હાથરસ કેસ : CBIએ દાખલ કરી FIR, તપાસ માટે ટીમનું ગઠન - TOP NEWS

'આજતક ડોટ ઇન'ના એક અહેવાલ અનુસાર હાથરસમાં દલિત યુવતી સાથે કથિત ગૅંગરેપ બાદ હત્યા મામલે CBI દ્વારા કેસ દાખલ કરાયો છે. સાથે જ CBIએ આ મામલે તપાસ પણ શરૂ કરી દીધી છે. CBIએ ઉત્તર પ્રદેશ સરકારની દરખાસ્તને ધ્યાને રાખી આ મામલો પોતાના હાથમાં લીધો છે.
નોંધનીય છે કે CBI આ કેસની તપાસ માટે એક ટીમ પણ નીમી છે.અહેવાલ અનુસાર CBIએ આ મામલે એક આરોપી વિરુદ્ધ કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી દીધી છે. નોંધનીય છે કે આ પહેલાં પીડિતાના ભાઈએ હાથરસના ચંદપા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરાવ્યો હતો. ફરિયાદીએ આરોપ મૂક્યો હતો કે 14 સપ્ટેમ્બર 2020ના રોજ આરોપી દ્વારા તેમનાં બહેનને બાજરીના ખેતરમાં ગળું દાબીને મારવાનો પ્રયાસ કરાયો હતો. નોંધનીય છે કે આ ઘટનાને 27 દિવસ વીતી ચૂક્યા છે. પહેલાં સ્થાનિક પોલીસ ત્યાર બાદ SIT અને હવે CBIએ આ કેસની તપાસ શરૂ કરી દીધી છે.ઑલ ઇન્ડિયા રેડિયો ન્યૂઝ દ્વારા પણ ટ્વીટરના માધ્યમથી હાથરસ મામલો CBIએ પોતાના હાથમાં લીધો હોવાના સમાચાર કન્ફર્મ કર્યા હતા.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ

સુપ્રીમ કોર્ટના જસ્ટિસ પર આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. મોહન રેડ્ડીએ આરોપ લગાવ્યા?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ અનુસાર આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રી વાય. એસ. મોહન રેડ્ડીએ ભારતના મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડેને સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એન. વી. રમન્ના પર આરોપ મૂકતો પત્ર લખ્યો છે.
પત્રમાં તેમની પર આરોપ મુકાયો છે કે તેઓ આંધ્ર પ્રદેશ હાઈકોર્ટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. નોંધનીય છે કે જસ્ટિસ રમન્ના ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ નીમાવાના છે.
આ પત્રમાં એન. વી. રમન્ના પર આંધ્ર પ્રદેશ હાઈકોર્ટના કામકાજમાં દખલગીરી કરાઈ રહી હોવાનો આરોપ મુકાયો છે.
રેડ્ડીએ પોતાના પત્રમાં લખ્યું છે કે, "જસ્ટિસ રમન્ના હાઈકોર્ટની બેઠકોને પ્રભાવિત કરે છે. જેમાં કેટલાક માનનીય જજોના રોસ્ટર પણ સામેલ છે."
આઠ પાનાંના આ પત્રમાં જસ્ટિસ રમન્નાના ટી. ડી. પી. નેતા અને પૂર્વ મુખ્ય મંત્રી એન. ચંદ્રબાબુ નાયડૂ સાથે કથિત 'નિકટના સંબંધો' વિશે જણાવાયું છે.

જસ્ટિસ રમન્નાની દીકરીઓ સાથે જોડાયેલ મામલા

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
તેમાં ઍન્ટિ-કરપ્શન બ્યૂરોની 'જમીનના વિવાદિત સોદા' તપાસના એક મામલાનો પણ ઉલ્લેખ છે. અમરાવતીમાં જમીનની આ ડીલમાં જસ્ટિસ રમન્નાની બે દીકરીઓ અને અન્ય લોકો સામેલ છે. આ જમીનોની ખરીદી બાદ જ તે જગ્યાને રાજ્યનું નવું પાટનગર બનાવવાની જાહેરાત કરાઈ હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
છ ઑક્ટોબરની તારીખવાળા આ પત્રને હૈદરાબાદમાં મીડિયા માટે શનિવારે જારી કરાયો હતો. તે આંધ્ર પ્રદેશના મુખ્ય મંત્રીના પ્રિન્સિપાલ ઍડવાઇઝર અજેય કલ્લમે જારી કર્યો હતો.
ગયા મહિને જસ્ટિસ રમન્નાએ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ આર. ભાનુમતીના પુસ્તકના વિમોચન વખતે કહ્યું હતું કે, "જજ પોતાના બચાવમાં કંઈ બોલવાનું ટાળતા હોવાને કારણે તેમને ટીકાના સરળ શિકાર માનવામાં આવી રહ્યા છે."
પોતાના પત્રમાં જગન મોહન રેડ્ડીએ એવા પ્રસંગોનો ઉલ્લેખ કર્યો છે જેમાં તેલુગુ દેશમ પાર્ટી માટે મહત્ત્વપૂર્ણ મનાતા મામલાઓ 'કેટલા માનનીય ન્યાયાધીશો'ને જ ફાળવાતા હોય છે.
પત્રમાં એવું પણ કહેવાયું છે કે મે, 2019માં જ્યારે YSR કૉંગ્રેસ પાર્ટી સત્તામાં આવી છે અને એન ચંદ્રબાબુ નાયડુના સમયમાં કરાયેલી ડીલોની તપાસના આદેશ અપાયા છે, ત્યારથી જ જસ્ટિસ એન. વી. રમન્નાએ રાજ્યમાં ન્યાયના પ્રશાસનની વ્યવસ્થાને પ્રભાવિત કરવાનું શરૂ કરી દીધું છે.

મામલાની રિપોર્ટિંગ પર પ્રતિબંધ
રેડ્ડીએ આરોપ મૂક્યો છે કે રાજ્યના પૂર્વ ઍડવોકેટ જનરલ દમ્મલપતિ શ્રીનિવાસ દ્વારા કરાયેલી જમીન ડીલોની તપાસપર હાઈકોર્ટે સ્ટે આપી દીધો હતો. જોકે, આ મામલે શ્રીનિવાસ વિરુદ્ધ ઍન્ટિ-કરપ્શન બ્યૂરોએ એક FIR દાખલ કરી હતી.
15 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે અમરાવતીના પૂર્વ ઍડવોકેટ જનરલ દ્વારા ખરીદેલ જમીનોને લઈને દાખલ કરાયેલ FIRની વિગતોને મીડિયામાં પ્રકાશિત કરવા મામલે પ્રતિબંધ લાદી દેવાયો હતો.
ચીફ જસ્ટિસ જે. કે. માહેશ્વરીએ પોતાના આદેશમાં કહ્યું હતું કે, "વચગાળાની રાહત દ્વારા કોઈ પણ આરોપી વિરુદ્ધ અરજી દાખલ કરી દાખલ કરાયેલ FIR પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવા પર પ્રતિબંધ લાદવાનો નિર્દેશ અપાય છે. તપાસ પર પણ સ્ટે આપવામાં આવે છે. સાથે જ એ પણ આદેશ આપવામાં આવે છે કે FIR માલે કોઈ પણ સમાચાર કોઈ ઇલેકટ્રૉનિક, પ્રિન્ટ કે સોશિયલ મીડિયા દ્વારા સાર્વજનિક નહીં કરી શકાય."
જગન મોહન રેડ્ડીએ પોતાના પત્રમાં હાઈકોર્ટના આ આદેશનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, "જોકે, સુપ્રીમ કોર્ટ આ મામલે પહેલાંથી દૃઢ રહી છે કે મીડિયામાં સમાચાર છાપવાથી રોકવાનો આદેશ પહેલાંથી ન આપવામાં આવે, તેમ છતાં મીડિયાને રોકવાનો આ આદેશ આપી દેવામાં આવ્યો."
રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશને વિનંતી કરી છે કે તેઓ આ મામલે 'યોગ્ય પગલાં લેવાની વાત પર વિચાર કરે જેથી રાજ્યની ન્યાય વ્યવસ્થાની તટસ્થતા જાળવી રાખી શકાય.'

ગુજરાતમાં કોરોના દોઢ લાખને પાર

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર ગુજરાત સમગ્ર દેશમાં કોરોનાના દોઢ લાખ કેસોની સંખ્યા વટાવનાર 14મું રાજ્ય બની ગયું છે.
નોંધનીય છે કે શનિવારે પાછલા 24 કલાકમાં રાજ્યમાં 43 દિવસમાં સૌથી ઓછા 1221 કેસો નોંધાયા હતા.
નવા કેસો પૈકી 252 કેસો સુરત, 176 કેસો અમદાવાદ, 119 કેસો વડોદરા, 114 કેસો રાજકોટ અને 96 કેસો જામનગરમાં નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા 50 હજાર થવામાં 124 દિવસનો સમય લાગ્યો હતો જ્યારે ત્યાર બાદના 50 હજાર કેસો નોંધાવામાં 44 દિવસ અને કેસોની સંખ્યા એક લાખથી દોઢ લાખ સુધી પહોંચવામાં 37 દિવસ લાગ્યા હતા.
આમ, કુલ 205 દિવસમાં રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા દોઢ લાખ થઈ જવા પામી છે.

LAC પર ચીનના 60 હજાર સૈનિકો તહેનાત, વાર્તા કામ નહીં લાગે : અમેરિકા

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના નૅશનલ સિક્યૉરિટી એડવાઇઝર રોબર્ટ ઑ’બ્રાઇને ચીનના આક્રમક વલણને નિયંત્રિત કરવાનું જરૂરી હોવાની વાત પર ભાર મૂક્યો હતો.
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર તેમણે કહ્યું હતું કે, “એ સ્વીકારવાનો સમય પાકી ગયો છે કે ચીનને પોતાની રણનીતિ બદલવા માટે મજબૂર કરવા માટે વાર્તા કે કરારો કામ નહીં લાગે.”
તેમણે કહ્યું કે, “અમે ઘણા સમયથી આ રણનીતિ ચાલુ રાખી હતી.”
અમેરિકા તરફથી આ નિવેદન ભારત અને ચીનના લશ્કરી કમાંડરોની લદ્દાખમાં 12 ઑક્ટોબરે થનારી મિટિંગ પહેલાં આવ્યું છે.
નોંધનીય છે કે અમેરિકા નવી દિલ્હી ખાતે 26-27 ઑક્ટોબરના રોજ વિદેશમંત્રી અને સંરક્ષણમંત્રીઓ સાથે બેઠક યોજવાનું છે.
આ પહેલાં લદ્દાખમાં લાઇન ઑફ ઍક્ય્યુઅલ કંટ્રોલ (LAC) પર મોટા પ્રમાણમાં ચીની સૈનિકોની હાજરી અંગેની વાત કરવાને એક મહત્ત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
અખબારના અહેવાલ પ્રમાણે અમેરિકાના સેક્રેટરી ઑફ સ્ટેટ માઇક પોમ્પિયોએ ભારતની ઉત્તરી સીમા પર 60 હજાર ચીની સૈનિકોની હાજરીની વાત કરી હતી.

હાથરસ કેસની તપાસ CBIને સોંપાઈ

ઇમેજ સ્રોત, GOPAL SHOONYA/BBC
એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર હાથરસમાં કથિત ગૅંગરેપ અને હત્યાના મામલાની તપાસ પોલીસ પાસેથી લઈને CBIને સોંપી દેવાઈ છે.
જોકે, અત્યાર સુધી CBI આ કેસ નોંધ્યો નથી.
નોંધનીય છે કે હાથરસ કેસને લઈને કેન્દ્ર સરકાર CBI તપાસ માટે અધિસૂચના જારી કરી દીધી છે.
હવે CBI હાથરસ પોલીસ પાસેથી અત્યાર સુધી થયેલી તપાસ અને FIRની કૉપી માગશે.
ત્યાર બાદ CBI આ મામલાને રજિસ્ટર કરી પોતાની તપાસ શરૂ કરશે.
મામલાની તપાસ CBIની વિશેષ અપરાધ શાખાને સોંપાય તેવી સંભાવના છે. તેમજ સંભવ છે કે CBIનો ગાઝિયાબાદ યુનિટ આ મામલાની તપાસ કરશે.

ગુજરાત ‘ડ્રગ હબ’ બની ગયું છે : શંકરસિંહ વાઘેલા

ઇમેજ સ્રોત, Getty Images
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રીના શંકરસિંહ વાઘેલાએ શનિવારે જણાવ્યું કે રાજ્યની દારૂબંધીની નીતિને કારણે ગુજરાત ‘ડ્રગ હબ’ બની ગયું છે.
વડોદરામાં નાગરિકોના એક જૂથ સાથેની દારૂબંધી હઠાવવા મામલે વાતચીત દરમિયાન વાઘેલાએ કહ્યું હતું કે રાજ્યમાં દારૂબંધીને કારણે ગુજરાતના યુવાનો અન્ય નશીલા પદાર્થો તરફ વળી રહ્યા છે.
તેમણે આગળ કહ્યું કે, “જો સરકાર ખરેખર પોતાના યુવાનોને ડ્રગની બદીથી દૂર રાખવા માગતી હોય તો આ અમાનવીય નીતિ દૂર કરવી જોઈએ.”
દારૂબંધીની નીતિ આજના ગુજરાતમાં અપ્રાસંગિક હોવાની વાત કરતાં તેમણે કહ્યું કે, “બાપુએ અને સરાદારે જે સંદર્ભમાં દારૂબંધીની વાત કરી હતી તે આજના સમય પ્રમાણે વિજ્ઞાન સમર્થિત ન પણ હોઈ શકે.”

તાઇવાનના ‘રાષ્ટ્રીય દિવસ’ની ઉજવણી અંગે ચીનની ભારતને ચેતવણી

ઇમેજ સ્રોત, Twitter
તાઇવાનના ‘રાષ્ટ્રીય દિવસ’ની ઉજવણી પ્રસંગે નવી દિલ્હીમાં ચીનના દૂતાવાસ બહાર લગાવાયેલાં પોસ્ટરો પર ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે આપત્તિ વ્યક્ત કરતો એક લેખ લખ્યો છે.
લેખ પ્રમાણે ચીની વિશેષજ્ઞોએ ચેતવણી ઉચ્ચારી છે કે આ પ્રકારની ઘટનાઓને કારણે પહેલાંથી તણાવપૂર્ણ ભારત-ચીનના સંબંધો વધુ ખરાબ થશે.
વિશેષજ્ઞોએ ભારતના સત્તાધારી પક્ષને આગ્રહ કર્યો છે કે તેઓ પોતાના આવા વ્યવહારને ત્યાગી દે અને એ વાતને મહેસૂસ કરે તેઓ અગ્નિ સાથે રમી રહ્યા છે.
અહીં નોંધનીય છે કે 10 ઑક્ટોબરના રોજ તાઇવાન પોતાનો રાષ્ટ્રીય દિવસ મનાવે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












