કોરોના વાઇરસ સામેની લડાઈમાં ભારત ખરેખર સફળ થઈ રહ્યું છે?

    • લેેખક, શ્રુતિ મેનન
    • પદ, બીબીસી રિયાલિટી ચેક

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોને કહ્યું કે તેઓ ટેસ્ટિંગ અને કૉન્ટેક્ટ ટ્રેસિંગને વધુ પ્રાથમિકતા આપે.

ભારતમાં સંક્રમણના રોજના કેસમાં સપ્ટેમ્બર મહિનામાં ઘટાડો થયો છે, પરંતુ એ ચિંતા વ્યક્ત કરાઈ રહી છે કે અલગઅલગ ટેસ્ટિંગ રણનીતિ બીમારી સામેની લડાઈમાં બાધારૂપ બની શકે છે.

ભારતમાં કેવી રીતે ટેસ્ટિંગ થઈ રહ્યું છે?

ભારત પીસીઆર ટેસ્ટનો ઉપયોગ કરે છે. આ ટેસ્ટને સૌથી સચોટ પરિણામ આપનારો (ગોલ્ડ સ્ટાન્ડર્ડ) માનવામાં આવે છે.

પણ આ સમયે માત્ર 60 ટકા ટેસ્ટ આ પદ્ધતિથી કરવામાં આવે છે. ઘણાં રાજ્યો- જે પોતાની સ્વાસ્થ્ય નીતિઓના ઇન્ચાર્જ છે, તેઓ રેપિડ ઍન્ટિજન ટેસ્ટ (આરએટી)નો ઉપયોગ કરવા લાગ્યાં છે. જે પરિણામ તો ઝડપી આપે છે, પણ ઓછાં વિશ્વસનીય છે.

માનવામાં આવે છે કે ફૉલ્સ નૅગેટિવ (જ્યાં સંક્રમિત લોકોની ઓળખ થઈ શકતી નથી)ને કારણે આરએટી ટેસ્ટ 50 ટકા ખોટાં પરિણામ આપે છે, જોકે કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે આ ટેસ્ટ વાઇરસ હૉટસ્પૉટવાળા વિસ્તારમાં ઉપયોગી થઈ શકે છે.

હરિયાણાની અશોકા યુનિવર્સિટીમાં સંક્રામક રોગના વિશેષજ્ઞ પ્રોફેસર ગૌતમ મેનન કહે છે, 'મામલાની ઓળખ કરવાની ક્ષમતા ઓછા સંવેદનશીલ આરએટી ટેસ્ટ અને ગોલ્ડ સ્ટાન્ડર્ડ પીસીઆર ટેસ્ટના સાપેક્ષ મિશ્રણ પર નિર્ભર કરે છે.'

માત્ર ભારતમાં જ આ ટેસ્ટનો ઉપયોગ થતો નથી. સતત આવતી સંક્રમણની લહેરોથી ઝૂઝતા કેટલાક યુરોપીય દેશ પણ રેપિડ ટેસ્ટિંગ કરવા લાગ્યા છે.

શું આખા ભારતમાં એકસમાન ટેસ્ટિંગ થઈ રહ્યું છે?

ના, એવું નથી.

ભારતમાં સંક્રમણની સૌથી વધુ અસર મહારાષ્ટ્રમાં છે. દેશના કુલ કેસમાંથી 17 ટકા કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે.

મહારાષ્ટ્રની તુલનામાં ઓછી વસતીવાળા કર્ણાટક, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને કેરળમાં પણ કોરોના વાઇરસના સૌથી વધુ કેસ સામે આવ્યા છે.

પરંતુ મોટી વસતીવાળાં બે રાજ્યો- ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઉપરનાં રાજ્યો કરતાં સ્થિતિ ઘણી સારી છે.

અહીં પુષ્ટ થયેલા કેસની સરેરાશ ઓછી એટલે કે 2.9 અને 1.6 ટકા છે.

ટેસ્ટિંગના આંકડા દર્શાવે છે કે બિહાર અને ઉત્તર પ્રદેશ (અને કેટલાંક અન્ય રાજ્યો)માં કુલ ટેસ્ટમાંથી 50 ટકાથી પણ ઓછા પીસીઆર ટેસ્ટ થઈ રહ્યા છે. તેનો મતલબ કે ઘણા મામલાની ઓળખ નથી થઈ રહી.

મહારાષ્ટ્રમાં અંદાજે 60 ટકા ટેસ્ટ પીસીઆર હતા (જોકે રાજ્યની રાજધાની મુંબઈમાં રેપિડ ટેસ્ટનો ઉપયોગ વધ્યો છે.)

અને તામિલનાડુ રાજ્યમાં સંપૂર્ણ રીતે પીસીઆર ટેસ્ટ થયા છે, તેનો મતલબ એ થઈ શકે કે ત્યાં સંક્રમણના પ્રસારના ચોક્કસ આઇડિયા મળી રહ્યા છે.

રાજ્યોમાં પણ દરેક જગ્યાએ એકસમાન ટેસ્ટિંગ નહીં

એવા પુરાવા મળે છે કે રાજ્ય પોતાની વધુ વસતીવાળા વિસ્તારોમાં પૂરતું ટેસ્ટિંગ કરતાં નથી, જ્યાં સંક્રમણની સંખ્યા વધુ હોઈ શકે છે.

30 નવેમ્બર સુધીમાં ઉત્તર પ્રદેશના કુલ કેસમાંથી 13 ટકા કેસ રાજધાની લખનૌમાં મળ્યા હતા. જોકે રાજ્યમાં જેટલા પણ ટેસ્ટ થયા છે, તેનાથી છ ટકાથી પણ ઓછા ટેસ્ટ અહીં થયા હતા.

રાજ્યના કાનપુર જિલ્લામાં બીજા નંબરે સૌથી વધુ કેસ નોંધાયા હતા, પરંતુ ત્યાં થયેલા કુલ ટેસ્ટમાંથી ત્રણ ટકાથી પણ ઓછા ટેસ્ટ કાનપુરમાં થયા હતા.

બિહારમાં પણ જિલ્લાસ્તરના ડેટામાં આવું જ જોવા મળી રહ્યું છે. સૌથી ગીચ વસતીવાળા વિસ્તારોમાંથી એક પટનામાં રાજ્યના કુલ કેસમાંથી 18 ટકા કેસ સામે આવ્યા છે.

જ્યારે રાજ્યના કુલ ટેસ્ટમાંથી માત્ર ત્રણ ટકા ટેસ્ટ જ પટનામાં થયા છે.

રાજ્યના અન્ય ભાગની તુલનામાં ટેસ્ટ વધુ થયા છે, પણ મામલાની સંખ્યા અપેક્ષા કરતાં ઓછી રહી.

કેરળમાં એક સાર્વજનિક સ્વાસ્થ્ય નીતિના વિશ્લેષક ડૉ. રિજો જૉન કહે છે, 'જે વિસ્તારમાં વધુ કેસ છે, જો તમે ત્યાં ઓછા ટેસ્ટ કરશો અને ઓછા કેસવાળા વિસ્તારમાં વધુ ટેસ્ટ કરશો તો ટેસ્ટિંગ તો વધુ થશે, પણ કેસ ઓછા નોંધાશે.'

તેઓ કહે છે કે તેનાથી કેસની સંખ્યાનો ડેટા થોડો અર્થહીન થઈ જાય છે.

બદલાતી સ્વાસ્થ્ય પ્રણાલીઓ

ભારતમાં કોવિડ-19 પર રાષ્ટ્રીય ગાઇડલાઇન કહે છે કે રાજ્યોમાં કમસે કમ 80 ટકા પૉઝિટિવ કેસમાં કૉન્ટેક્ટ 72 કલાકમાં ટ્રેસ કરી લેવો જોઈએ.

પરંતુ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ પર ભારતીય સંસદીય સમિતિએ કહ્યું કે "ખરાબ કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને ઓછું ટેસ્ટિંગ કોવિડના ઘાતક રૂપથી વધવાનું એક કારણ હોઈ શકે છે."

કૉન્ટેક્ટ ટ્રેસિંગ પર દરેક રાજ્યોમાંથી વિશ્વસનીય જાણકારી મેળવવી મુશ્કેલ છે.

હાલમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને 'હાઈરિસ્ક કૉન્ટેક્ટના ઝડપી અને સિસ્ટમેટિક ટ્રેકિંગ માટે' ઉત્તર પ્રદેશનાં વખાણ કર્યાં હતાં.

તેનાથી વિપરીત કર્ણાટકના આંકડાઓથી ખ્યાલ આવે છે કે સપ્ટેમ્બરથી પ્રાઇમરી અને સેકન્ડરી કૉન્ટેક્ટ ટ્રેસિંગની સંખ્યા ત્યાં ઓછી થઈ છે.

તેલંગણા રાજ્ય પાસે કોવિડ-19ની ઝપેટમાં આવેલા લોકોનો પ્રાઇમરી અને સેકન્ડરી કૉન્ટેક્ટના ટેસ્ટનો ડેટા મોજૂદ છે.

ટેસ્ટિંગની સંખ્યાની સાથેસાથે સપ્ટેમ્બરથી આ આંકડામાં પણ કેટલોક ઘટાડો થયો છે.

કેરળનો ડેટા જણાવે છે કે ચાર મેથી અત્યાર સુધીમાં સામે આવેલા બધા કેસમાંથી સંક્રમિત લોકોની 95 ટકા પ્રાઇમરી અને સેકન્ડરી કૉન્ટેક્ટની જાણકારી મેળવી લીધી છે.

જોકે કોઈ પણ ડેટાસેટથી એ ખ્યાલ આવતો નથી કે શું રાષ્ટ્રીય ગાઇડલાઇન હેઠળ આપેલી સમયસીમાની અંદર સંક્રમિત વ્યક્તિના 80 ટકા કૉન્ટેક્ટની જાણકારી મેળવાઈ હતી કે કેમ? વળી, ઘણાં રાજ્યો આ ડેટા સાર્વજનિક કરતાં નથી.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો