ઇંદરજિત કૌર : એ મહિલા જેમણે સ્ત્રીઓ માટેના અનેક બંધ દરવાજા ખોલાવી દીધા

સવાલ- શું તમે નારીવાદી છો?
જવાબ- હા, પણ બ્રા સળગાવે તેવી નહીં
સવાલ કોઈ પત્રકારનો હતો અને જવાબ ઇંદરજિત કૌરનો.
ઇંદરજિત કૌર એટલે એવાં મહિલા જેમણે બહુ ઉદારતા અને સમજદારી સાથે સ્ત્રીઓ માટેના અનેક બંધ દરવાજાને ખોલાવી દીધા. ઇંદરજિત કૌરે યુવતીઓને હિંમત બંધાવી કે બહારની દુનિયા સામે હિંમતભેર જોઈ શકાય છે.
એક એવા મહિલા જેમના નામ આગળ 'પ્રથમ' વિશેષણ વારંવાર લગાવવું પડે - જેમ કે નવી દિલ્હીના સ્ટાફ સિલેક્શન કમિશનનાં પ્રથમ અધ્યક્ષા, પંજાબી યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર.
આ કહાણીની શરૂઆત તેમના જન્મ સાથે જ થઈ હતી. વર્ષ હતું 1923 અને દિવસ હતો એક ડિસેમ્બર.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
પંજાબના પટિયાલા જિલ્લામાં કર્નલ શેર સિંહ સંઘુના ઘરે પુત્રીનો જન્મ થયો. શેરસિંહ અને તેમનાં પત્ની કરતાર કૌરનું આ પહેલું સંતાન હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કર્નલ શેરસિંહે ઇંદરજિત કૌરના જન્મની ઉજવણી જાણે ઘરે દીકરો થયો હોય એટલી ધામધૂમથી કરી હતી.
તેઓ પ્રગતિશીલ અને ઉદાર વ્યક્તિત્વ ધરાવતા હતા અને ક્યારેય રૂઢિઓ કે તે વખતની સ્ત્રીઓને પડદામાં રાખવાની પ્રથામાં માનતા નહોતા. તેના કારણે જ ઇંદરજિત કૌરને જીવનમાં આગળ વધવાની તક મળી.
ઇંદરજિત કૌરનું પ્રાથમિક શિક્ષણ પટિયાલાની વિક્યોરિયા ગર્લ્સ સ્કૂલમાં થયું હતું. 10મું ધોરણ પાસ કર્યા પછી તેમને આગળ કેમ ભણાવવા તેની ચર્ચા પરિવારમાં થવા લાગી હતી.
ઇંદરજિત કૌરના પુત્ર અને પત્રકાર તરીકે કામ કરતાં રૂપિંદર સિંહ કહે છે, "મારી માતાના નાનાએ સલાહ આપી કે સુંદર યુવતીઓનાં તરત લગ્ન કરી દેવાં જોઈએ. જોકે ઇંદરજિતની મક્કમતા અને પિતાના સમર્થનની મદદથી તેમના આગળના ભણતર માટેનો માર્ગ ખૂલી ગયો."
દરમિયાન કર્નલ શેર સિંહની બદલી પેશાવર થઈ અને ઇંદરજિત આગળનું ભણવા માટે લાહોર પહોંચ્યાં.

લાહોરમાં આર.બી. સોહન લાલ ટ્રેનિંગ કૉલેજમાં બેઝિક ટ્રેનિંગ કોર્સ કર્યો. બાદમાં લાહોરની ગવર્નમેન્ટ કૉલેજમાંથી દર્શનશાસ્ત્રમાં એમ.એ. કર્યું.
બાદમાં તેઓ વિક્ટોરિયા ગર્લ્સ ઇન્ટરમિડિએટ કૉલેજમાં કામચલાઉ ધોરણે શિક્ષિકા તરીકે ભણાવવા લાગ્યાં. 1946માં તેમણે પટિયાલા ગવર્નમેન્ટ કૉલેજ ફૉર વીમેનમાં દર્શનશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે ભણાવવાનું શરૂ કર્યું.
જોકે થોડા જ મહિનામાં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા અને પાકિસ્તાનમાંથી મોટી સંખ્યામાં લોકો શરણાર્થી તરીકે આવવા લાગ્યા.
રૂપિંદર સિંહ કહે છે, "આ સમયગાળામાં ઇંદરજિત કૌરે અગત્યની ભૂમિકા ભજવી. તેઓ એક ઍક્ટિવિસ્ટ તરીકે પણ કામગીરી કરવા લાગ્યાં. તેમણે માતા સાહિબ કૌર દલ નામે સંગઠન તૈયાર કરવામાં મદદ કરી અને તેના સચિવ બન્યાં. આ સંગઠનના અધ્યક્ષા તરીકે સરદારની મનમોહન કૌર હતા અને તેમની મદદથી પટિયાલામાં લગભગ 400 પરિવારોને થાળે પાડ્યા."
"આ શરણાર્થીઓને આર્થિક સહાય તથા વસ્ત્રો અને અનાજ પહોંચાડવા માટે પરિવાર, મિત્રો અને સગાંઓની મદદથી ઝુંબેશ ચલાવી. તે સમયે સેવાના આ કાર્યમાં યુવતીઓ પણ આગળ આવી, જે એક રીતે તે જમાનામાં નવી વાત હતી. જોકે શરૂઆતમાં ઇંદરજિત કૌરના ઘરમાંથી વિરોધ થયો હતો, પરંતુ તેઓ માનતા હતાં કે વિદ્રોહી થઈને બધું ધાર્યું કરી શકીએ તેવું પણ બનતું નથી."

રૂપિંદર સિંહના જણાવ્યા અનુસાર આ સંગઠને આવા જ સામાન સાથેના ચાર ટ્રક બારામુલા અને કાશ્મીર પણ પહોંચાડ્યા હતા, જ્યાં પટિયાલાની સેના સ્થાનિક લોકોને સહાય પહોંચાડવા માટે ગઈ હતી.
આગળ જતા શરણાર્થીનાં બાળકોના શિક્ષણ માટે માતા સાહિબ કૌર દલ સ્કૂલની સ્થાપના થઈ, તેમાં પણ તેમનું યોગદાન હતું. તેમણે ખાસ તો શરણાર્થી યુવતીઓને આત્મરક્ષા કરવા માટેની તાલીમ અપાવી હતી.
1955માં તેઓ પટિયાલાની સ્ટેટ કૉલેજ ઑફ એજ્યુકેશનમાં પ્રોફેસર બન્યાં. ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહનાં પત્ની ગુરશરણ કૌર આ જ કૉલેજમાં તેમના હાથ નીચે ભણ્યાં હતાં.
ઇંદરજિત કૌર 1958માં ચંદીગઢની બેઝિક ટ્રેનિંગ કૉલેજ ઑફ એજ્યુકેશનમાં જોડાયાં અને ત્યાં જ વાઇસ પ્રિન્સિપાલના હોદ્દા પર પહોંચ્યાં હતાં.
તેમનાં લગ્ન જાણીતા લેખક જ્ઞાની ગુરદીત સિંહ સાથે થયાં હતાં. તેઓ પંજાબ વિધાન પરિષદના સભ્ય પણ હતા. ઇંદરજિત પોતાને પતિના મિત્ર, સાથી અને માર્ગદર્શક ગણાવતાં. તેમને સંતાનમાં બે પુત્ર હતા.

ઇંદરજિત કૌરે એક વ્યક્તિ, શિક્ષિકા અને વહીવટકર્તા તરીકે અનેકના જીવનને પ્રભાવિત કરનારાં કાર્યો કર્યાં હતાં.
તે સમયગાળામાં આવી રહેલાં સામાજિક પરિવર્તનોના તેઓ ન માત્ર સાક્ષી બન્યાં, પરંતુ તે પરિવર્તન સાથે પોતાના વ્યક્તિત્વનું ઘડતર કર્યું હતું.
પડદાપ્રથાને તિલાંજલિ આપીને તેમણે યુવતીઓને શિક્ષણ મળે અને અધિકારો મળે તે માટે કામ કર્યું હતું. અત્યાર સુધી જે પદ પર માત્ર પુરુષો જ નિમાતા હતા, ત્યાં સ્ત્રીઓની નિમણૂક માટેના દરવાજા પણ તેમણે ખોલી આપ્યા.
જે કૉલેજમાં પોતે ભણ્યાં હતાં, તે જ પટિયાલા ગવર્નમેન્ટ કૉલેજ ફૉર વીમેનમાં તેઓ પ્રિન્સિપાલ બન્યાં.
ત્રણ જ વર્ષમાં તેમણે કૉલેજમાં વિજ્ઞાનશાખા શરૂ કરાવી, જેથી વધુ વિદ્યાર્થિનીઓ આધુનિક શિક્ષણ મેળવી શકે. યુવતીઓ કૉલેજમાં ભણવા સાથે અન્ય પ્રવૃત્તિઓમાં રસ લેતી થાય તે માટે તેઓ હંમેશાં પ્રયાસો કરતાં રહ્યાં. એ પ્રયાસોના ભાગરૂપે તેમણે ગિદ્દા લોકનૃત્યને પુનઃજીવિત કરવામાં ભૂમિકા ભજવી હતી.
પ્રજાસત્તાકદિન નિમિત્તે રાજધાનીમાં પરેડ યોજાય છે, તેમાં યુવતીઓને પણ સામેલ કરવામાં ઇંદરજિત કૌર નિમિત્ત બન્યાં હતાં. તેમણે પરેડમાં યુવતીઓ દ્વારા ગિદ્દા લોકનૃત્ય રજૂ કરાવ્યું અને તે રીતે સમગ્ર રાષ્ટ્રમાં લોકનૃત્યની ઓળખ ઊભી થઈ.

આગળ જતા તેમણે પરિવાર સાથે રહેવા માટે અમૃતસર બદલી કરાવી અને ત્યાંની સરકારી મહિલા કૉલેજમાં પ્રિન્સિપાલ બન્યાં. અહીં પણ તેમણે શિક્ષણના સ્તરમાં ઘણો સુધારો કરાવ્યો.
હવે તેમને પંજાબી યુનિવર્સિટીનાં પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર બનાવાયાં અને તેઓ તે માટે પટિયાલા પરત ફર્યાં. ઉત્તર ભારતમાં શિક્ષણજગતમાં આટલા ઊંચા હોદ્દા પર પહોંચનારાં તેઓ પ્રથમ મહિલા હતાં.
ઇંદરજિત કૌરનો એક કિસ્સો બહુ જાણીતો છે. વાઇસ ચાન્સેલરનો હોદ્દો સંભાળે તેના એક દિવસ પહેલાં જ યુનિવર્સિટીના છોકરાઓમાં ઝઘડો થયો હતો. છોકરાઓનું એક ટોળું તેમને મળવા ગેસ્ટહાઉસ પર પહોંચી ગયું.
એક છોકરાને વાગ્યું હતું તેણે કહ્યું, "મેડમ સામેવાળા છોકરાઓ પર કશું થશે નહીં, કેમ કે તે લોકો કિંગ્સ પાર્ટીના સભ્યો છે."
ઇંદરજિત કૌરે જવાબ આપ્યો કે હવે કોઈ કિંગ નથી રહ્યા ત્યારે કિંગ્સ પાર્ટી વળી શું. છોકરાઓ પ્રભાવિત થઈને ગયા હતા.
ઇંદરજિત કૌરે ઘણી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં ભાગ લીધો હતો અને જુદીજુદી યુનિવર્સિટીઓમાં લૅક્ચર આપવા જતાં હતાં. પંજાબી યુનિવર્સિટીનાં વાઇસ ચાન્સેલર તરીકેના પદેથી તેમણે પોતાની મુદત પૂરી થાય તે પહેલાં રાજીનામું આપી દીધું હતું.
તેમણે બે વર્ષ માટે અવકાશ લીધો હતો અને 1980માં તેમને સ્ટાફ સિલેક્શન કમિશનમાં નીમવામાં આવ્યાં. આ રીતે તેઓ કમિશનનાં પ્રથમ મહિલા અધ્યક્ષા બન્યાં હતાં.
(ચિત્રાંકનઃ ગોપાલ શૂન્ય)


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો




















