CAA કોઈ ધાર્મિક સમુદાયના વિરોધમાં નથી : મોહન ભાગવત - BBC TOP NEWS

મોહન ભાગવત

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે રવિવારે દશેરાએ સંઘના નાગપુરસ્થિત વડામથક ખાતે ભાષણ આપતાં કાશ્મીરમાંથી 370 હઠાવવાના નિર્ણય અને નાગરિકતા કાનૂન (CAA) અંગે વાત કરી છે.

હિંદુસ્તાન ટાઇમ્સની વેબસાઇટ પર પ્રકાશિત અહેવાલ અનુસાર તેમણે કહ્યું:

"2019માં આર્ટિકલ 370, 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટે અયોધ્યાનો ચુકાદો આપ્યો. આખા દેશે ચુકાદાને માન્ય રાખ્યો."

"5 ઑગસ્ટ 2020ના દિવસે રામમંદિર માટે ભૂમિપૂજન થયું. આ દરમિયાન દેશમાં ધીરજ અને સંવેદનાનું વાતવરણ જોવા મળ્યું."

તેમણે કહ્યું, "CAAનો ઉપયોગ કરીને વિરોધના નામે તકવાદીઓ દ્વારા હિંસા આચરવામાં આવી."

તેમણે કહ્યું, "CAA કોઈ ધાર્મિક સમુદાયના વિરોધમાં નથી. પણ વિરોધીઓએ મુસ્લિમ ભાઈઓને ગેરમાર્ગે દોર્યા કે આ કાયગો મુસ્લિમોને વસતીને સીમિત કરવા માટે હતો."

તેમણે વધુમાં કહ્યું કે નાગરિકતા કાનૂન અંગે વધારે ચર્ચા થાય એ પહેલાં ધ્યાન કોરોના સંક્રમણ તરફ દોરાઈ ગયું.

line

મોદી સરકાર કોરોનાની રસી કઈ રીતે વહેંચશે?

રસીની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

ભારતમાં કોરોના વાઇરસના ઍક્ટિવ કેસની સંખ્યા 6 લાખ 80 હજાર છે. બીજી તરફ કોરોનાની રસી લૉન્ચ બાદ કઈ રીતે લોકો સુધી પહોંચાડવી તેનું આયોજન સરકાર કરી રહી હોવાના સમાચાર છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા' અને 'એનડીટીવી'ના અહેવાલ અનુસાર કોવિડ-19ના રસીકરણ કાર્યક્રમને કઈ રીતે લાગુ કરવો, તે માટેની પદ્ધતિ નક્કી કરવા માટે કેન્દ્ર સરકારે પ્રક્રિયા હાથ ધરી છે.

આ યોજનામાં કરોડો રૂપિયાનો ખર્ચ, લાખો આરોગ્યકર્મી અને સ્વંયસેવકો તથા રાજ્યોની સરકારોના કર્મચારીઓ અને અન્ય સંસાધનોની જરૂર પડશે. જેથી નવજાત બાળકો અને 130 કરોડ લોકોનું રસીકરણ થઈ શકે.

રિપોર્ટમાં કહેવાયું છે કે સરકાર ખુદ રસીના ડૉઝ ખરીદી તેને લોકો માટે ઉપલબ્ધ કરાવશે. રાજ્ય સરકારો તેને અલગથી નહીં ખરીદે. પહેલાં પ્રાયૉરિટી ગ્રૂપની વ્યક્તિઓને રસી આપવામાં આવશે.

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસની રસી ભારતમાં ક્યારે આવશે?

રસીકરણનો કાર્યક્રમ 'યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ' હેઠળ ચલાવવામાં આવશે. વૅક્સિનના સ્ટોક અને સંચાલન માટે ઇલેકટ્રોનિક વૅક્સિન ઇન્ટલિજન્સ નેટવર્કે(ઇવીન)નું માળખું છે.

જેમાં નેશનલ ઍક્સપર્ટ કમિટી ઓન વૅક્સિન ઍડમિનિસ્ટ્રેશન ફૉર કોવિડ-19એ રસીની જરૂરિયાત અને કૉલ્ડ સ્ટોરેજ ચેઇનનું મેપિંગ કરવાની કામગારી પણ હાથ ધરી છે.

વળી અહેવાલમાં એવું પણ કહેવાયું છે કે સરકારે 30 કરોડ લોકોના ગ્રૂપને પ્રાયૉરિટી ગ્રૂપ તરીકે પસંદ કરવાની કામગીરી પણ ચાલુ કરી દીધી છે.

જોકે આ સમાચાર મીડિયા અહેવાલોમાં જોવા મળ્યા છે. પરંતુ સરકાર તરફથી તેની સંપૂર્ણ પુષ્ટિ નથી થઈ.

દરમિયાન ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીની ત્રીજી ટ્રાયલ ટૂંક સમયમાં મુંબઈમાં શરૂ થશે, એવા સમાચાર પણ નોંધાયા છે.

line

મેં ટ્રમ્પને વોટ આપ્યો : ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં શરૂઆત તબક્કામાં બેલટ દ્વારા મતદાન કર્યું છે.

'હિંદુસ્તાન ટાઇમ્સ'ના અહેવાલ મુજબ તેમણે મતદાન કર્યા બાદ કહ્યું, "મેં ટ્રમ્પ નામની વ્યક્તિને મત આપ્યો છે."

ટ્ર્મ્પે જાતે જઈને મતદાનમથકે મતદાન કર્યું. ફ્લોરિડામાં એક લાઇબ્રેરીમાં શરૂ કરાયેલા મતદાનમથકે જઈને તેમણે મતદાન કર્યું.

તેમણે કહ્યું, "આ ખૂબ જ સુરક્ષિત મતદાન હતું. બધું જ એક દમ પર્ફૅક્ટ હતું."

અત્રે નોંધવું કે મેલ-ઇન એટલે કે ઇલેટ્રૉનિક માધ્યમથી મતદાનમાં ફ્રોડ થઈ શકે છે, એવો ડોનાલ્ડ ટ્રમ્પનો અભિપ્રાય રહ્યો છે.

line

કૉંગ્રેસે વિજય રૂપાણીના અવાજવાળી કૉલરટ્યૂન પર વાંધો ઉઠાવ્યો

વિજય રૂપાણી

ઇમેજ સ્રોત, CMO GUJARAT TWITTER

ઇમેજ કૅપ્શન, વિજય રૂપાણી

કૉંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે કોવિડ-19 મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અવાજવાળી કૉલરટ્યુન આચાર સંહિતાનો ભંગ છે. રાજ્યમાં પેટાચૂંટણી હોઈ આ કૉલરટ્યુન આચાર સંહિતાનો ભંગ છે.

'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના રિપોર્ટ અનુસાર રાજ્યના કૉંગ્રેસ નેતા નિશિત વ્યાસે વિજય રૂપાણી સામે કાર્યવાહીની માગણી કરતો પત્ર રાજ્યના ચૂંટણી પંચને લખ્યો છે.

જોકે બીજી તરફ વિજય રૂપાણીએ આ આરોપો ફગાવી દીધા હતા અને કહ્યું કે તહેવારોના સમયે લોકોને કોરોના માટે વધુ જાગૃત કરવા માટેનો આ તેમની સરકારનો એક પ્રયાસ છે.

line

ગુજરાતમાં સ્કૂલો ફરી ખોલવા માટેના નિયમો બનાવવાની પ્રક્રિયાનો ડ્રાફ્ટ બનાવાયો

બાળકી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સરકારે રાજ્યમાં કોવિડ-19 મહામારીને પગલે બંધ સ્કૂલોને ફરીથી ખોલવા માટેની માર્ગદર્શિકા (સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસિજર)નો ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના એક રિપોર્ટ અનુસાર રાજ્ય સરકારે ભારત સરકાર દ્વારા જે એસઓપીની ભલામણ થઈ છે તેના આધારે આ ડ્રાફ્ટ તૈયાર કર્યો છે.

રિપોર્ટ મુજબ સ્કૂલોમાં બાળકો ઓછામાં ઓછો સમય રહે અને મોટાભાગનો સમય ઘરેથી જ ભણે તથા મેદાનમાં સ્પૉર્ટ્સ અથવા સાંસ્કૃતિક કાર્યક્રમો નહીં યોજવા સહિતની બાબતોનો તેમાં સમાવેશ કરાયો છે.

line

મોરેટોરિયમ સમય માટે 2 કરોડ સુધીની લૉન પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ સરકાર ચૂકવશે

પ્રતીકાત્મક તસવીર
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

લૉકડાઉન સમયના લૉન મોરેટોરિયમ સમયગાળા દરમિયાનનું લૉન પરનું ચક્રવૃદ્ધિ વ્યાજ સરકાર ચૂકવશે, એવો નિર્ણય કરાયો છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર નરેન્દ્ર મોદી પ્રધાનમંડળે આ નિર્ણયને મંજૂરી આપી છે અને કહેવાય છે કે આરબીઆઈને પણ આ વિશે માહિતી આપી દેવાઈ છે.

એમએસએમઈ લૉન, ઍજ્યુકેશન, હોમ, હાઉસિંગ, ક્રેડિટ કાર્ડ સહિતના ધિરાણનો આમાં સમાવેશ થાય છે.

વળી 2જી નવેમ્બરે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે સુનાવણી પણ છે એવામાં સરકારે આ જાહેરાત કરી છે. આનાથી સરકારને 6500 કરોડ રૂપિયાનો બોજો પડી શકે છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો