You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
શ્રીલંકા : મહિંદા રાજપક્ષેએ ચોથી વાર વડા પ્રધાનપદે શપથ લીધા - TOP NEWS
શ્રીલંકા પીપુલ્સ પાર્ટી (એસએલપીપી)ના 74 વર્ષીય નેતા મહિંદા રાજપક્ષેએ રવિવારે ચોથી વાર દેશના વડા પ્રધાનપદે શપથ લીધા હતા.
શ્રીલંકાની નવમી સંસદ માટે ઉત્તર કોલંબોના ઉપનગર કેલાનિયામાં આવેલા ઐતિહાસિક બૌદ્ધ મંદિર 'રાજમહા વિહાર'માં શપથગ્રહણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
મહિંદા રાજપક્ષેના નાના ભાઈ અને શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટભાયા રાજપક્ષેએ તેમને વડા પ્રધાનપદના શપથ લેવડાવ્યા હતા.
બાદમાં બંનેએ રાજમહા વિહારમાં પ્રાર્થના કરી હતી.
આ આખા કાર્યક્રમને શ્રીલકાંના રાષ્ટ્રપતિ ગોટભાયા રાજપક્ષેએ સત્તાવાર ફેસબુક પેજથી લાઇવ પ્રસારિત કર્યો હતો. આ અવસરે આખો રાજપક્ષે પરિવાર રાજમહા વિહારમાં ઉપસ્થિત હતો.
ગત બે દશકથી રાજપક્ષે પરિવારની શ્રીલંકાના રાજકારણ પર સારી પકડ રહી છે. રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે 'હવે શ્રીલંકાની સત્તા પર તેમની પકડ વધુ મજબૂત થઈ જશે.'
તેમના પાર્ટીના નેતૃત્વવાળા ગઠબંધને શ્રીલંકાની સામાન્ય ચૂંટણીમાં બે-તૃતીયાંશ બહુમત હાંસલ કરીને શાનદાર જીત મેળવી છે.
શ્રીલંકામાં 68 લાખ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો અને મતદાન 59.9 ટકા થયું હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રાજનાથ સિંહની મોટી જાહેરાત, સંરક્ષણનાં 101 ઉપકરણોની આયાત પર પ્રતિબંધ
ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહે જાહેરાત કરી છે કે સંરક્ષણમંત્રાલય હવે 'આત્મનિર્ભર ભારત' અભિયાનમાં મોટી ભૂમિકા નિભાવવા માટે તૈયાર છે.
સંરક્ષણ સંલગ્ન ઉત્પાદનમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે અને સેનાની આત્મનિર્ભર બનાવવાના હેતુથી સંરક્ષણમંત્રાલયે 101થી વધારે વસ્તુઓ પર એમ્બાર્ગો એટલે કે આયાત પર પ્રતિબંધ લાદ્યો છે.
સંરક્ષણમંત્રાલયે જણાવ્યું કે આ વસ્તુઓની યાદી સંરક્ષણમંત્રાલયે તમામ સંબંધિત પક્ષો સાથે પરામર્શ કર્યા બાદ તૈયાર કરી છે.
આમાં આર્મ્ડ ફોર્સીસ, ખાનગી અને જાહેર ક્ષેત્રનાં ઉદ્યોગો પણ સામેલ છે. જેથી ભવિષ્યમાં યુદ્ધઉપકરણો તૈયાર કરવાની ક્ષમતાનો અંદાજ માંડી શકાય.
ચર્ચા પછી જે 101 ચીજોની યાદી તૈયાર કરવામાં આવી છે, એમાં માત્ર સામાન્ય ચીજો જ છે, એવું નથી.
ઉચ્ચ તકનીક ધરાવતાં હથિયારો એમાં છે. જેમકે આર્ટિલરી ગન, અસૉલ્ડ રાઇફલ્સ, ટ્રાન્સપોર્ટ ઍરક્રાફ્ટ, LCHs રડાર, ઇત્યાદી.
તેમણે આગામી 6-7 વર્ષ માટે સંરક્ષણ સંલગ્ન ઉદ્યોગોને ચાર લાખ કરોડના કૉન્ટ્રેક્ટ આપવાની વાત કરી છે.
શ્રેય હૉસ્પિટલ : 2016માં ગેરકાયદેસર બાંધકામને કાયદેસર મંજૂરી અપાઈ?
અમદાવાદની શ્રેય હૉસ્પિટલ, જેમાં ગુરુવારે લાગેલી આગમાં આઠ લોકોનાં મૃત્યુ થયાં હતાં, હૉસ્પિટલ શરૂ થતાં પહેલાં 1999 સુધી રેસિડેન્શિયલ યૂઝની પરવાનગી મળી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ અખબારના અહેવાલમાં નોંધ્યું છે કે હૉસ્પિટલમાં કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામને 2016માં કાયદેસર કરી દેવામાં આવ્યું હતું.
અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના વેસ્ટ ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઑફિસર ચૈતન્ય શાહે અખબારને જણાવ્યું કે બિલ્ડિંગની માલિકી પંચરત્ન ઍપાર્ટમેન્ટ ઑનર્સ ઍસોસિયેશનના નામે હતી, પછી શ્રેય હૉસ્પિટલના ભરત મહંત અને અન્ય પ્રોપ્રાઇટર્સના નામે 1999માં લીઝ પેટે આપવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસ પ્રમાણે તેમણે કહ્યું, "શરૂઆતના તબક્કામાં, બિલ્ડિંગના ગ્રાઉન્ડ અને પહેલાં માળ પર જ કૉમર્શિયલ વપરાશની પરવાનગી હતી, જેમાં ખાસ કરીને દુકાનો અને કાર્યાલયો ચલાવવાની મંજૂરી હતી."
"બાકીના માળ રહેઠાણ માટે હતા. સમય જતાં, વધારાનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવ્યું જેને પ્રથમ વખત 2001માં કાયદેસર કરવામાં આવ્યું હતું."
2011માં ગુજરાતમાં ગુજરાત રેગ્યુલરાઇઝેશન ઑફ અનઑથોરાઇઝ્ડ ડેવલપમૅન્ટ ઍક્ટ (જીઆરયુડીએ) લાવવામાં આવ્યો હતો.
જેના અંતર્ગત જમા કરાવેલ અને મંજૂર કરાયેલ બિલ્ડિંગ યુઝ માટેના પ્લાન સિવાય કોઈ પણ વધારાનું અથવા સુધારાયેલા બાંધકામને ફી વસૂલ કરીને કાયદેસર કરી શકાય છે.
તેમણે આગળ કહ્યું કે આ ઍક્ટ અમલી બનતાં 2013માં અરજી કરીને હૉસ્પિટલે વધારાના બાંધકામને કાયદેસર કરવાની મંજૂરી માગી હતી.
જેમાં બેસમૅન્ટમાં પાર્કિંગ, ગ્રાઉન્ડ ફ્લોર અને બિલ્ડિંગના પાછળના ભાગમાં ચોથા માળનું બાંધકામ સામેલ છે. જેને રેસિડેન્શિયલ યુઝ માટે કૅટેગરાઇઝ કરવામાં આવ્યાં હતાં.
આ બાંધકામને 2016માં જીઆરયુડીએ હેઠળ કાયદેસર કરવામાં આવ્યું હતું.
પોલીસ આ મામલામાં તપાસ માટે બિલ્ડિંગ પ્લાન, એસ્ટેટ અને ટાઉન ડેવલપમૅન્ટ રિપોર્ટની રાહ જોઈ રહી છે.
મુકેશ અંબાણી દુનિયાના ધનિકોમાં ચોથા ક્રમે પહોંચ્યા
એનડીટીવી પ્રૉફિટ વેબસાઇટ પ્રમાણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન મુકેશ અંબાણી દુનિયામાં ચોથી સૌથી ધનવાન વ્યક્તિ બની ગયા છે.
બ્લૂમબર્ગ બિલિયનૅર્સ ઇન્ડેક્સ મુજબ ગત વર્ષે 22 અબજ ડૉલર કમાયા પછી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન મુકેશ અંબાણીની સંપત્તિ હવે 80.5 અબજ ડૉલર સુધી પહોંચી ગઈ છે.
તેઓ ફ્રાન્સના બર્નાન્ડ આર્નૉલ્ટને પાછળ મૂકીને ધનિકોની યાદીમાં ચોથા ક્રમે પહોંચ્યા છે.
ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીએ છેલ્લા અમુક અઠવાડિયાંમાં સિલિકન વૅલીના મોટામોટા ઉદ્યોગપતિઓને પાછળ મૂકી દીધા છે.
જેમકે ઍલન મસ્ક અને આલ્ફાબેટ કંપનીના સહસંસ્થાપક સર્ગેઈ બ્રિન અને લૅરી પેજ તથા સ્ટૉક માર્કેટ ટાઇકૂન વૉરન બફેટ.
કોરોના મહામારીને કારણે આમ તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં મોટો ભાગ ભજવતા ઊર્જાઉદ્યોગને મંદીનો સામનો કરવો પડ્યો હતો.
માર્ચ મહિનામાં તેના શૅરમાં આવેલી ઘટ પછી તેની ડિજિટલ યુનિટ જિયોમાં ફેસબુક અને ગૂગલ જેવી કંપનીઓના અબજો ડૉલરના રોકાણને કારણે હવે શૅરના ભાવ બમણી સપાટીએ પહોંચી ગયા છે.
'મોદી ઝિંદાબાદ અને જયશ્રીરામ ન બોલવા બદલ માર માર્યો'
રાજસ્થાનના સીકરમાં એક 52 વર્ષીય ઑટો-રિક્શા ચાલકને 'મોદી ઝિંદાબાદ' અને 'જય શ્રીરામ' ન બોલવા બદલ માર મારવામાં આવ્યો છે. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી.
એનડીટીવી ઇંડિયા વેબસાઇટના અહેવાલ પ્રમાણે પીડિતે જણાવ્યું કે તેમના પર હુમલો કરનારા બે લોકોએ તેમની દાઢી પણ ખેંચી અને 'પાકિસ્તાન' જવા માટે કહ્યું હતું.
પોલીસે બંને હુમલાખોરોની ધરપકડ કરી લીધી છે. ગફ્ફાર અહમદ કચ્છવાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી જેમાં તેમણે કહ્યું કે આરોપીઓએ તેમની ઘડિયાળ અને પૈસા ચોરી લીધા છે.
હુમલો કરનારા લોકોએ તેમના દાંત તોડી નાખ્યા અને એક આંખે સોજા છે.
એફઆઈઆર પ્રમાણે શુક્રવાર સવારે લગભગ ચાર વાગ્યે પીડિત પાડોશના એક ગામમાં સવારી છોડીને પાછા ફરી રહ્યા હતા ત્યારે એક કારમાં સવાર બે લોકોએ તેમને રોકીને તેમની પાસે તંબાકુ માગી હતી.
તેમણે તંબાકુ આપી પણ હુમલાખોરોએ લેવાનો ઇન્કાર કરી દીધો અને કથિતરૂપે 'મોદી જિંદાબાદ' અને 'જય શ્રી રામ' બોલવા કહ્યું. તેમણે ઇન્કાર કરતાં હુમલાખોરોએ તેમને છડીથી માર માર્યો હતો.
સીકરના વરિષ્ઠ પોલીસ અધિકારી પુષ્પેન્દ્ર સિંહે સમાચાર એજન્સી પીટીઆઈને કહ્યું કે ફરિયાદ નોંધાયા પછી બે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું હતું કે આરોપીઓએ દારૂનો નશો કર્યો હતો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો