You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમૂલ: વિપુલ ચૌધરીની ધરપકડ, ચાર દિવસના રિમાન્ડ મંજૂર
ગુજરાત કૉઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ)ના પૂર્વ ચેરમૅન અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી વિપુલ ચૌધરીની કથિત 14.80 કરોડના બોનસ કૌભાંડમાં ધરપકડ ધરપકડ કરવામાં આવી છે અને અદાલતે ચાર દિવસના પોલીસ રિમાન્ડને મંજૂરી આપી છે.
અમૂલ એ જીસીએમએમએફની મુખ્ય બ્રાન્ડ છે.
ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી માસમાં મહેસાણાની દૂધસાગર ડેરીની ચૂંટણી થવાની છે તે અગાઉ આ ધરપકડ થઈ છે અને તેને પગલે રાજકારણ ગરમાયું છે.
શું છે કેસ?
વિપુલ ચૌધરી પર દૂધસાગર ડેરીના કર્મચારીઓનાં પગાર અને બોનસમાં 14.80 કરોડની કથિત ઉચાપતનો આરોપ છે અને એ સબબ CID ક્રાઇમ અને રેલવે દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો.
ભાજપની કેશુભાઈની સરકાર સામે 1995 શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો અને રાજપાની સરકાર રચી વિપુલ ચૌધરી ગૃહરાજ્ય અને વાહનવ્યવહાર મંત્રી બન્યા હતા.
જોકે, શંકરસિંહ વાઘેલા સાથે મતભેદો બાદ એમણે રાજપા છોડી અને ફરી ભાજપમાં આવી ગયા. આ દરમિયાન તેઓ ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અને દૂધસાગર ડેરીના ચેરમૅન બન્યા.
2014માં 22 કરોડના કથિત ઘાસચારા કૌભાંડને લઈને તેમની હકાલપટ્ટી થઈ હતી અને હાલની ધરપકડનું મૂળ પણ ત્યાં જ જાય છે.
ઇન્ડિયન એક્સપ્રેસનો એક અહેવાલ સીઆઈડી ક્રાઇમને ટાંકીને કહે છે કે, 22 કરોડના ઘાસચારા કૌભાંડ બાદ 2018માં ટ્રિબ્યૂનલ કોર્ટે કૌભાંડની 40 ટકા રકમ યાને કે 9 કરોડ રૂપિયા જીસીએમએમએફમાં જમા કરાવવા કહ્યું હતું. આ સંદર્ભે વિપુલ ચૌધરી અને મહેસાણાની દૂધસાગર ડેરીના ચાર વર્તમાન સત્તાધિકારીઓ દ્વારા ષડ્યંત્ર રચવામાં આવ્યું અને જેમાં 14.80 કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહેવા મુજબ વિપુલ ચૌધરી અને અન્ય લોકો સામે ગાંધીનગરમાં ક્રિમિનલ કૉન્સ્પીરસી, વિશ્વાસઘાત અને પબ્લિક સર્વન્ટ દ્વારા ગુનાહિત છેતરપિંડી સબબ ગુનો નોંધવામાં આવ્યો અને એમની ધરપકડ કરાઈ.
ડેરીના ડિરેક્ટર અશોક ચૌધરીનો આરોપ છે કે વિપુલ ચૌધરીએ ડેરીનાં કર્મચારીઓને વધારાના બે પગાર પ્રોત્સાહનરૂપે આપી રૂ. 12 કરોડની ચૂકવણી કરી હતી. તેમાંથી કર્મચારીઓ પાસેથી 80 ટકા રકમ ઉઘરાવીને પોતાને જે સાગરદાણ કૌભાંડનાં રૂ. 9 કરોડ જમા કરાવવાના હતા તે રકમ ભરપાઈ કરી છે અને આ રીતે ષડ્યંત્ર રચીને ડેરીના નાણાની હેરાફેરી કરી છે.
વિપુલ ચૌધરીનો કૌભાંડનો ઇનકાર
ધરપકડ બાદ વિપુલ ચૌધરીએ એક લેખિત નિવેદન જાહેર કર્યું છે.
વિપુલ ચૌધરીએ જાહેર કરેલા લેખિત નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મહારાષ્ટ્રમાં દુકાળ સમયે સહાયરૂપે મોકલેલા પશુદાનની રકમ અંદાજિત 22.5 કરોડના 10 ટકા દૂધસાગર ડેરીમાં સાત દિવસમાં જમા કરાવવાની શરતે સહકારી રાજ્ય રજિસ્ટ્રારના હુકમ સામે સહકારી ટ્રિબ્યુનલે તા. 8 ઑક્ટોબર 2018ના રોજ કામચલાઉ મનાઈ હુકમ આપ્યો હતો.
વિપુલ ચૌધરીનું કહેવું છે કે તેમણે 2.25 કરોડ મે ડેરીમાં તા. 16 ઓક્ટોબર 2018ના રોજ અને 9 કરોડ 20 ઑગસ્ટથી 29 ઑગસ્ટ 2019 વચ્ચે જમા કરાવ્યા છે.
સીઆઈડી ક્રાઇમ આ 9 કરોડની ચૂકવણીમાં કૌભાંડનો આરોપ મૂકે છે ત્યારે વિપુલ ચૌધરીનો દાવો છે કે તે તેમણે ઉછીના લઈને ડેરીમાં ચૂકવેલા છે અને જમીનોનું બાનાખત કરીને પરત કર્યા છે.
એમણે કહ્યું કે, જમા કરાવેલી રકમ એ વસુલાત નથી અને સહકારી ટ્રિબ્યુનલમાં કેસ હજી ચાલુ છે. આ દુકાળમાં મોકલેલી સહાયની રકમનો મામલો છે, કોઈ નાણાકીય કૌભાંડ નથી.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો