કોરોના વાઇરસ : જર્મનીમાં કેસ વધતા ક્રિસમસ-ન્યૂ યરમાં લૉકડાઉન

કોરોના વાઇરસના સંક્રમણના કેસો વધવાને પગલે જર્મનીએ ક્રિસમસના સમયમાં કડક લૉકડાઉનની જાહેરાત કરી છે.

બુધવારથી આખા દેશમાં જીવનજરૂરિયાત સિવાયની દુકાનો બંધ રહેશે. જ્યાં પણ શક્ય હોય ત્યાં બાળકોને પણ ઘરે જ ભણાવવાનું કહેવામાં આવ્યું છે.

ચાન્સેલર એન્જેલા મર્કલે કેસોમાં થઈ રહેલા વધારા માટે નાતાલની ખરીદીને જવાબદાર ગણાવી છે.

જર્મનીમાં નવું લૉકડાઉન 16 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી સુધી લાગુ રહેશે એમ 16 રાજ્યો સાથેની મિટિંગ પછી જણાવવામાં આવ્યું છે.

જર્મનીમાં રેસ્ટોરાં, બાર અને લકઝરી સેવાઓ નવેમ્બરથી બંધ છે અને અમુક રાજ્યોએ પોતાની રીતે પણ લૉકડાઉન રાખેલું છે.

તાજેતરમાં જર્મનીમાં સંક્રમણના 20,200 નવા કેસ સામે આવ્યા છે અને 321 લોકો મૃત્યુ પામ્યા છે.

ગુજરાતના બે જિલ્લામાં કૉંગ્રેસ-બીટીપીનું ગઠબંધન કેમ તૂટ્યું?

'એનડીટીવી'ના એક અહેવાલ પ્રમાણે રાજસ્થાનમાં જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપનો સાથ આપવાને કારણે ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)એ કૉંગ્રેસ સાથે બે જિલ્લામાં પોતાના ગઠબંધનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો.

નોંધનીય છે કે નર્મદા અને ભરૂચમાં જિલ્લા પંચાયતમાં કૉંગ્રેસ અને BTPનું ગઠબંધન શાસનમાં છે.

BTPના પ્રમુખ છોટુભાઈ વસાવાએ આ અંગે વાત કરતાં કહ્યું હતું કે, "અમે નર્મદા અને ભરૂચમાં કૉંગ્રેસ સાથેનું ગઠબંધન સમાપ્ત કરવાનો નિર્ણય લીધો છે."

તેમણે ટ્વીટ કર્યું, "ભાજપ અને કૉંગ્રેસ બંને એક સરખાં છે."

નોંધનીય છે કે તાજેતરમાં જ રાજસ્થાનના ડુંગરપુરના જિલ્લા પરિષદમાં કૉંગ્રેસના નવનિયુક્ત સભ્યોએ ડિસ્ટ્રિક્ટ બૉર્ડમાં પ્રમુખની પોસ્ટ માટે ભાજપના ઉમેદવારને મત આપ્યા હતા.

ડુંગરપુર જિલ્લા પરિષદની 27 બેઠકો પૈકી 13 બેઠકો પર BTPનું સમર્થન કરતા 13 સ્વતંત્ર સભ્યો હતા. જ્યારે છ બેઠકો પર ભાજપ અને આઠ બેઠકો કૉંગ્રેસ પાસે હતી.

BTPને પોતાના પ્રમુખ બનાવવા માટે માત્ર કૉંગ્રેસના એક મતની જરૂર હતી. પરંતુ કૉંગ્રેસના સભ્યોએ ભાજપના ઉમેદવાર સુર્ય અહારીને ટેકો આપ્યો હતો.

ભારતમાં FDIમાં ગુજરાત પ્રથમ ક્રમે

'બિઝનેસ વર્લ્ડ'ના એક અહેવાલ પ્રમાણે ડિપાર્ટમેન્ટ ફૉર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી ઍન્ડ ઇન્ટરનલ ટ્રેડ (DPIIT) દ્વારા એપ્રિલ-સપ્ટેમ્બર 2020ના ગાળાના ડેટા અનુસાર ગુજરાતમાં સમગ્ર દેશમાં સૌથી વધુ પ્રત્યક્ષ વિદેશી રોકાણ (FDI)થયું છે.

અહેવાલ અનુસાર આ સમયગાળા માટે દેશના 1.19 લાખ કરોડના કુલ FDI પૈકી 53 ટકા રોકાણ ગુજરાતમાં થયું.

ગુજરાતના પ્રિન્સિપાલ સૅક્રેટરી મનોજ દાસે આ અંગે કહ્યું કે ગત બે દાયકાથી લવચીક, રિસ્પોન્સિવ અને વાઇબ્રન્ટ અર્થતંત્રના નિર્માણની દિશામાં ગુજરાત ગતિશીલ રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, "ગુજરાત તેના પરિવર્તનશીલ આર્થિક મૉડલને કારણે આત્મનિર્ભર ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવનાર રાજ્ય બન્યું છે."

"સ્થાનિક ઉત્પાદન ક્ષેત્રે ટેકનૉલૉજીકલ વિકાસમાં પોતાનું રોકાણ વધારવા સહિતનાં પગલાંને કારણે ગુજરાત સમગ્ર દેશમાં વિદેશી રોકાણ આકર્ષવામાં પ્રથમ ક્રમાંકે રહ્યું છે."

અમેરિકામાં કોરોનાનું રસીકરણ સોમવારથી શરૂ થશે

અમેરિકાની જનતાને સોમવારથી ફાઇઝર/બાયોટેક કોરોના વૅક્સિન મળવા લાગશે.

અધિકારીઓનું કહેવું છે કે વૅક્સિનના પ્રથમ 30 લાખ ડોઝ ટૂંક સમયમાં જ બધાં રાજ્યોમાં પહોંચતા કરી દેવાશે.

ફાઇઝર/બાયોએનટૅક વૅક્સિન, કોરોના વાઇરસ વિરુદ્ધ 95 ટકા સુધી અસરકારક છે અને ફૂડ ઍન્ડ ડ્રગ ઍડમિનિસ્ટ્રેશન (FDA)એ તેને સુરક્ષિત જાહેર કરી છે.

FDA પ્રમાણે કોરોનાના સંકટ વચ્ચે તેના ઉપયોગ માટેની મંજૂરી મળી તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

FDA પર ઘણું દબાણ હતું જે કારણે શુક્રવારે ફાઇઝર/બાયૉટેક કોરોના વૅક્સિનના ઉપયોગ માટે મંજૂરી આપી દેવી પડી.

અધિકારીઓને આશા છે કે કોરોના વાઇરસ માત આપનારી આ વૅક્સિનને સુરક્ષિત રીતે તમામ રાજ્યોમાં પહોંચાડી દેવાશે.

ખેડૂતો માટે વૉશિંગટનમાં પ્રદર્શન, ગાંધીજીની મૂર્તિને નુકસાન

'હિંદુસ્તાન ટાઇમ્સ'માં છપાયેલા એક સમાચાર અનુસાર, દિલ્હીમાં અડગ રહેલા ખેડૂતોના સમર્થનમાં શનિવારે વૉશિંગટનમાં ભારતીય દૂતાવાસ સામે મહાત્મા ગાંધીની પ્રતિમાને પ્રદર્શનકારીઓએ નુકસાન પહોંચાડ્યું.

સમાચારમાં કહેવાયું છે કે ઘટનાસ્થળે 'ખાલિસ્તાનના ઝંડા'પણ દેખાયા. આ જ પ્રકારના ઝંડા ડિસેમ્બરની શરૂઆતમાં યૂકેમાં ભારતીય ઉચ્ચાયોગ બહાર થયેલા વિરોધપ્રદર્શન દરમિયાન દેખાયા હતા.

બંને જગ્યાઓએ એકઠા થયેલા પ્રદર્શનકારી દિલ્હીમાં પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં નારા પોકારી રહ્યા હતા.

વૉશિંગટનમાં મહાત્મા ગાંધીની આ પ્રતિમાને જૂનમાં અશ્વેત અમેરિકન જ્યૉર્જ ફ્લૉય્ડના સમર્થનમાં થયેલાં પ્રદર્શનો દરમિયાન પણ નુકસાન પહોંચાડાયું હતું.

ભારતીય દૂતાવાસે તે સમયે પોલીસમાં આ ઘટનાની ફરિયાદ કરી હતી અને તત્કાલીન ઉપ-વિદેશમંત્રી સ્ટીફન બીગને ઘટના માટે માફી માગવી પડી હતી.

વૉશિંગટનમાં ભારતીય દૂતાવાસાની સામે આ પ્રતિમાનું અનાવરણ તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ 16 સપ્ટેમ્બર, 2000માં કર્યું હતું.

ભારતમાં પાટનગર દિલ્હીની પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ સાથે જોડાતી સીમાઓ પર પાછલા એક પખવાડિયાથી હજારો ખેડૂતો મોદી સરકારના નવા કૃષિકાયદાઓનો વિરોધ કરી રહ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો