આશિષ ભાટિયા : 2002નાં રમખાણોની તપાસ કરનાર એ અધિકારી જે બન્યા ગુજરાતના પોલીસવડા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

ગુજરાત રાજ્યના નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે.

આ અંગેની જાહેરાત ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી, ભાટિયા શનિવારે રાજ્યના પોલીસવડા તરીકે ચાર્જ સંભાળશે.

ઉલ્લેખનીય છે કે શિવાનંદ ઝાનો કાર્યકાળ પૂર્ણ થયા બાદ તેમને ત્રણ મહિનાનું ઍક્સ્ટેન્શન આપવામાં આવ્યું હતું, જે 31 જુલાઈએ પૂર્ણ થતાં ભાટિયાના નામની જાહેરાત કરાઈ છે.

નવનિયુક્ત ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું, "ચાર્જ સંભાળ્યા બાદ 'કાયદો અને વ્યવસ્થા' અંગે પ્રાથમિકતા રહેશે. ક્રાઇમ-કંટ્રોલ પણ પ્રાથમિકતામાં રહેશે."

તેમણે કહ્યું, "આ ઉપરાંત અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવામાં આવશે."

આ ઉપરાંત તેમણે કહ્યું, "ત્રાસવાદને ડામવાની અને 2008ના અમદાવાદ બૉમ્બ-બ્લાસ્ટ જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય, એવા પ્રયાસો કરવામાં આવશે. "

કોણ છે આશિષ ભાટિયા?

આશિષ ભાટિયા વર્ષ 1985ની બૅચના આઈપીએસ અધિકારી છે અને તેઓ અમદાવાદના પોલીસ કમિશનર તરીકે ફરજા બજાવી રહ્યા છે.

અમદાવાદના પોલીસકમિશનર તરીકે નિમાયા એ પહેલાં આશિષ ભાટિયા ક્રાઇમ બ્રાન્ચ, સીઆઈડી તથા રેલવેપોલીસના પદો પર રહી ચૂક્યા છે.

તેઓ સુરતના પોલીસકમિશનર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

2008ના અમદાવાદ બૉમ્બ-બ્લાસ્ટના કેસને ઉકેલવમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા માટે ભાટિયા જાણીતા છે.

2002નાં રમખાણોની તપાસ

'ધ ઇકૉનૉમિક ટાઇમ્સ'ના અહેવાલ પ્રમાણે એપ્રિલ 2009માં સુપ્રીમ કોર્ટ દ્વારા 2002નાં રમખાણો મામલે તપાસ અર્થે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે SITનું ગઠન કરવામાં આવ્યું હતું.

ત્રણ સભ્યોની SITમાં નવનિયુક્ત પોલીસવડા આશિષ ભાટિયાની સાથે વર્તમાન પોલીસવડા શિવાનંદ ઝા પણ હતા.

આ ઉપરાંત ગીતા જોહરી પણ આ ટીમમાં સામેલ હતાં.

અહેવાલ પ્રમાણે 2002માં 'ગોધરાકાંડ' બાદ ગોધરા તથા ગુલબર્ગ સોસાયટી, નરોડા ગામ, નરોડા પાટિયા, સરદારપુરામાં થયેલાં રમખાણો અંગે 'તપાસ' કરવાની કામગીરી સોંપાઈ હતી.

અમદાવાદ બૉમ્બ-બ્લાસ્ટ કેસ

આશિષ ભાટિયાનું નામ 2008ના અમદાવાદ બૉમ્બ-બ્લાસ્ટ કેસ માટે પણ ચર્ચામાં રહ્યું છે.

અમદાવાદના બૉમ્બ-બ્લાસ્ટ કેસને ઉકેલવામાં તેમની મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી હોવાનું મનાય છે.

'ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના અહેવાલ પ્રમાણે વર્ષ 2008માં બૉમ્બ-બ્લાસ્ટ વખતે તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા હતા.

અહેવાલ નોંધે છે કે ઇન્ડિયન મુજાહિદ્દીન અને સિમિ જેવાં પ્રતિબંધિત સંગઠનોના સભ્યોની આ કેસમાં સંડોવણી જે-તે વખતે બહાર આવી હતી.

આ કેસને ઉકેલવામાં અને પ્રતિબંધિત સંગઠનોના સભ્યોની ધરપકડમાં તેમની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો