમર્થનમાં એક દિવસ માટે અનશન કરવાની જાહેરાત કરી છે. કેજરીવાલે જણાવ્યું હતું, "ખેડૂતોનાં પ્રદર્શનોને સમર્થન આપવા માટે હું એક દિવસ અનશન કરીશ. આપના સ્વંયસેવકોને પણ હું જોડાવા માટે અપીલ કરું છું."
આ સાથે જ કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિકાયદા પરત લઈ લેશે એવી દિલ્હીના મુખ્ય મંત્રીએ આશા પણ વ્યક્ત કરી હતી.
આ દરમિયાન રવિવાર કૃષિકાયદાનો વિરોધ કરવા માટે રાજસ્થાનથી દિલ્હી કૂચ કરી રહેલા ખેડૂતોને હરિયાણા બૉર્ડર પર રોકી દેવાયા તો ખેડૂતો ત્યાં જ ધરણાં પર બેસી ગયા.
'અન્નદાતાઓને' ચરમપંથી કહેનારને માણસ કહેવડાવવાનો હક નથી - ઉદ્ધવ ઠાકરે
મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું છે કે ભાજપ રાજ્યમાં એમની સરકાર તોડવાની એટલી કોશિશ કરી રહી છે કે એને લોકોની ભલાઈ માટે લેવાતાં પગલાંઓ પણ દેખાતા નથી.
રવિવારે એક સંવાદદાતા સંમેલનમાં એમણે વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસની એક ટિપ્પણીનો જવાબ આપ્યો અને કહ્યું "જો મુંબઈમાં અઘોષિત ઇમર્જન્સી છે તો દેશના બાકીના રાજ્યોમાં છે તે ઇમર્જન્સી છે. "
એમણે કહ્યું, "દિલ્હીની બહાર વિરોધ કરી રહેલા ખેડૂતો પર કડકડતી ઠંડીમાં પાણી વરસાવવું એ શું સામાજિક સોહાર્દનું પ્રતીક હતું?"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉદ્ધવ ઠાકરેએ ખેડૂત આંદોલનને બદનામ કરવાની કોશિશની ટીકા કરીને કહ્યું કે "ભાજપે નક્કી કરવું જોઈએ કે ખેડૂત આંદોલનને કોણ સમર્થન આપે છે, પાકિસ્તાન, ચીન કે માઓવાદી?"
ભાજપ પર કટાક્ષ કરતાં એમણે કહ્યું કે "તમે પાકિસ્તાનથી ડુંગળીની આયાત કરો છો તો હવે શું ખેડૂતો પણ પાકિસ્તાનથી આવવા લાગ્યા?"
એમણે કહ્યું, "દેશના અન્નદાતાઓને ચરમપંથી કહેનારને માણસ કહેવડાવવાનો પણ હક નથી."
ઉલ્લેખનીય છે કે રવિવારે ભાજપ નેતા અને રેલમંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે ખેડૂત આંદોલન હવે ખેડૂતોના હાથમાંથી નીકળી ગયું છે અને તેને નકસલવાદી અને માઓવાદી ચલાવે છે અને જે લોકો દેશદ્રોહના આરોપમાં જેલમાં બંધ છે તેમને છોડાવવાની માગ થઈ રહી છે.
આ જ મતલબની વાત યોગી આદિત્યનાથે પણ કરી હતી.
શાહજહાંપુર અને સિંઘુ બૉર્ડર પર દેશની બૉડર જેવો હાલ છે?
ખેડૂત આંદોલનમાં ભાગ લેવા માટે સેંકડોની સંખ્યામાં ખેડૂતો હરિયાણા-રાજસ્થાનની શાહજહાંપુર બૉડર્ર પર પહોંચી રહ્યાં છે.
બીબીસી સંવાદદાતા દેવિના ગુપ્તા આ સ્થળ પર હાજર છે. તેઓ કહે છે કે, રાષ્ટ્રીય રાજમાર્ગ બંધ કરવા માટે અને દિલ્હી તરફ કૂચ કરવા માટે આ ખેડૂતો ટેક્ટ્રરો, બસો અને ગાડીઓ લઈને પહોંચી રહ્યાં છે. જેમાં મોટી સંખ્યા રાજસ્થાન, પંજાબ અને હરિયાણાના ખેડૂતોની છે.
અહીં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોવા મળી રહી છે.
પંજાબથી આવેલાં એક મહિલા મનપ્રીત કૌરે બીબીસી સંવાદદાતા દેવિના ગુપ્તાને કહ્યું કે "જો જરૂર પડી તો હું છ મહિના સુધી અહીં રોકાઈ શકું છું અને એ તૈયારી સાથે આવી છું. મારા પતિ બાળકોની દેખરેખ માટે ઘરે છે અને અહીં મારે એમની લડાઈ લડવાની છે."
શાહજહાંપુર બૉડર્ર પર થયેલી માર્ચમાં 6 કિલોમિટર સુધી સામાજિક કાર્યકર્તા મેધા પાટકર અને સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવ ખેડૂત નેતાઓની સાથે હતાં.
યોગેન્દ્ર યાદવે કહ્યું, અમે અહીં શાંતિપૂર્ણ વિરોધ કરવા માટે આવ્યા છીએ. જો અમને દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી નહીં મળે તો અમે બૉર્ડર પર બેસીશું.
હરિયાણા સીમા પર મોટી સંખ્યામાં સુરક્ષાદળોને તહેનાત કરવામાં આવ્યા છે જેમણે ખેડૂતોને સરહદ પર જ રોક્યા છે. આ સ્થિતિમાં તેઓ હાઈવે પર જ બેઠાં છે અને દિલ્હી તરફ જનાર રસ્તો એમણે બંધ કરી દીધો છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીની બૉડર્રે પહેલેથી જ હજારોની સંખ્યામાં ખેડૂતો હાજર છે જે 18 દિવસથી આંદોલન કરી રહ્યા છે. હવે શાહજહાંપુર બૉડર્ર એક નવો મોરચો બની રહી છે.
મેધા પાટકરે કહ્યું કે, આ તો ફક્ત શરૂઆત છે. હજી વધારે લોકો આવશે. ખેડૂતો આવતી કાલે એક પંચાયત ભરશે અને આવનારા દિવસોમાં આ સંખ્યા વધશે. જ્યાં સુધી કાયદા પરત નહીં લેવાય ત્યાં સુધી અમે પાછા નહીં હઠીએ.
ખેડૂતો મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓને કાળા કાયદા ગણાવીને તેને પાછા ખેંચવા માગ કરે છે તો સામે સરકારનું કહેવું છે કે આ કાયદાઓ ખેડૂતોના હિતમાં છે.
ખેડૂતોની માગ ન પૂરી થઈ તો એનડીએ છોડીશું - હનુમાન બેનીવાલ
ભાજપના સાથીપક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના સંયોજક અને નાગૌરથી સાંસદ હનુમાનસિંહ બેનીવાલે ખેડૂતોની માગણીઓ પૂર્ણ નહીં થવા પર કહ્યું છે કે અમે એનડીએ છોડી દઈશું.
એમણે આ મામલો ઉકેલવા માટે મોદી સરકારને સાત દિવસનો સમય આપ્યો છે.
ખેડૂતો કરશે એક ઉપવાસ
સિંઘુ બૉડર્ર પર બેઠેલાં ખેડૂત નેતાઓએ કહ્યું છે કે તેઓ 14 ડિસેમ્બરે સવારે 8થી 5 વાગ્યા સુધી એક દિવસની ભૂખ હડતાળ કરશે.
ખેડૂત નેતા ગુરુનામસિંહ ચઢૂનીએ કહ્યું કે સોમવારે 14 ડિસેમ્બરે દેશના તમામ જિલ્લાઓમાં મુખ્યાલયો પર પણ ખેડૂતો ધરણાં પ્રદર્શન કરશે.
ખેડૂત નેતા શિવ કુમાર ક્કાએ કહ્યું કે અમે ફરી એક વાર કહીએ છીએ કે ત્રણ કૃષિકાયદાઓ પરત લેવામાં આવે એ માગ પર અમે અડગ છીએ..
સરકાર અંહ છોડી કાયદા પાછા લે - કેજરીવાલ
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે 14 ડિસેમ્બરે ખેડૂતોના સમર્થનમાં ઉપવાસની જાહેરાત કરી છે.
એમણે કહ્યું કે દરેક ખેડૂતોના સમર્થનમાં એક દિવસનો ઉપવાસ રાખે.
એમણે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને અને દેશના તમામ લોકોને ખેડૂતોની માગણીઓના સમર્થનમાં સોમવારે ઉપવાસ કરવાનો આગ્રહ કર્યો.
એમણે કહ્યું કે, સરકાર જનતાથી બને છે, જનતા સરકારથી નથી બનતી. કેન્દ્ર સરકારને વિનંતી છે કે તે અહંકાર છોડે અને ખેડૂતોની માગણીઓ પૂર્ણ કરે, એમએસપીને લઈને ખેડૂતોના પાકની ખરીદીનો ગૅરન્ટી કાયદો બનાવે.
અરવિંદ કેજરીવાલે એમ પણ કહ્યું કે કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના નેતાઓ છેલ્લા કેટલાક દિવસોથી આંદોલનને દેશદ્રોહીઓનું આંદોલન ગણાવે છે. આંદોલનને બદનામ કરવાની કોશિશ થઈ રહી છે.
એમણે કહ્યું કે આ કાયદાનો ફક્ત ખેડૂતો વિરોધ કરે છે એવી ભ્રમણામાં કોઈએ ન રહેવું જોઈએ.
ખેડૂતોના ખભે બંદૂક રાખીને દેશની એકતાને પડકારવામાં આવી રહી છે - યોગી આદિત્યનાથ
મોદી સરકારના કૃષિકાયદાનો વિરોધ કરી રહેલા આંદોલનકારી ખેડૂતોએ જયપુર-દિલ્હી હાઈવે બંધ કરવાની ચેતવણી આપી છે.
પાછલાં બે અઠવાડિયાંથી ખેડૂતો દિલ્હીની જુદીજુદી સીમાઓ પર વિરોધપ્રદર્શન કરી રહ્યા છે. તેમની માગ છે કે ત્રણ નવા કૃષિકાયદા ખેડૂતો વિરુદ્ધ છે અને સરકાર તેને પરત ખેંચે.
આ દરમિયાન હરિયાણા અને રાજસ્થાનના ખેડૂતો રાષ્ટ્રીય પાટનગર દિલ્હી તરફ કૂચ કરી શકે છે. તેઓ રાષ્ટ્રીય રાજમાર્ગ 48 પર માર્ચ કરશે.
મોદી સરકારે પસાર કરેલા ત્રણ કૃષિકાયદાઓને લઈને ખેડૂતોનું આંદોલન 18માં દિવસે પહોંચ્યું છે અને આક્રમક બની રહ્યું છે ત્યારે ઉત્તર પ્રદેશની ભાજપા સરકારના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું કે ખેડૂતોના ખભે બંદૂક રાખીને દેશની એકતા અને અખંડિતતાને પડકારવામાં આવી રહી છે. એમણે એમ પણ કહ્યું કે, સમાધાન સંવાદથી જ થશે સંઘર્ષથી નહીં થાય.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે ખેડૂત આંદોલનની આડમાં દેશની એકતાને તોડવાની કોશિશ કરવામાં આવશે તો એની સામે કડક પગલાં લેવાશે.
એમણે કહ્યું કે જે જાણીતા લોકો આજે ખેડૂત આંદોલનમાં સામેલ થઈ રહ્યાં છે તેઓ ફક્ત કાયદાનો વિરોધ કરવા માટે આમ કરે છે અને અગાઉ તેઓ આ પ્રકારના સુધારાઓ સાથે સહમત હતા. અમે એ લોકો પાસે જઈશું અને એમને કાયદાના ફાયદાઓ બતાવીશું.
દરમિયાન ખેડૂત આંદોલનના મુદ્દાઓને લઈ કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમર અને કેન્દ્રીય રાજ્યમંત્રી સોમ પ્રકાશે જે ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી છે.
આંદોલન માટે પંજાબના ડીઆઈજીનું રાજીનામું
ખેડૂતોના સમર્થનમાં હવે પંજાબના DIGલખમિંદર સિંહ જાખડે રવિવારે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
લખમિંદરે લખ્યું કે, રાજ્યના ખેડૂતો પરેશાન છે. ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે રસ્તા પર બેઠા છે. હું પોતે એક ખેડૂતનો દીકરો છું, એટલા માટે આંદોલનનો ભાગ બનવા માગું છું. તાત્કાલિક ધોરણે મને પદમુક્ત કરો, જેથી દિલ્હી જઈને મારા ખેડૂત ભાઈઓ સાથે મળીને મારા હક માટે લડી શકું.
પાંચ હજાર વીરતાપદક પરત કરશે પૂર્વ સૈનિકો
'ધ હિંદુ'ના એક સમાચાર પ્રમાણે સિંઘુ બૉર્ડર પર ધરણાં કરી રહેલા પૂર્વ સૈનિકોએ પાંચ હજાર વીરતાપદક એકઠાં કર્યાં છે જેને તેઓ કૃષિકાયદાના વિરોધમાં સરકારને પરત કરવાના છે.
આ લોકો 26 નવેમ્બરથી સિંઘુ બૉર્ડર પર ધરણાં કરી રહ્યા છે.
પંજાબ અને હરિયાણાથી આવેલા આ પૂર્વ સૈનિકો હવે મુખ્યત્વે ખેતી કરીને પોતાની આજીવિકા ચલાવે છે.
તેમણે શનિવારે જણાવ્યું કે તેમની યોજના આવનારા બે દિવસમાં 25 હજાર મેડલ એકઠાં કરવાની છે. તેમણે કહ્યું કે લાખોની સંખ્યા ખેડૂતો વિરોધપ્રદર્શન માટે આવી રહ્યા છે.
'દેશ રહેવા લાયક નથી રહ્યો'
'હિંદુ' સાથેની વાતચીતમાં ઝજ્જરથી આવેલા એક 80 વર્ષના સેવાનિવૃત્ત હવલદાર બળવંત સિંહ જણાવે છે કે, "હું ખેડૂતો અને જવાનોના પરિવારમાંથી આવું છું, જેના ઘરમાંથી આઠ લોકો સીમા પર યુદ્ધમાં શહીદ થયા છે. મને એ વાત પર ગર્વ છે પરંતુ સરકાર જેવું વર્તન અમારી સાથે કરી રહી છે એ જોઈને લાગે છે કે આ દેશ હવે રહેવા લાયક નથી રહ્યો."
"અમે અહીં 26 નવેમ્બરથી આવેલા છીએ અને સરકાર અમારી વાત સાંભળવાને સ્થાને કાળા કાયદા અમારી પર નાખવામાં લાગેલી છે."
ગુરદાસપુરના સેવાનિવૃત્ત સુબેદાર એસ. પી. સિંહે કહ્યું કે છ ખેડૂતોની ધરપકડ કરાઈ છે કારણ કે તેઓ પોતાનાં પદક પરત કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
પટિયાલાથી સેવાનિવૃત્ત હવલદાર બરતાર સિંહનો આરોપ છે કે પૂર્વ સૈનિકોના એક સમૂહને બે દિવસ માટે હિરાસતમાં રાખવામાં આવ્યા અને તેમના ફોન અને અન્ય સામાન જપ્ત કરી લેવાયા.
તેમનું કહેવું છે, "અમે આ કાળા કાયદાઓના વિરોધમાં પોતાનાં પદકોનો ત્યાગ કરવા માગીએ છીએ. આ જ હેતુસર અમે ગુરુવારે રાષ્ટ્રપતિભવન ગયા હતા."
હરિયાણાથી સેવાનિવૃત્ત નાયક કપિલ દેવ કહે છે કે સરકારે વિરોધપ્રદર્શનકારીઓ સાથે જેવો વ્યવહાર કર્યો હતો તેનાથી ખેડૂતો અને પૂર્વ સૈનિકો અને સેનાના જવાનોના પરિવારોને ઘણું દુ:ખ થયું હતું.
તેઓ કહે છે કે આ પદક મનોરંજન માટે નહીં પરંતુ વીરતા માટે અપાયાં હતાં. પરંતુ સેનાના જવાન ખેડૂતોના બહેતર ભવિષ્ય માટે તે પરત કરવા માટે તૈયાર છે.
ઝજ્જરથી આવેલા સેવાનિવૃત્ત હવલદાર સુરેશકુમાર દહિયાનું કહેવું છે કે 'માત્ર ખેડૂત અને જવાનો જ દેશને આગળ લઈ જઈ શકે છે અને સરકારે અમને બધાને નીચું દેખાડ્યું છે.'
તેમનું કહેવું છે કે ખેડૂતો પર આ કાયદા સ્વીકારી લેવા માટે દબાણ કરાઈ રહ્યું છે જે તબાહી તરફ લઈ જશે.
ખેડૂતોએ કેટલાય ટૉલપ્લાઝા કર્યા ફ્રી, આજે તકરારની આશંકા
કૃષિકાયદાઓના વિરોધમાં ખેડૂતોના સમૂહોએ શનિવારે સમગ્ર દેશમાં 165 જગ્યાઓએ ટોલપ્લાઝા શુલ્ક ફ્રી કરાવ્યા. તેમાં દેશના સૌથી મોટા હાઈવે પણ સામેલ છે, જ્યાં ગાડીઓ ટોલની ચૂકવણી કર્યા વગર જ પસાર થતી રહી.
ખેડૂતોએ અલગઅલગ સ્થળોએ ટોલપ્લાઝ પર ધરણાં કર્યાં, બૅરિયર તોડ્યાં અને તેને આખો દિવસ નિ:શુલ્ક કરાવ્યા.
ખેડૂતોએ સરકારના સંશોધનનો પ્રસ્તાવ ફગાવી દીધા બાદ વિરોધપ્રદર્શન વધુ તેજ બનાવવાની સાથે ટોલપ્લાઝા ફ્રી કરાવવાની ચેતવણી આપી હતી.
શનિવારે સાંજે રાજસ્થાનથી ખેડૂતોનો એક નાનો સમૂહ હરિયાણાના રેવાડીમાં દિલ્હી-જયપુર હાઈવે જામ કરવા માટે નીકળી પડ્યો અને રવિવારે સવારે દિલ્હીમાં માર્ચ માટે હજારો લોકો રાજસ્થાનની સીમા પર પહોંચી ગયા છે.
આજથી દિલ્હી-જયપુર હાઈવે જામ
આજથી ખેડૂત સંગઠન દિલ્હી-જયપુર હાઈવે જામ કરવાનાં છે.
દિલ્હીની સીમાઓ પર ચાલી રહેલાં વિરોધપ્રદર્શનનોનો આ 17મો દિવસ છે. સંયુક્ત કિસાન મોર્ચાના બૅનર હેઠળ ખેડૂત હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાતી સીમાઓ પર હાજર છે.
સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે કોઈ સહમતિ ન બનવા પર ખેડૂતો દ્વારા વિરોધપ્રદર્શન વધુ ઉગ્ર બનાવવાની ચેતવણી અપાઈ હતી.
મંગળવારે સરકારની તરફથી કૃષિકાયદામાં સંશોધનોની સાથે એક પ્રસ્તાવ અપાયો હતો પરંતુ ખેડૂત સંગઠનોએ તેને ફગાવી દીધો હતો.
ભૂખ હડતાળની પણ તૈયારી
કિસાન સંઘર્ષસમિતિના અધ્યક્ષ કંવલપ્રીતસિંહ પન્નૂએ સિંઘુ બૉર્ડર પર એક પત્રકારપરિષદમાં કહ્યું, "જો સરકાર અમને બોલાવશે તો અમે વાતચીત માટે જઈશું. પરંતુ વાતચીતનું કેન્દ્ર ત્રણેય કૃષિકાયદા હોવા જોઈએ, જ્યાં સુધી આ ત્રણેય કાયદા રદ નહી કરાય, અમે અન્ય મુદ્દા પર વાતચીત નહીં કરીએ."
તેમણે એ પણ કહ્યું કે તેમની માગ નહીં માનવામાં આવે તો ખેડૂત યુનિયનોના નેતા સોમવારે એક દિવસની ભૂખ હડતાળ કરશે.
અખિલ ભારતીય કિસાન સભાન પ્રમાણે રાજ્યોમાં 450 ટોલબૂથો પૈકી 165 પર ટોલપ્લાઝા ફ્રી કરવામાં આવ્યા.
ઑક્ટોબરમાં ત્રણેય કૃષિકાયદા પાસ થયા બાદ પંજાબમાં તમામ ટોલપ્લાઝા ફ્રી કરી દેવાયા છે.
હરિયાણામાં ખેડૂતોએ 20 સ્થાનોએ ટોલપ્લાઝા પર ધરણાં કર્યાં અને ભાજપવિરોધી નારા પોકાર્યા, સાથે તેમણે રિલાયન્સ સમૂહના પેટ્રોલ-પંપ અને મૉલ પર પણ ધરણાં કર્યાં.
હરિયાણા ભારતીય કિસાન યુનિયન (ટિકૈટ)ના અધ્યક્ષ રતન માને 'ધ હિંદુ' અખબારને કહ્યું, "હરિયાણામાં લગભગ તમામ ટોલપ્લાઝા પર ખેડૂતોએ ધરણાં કર્યાં. અંબાલ-હિસાર હાઈવે પર ખેડૂતોના સમૂહો સવારથી જ એકઠા થવાનું શરૂ થઈ ગયા હતા. આ સિવાય અમે હિસાર જિલ્લામાં દિલ્હી, રાજગઢ, સિરસા અને ચંદીગઢ જનારી સડકો પર તમામ ટોલપ્લાઝા પર ધરણાં કર્યાં."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો