હાથરસઃ ઉત્તરપ્રદેશમાં મોટી ઘટનાઓની પાછળ ‘આંતરરાષ્ટ્રીય ષડયંત્ર’ કેવી રીતે આવી જાય છે?

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
- લેેખક, સમીરાત્મજ મિશ્ર
- પદ, બીબીસી ગુજરાતી માટે
ઉત્તર પ્રદેશના હાથરસમાં દલિત યુવતી પર કથિત બળાત્કાર અને ત્યાર પછી હત્યાના મામલે પીડિત યુવતીના પરિવારજનો ન્યાયીક તપાસની માગણી કરી રહ્યા છે, ત્યારે પોલીસ હવે આ ‘ઘટનાને ચગાવવા’ પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હોવાની વાત કરી રહી છે.
ઉત્તરપ્રદેશ પોલીસનો આરોપ છે કે રાજ્યમાં જાતિવાદી અને સાંપ્રદાયિક રમખાણો કરાવવા અને મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને બદનામ કરવા માટે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવ્યું હતું.
હાથરસના ચંદપા થાણામાં આ અંગે ત્રણ દિવસ અગાઉ એક નવી એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, જેમાં કેટલાક અજ્ઞાત લોકો સામે રાજદ્રોહ જેવી કલમો દાખલ કરવામાં આવી છે.
બુધવારે આ મામલે પોલીસે મથુરામાંથી ચાર વ્યક્તિની ધરપકડ પણ કરી હતી, જેમાં મલયાલમ ભાષાના એક પત્રકાર પણ સામેલ છે.
આ મામલે મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે પણ કહ્યું હતું કે, “અમારા વિરોધીઓ આંતરરાષ્ટ્રીય ભંડોળ દ્વારા જાતિવાદી અને સાંપ્રદાયિક રમખાણોનો પાયો નાખીને અમારા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યા છે.”

100 કરોડ રૂપિયાના ફંડિંગનો આરોપ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
હાથરસ મામલે કથિત આંતરરાષ્ટ્રીય ષડયંત્ર અંગે ઉત્તરપ્રદેશ પોલીસે રાજ્યભરમાં ઓછામાં ઓછી 19 એફઆઈઆર દાખલ કરી છે અને મુખ્ય એફઆઈઆરમાં લગભગ 400 લોકો સામે રાજદ્રોહ, ષડયંત્ર, રાજ્યમાં શાંતિનો ભંગ કરવાનો પ્રયાસ અને ધાર્મિક નફરત ફેલાવવા જેવા આરોપો મૂક્યા છે.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને ટાંકીને મીડિયામાં એવા સમાચાર વહેતા થયા છે કે હાથરસની આ ઘટનાને જાતિવાદી અને સાંપ્રદાયિક તોફાનોનું રૂપ આપવા માટે મોરેશિયસ મારફત લગભગ 100 કરોડ રૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું છે.
જોકે, આ વાતના કોઈ મજબૂત પુરાવા નથી મળ્યા તથા સત્તાવાર રીતે પુષ્ટિ પણ આપવામાં આવી નથી. પોલીસ જે સંગઠન પર શંકા વ્યક્ત કરે છે તેનું નામ પીએફઆઈ એટલે કે પોપ્યુલર ફ્રન્ટ ઑફ ઇન્ડિયા છે અને ધરપકડ કરવામાં આવેલા લોકો પણ આ સંગઠન સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

શંકાના દાયરામાં પીએફઆઈ

ઇમેજ સ્રોત, HINDUSTAN TIMES
રાજ્ય સરકારે આ અગાઉ નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ ડિસેમ્બરમાં થયેલા પ્રદર્શન અને તે દરમિયાન થયેલી હિંસા માટે પણ પીએફઆઈને જવાબદાર ગણાવ્યું હતું.
તે સમયે પીએફઆઈના 100થી વધારે સભ્યોની ધરપકડ કરવામાં આવી હતી અને મુખ્ય મંત્રીએ આ સંગઠન પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. યુપીમાં અગાઉ પણ એવી ઘટનાઓ બની છે જેમાં વિવાદ વધે ત્યાર પછી તેના ‘આંતરરાષ્ટ્રીય જોડાણ’ શોધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
સ્થાનિક ઘટનાઓમાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રની વાત કરવામાં આવે ત્યારે આશ્ચર્ય જરૂર થાય છે, પરંતુ યુપીના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથના માહિતી સલાહકાર શલભમણિ ત્રિપાઠી કહે છે કે આ ષડયંત્રમાં કેટલાક રાજકીય પક્ષો અને તેના નેતાઓ પણ સામેલ છે.
શલભમણિ ત્રિપાઠીએ જણાવ્યા પ્રમાણે, “રાજ્ય સરકારે રમખાણોની માનસિકતા ધરાવતા લોકો સામે જે કાર્યવાહી કરી છે તેનાથી આવાં સંગઠનો હચમચી ગયાં છે. તોફાની તત્ત્વોના પોસ્ટર જાહેર ચોક પર લગાવવામાં આવ્યાં, તેમની સંપત્તિ જપ્ત કરીને જાહેર નુકસાનની વસૂલાત પણ કરવામાં આવી હતી.”
“આવામાં પીએફઆઈ જેવાં સંગઠનોએ યોગી સરકારને બદનામ કરવા અને પ્રદેશમાં જાતિવાદી અને સાંપ્રદાયિક રમખાણો કરવાનું કાવતરું રચ્યું. કમનસીબે અરાજકતા ફેલાવવાના આ ષડયંત્રમાં કેટલાક રાજકીય પક્ષો પણ પીએફઆઈ જેવા સંગઠનોની પડખે છે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
નાગરિકતા સંશોધન કાનૂન વિરુદ્ધ રાજ્યમાં અનેક જગ્યાએ પ્રદર્શન થયાં હતાં અને તે દરમિયાન લખનૌ, કાનપુર, આજમગઢ, ફિરોજાબાદ, મેરઠ જેવાં અનેક શહેરોમાં હિંસા ફાટી નીકળી હતી.
આ હિંસામાં અનેક લોકોનાં મોત નિપજ્યાં હતાં અને સરકારની કામગીરી સામે પણ સવાલ પેદા થયા હતા. સરકારે વિરોધપ્રદર્શનોના આયોજન અને તે દરમિયાન થયેલી હિંસાને પણ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર ગણાવ્યા હતા.
વરિષ્ઠ પત્રકાર સિદ્ધાર્થ કલહંસ આ ઘટનાઓને આંતરરાષ્ટ્રીય ષડયંત્રના બદલે ‘વહીવટી નિષ્ફળતાને ઢાંકવાનો પ્રયાસ’ ગણાવે છે.
સિદ્ધાર્થ કલહંસ કહે છે, “હાથરસમાં જે થયું તે વહીવટીતંત્રની નિષ્ફળતા અને સંવેદનહીનતાની પરાકાષ્ઠા છે. સુપ્રીમ કોર્ટમાં પણ આ નિષ્ફળતાને ઢાંકવા માટે જે તર્ક આપવામાં આવ્યા છે તે ધડ-માથા વગરના છે. વહીવટી નિષ્ફળતા એ આખરે સરકારની જ નિષ્ફળતા છે તેથી તેને ઢાંકવા માટે હવે આંતરરાષ્ટ્રીય ષડયંત્રની ઢાલ તૈયાર કરવામાં આવી રહી છે.”
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ઉત્તરપ્રદેશના ડીજીપી રહી ચૂકેલા નિવૃત્ત આઈપીએસ અધિકારી ડૉક્ટર વીએન રાય હાથરસ જેવી ઘટનાઓની પાછળ આંતરરાષ્ટ્રીય ષડયંત્રની વાતને સંપૂર્ણ રીતે નકારી કાઢે છે.
બીબીસી સાથે વાતચીત કરતા ડૉક્ટર વીએન રાય જણાવે છે કે, “આ વાતમાં કોઈ તથ્ય નથી. માત્ર ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે. તમે જોશો કે બે-ચાર સપ્તાહ પછી આ બધાં ષડયંત્ર ક્યાંય જોવાં નહીં મળે. બધા ભૂલી જશે. આંતરરાષ્ટ્રીય ષડયંત્રના જે પુરાવા આપવામાં આવે છે તે શરૂઆતમાં જ એટલા તકલાદી છે કે કોર્ટ સુધી પહોંચતા પહેલા જ ધરાશાયી થઈ જશે.”
પરંતુ સવાલ એ પેદા થાય છે કે આવા મામલામાં આંતરરાષ્ટ્રીય ષડયંત્રની વાતો કરવાની પાછળ શું ખરેખર લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ છે કે પછી ‘સમય પસાર કરવો’ છે કે પછી તેની પાછળ કેટલાક રાજકીય નફા-નુકસાનના ગણિત પણ કામ કરે છે.
આ સવાલના જવાબમાં સિદ્ધાર્થ કલહંસ કહે છે કે, “નિશ્ચિત રીતે લોકોનું ધ્યાન દૂર હઠશે. લોકો હવે એક નવા એંગલની થિયરી પર વિચારવાનું શરૂ કરશે અને તેમને લાગશે કે હા, ખરેખર આવું થઈ રહ્યું છે. બીજું, આંતરરાષ્ટ્રીય ષડયંત્રમાં સીધી રીતે ઇસ્લામિક દેશોનો ઉલ્લેખ કરવામાં આવી રહ્યો છે અને ભાજપ આવી વાતોમાં ફાયદો જ જુએ છે.”
“વિરોધીઓને તો તેઓ પોતાના પક્ષમાં નથી લાવી શકતા પરંતુ સરકારની કાર્યશૈલીમાંથી જે સમર્થકોનો ભરોસો ઊઠવા લાગ્યો છે, તેમના માટે આવા ષડયંત્રનો ઉલ્લેખ કરીને અને અમુક લોકોની સામે કાર્યવાહી કરીને ફરી એક વખત તેમનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરી શકાય છે.”

ગુપ્તચર એજન્સીઓને કેમ જાણકારી નથી?

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/AFP via Getty Images
આંતરરાષ્ટ્રીય ષડયંત્રની વાતને માની લેવામાં આવે તો પણ મુખ્ય સવાલ એ છે કે આટલું મોટું ષડયંત્ર ઘડાઈ રહ્યું હતું તો પોલીસ અથવા ગુપ્તચર એજન્સીઓને કેમ ખબર ન પડી? અને તેને રોકવા માટે પહેલેથી પ્રયાસ કેમ કરવામાં ન આવ્યા?
સીએએના વિરોધમાં થયેલાં પ્રદર્શનોને પણ આંતરરાષ્ટ્રીય ષડયંત્ર સાથે સાંકળવામાં આવ્યા હતા, પરંતુ તેના કોઈ નક્કર પુરાવા નહોતા મળ્યા અને અત્યાર સુધી કોઈની સામે ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં નથી આવી.
શલભમણિ ત્રિપાઠી કહે છે, “સીએએ પ્રદર્શન વખતે પણ સમગ્ર દેશમાં અરાજકતા પેદા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારની સતર્કતા અને ગુપ્તચર તંત્રની સક્રિયતાના કારણે સમગ્ર પ્રદેશમાં કોઈ પણ નિર્દોષ વ્યક્તિને આ તોફાનોથી નુકસાન થયું ન હતું.”
શલભમણિ ત્રિપાઠીનો દાવો છે કે સીએએ વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન એક પણ નિર્દોષ વ્યક્તિને હાનિ નહોતી પહોંચી, પરંતુ પ્રદર્શન દરમિયાન પોલીસ ગોળીબારમાં અનેક લોકો માર્યા ગયા હતા અને તેના સંબંધિત કેસ હજુ કોર્ટમાં પેન્ડિંગ છે.
હાથરસની ઘટનાનો સવાલ છે ત્યાં સુધી રાજ્ય સરકારે ચાર દિવસ પહેલા જ સીબીઆઈને તપાસ સોંપવાની ભલામણ કરી હતી પરંતુ હજુ સુધી તેની મંજૂરી નથી મળી.
બીજી તરફ તપાસનું ક્ષેત્ર હવે ગૅંગરેપ અને હત્યા ઉપરાંત આંતરરાષ્ટ્રીય ષડયંત્રની સાથેસાથે યુવતીના મૃત્યુનાં અન્ય કારણો તરફ પણ ફંટાતું હોય તેમ લાગે છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












