ડૉ મુથુલક્ષ્મી રેડ્ડી : એ મહિલા જેઓ દેવદાસીની પ્રથા સામે જંગે ચડ્યાં

મુથુલક્ષ્મી રેડ્ડીનો જન્મ 30 જુલાઈ, 1886નાં રોજ પુડ્ડુકોટ્ટાઈમાં થયો હતો.
તેમનાં પિતા નારાયણ સ્વામી ઐય્યર મહારાજા કૉલેજના પ્રિન્સિપલ હતા અને તેમનાં માતા ચંદ્રમ્મલ દેવદાસી હતાં.
તેમનાં પિતા અને બીજા કેટલાંક શિક્ષકોએ તેમને મૅટ્રિક્યુલૅશન સુધીનું શિક્ષણ ઘરે જ આપ્યું.
તેઓ મૅટ્રિક્યુલેશનની પરીક્ષામાં પ્રથમ આવ્યા હોવા છત્તાં પણ તેમને મહારાજા હાઈસ્કૂલમાં મહિલા હોવાનાં કારણે પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. સમાજના રૂઢિચુસ્ત લોકોએ તેમનાં હાઈસ્કૂલ પ્રવેશનો ભારે વિરોધ કર્યો હતો.
ભણવામાં તેમનો રસને જોઈને પુડ્ડુકોટ્ટાઈના રાજા માર્તંડ ભૈરવ થોંડમને તેમને હાઈસ્કૂલમાં પ્રવેશની પરવાનગી આપી અને સ્કૉલરશિપ પણ આપી.
એ સમયે તેઓ શાળામાં એકમાત્ર વિદ્યાર્થિની હતાં.
તેઓ મદ્રાસ મેડિકલ કૉલેજનાં સર્જરી વિભાગમાં પ્રવેશ મેળવનારાં પહેલાં ભારતીય મહિલા વિદ્યાર્થિની હતાં.
તેઓ મદ્રાસ મેડિકલ કૉલેજમાં સર્જરીમાં પહેલાં ક્રમે આવ્યાં અને ગોલ્ડ મેડલ મેળવ્યો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
“મુથુલક્ષ્મી રેડ્ડી – અ લિજેન્ડ અન્ટૂ હરસેલ્ફ” પુસ્તકના લેખિકા ડૉક્ટર વી સાંતા કહે છે કે તેઓ અનેક વસ્તુઓ કરનાર પ્રથમ મહિલા ન હતાં પરંતુ મહિલાઓને સમાજના બંધનોમાંથી મુક્ત કરાવનાર અને સમર્થ બનાવનાર મહિલા હતાં.
આ વિશેષ શ્રેણીની આ પહેલાંની કહાણીઓ વાંચવા માટે ક્લિક કરો:
મદ્રાસ વિધાન પરિષદનાં સભ્ય બન્યાં

એપ્રિલ 1914માં ડૉ. ટી સુંદારા રેડ્ડી સાથે તેમણે લગ્ન કર્યું. લગ્ન પહેલાં તેમણે એક શરત મૂકી કે તેઓ કોઈ દિવસ તેમની સમાજસેવાની પ્રવૃતિમાં અને જરૂરિયાતમંદોને તબીબી સારવાર આપવાની બાબતમાં દખલ નહીં દે.
ઇંગ્લૅન્ડમાં મહિલાઓ અને બાળકોનાં સ્વાસ્થ્યની ટ્રેનિંગના કોર્સ માટે તેમની પસંદગી કરવામાં આવી હતી.
જ્યારે તેમનાં માતા-પિતાએ તેમને ઇંગ્લૅન્ડ જવાની ના પાડી ત્યારે તામિલનાડુના આરોગ્ય મંત્રી પનગલ રાજ્હાએ સરકારને નિર્દેશ આપ્યા કે તેઓ તેમને એક વર્ષની નાણાંકીય મદદ કરે.
તેમણે જાણ્યું કે માત્ર મેડિસિન જ રસ્તો નથી અને તેઓ એની બેસન્ટના માર્ગદર્શન હેઠળ મહિલાઓની ચળવળ સાથે જોડાઈ ગયાં. તેમને 1926માં વુમન્સ ઇન્ડિયન ઍસોસિયેશન દ્વારા મદ્રાસ વિધાન પરિષદની કાઉન્સિલમાં નૉમિનેટ કરવામાં આવ્યાં. તેઓ 1926થી 1930 સુધી પરિષદનાં સભ્ય રહ્યાં.
શરૂઆતમાં તેઓ પરિષદની નોકરી લેવામાં અચકાતાં હતાં કારણ કે તેમને ડર હતો કે આ તેમનાં મેડિકલનાં કામમાં નડતરરૂપ હશે.
જો કે, તેમને લાગ્યું કે મહિલાઓએ પણ ઘર બનાવવાની કુશળતાને પણ રાષ્ટ્ર નિર્માણના કામમાં વાપરવી જોઈએ.

બાળલગ્ન અટકાવવા ઝુંબેશ ઉપાડી
તેમણે બાળલગ્ન અટકાવવા, મંદિરોમાં ચાલતી દેવદાસી પ્રથાને નાબૂદ કરવી, વેશ્યાગૃહો પર દમન અને મહિલાઓ અને બાળકોની તસ્કરીને અટકાવવાના કાયદાઓ બનાવવામાં મદદ કરી.
ધારાસભામાં લગ્ન માટે છોકરીઓની સંમતિ લેવાની ઉંમર 14 વર્ષથી વધારવા માટેના બિલનો પ્રસ્તાવ રજૂ કરતી વખતે, તેમણે જણાવ્યું, “સતીપ્રથામાં થોડી જ મિનિટોનું દરદ સહન કરવું પડે છે. પરંતુ બાળલગ્નના રિવાજથી બાળકીને તેનાં જન્મથી લઈને મરણ સુધી અનેક દર્દ સહન કરવા પડે છે. તે સતત એક બાળપત્ની, બા માતા અને ઘણીવાર બાળવિધવા તરીકે પણ દરદનો સામનો કરે છે.”
ઉપરોક્ત વાત તેમણે પોતે લખેલાં “ધારાસભ્ય તરીકેના મારા અનુભવો” પુસ્તકમાં નોંધી છે.
તેમણે પોતાના પુસ્તકમાં નોંધ્યુ છે કે જ્યારે તેમનાં બાળલગ્ન અટકાવવાનાં ખરડાને સ્થાનિક પ્રેસમાં રજૂ કરવામાં આવ્યો ત્યારે તેમને રૂઢિચુસ્તો તરફથી જાહેરસભાઓ અને પ્રેસમાંથી શાબ્દિક ટીકાઓ સહન કરવી પડી હતી.
આ ઉપરાંત તેમણે નોંધ્યું છે કે યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ તરફથી તેમને ટીકા સહન કરવી પડી હતી.

દેવદાસી પ્રથા સામે ભારે વિરોધ નોંધાવ્યો

હિંદુ મંદિરોમાં યુવાન છોકરીઓ અને મહિલાઓનાં સમર્પણને પ્રોત્સાહન આપતી દેવદાસી પ્રથાને નાબૂદ કરવાના કાયદાને પસાર કરાવવામાં તેઓ અગ્રણી રહ્યાં હતાં.
તેમને આ પ્રક્રિયામાં અનેક રૂઢિચુસ્ત જૂથોનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રસ્તાવને મદ્રાસ વિધાન પરિષદ દ્વારા સર્વાનુમતે સમર્થન આપવામાં આવ્યું હતું અને કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી, છેવટે આ ખરડો 1947માં કાયદો બન્યો હતો.
મદ્રાસ વિધાન પરિષદમાં દેવદાસી પ્રથાને નાબૂદ કરવા માટે લાવવામાં આવેલા ડ્રાફટને રજૂ કરતાં તેમણે કહ્યું કે, દેવદાસી પ્રથા સતીપ્રથાનું ખૂબ જ ખરાબ સ્વરૂપ છે અને તે ધાર્મિક ગુનો છે.
તેમનાં પર ઍની બેસન્ટ અને મહાત્મા ગાંધીની વિચારધારાનો ખૂબ જ પ્રભાવ હતો.
“મુથુલક્ષ્મી રેડ્ડી, એક સામાજિક ક્રાંતિકારી” સંશોધન પત્ર લખનાર તિરુચિરાપ્પલ્લીનાં ઇતિહાસ વિભાગનાં સંશોધક એ.એસ.સ્નેહલથાએ નોંધ્યું છે, "મીઠાના સત્યાગ્રહ સમયે જ્યારે મહાત્મા ગાંધીની ધરપકડ કરાઈ ત્યારે મુથુલક્ષ્મીએ મદ્રાસ વિધાન પરિષદનાં સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું."
દેવદાસીઓનાં રક્ષણ માટે, તેમણે 1931માં અદ્યારમાં આવેલાં પોતાનાં ઘરમાં અવ્વાઈ ઘરની શરૂઆત કરી હતી.
તેમનાં નાનાં બહેનનું 1954માં કૅન્સર મૃત્યુ થતાં તેમને આઘાત લાગ્યો અને તેમણે અદ્યારમાં 1954માં કૅન્સર હૉસ્પિટલ બનાવી.
આ કૅન્સર સંસ્થા આજે પણ દેશભરનાં દરદીઓની સારવાર કરે છે.
તેમણે મેડિસિન અને સામાજિક બદલાવના ક્ષેત્રમાં કરેલાં કામને ધ્યાને લઈ 1956માં પદ્મભૂષણથી નવાજવામાં આવ્યાં હતાં. મહિલા અને બાળકોને મુક્તિ અપાવવા માટે આપેલાં યોગદાન માટે તેમનું નામ સ્વતંત્ર ભારતના 1947ના રેડ ફોર્ટ ખાતેના ધ્વજ પર રાખવા માટે પસંદ કરવામાં આવ્યું હતું.
તામિલનાડુ સરકારે 1986માં તેમની 100મી જન્મજયંતિએ તેમને સમર્પિત સ્ટૅમ્પ બહાર પાડ્યાં હતાં.
તેઓ 1968માં 81 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યાં હતાં. તેમની જન્મતિથીએ ગૂગલે ડૂડલ પણ બનાવ્યું હતું.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો















