એસએફએફ : ભારતનું એ ગુપ્ત સૈન્યદળ જે ઇન્ડિયન આર્મીને પણ રિપોર્ટ નથી કરતું

    • લેેખક, ફૈઝલ મોહમ્મદ અલી
    • પદ, બીબીબી સંવાદદાતા, નવી દિલ્હી

ગત વર્ષે લદાખના પેંગોંગ લેકના દક્ષિણ કિનારા સાથે જોડાયેલા વિસ્તારમાં ભારતના 'સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ'ની વિકાસ રેજિમૅન્ટના કંપની લીડર નીમા તેનઝિંનનું શનિવારે રાત્રે એક સૈન્યઅભિયાન દરમિયાન મૃત્યુ થઈ ગયું.

ઑફિસર નીમા તેન્ઝિનનો તિરંગામાં લપેટાયેલો મૃતદેહ લેહ શહેરથી 6 કિલોમિટર દૂર ચોગલામસાર ગામે લાવવામાં આવ્યો અને તિબેટની તિબેટિયન-બૌદ્ધ પરંપરાઓ અનુસાર તેમના અંતિમ સંસ્કાર કરાયા.

સ્થાનિક નેતા નામડોલ લાગયારી અનુસાર ક્યારેક સ્વતંત્ર દેશ પરંતુ હવે ચીનના વિસ્તાર તિબેટના નીમા તેન્ઝિન ભારતના સ્પેશિયલ સૈન્ય દળ 'સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સ' (એસએફએફ)ની વિકાસ રેજિમૅન્ટમાં કંપની લીડર હતા અને ભારતીય ટુકડી અને ચીનની પીપલ્સ લિબરેશન આર્મી વચ્ચે પેંગોંગ લેક ક્ષેત્રમાં થયેલી અથડામણમાં તેમનું મૃત્યુ થયું હતું.

શું છે એસએફએફ?

ભારતીય સેનાના ભૂતપૂર્વ કર્નલ અને સુરક્ષાવિશેષજ્ઞ અજય શુક્લાએ પોતાના બ્લૉગમાં કંપની લીડર નીમા તેનઝિંન અને સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સનો ઉલ્લેખ કર્યો હતો.

તેમણે એવું પણ કહ્યું છે કે કંપની લીડર નીમા તેનઝિંનના મૃતદેહને તેમના પરિવારને સોંપતી વખતે 'ઘટનાને ગુપ્ત રાખવાની સલાહ' આપવામાં આવી હતી.

હકીકતમાં 1962માં તૈયાર કરવામાં આવેલી સ્પેશિયલ ટુકડી એસએફએફ ભારતીય સેનાની નહીં પણ ભારતની ગુપ્તચર સંસ્થા 'રૉ' એટલે કે રિસર્ચ ઍન્ડ ઍનાલિસિસ વિંગનો હિસ્સો છે.

અંગ્રેજી સમાચાર પત્ર 'હિન્દુસ્તાન ટાઈમ્સ'માં પ્રકાશિત એક અહેવાલ અનુસાર આ યુનિટનું કામકાજ એટલું ગુપ્ત હોય છે કે કદાચ સેનાને પણ ખબર નથી હોતી કે તે શું કરી રહ્યો છે.

આ યુનિટ ડિરેક્ટર જનરલ ઑફ સિક્યૉરિટીના માધ્યમથી સીધું વડા પ્રધાનને રિપોર્ટ કરે છે અને એટલા માટે એના 'શૌર્યની કથાઓ' સામાન્ય લોકો સુધી નથી પહોંચતી.

આઈબીના સંસ્થાપક ડિરેક્ટર ભોલાનાથ મલિક અને બીજા વિશ્વયુદ્ધના સૈનિક તથા બાદમાં ઓડિશાના મુખ્ય મંત્રી બનેલા બીજૂ પટનાયકની સલાહ પર ભારતના પહેલા વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ તિબેટી ગેરીલાઓની એક એવી ટુકડી તૈયાર કરવાનું વિચાર્યું જે હિમાલયના ખતરનાક વિસ્તારોમાં ચીનીઓનો મુકાબલો કરી શકે.

ભારત સાથે યુદ્ધ થવાની સ્થિતિમાં ચીનની સરહદમાં ઘૂસીને જાસૂસી કાર્યવાહી કરવાના ઇરાદાથી તૈયાર કરાયેલી એસએફએફના પહેલા ઈન્સ્પેક્ટર જનરલ મેજર જનરલ (નિવૃત) સુજાનસિંહ ઉબાન હતા.

સુજાનસિંહ ઉબાન બીજા વિશ્વયુદ્ધમાં બ્રિટીશ ભારતીય સેનાના 22 માઉન્ટેન રેજિમૅન્ટના કમાન્ડર હતા આ કારણે કેટલાક લોકો એસએફએફને 'ઍસ્ટાબ્લિશમેન્ટ 22'ના નામે પણ ઓળખે છે.

અનેક અભિયાનોમાં સામેલ

લદાખ, સિક્કિમ વગેરેના તિબેટી મૂળના લોકો ઘણા સમય પહેલાંથી આધુનિક ભારતીય સેનાનો હિસ્સો છે.

સીધા વડા પ્રધાનની દેખરેખમાં તૈયાર અને ઇન્ટેલિજન્સ બ્યૂરો એટલે કે આઈબીનો ભાગ એસએફએફ હવે 'રૉ'ને આધીન કામ કરે છે અને તેનું હેડક્વાર્ટર ઉત્તરાખંડના ચકરાતામાં છે.

કહેવાય છે કે પ્રારંભિક સમયે અમેરિકનો અને ભારતીય ઈન્ટેલિજન્સ બ્યૂરોના પ્રશિક્ષકો દ્વારા તાલીમ પામેલી એસએફએફનો ભારતે બાંગ્લાદેશના યુદ્ધ, કારગિલ, ઑપરેશન બ્લૂ સ્ટાર અને અન્ય અનેક સૈન્ય કાર્યવાહીઓમાં ઉપયોગ કર્યો છે.

અનેક લોકો માને છે કે એમાં સામે લોકો 1950ના દાયકાના એ ખંપા વિદ્રોહીઓના વારસદારો છે જેણે તિબેટ પર ચીનના હુમલાનો વિરોધ કર્યો હતો.

ચીનના કબજામાં આવ્યા પછી તિબેટના નેતા દલાઈ લામાને 1959માં 23 વર્ષની ઉંમરમાં ત્યાંથી નાસીને ભારત આવવું પડ્યું હતું. જે પછી તિબેટીઓની એક મોટી વસતી ભારતના ઉત્તર-પૂર્વ, દિલ્હી, હિમાચલ અને બીજા અનેક વિસ્તારોમાં વસી છે.

એમાંથી ઘણા લોકો એવા છે જેઓ નીમા તેનઝિંન અને તેનઝિન લોનદેનની જેમ એસએફએફનો હિસ્સો બને છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો