અન્ના ચાંડી : જેમણે સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામતની વાત ઉઠાવી

    • લેેખક, હરિતા કાંડપાલ
    • પદ, બીબીસી ગુજરાતી

1928નું વર્ષ હતું, ત્રાવણકોર રાજ્યમાં મહિલાઓને નોકરીઓમાં અનામત આપવી કે નહીં એ મુદ્દે છેડાયેલી ચર્ચાથી માહોલ ગરમાયો હતો. આ મુદ્દા પર બધાનો પોતપોતાનો મત હતો.

આ બાબતે ત્રિવેન્દ્રમમાં એક સભામાં વાદ-વિવાદ ચાલતો હતો. આ સભામાં રાજ્યના જાણીતા વિદ્વાન ટી. કે. વેલ્લુપિલ્લઈ વિવાહિત મહિલાઓને સરકારી નોકરીઓ આપવાના વિરોધમાં ભાષણ આપી રહ્યા હતા.

ત્યારે 24 વર્ષીય અન્ના ચાંડી મંચ પર ચઢ્યાં અને સરકારી નોકરીઓમાં મહિલાઓને અનામત આપવાના પક્ષમાં એક પછી એક દલીલ રજૂ કરવા લાગ્યાં.

સભાનું વાતાવરણ સાવ પલટાઈ ગયું, એવું થઈ ગયું કે જાણે સભામાં નહીં પણ અદાલતમાં વાદ-વિવાદ ચાલી રહ્યો હોય.

એ વખતે રાજ્યના લોકોમાં અન્ય એક વાતને લઈને પણ મતભેદ હતો કે અવિવાહિત મહિલાઓને નોકરીઓ મળે કે પછી વિવાહિત મહિલાઓને.

આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:

ટી. કે. વેલ્લુ પિલ્લઈએ પોતાની દલીલમાં કહ્યું, ''સરકારી નોકરીઓને કારણે મહિલાઓનાં વૈવાહિક જીવનની જવાબદારીઓમાં બાધા આવશે. પૈસા-સંપત્તિ અમુક પરિવારોમાં સીમિત થઈ જશે અને પુરુષોના આત્મસન્માનને ઠેસ વાગશે.''

વકીલાતનો અભ્યાસ કરી ચૂકેલાં અન્ના ચાંડીએ પોતાનો તર્ક આપતાં કહ્યું, "અરજદારની અરજીથી સ્પષ્ટ થાય છે કે તેઓ માને છે કે મહિલાઓ માત્ર પુરુષો માટે ઘરેલુ સુખનું સાધન છે."

"આના આધારે તેઓ મહિલાઓ દ્વારા નોકરી મેળવવાના પ્રયત્નો પર પાબંદી લગાવવા માગે છે, કારણકે તેમના પ્રમાણે જો મહિલાઓ રસોડામાંથી બહાર નીકળશે તો તેનાથી પારિવારિક સુખમાં ઓછપ આવશે."

તેમણે જોરદાર રીતે કહ્યું કે મહિલાઓ કમાશે એનાથી પરિવારને સંકટના સમયમાં સહારો મળશે, જો માત્ર અવિવાહિત મહિલાઓને જ નોકરીઓ આપવામાં આવશે તો કેટલાંક મહિલાઓ લગ્ન કરવાનું જ ટાળવા લાગશે.

કેરળનાં ઇતિહાસકાર અને લેખિકા જે. દેવિકા કહે છે, "અન્ના ચાંડી આ સભામાં ભાગ લેવા માટે ખાસ કોટ્ટમથી ત્રિવેન્દ્રમ આવ્યાં હતાં અને તેમના પ્રભાવશાળી ભાષણથી રાજ્યમાં મહિલાઅનામતની માગને મજબૂતી મળી હતી."

આ વાદ-વિવાદ આવનારા દિવસોમાં અખબાર મારફતે આગળ વધ્યો હતો.

મહિલા અનામતની માગની શરૂઆત કરનારાં મલયાલી મહિલાઓમાં અન્ના ચાંડી મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.

કાયદાની ડિગ્રી મેળવનારાં પ્રથમ મહિલા

અન્ના ચાંડીનો જન્મ ત્રાવણકોર રાજ્યમાં મે 1905માં થયો હતો.

1926માં રાજ્યમાં કાયદાની ડિગ્રી મેળવનારાં પ્રથમ મલયાલી મહિલા અન્ના ચાંડી જ હતાં.

જે. દેવિકા કહે છે, "સીરિયન ખ્રિસ્તી પરિવારમાં ઊછરેલાં અન્ના ચાંડી કેરળ રાજ્યમાં કાયદાની ડિગ્રી લેનારાં પ્રથમ મહિલા બન્યાં. લૉ કૉલેજમાં ઍડમિશન લેવું તેમની માટે સહેલું નહોતું. કૉલેજમાં તેમની મજાક કરવામાં આવતી પરંતુ તેઓ દૃઢ વ્યક્તિત્વવાળાં મહિલા હતાં."

અન્ના ચાંડી ગુનાહિત મામલામાં કાયદા પર પોતાની મજબૂત પકડ માટે જાણીતાં હતાં.

રાજકારણમાં પ્રવેશ

મહિલાઅનામત માટે અવાજ ઉઠાવનારાં અન્ના ચાંડી સામાજિક સ્તરે અને રાજકારણમાં મહિલાઓને સ્થાન અપાવવા માટે સક્રિય રહ્યાં હતાં.

1931માં તેમણે ત્રાવણકોરમાં શ્રી મૂલમ પૉપ્યુલય ઍસેમ્બલીની ચૂંટણી લડવા માટે ઉમેદવારીપત્ર ભર્યું.

જે. દેવિકા કહે છે, "તે સમયે રાજકારણમાં મહિલાઓ માટે રસ્તો મોકળો નહોતો. અન્ના ચાંડી જ્યારે ચૂંટણીમેદાનમાં ઊતર્યાં ત્યારે તેમની વિરુદ્ધ દુષ્પ્રચાર કરવામાં આવ્યો."

"તેમની વિરુદ્ધ અપમાનજનક પોસ્ટર છાપવામાં આવ્યાં અને તેઓ ચૂંટણી હારી ગયાં. પરંતુ તેઓ ચૂપ ન રહ્યાં અને પોતાની પત્રિકા 'શ્રીમતિ'માં સંપાદકીય લેખ લખીને પોતાની વિરુદ્ધ થયેલા દુષ્પ્રચારની ધારદાર ટીકા કરી."

1932માં તેઓ ફરીથી ચૂંટણી લડ્યાં અને જીત્યાં પણ ખરાં.

જે. દેવિકા પ્રમાણે, "રાજ્યની ઍસેમ્બલીનાં સભ્ય રહેતાં તેમણે માત્ર મહિલાઓના જ નહીં પણ બજેટ જેવા અન્ય વ્યાપક મુદ્દાઓ પર પણ ચર્ચામાં ભાગ લીધો."

મહિલાઓને પોતાનાં શરીર પર અધિકારનાં સમર્થક

અન્ના ચાંડીએ 1935માં લખ્યું હતું, "મલયાલી મહિલાઓને સંપત્તિનો અધિકાર, મતદાનનો હક, નોકરી, સન્માન અને આર્થિક સ્વતંત્રતા મળ્યાં છે, પણ એવાં કેટલાં મહિલા છે, જેમને પોતાનાં શરીર પર અધિકાર છે?"

"મહિલાનું શરીર માત્ર પુરુષ માટે સુખનું સાધન છે, આવા મૂર્ખતાપૂર્ણ વિચારને કારણે કેટલીય મહિલાઓ હીનતાના ખાડામાં પડેલી છે."

કેરળને પહેલાંથી જ પ્રગતિશીલ રાજ્ય માનવામાં આવતું હતું.

ત્રાવણકોર શાસનકાળમાં કેરળના સમાજમાં વ્યાપકરૂપે માતૃસત્તાક પદ્ધતિ ચાલી રહી હતી.

ત્રાવણકોરના મહિલાશાસન હેઠળ મહિલાઓને શિક્ષણ, સામાજિક અને આર્થિક શક્તિઓ અપાવવા અંગે રાજ્યમાં પહેલાંથી જાગૃતિ હતી, છતાં મહિલાઓને અનેક સ્તરે અસામનતાનો સામનો કરવો પડતો હતો.

દેવિકા કહે છે, "અન્ના ચાંડીએ મહિલાઓનાં શરીર પર તેમના અધિકાર, લગ્નમાં મહિલા અને પુરુષોના અધિકારોમાં અસામનતાના જેવા મુદ્દા ઉજાગર કર્યા, તેઓ તેમના સમય કરતાં ઘણાં આગળ હતાં."

અન્ના ચાંડી માનતાં હતાં કે મહિલાઓને કાયદાની નજરમાં સમાન દરજ્જો મળવો જોઈએ.

1935માં તેમણે ત્રાવણકોર રાજ્યના કાયદા મુજબ મહિલાઓને ફાંસીમાંથી મળેલી છૂટનો વિરોધ કર્યો હતો તો બીજી બાજુ લગ્નજીવનમાં મહિલા અને પુરુષોને મળેલા અસમાન અધિકારોની વાત પણ ઉઠાવી હતી.

જે. દેવિકા કહે છે કે તે સમયે આ બહુ સંવેદનશીલ મુદ્દો હતો.

ત્રાવણકોર દરબારના દીવાને અન્ના ચાંડીને જિલ્લા સ્તરના મુનસફ તરીકે નિયુક્ત કર્યાં અને તેઓ આ પદ પર પહોંચનારાં પ્રથમ મલયાલી મહિલા મનાય છે.

1948માં તેઓ જિલ્લા જજ અને 1959માં તેઓ હાઈકોર્ટનાં પ્રથમ મહિલા જજ બન્યાં.

તેઓ માનતાં હતાં કે મહિલાઓને પોતાનાં શરીર પર અધિકાર મળવા જોઈએ અને તેઓ પોતાની પત્રિકા 'શ્રીમતિ' સહિત અનેક મંચ પર આ મુદ્દાને ઉઠાવતાં રહ્યાં હતાં.

1935-36માં ઑલ ઇન્ડિયા વીમન્સ કૉન્ફરન્સમાં સમગ્ર ભારતમાં મહિલાઓને ગર્ભનિરોધ અને માતા તથા શિશુનાં સ્વાસ્થ્ય અંગેની માહિતી પૂરી પાડવા માટે ખાસ ક્લિનિક ખોલવાનો પ્રસ્તાવ મૂક્યો.

તેમના આ પ્રસ્તાવનો અન્ય ખ્રીસ્તી મહિલા સભ્યોએ જોરદાર વિરોધ કર્યો.

હાઈકોર્ટમાંથી નિવૃત્તી બાદ તેઓ નેશનલ લૉ કમિશનમાં સામેલ થયાં.

દૂરદર્શન પ્રમાણે અન્ના ચાંડીના પતિ પી. સી. ચાંડી એક પોલીસ અધિકારી હતા અને તેમને આ લગ્નથી એક પુત્રનો જન્મ થયો હતો.

(આ કહાણીના ઇલસ્ટ્રેશન ગોપાલ શૂન્યે બનાવ્યા છે)

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો