જો બાઇડનનું વલણ H-1B visa અને ચીન મામલે ભારત માટે કેટલું લાભદાયી રહેશે?

ઇમેજ સ્રોત, SAUL LOEB/AFP VIA GETTY IMAGES
- લેેખક, પ્રવીણ શર્મા
- પદ, બીબીસી ગુજરાતી માટે
વેપાર, એચ-વન બી વિઝા, અમેરિકામાં ભારતીયોને નોકરી, રક્ષા ભાગીદારી, પાકિસ્તાનને લઈને અમેરિકાનું વલણ, ચરમપંથ, ઈરાન મામલે નિર્ણય તથા કાશ્મીર મામલેનું વલણ આ તમામ પ્રકારના પરિબળો પર બાઇડનનું પ્રશાસન કેવી રીતે વલણ અપનાવશે એ જોવું ભારત માટે ઘણું મહત્ત્વનું રહેશે.
પૂર્વ રાજનયિક પિનાક રંજન ચક્રવર્તી કહે છે કે કોઈ પણ દેશની વિદેશનીતિ બદલાય છે તો તેમાં સાતત્ય પણ રહે છે.
તેઓ કહે છે ક્લિન્ટનના સમયથી જોઈએ તો ભારતના પરમાણુ પરીક્ષણ પછી બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ આવી હતી. પણ પછી સંબંધો સુધર્યાં અને ક્લિન્ટન ભારત પ્રવાસે પણ આવ્યા હતા.
પિનાક કહે છે, "વળી રાષ્ટ્રપતિ બુશના જમાનામાં પરમાણુનો મુદ્દો જે સૌથી વિવાદીત હતો તેમાં બંને વચ્ચે ડીલ પણ થઈ ગઈ. પછી ઓબામા બે વખત અને ટ્રમ્પ પણ બે વખત આવી ગયા."
"ડમૉક્રેટ્સ અને રિપબ્લિકન બંને વચ્ચે વિદેશનીતિમાં એક સાતત્ય જળવાઈ રહ્યું છે અને મને નથી લાગતું કે બાઇડન આવ્યા પછી એમાં કોઈ મોટો બદલાવ આવશે."
પિનાક કહે છે કે જોકે ટ્રમ્પ અને બાઇડન બંને અલગ વ્યક્તિત્વ છે. આથી કંઈક અલગ બાબત જોવા મળી શકે છે પણ મોટા મુદ્દાઓમાં કોઈ ખાસ પરિવર્તન નહીં આવે.
તેઓ કહે છે,"વેપાર, સુરક્ષા અને ચરમપંથ મામલે કોઈ ફરક નહીં પડે. આ વિશે સામાન્ય સમજૂતી બની ગઈ છે. કોઈ પણ નવા રાષ્ટ્રપતિ આમાં બદલાવ નહીં કરે."

ઇમેજ સ્રોત, Getty Images
હર્ષ પંત કહે છે કે મોટાભાગે ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મામલે વ્યક્તિગત ભૂમિકા ઘટી રહી છે અને સંસ્થાગત ભૂમિકાઓ વધી રહી છે એટલે બાઇડન પણ આ સંબંધોને આગળ વધારશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન નવી દિલ્હીના સ્ટ્રૅટજિક સ્ટડીઝ પ્રોગ્રામના ડાયરેક્ટર પ્રો. હર્ષ પંત કહે છે,"ચાર વર્ષ પહેલા કહેવાતું કે ટ્રમ્પનું વલણ ભારત માટે કેવું રહેશે, તેઓ શુ કરશે,પણ બાદમાં ટ્રમ્પે તેમની વિદેશનીતિ હેઠળ ભારતને વધુ મહત્ત્વ આપ્યું કેમ કે અમેરિકા ઇચ્છે છે કે ભારત એક મોટી ભૂમિકા અદા કરે. આવું ઓબામાના સમયે પણ થયું હતું."

ચીન મામલે બાઇડનનું વલણ ભારત માટે મુશ્કેલી?

ઇમેજ સ્રોત, Getty Images
બાઇડન રાષ્ટ્રપતિ બન્યા બાદ સૌથી મોટી ચિંતા ચીન મામલે તેમના વલણ વિશેની છે.
કેમ કે ટ્રમ્પના સમયમાં અમેરિકાનું વલણ ચીન મામલે કડક હતું અને તેથી ભારત માટે આ નીતિ અનુકૂળ હતી. ઉપરાંત લદાખ સરહદ પર ભારત અને ચીનના તણાવ વચ્ચે અમેરિકાએ સ્પષ્ટ રીતે ભારતનું સમર્થન કર્યું હતુ.
પણ બાઇડન આવવાથી એવી આશંકા છે કે તેઓ ચીન મામલે નરમ વલણ અપનાવી શકે છે.
જવાહરલાલ નહેરુ યુનિ.ના પ્રો. ચિંતામણી મહાપાત્રા કહે છે,"ભારત અને અમેરિકાના સંબંધોમાં ત્રણ મુદ્દા મહત્ત્વના છે.એક ચરમપંથ અને પાકિસ્તાન, બીજો ચીન અને ત્રીજો આર્થિક સંબંધ. ચીનની અસર બંને દેશોના સંબંધો પર રહેતી હોય છે અને જે રીતે ટ્રમ્પે ચીન મામલે કડક વલણ અપનાવ્યું હતું તેવું બાઇડન ન કરે અને નરમ વલણ રાખે એવું બની શકે છે."
તેઓ કહે છે,"એલએસી એટલે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ભારત-ચીનનો તણાવ છે એવામાં જો બાઇડન ચીન માટે નરમ વલણ દાખવશે તો કદાચ ભારતને એ પસંદ નહીં આવે. ચીન મામલે ટ્રમ્પ અને બાઇડનની ભાષા તથા મિજાજમાં અંતર જોવા મળે છે. જેની અસર ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો પર પડી શકે છે."
પ્રો. પંત કહે છે કે ચીન મામલે ટ્રમ્પનું વલણ ભારત માટે લાભદાયી રહ્યું છે. તેઓ કહે છે કે વેપાર ડીલ મુદ્દે અમેરિકા ચીન સામે કોઈ પગલાં જરૂર લેશે જેના પર ભારતની નજર રહેશે.

ડેમૉક્રેટિક પાર્ટીમાં આંતરિક કલહની ભારત પર અસર

ઇમેજ સ્રોત, Getty Images
પ્રો. પંત કહે છે,"ડેમૉક્રેટિક પાર્ટીમાં હાલ ઘણી ઉથલપાથલ ચાલી ચાલી રહી છે અને ડાબેરીઓ વધારે મુખર છે."
તેમનું કહેવું છે કે છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકાઓ ભારતના આંતરિક મુદ્દાઓમાં દખલ નથી કરી. પરંતુ સીએએ, કલમ 370 સહિતની બાબતોમાં ડેમૉક્રેટિક પાર્ટીના લિબરલ નેતાઓ અને ખાસ કરીને કમલા હેરિસ સહિત ભારતીય સમુદાયના લોકોએ ઘણો વાંધો પ્રગટ કર્યો હતો.
પંત કહે છે કે આ જ મુદ્દેની નારાજગીને કારણે વિદેશ મંત્રી એસ. જયશંકરે પ્રમિલા જયપાલને મળવા માટે ઇન્કાર કરી દીધો હતો.
તેઓ ઉમેરે છે,"આવી સ્થિતિમાં આ પ્રકારના સંજોગો ફરી સર્જાઈ શકે છે અને ભારત તેને કઈ રીતે સંભાળે છે તે મહત્ત્વનું છે. જોકે ભારતને આશા છે કે બાઇડન મધ્યમાં છે એટલે તેઓ ભારતના પક્ષમાં રહેશે."
જોકે પંત કહે છે કે જો પાર્ટીમાં લિબરલ્સનો દબદબો વધ્યો તો ભારત પર તેની અસર જોવા મળી શકે છે.

કાશ્મીર મામલે નિવેદન

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે જૂનમાં બાઇડને કાશ્મીરીઓના પક્ષમાં નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે તમામ કાશ્મીરીઓને તમામ પ્રકારના અધિકારો મળવા જોઈએ.
તેમણે એવું પણ કહ્યું હતું કે તેમને અધિકારો આપવા માટે ભારતે જેટલા પગલાં લેવા પડે તેટલા લેવા જોઈએ. તેમણે નાગરિકતા સંશોધન કાનૂન વિશે પણ નારાજગી વ્યક્ત કરી હતી તથા એનઆરસી (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન) વિશે પણ નિરાશા વ્યક્ત કરી હતી.
બાઇડનની કૅમ્પેન વેબસાઇટ પર એક પેપર છે તેમાં લખેલું છે કે ભારતમાં ધર્મનિરપેક્ષ અને બહુવંશિયતાની સાથે સાથે ધાર્મિક વૈવિધ્યવાળું લોકતંત્ર એક જૂની પંરપરા છે. એવામાં સરકારનો ઉપરોક્ત નિર્ણય તેનાથી વિપરિત છે.
વળી નવેમ્બર 2010માં ઓબામાં ભારતના પ્રવાસે હતા ત્યારે તેમણે કાશ્મીર વિવાદ વિશે કહ્યું હતું,"કાશ્મીર વિવાદમાં અમારી કોઈ ભૂમિકા નથી પણ જો બંને પક્ષો ઇચ્છે તો અમે મદદ કરી શકીએ છીએ."
પિનાક કહે છે કે ડેમૉક્રેટ્સ માનવઅધિકારની વાતો વધુ કરે છે પરંતુ બાઇડન કાશ્મીરને મુદ્દે અને કલમ 370 ખતમ કરવાના ભારતના નિર્ણયને બદલવા દબાણ નહીં કરી શકે.
મહાપાત્રા અનુસાર કાશ્મીર મામલે બાઇડનના કેટલાક નિવેદન ભારતને પસંદ નથી આવ્યા પણ આ પ્રકારની બાબતો માત્ર નિવેદનો સુધી જ સીમિત રહેશે અને તેની અસર બંને દેશોના વ્યુહાત્મક સંબંધો પર નહીં જોવા મળે.

વેપાર મામલે શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપક વેપાર સમજૂતી ન થઈ શકી. વ્યાપક ડીલને મિની ડીલથી સંતોષવાની કોશિશ થઈ પણ બંને દેશો રાજી ન થયા. કેમ કે અવરોધ ખતમ નહોતો થયો.
જોકે બાઇડનને દાયકા સુધી સૅનેટર અને આઠ વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિપદ પર રહ્યા છે તે વેળા તેમને ભારતના મિત્ર તરીકે જ જોવામાં આવ્યા છે. તેઓ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપારને વધારવાના હિમાયતી રહ્યા છે.
તેઓ બંને વચ્ચેના વેપારના 500 અરબ ડૉલર્સ સુધી લઈ જવાની વાત કરે છે. પણ શું તેઓ ભારત સાથે વેપાર સમજૂતી કરવામાં સફળ રહેશે?
પિનાક કહે છે કે ભલે ડીલ નથી પણ તેનો પાયો નંખાઈ ગયો છે. તેઓ કહે છે કે ભલે તેમાં અવરોધો હતા પણ હવે તેમાં મોટો બદલાવ મુશ્કેલ છે.
મહાપાત્રા કહે છે કે વેપાર મામલે ભારતને રિપબ્લિકન્સ અને ડેમૉક્રેટ્સ બંને સાથે મતભેદો રહ્યા છે અને ટ્રમ્પે તેમાં ઘણું કડક વલણ રાખી જકાત પણ વધારી દીધી હતી.
ફેબ્રુઆરીમાં ટ્રમ્પ ભારતમાં હતા ત્યારે ટ્રૅડ ડીલ થવાની આશા હતી પણ તે ન થઈ.
મહાપાત્રા કહે છે,"આ મહામારીના સમયમાં બંને દેશોના હિતમાં એ છે કે તેઓ જલદી વેપારના મુદ્દાઓનું નિરાકરણ લાવે."
તેઓ કહે છે કે વેપારનો મુદ્દો ટ્રમ્પ સમયે જ ઉકેલાઈ જવાની આશા હતી પણ હવે જોવું રહ્યું કે બાઇડન આ વિશે કઈ રીતે આગળ વધે છે..

સુરક્ષાપરિષદમાં ભારતની દાવેદારી

ઇમેજ સ્રોત, REUTERS/CARLOS BARRIA
ભારત વારંવાર સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષાપરિષદમાં કાયમી સભ્યપદ માટે માગ કરતું રહે છે અને અમેરિકા પણ તેનું સમર્થન કરતું રહ્યું છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ મોટું પગલું નથી લેવાયું.
8 નવેમ્બર-2010ના રોજ ભારતીય સંસદમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું હતું કે અમેરિકા ઇચ્છે છે કે,"ભારત સંયુક્ત રાષ્ટ્રમાં મોટી ભૂમિકા નિભાવે અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષાપરિષદનું સભ્ય બને."
તેમણે એવું પણ કહ્યું હતું કે,"ભારતે વિશ્વ સ્તરના નેતાઓની જવાબદારી નિભાવવી પડશે."
બાઇડન આવવાથી આ મુદ્દે મોટો બદલાવ આવવાની આશંકા ઓછી છે. મહાપાત્રા કહે છે કે બંને દેશો વચ્ચે સંબંધો મુદ્દે આ મોટી બાબત નથી.

ભારતીયોને નોકરી અને એચ-વન વિઝા

ઇમેજ સ્રોત, Getty Images
વિઝા ખાસ કરીને એચવન-બી વિઝા અને ઇમિગ્રેશન વિશે ટ્રમ્પની નીતિ ખૂબ જ કડક રહી છે. અમેરિકાના લોકોને રોજગારમાં પ્રાધાન્ય આપવા ટ્રમ્પે અન્ય દેશમાંથી અમેરિકા કામ કરવા આવતા લોકોની સંખ્યા ઓછી કરવાની કોશિશ કરી.
આ જ વર્ષે જૂનમાં ટ્રમ્પે એચવન-બી અને એચ4 વિઝા જેવી અસ્થાયી વર્ક પરમિટને સસ્પેન્ડ કરી દીધી હતી. તેનાથી સંખ્યાબંધ લોકોને અમેરિકામાં નોકરી મેળવવા અને વર્ક-સ્ટડી કાર્યક્રમમાં જોડાવાથી રોકી દેવામાં આવ્યા.
પણ માનવમાં આવે છે કે બાઇડનનું વલણ આ વિશે નરમ હશે અને તેઓ વિઝાની સંખ્યામાં પણ વધારો કરશે.
પિનાક કહે છે,"ભારત અને અમેરિકા વચ્ચે ઇમિગ્રેશન વિશે વિવાદ રહ્યો છે પણ તેનો સંબંધો પર પ્રભાવ નહીં પડે."
ભારત અને અમેરિકા વચ્ચે મોટો મુદ્દો રોજગારીનો રહ્યો છે. 2010માં ઓબામાં ભારતના પ્રવાસે હતા ત્યારે મનમોહન સિંહે કહ્યું હતું કે ભારત અમેરિકાના લોકોની નોકરીઓ નથી છીનવી રહ્યું. ભારત સાથે સમજૂતીથી અમેરિકાની કાર્યક્ષમતા વધશે.

પાકિસ્તાન અને ચરમપંથ પર કેવું વલણ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images
છેલ્લા 14 વર્ષોથી કોઈ પણ રાષ્ટ્રપ્રમુખ પાકિસ્તાનના પ્રવાસે નથી ગયા. છેલ્લા જ્યૉર્જ ડબ્લ્યૂ બુશ ગયા હતા.
ઓબામા અને પછી બંને ભારત આવ્યા પણ તેઓ પાકિસ્તાન એક પણ વખત ન ગયા.
ચરમપંથ અને અફઘાનિસ્તાનના મુદ્દે પાકિસ્તાનની નીતિના કારણે અમરિકા અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક વર્ષોથી કડવાશ છે.
અમેરિકાએ ખાસ ઑપરેશન હેઠળ ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમાં મોતને ઘાટ ઉતર્યો તેના પછી બંને દેશો વચ્ચે અવિશ્વાસ વધી ગયો છે.
વળી ટ્રમ્પે પાકિસ્તાનને મળતા અરબો ડૉલર્સની સહાય પણ રોકી દીધી હતી.
વર્ષ 2016માં ઓબામાં બીજા કાર્યકાળની સમાપ્તિ પર હતા ત્યારે વ્હાઇટ હાઉસ તરફથી તેમના પાકિસ્તાન પ્રવાસ વિશે નિવેદન જાહેર કરાયું હતું.
તેમાં કહ્યું હતું કે પાકિસ્તાન સાથેના જટિલ સંબંધો હોવાથી પાકિસ્તાન પ્રવાસ નહોતો થઈ શક્યો.

ઇમેજ સ્રોત, ANI/REUTERS
શું પાકિસ્તાન મામલે બાઇડનની નીતિમાં ફેરફાર જોવા મળશે? પાક. વિશે તેમના વલણ પર ભારતની નજર રહેશે કેમ કે ભારત-પાક.ના સંબંધો વર્ષોથી તણાવભર્યા છે અને નજીકના ભવિષ્યમાં તેમાં કોઈ સુધાર કે નરમાશ આવે એંવું લાગતું નથી.
વળી પાકિસ્તાનને લાગે છે કે બાઇડનની જીત તેમના માટે લાભદાયી છે.
પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસે લખ્યું હતું કે બાઇડનના વિજયથી ભારત પ્રશાસિત કાશ્મીર પર સકારાત્મક પ્રભાવની સંભાવના છે.
અખબાર અનુસાર 2008માં જ્યારે આસિફ અલી ઝરદારી પાકિસ્તાનના રાષ્ટ્રપતિ હતા ત્યારે બાઇડનને પાકિસ્તાનના બીજા સૌથી મોટા નાગરિક સમ્માન હિલાલ-એ-પાકિસ્તાનથી નવાજવામાં આવ્યા હતા. બાઇડનને આ સન્માન પાકિસ્તાનને દોઢ અરબ ડૉલર્સની મદદ અપાવવામાં મોટી ભૂમિકા બદલ મળ્યું હતું.

ઇમેજ સ્રોત, Reuters
મહાપાત્રા કહે છે,"એક ઍવૉર્ડ આપવાથી કોઈ નેતા નિર્ણાયક મુદ્દાઓ પર તેમનો નિર્ણય નથી બદલતા. બીજું કે બાઇડન ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે જ લાદનેને પાકિસ્તાનમાં મોતને ઘાટ ઉતારી દેવાયો હતો."
તેઓ કહે છે કે આ બાબતને જોતા લાગે છે કે બાઇડન કોઈ નરમ વલણ અપનાવે એ મુશ્કેલ જણાય છે.
બાઇડન એ નેતાઓમાં સામેલ રહ્યા છે જેઓ પાકિસ્તાનને આર્થિક મદદ કરવાના સમર્થનમાં હોય.
પિનાક રંજન કહે છે,"પાકિસ્તાનને લાગે છે કે બાઇડન પાકિસ્તાન અંગેની નીતિમાં ફેરફાર કરશે. પણ મને લાગે છે નીતિ છે એવી જ રહેશે."
તેઓ વધુમાં કહે છે કે બાઇડન પણ અફઘાનિસ્તાનમાંથી નીકળવા માગે છે પરંતુ તે થોડી હાજરી પણ રાખવા માગે છે અને તેથી પાકિસ્તાનની જરૂર પડી શકે છે. આ સ્થિતિમાં પાકિસ્તાનની ભૂમિકા રહેલી છે.
તેઓ કહે છે,"પરંતુ ચરમપંથ પર બાઇડને ભારતના વલણનું સમર્થન કર્યું છે."

મોદી-ટ્રમ્પની નિકટતા અને નવા રાષ્ટ્રપતિ

ઇમેજ સ્રોત, Getty Images
આ વર્ષે ફેબ્રુઆરીમાં ગુજરાતના અમદાવાદમાં ટ્રમ્પનું સ્વાગત કરાયું હતું. તેમાં વડા પ્રધાન મોદી પણ હાજર હતા. તેને 'નમસ્તે ટ્રમ્પ' નામ અપાયું હતું.
સપ્ટેમ્બર-2019માં ટૅક્સાસના હ્યુસ્ટનમાં 'હાઉડી મોદી' કાર્યક્રમ થયો હતો.
બંને નેતા એકબીજાને પોતાના સારા મિત્ર ગણે છે. એવામાં સવાલ એ છે કે ટ્રમ્પ સાથે મોદીની મિત્રતાની બાઇડનના ભારત સાથેના ભાવિ સંબંધો પર અસર પડશે કે નહીં?
પિનાક કહે છે,"અમેરિકામાં કોઈ પણ નવા રાષ્ટ્રપતિ બને છે તો સૌ તેમની સાથે સારા સંબંધો જ રાખવા ઇચ્છે છે. બંને દેશોના સંબંધો સારી રીતે આગળ વધશે. મોદી અને ટ્રમ્પની મિત્રતાની બાબતની આના પર અસર નહીં થશે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













