સ્કૂલ ફી વિવાદ : હાઈકોર્ટના નિર્દેશ બાદ શાળાઓની ફી મામલે હવે શું થશે?

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

ગુજરાત હાઈકોર્ટે ફી વસૂલાત મુદ્દે સરકાર અને ખાનગી શાળાઓના સંચાલકો વચ્ચેની મડાગાંઠને વાટાઘાટો દ્વારા ઉકેલવા માટે કહ્યું છે.

શુક્રવારે સુનાવણી શરૂ થઈ ત્યારે જ હાઈકોર્ટે ગુજરાત સરકાર દ્વારા ફી વસૂલાત નહીં કરવા મુદ્દે કાઢવામાં આવેલા પરિપત્રને રદ કરવાનું વલણ દાખવવામાં આવ્યું હતું.

જોકે ખાનગી શાળાઓ માટે ફી નહીં લેવાના સરકારના નિર્ણયને પણ હાઈકોર્ટે રદ કર્યો છે, જેથી હવે ખાનગી શાળાઓ ફી લઈ શકશે.

હાઈકોર્ટના નિર્દેશ બાદ આગામી સમયમાં આ મુદ્દે બેઠક થાય અને વિવાદ ઉકેલાવાની દિશામાં કોઈ પ્રગતિ થાય તેવી આશા રાખવામાં આવે છે.

હાઈકોર્ટે શું કહ્યું?

ઍડ્વોકેટ રાહિલ જૈન ચુકાદા વિશે વાત કરતાં કહે છે, "ત્રણ પિટિશન થઈ, એના પછી રાજ્ય સરકારે એક ગવર્મેન્ટ રિઝલ્યુશન બહાર પાડ્યો."

તેઓ કહે છે કે "જે અંતર્ગત જ્યાં સુધી ઑનલાઇન શિક્ષણ ચાલે ત્યાં સુધી ફી લેવી નહીં અને કોઈ ફી ભરી ન શકે તો પ્રવેશ રદ ન કરવો એવી વિવિધ ગાઇડલાઇન્સ બહાર પાડી હતી. જેમાં આજે અદાલતે પૅરેગ્રાફ નંબર 4 ડિલીટ કર્યો છે."

આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાત હાઈકોર્ટના મૌખિક આદેશનો સંદર્ભ ટાંકીને ગુજરાતની સ્વનિર્ભર શાળાઓને સ્કૂલો નિયમિત કાર્યરત્ ન થાય, ત્યાં સુધી વિદ્યાર્થીઓની ફી નહીં લેવા એક પરિપત્ર દ્વારા આપ્યો હતો.

ગુજરાત સરકારના આ પરિપત્ર પછી ખાનગી શાળાના સંચાલકોએ હવે ઑનલાઇન શિક્ષણ બંધ કરવાનું અને પરીક્ષા નહીં લેવાનું વલણ અપનાવ્યું હતું.

જૈન જણાવે છે કે "અદાલતે નિર્દેશ આપ્યા છે કે હવે રાજ્ય સરકાર અને શાળાસંચાલકોએ સાથે બેસીને વાલીઓ અને સંચાલકો બંનેને રાહત રહે એવા નિરાકરણ લાવવાના રહેશે."

જૈન ઉમરે છે કે "અદાલતે કહ્યું છે કે જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી શિક્ષણકાર્ય બંધ ન કરવું."

ઓલ ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહ કહે છે, "શાળાઓએ 70 ટકા જેટલી ફીની રકમ લઈ લીધી છે અને અમે ત્રણ મહિનાની ફીની માફી માટેની જ માગ કરી રહ્યા છીએ અને આ વાત અદાલત સમક્ષ અમારા વકીલે મૂકી છે."

"આ મામલે સરકાર અને સંચાલકોને સમાધાન આણવા અદાલતે કહ્યું છે, એટલે રાજ્ય સરકારને અમારી અપીલ છે કે વાલીઓને રાહત મળે એ દિશામાં કામગીરી કરે."

શાહે એવું પણ કહ્યું કે "અમારી રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પણ અપીલ છે કે શાળાઓ અને વાલીઓ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં તેઓ દખલગીરી કરે અને સમાધાન આણે."

શાળાસંચાલકોના મંડળના અર્ચિત ભટ્ટે અદાલતનો ઑર્ડર ન આવે ત્યાં સુધી આ મામલે ટિપ્પણ ન કરવાનું જણાવ્યું હતું.

શાળા સંચાલકોએ પણ શિક્ષકો, અન્ય સ્ટાફના પગાર સહિતના વિવિધ ખર્ચ કરવા માટે ફી લેવી જરૂરી હોવાનું જણાવ્યું છે.

એ પછી ગુજરાત સરકારે ફી નિયમન અધિનિયમ, શિક્ષણ વિભાગનો ઠરાવ, કેન્દ્ર સરકારની 14 જુલાઈની ડિજિટલ શિક્ષણની માર્ગદર્શિકાને ટાંકીને એક પરિપત્ર બહાર પાડ્યો.

જોકે, આ પરિપત્ર એમ પણ કહે છે કે કોરોના લૉકડાઉનમાં શાળાઓને જે ખર્ચ થયો હશે તેને આગામી વર્ષની ફી નિયત કરતી વખતે ફી નિયમન સમિતિ ધ્યાને લેશે.

ગુજરાતમાં કોરોનાને કારણે આઠ જૂનથી શરૂ થનારું શૈક્ષણિક સત્ર લંબાવવામાં આવ્યું છે.

સરકારે સ્કૂલો ચાલુ નહીં કરવાનો આદેશ કર્યો છે અને પાંચ જૂનના ઠરાવથી ખાનગી શાળાઓ અને સરકારી શાળાઓ હોમ-લર્નિંગ દ્વારા શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું નક્કી કરાયું હતું.

શું છે ફીનોવિવાદ?

આ દરમિયાન સ્કૂલો બંધ હોવા છતાં ખાનગી શાળાઓ દ્વારા શૈક્ષણિક ફી માગવામાં આવતાં વાલીમંડળો દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઇ હતી.

જેની સુનાવણી બાદ ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને રાજ્યમાં જુદી જુદી શાળાઓને આપવામાં આવતા ઑનલાઇન શિક્ષણની ચોક્કસ પદ્ધતિ નક્કી કરવા તથા ફી સહિતના પ્રશ્ને યોગ્ય ધારાધોરણ નિયત કરવા નિર્દેશ આપ્યો હતો. આ ઉપરાંત લૉકડાઉનના સમયગાળામાં સ્કૂલો દ્વારા વાલીઓ પાસેથી ઉઘરાવાતી ફી અંગે સ્પષ્ટતા કરવા અને જે વિદ્યાર્થીઓએ 30 જૂન સુધી ફી ન ભરી હોય તેમનું ઍડમિશન રદ ન કરવાનું જણાવવામાં આવ્યું હતું.

ગુજરાત હાઈકોર્ટના આ આદેશ બાદ ગુજરાત સરકારે એક ઠરાવ બહાર પાડીને જાહેરાત કરી છે કે, સરકારના ધ્યાનમાં કેટલીક બાબતો એવી આવી છે કે લોકડાઉન દરમિયાન કેટલીક ખાનગી શાળાઓ વાલીઓને ફી ભરવાની ફરજ પાડી રહી છે. એટલું જ નહીં કેટલીક ખાનગી શાળાઓ શિક્ષકો અને બિનશૈક્ષણિક કર્મચારીઓના પગાર ચુકવતી નથી અથવા તો પગારમાં 40થી 50 ટકાનો કાપ મૂક્યો છે.

ગુજરાત સરકારે કહ્યું હતું કે, કોઈ પણ ખાનગી શાળા જ્યાં સુધી પુનઃ સ્કૂલો શરૂ ન થાય ત્યાં સુધી કોઈ પણ પ્રકારની ટ્યૂશન ફી વસૂલ કરી શકશે નહીં.

સંચાલક, વાલી, વિદ્યાર્થી, સરકાર અને તકરાર

આ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં ગુજરાતના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું, "અમે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જૂન મહિનામાં આપેલા ઓરલ ઑર્ડર, ખાનગી સ્કૂલોનો ફી નિયમન ધારો અને પ્રજ્ઞતા ગાઇડલાઇન ફૉર ડિજિટલ ઍજ્યુકેશન પ્રમાણે આ ઠરાવ પસાર કર્યો છે."

"દેશમાં ઊભી થયેલી કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને 16 માર્ચથી રાજ્યની તમામ શાળાઓ બંધ રાખવાનો અમે નિર્ણય કર્યો."

"આ ઉપરાંત કેન્દ્ર સરકારે સમયાંતરે લૉકડાઉનની જાહેરાત કરી હતી. જેથી શાળાઓ પણ બંધ હતી. એટલું જ નહીં હાલની પરિસ્થિતિમાં પણ કેન્દ્ર સરકાર દ્વારા અપાયેલા નિર્દેશોના કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામા આવી."

કોરોનાને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓને કારણે કરાયેલી વૈકલ્પિક વ્યવસ્થાઓ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું હતું, આ સંજોગોમાં પાંચમી જૂને નક્કી થયા પ્રમાણે બાળકોનું શિક્ષણ ન બગડે તે માટે ઑનલાઇન વર્ગ શરૂ કરવામાં આવ્યા હતા.""આ ઉપરાંત યૂટ્યૂબના માધ્યમથી બાળકોને ભણાવવામાં આવતાં હતાં. અને સોશિયલ મીડિયાની ઍપ્લિકેશનથી બાળકો ઘરેબેઠાં શિક્ષણ લે એવી વ્યવસ્થા કરવામાં આવી હતી."

"આ સંદર્ભે સંપૂર્ણ વિચાર અને તપાસ કર્યા પછી અમારા ધ્યાનમાં આવ્યું હતું કે, કેટલીક શાળાઓ દ્વારા ફી વસૂલવામાં આવે છે અને કર્મચારીઓના વેતનમાં કાપ મુકાઈ રહ્યો છે તો 30 જૂન સુધી ફી નહીં ભરનારા કેટલાક વિદ્યાર્થીઓના ઍડમિશન રદબાતલ કરાયાંનું પણ ધ્યાનમાં આવ્યું હતું."

આ વિવાદ અંગે ગુજરાત વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું, "અમે હાઈકોર્ટમાં જે અરજી કરી હતી તેમાં અમારી માગણી સ્કૂલ બંધ હોવા છતાં ઇતર પ્રવૃત્તિને નામે લેવાતી બળજબરીપૂર્વકની ફી બંધ કરાવવાની માગણી કરી હતી."

ઑનલાઇન શિક્ષણ એ વાસ્તવિક શિક્ષણ નથી?

બીજી બાજુ સરકારના આ આદેશ અંગે ખાનગી શાળાસંચાલક મહામંડળના પ્રમુખ ભરત ગાજીપરાએ કહ્યું કે, "અમે આ અંગે ગુજરાત સરકારને જાણ કરી હતી કે, મોટા ભાગની ખાનગી શાળાઓ માત્ર વિદ્યાર્થીઓની ફી પર જ આધારિત છે."

સ્કૂલસંચાલકોની મુશ્કેલીઓ અંગે વાત કરતા કહ્યું હતું, "આત્મનિર્ભર શાળાઓને સરકારની કોઈ ગ્રાન્ટ કે અન્ય કોઈ આવક નથી. જે વાલીઓ આર્થિક રીતે સધ્ધર છે અને ફી ભરી શકે એમ છે, તે વાલીઓએ ફી ભરવી જોઈએ. કારણ કે, ખાનગી શાળાઓના કર્મચારીઓના પગારથી માંડીને લાઇટ બિલ સિવાયના જે ખર્ચ છે. એને પહોંચી વળવું મુશ્કેલ છે."

"માટે જે વાલીઓની આવક યોગ્ય હોય તેમણે ફી ભરવી જોઇએ. આ અંગે ચર્ચા કરવા માટે અમે આજે સરકારના આ નિર્ણયની સામે 15000 ખાનગી શાળાના પ્રતિનિધિઓએ વીડિયો કૉન્ફરન્સિંગથી ચર્ચા કરી હતી."

"સરકારના આ આદેશ પરથી એવું લાગે છે કે, અમે જે ઑનલાઇન શિક્ષણ આપીએ છીએ તે વાસ્તવિક શિક્ષણ નથી. જે યોગ્ય નથી."

ઑનલાઇન શિક્ષણને કોરોનાકાળમાં પરંપરાગત શિક્ષણનો વિકલ્પ ગણાવતાં દલીલ આપી હતી કે, "વાસ્તવમાં દેશની 16થી વધુ રાજ્યોની અદાલતોના આદેશ છે કે, ઑનલાઇન શિક્ષણ એ જ કોરોનાકાળનો વિકલ્પ છે અને ઑનલાઇન શિક્ષણ આપનાર ખાનગી શાળાઓને ફી મળવી જોઇએ. કારણ કે ખાનગી શાળાઓ પણ છેલ્લા ચાર મહિનાથી આર્થિક સંકટનો સામનો કરી રહી છે."

"શાળાઓના શિક્ષકો અને અન્ય કર્મચારીઓના પગારના ખર્ચને કારણે ખાનગી શાળાઓ પણ આર્થિક ભીંસ ભોગવી રહી છે."

ખાનગી શાળાઓએ સરકારના પરિપત્ર બાદ ઑનલાઇન શિક્ષણ અટકાવી દીધું હતું અને એકમ પરીક્ષા પણ નહીં લેવાની વાત કહી હતી.

જેની સામે રાજ્ય સરકારે તમામ વર્ગોનો પોતે ઑનલાઇન અભ્યાસ કરાવવાની વાત કહી હતી, જેથી ગજગ્રાહ વકર્યો હતો.

સરકાર અને શાળાઓના ઘર્ષણમાં વિદ્યાર્થીઓને થશે ગેરલાભ?

સરકાર અને શાળાઓ વચ્ચે ચાલી રહેલા આ ઘર્ષણને કારણે વાલીઓની મુસીબત વધી ગઈ.

વાલીઓ માટે હવે નવી મુસીબત ઊભી થઈ છે. ઑગસ્ટ મહિનાથી કેટલીક શાળાઓ નવમા અને 11મા ધોરણના વિદ્યાર્થીઓની ઑનલાઇન પરીક્ષા લેવાની હતી. પરંતુ ખાનગી શાળાઓએ શૈક્ષણિક કાર્યો બંધ કરવાનું વલણ દાખવ્યું હતું. વિદ્યાર્થી પ્રેમ પંડ્યાના પિતા કલ્પેશ પંડ્યા જણાવે છે કે, "મારો દીકરો નવમા ધોરણમાં ભણે છે. એની સ્કૂલની ફી ભરી છે. એનો દસમાનો બેઝ નવમા ધોરણથી શરૂ થાય છે. જે એની કારકિર્દી માટે અગત્યનો છે."

"આ સંજોગોમાં ખાનગી શાળાના સંચાલકો આ પ્રકારે ભણાવવાનું બંધ કરે તો અમારાં બાળકોનું ભવિષ્ય શું?"

શાળાઓ દ્વારા ઑનલાઇન શિક્ષણ બંધ કરવાના આ નિર્ણયને ઘાતક ગણાવતાં કહ્યું હતું કે, "અમે શાળાઓમાં ફી ભરી દીધી છે. એટલું જ નહીં બાળકોને ઑનલાઇનની સાથે પુસ્તકથી સરખું શિક્ષણ મળે તે માટે પુસ્તકો પણ ખરીદ્યાં છે.""આ સંજોગોમાં શિક્ષણ બંધ કરવાનો નિર્ણય અમારાં બાળકો માટે ઘાતક પુરવાર થઈ શકે એમ છે. કારણ કે, એમનો દસમા ધોરણનો બેઝ ના બને ત્યાં સુધી એ આગળની કોમ્પિટિટિવ એક્ઝામમાં કેવી રીતે ભણી શકશે એ પણ એક સવાલ છે."

"આ સંજોગોમાં સરકારે વચલો રસ્તો કાઢી અમારાં બાળકોનું શિક્ષણ ચાલુ રહે એવી વ્યવસ્થા કરવી જોઈએ."

બીજી તરફ 11માં ધોરણમાં ભણતા પૂર્ણેશ મોદીના પિતા જયેશ મોદી હાલ ચાલી રહેલા વિવાદ અંગે ચિતા વ્યક્ત કરતાં કહે છે કે, "12મા ધોરણનો પાયો 11મું ધોરણ છે. અત્યારે અમારાં બાળકોની પરીક્ષા લેવાવાની હતી. અમે ખાનગી શાળામાં ફી પણ ભરી છે. તેમ છતાં આ પરીક્ષાઓ રદ કરાઈ રહી છે. આ સિવાય અમે ખાસ્સા પૈસા ખર્ચીને ટેક્સ્ટબુકો પણ લઈ આવ્યા છીએ."

"જેથી એમને સારું શિક્ષણ મળી શ,. પરંતુ હવે આ લડાઈમાં સ્કૂલ ક્યારે ચાલુ થશે એ ખબર નથી અને બાળકોનું ભણતર આના કારણે વધુ જોખમમાં આવી જશે."

સરકાર અને ખાનગી શાળાઓની લડાઈ વચ્ચે વાસ્તવમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની હાલત કફોડી થઈ ગઈ હતી.

કારણ કે, હવેથી ઑનલાઇન શિક્ષણ અટકી ગયું અને ઑગસ્ટ મહિનાની પરીક્ષા પર પણ જોખમ ઊભું થયું, જેથી એમના અભ્યાસક્રમ પર મોટી અસર ઊભી થઈ.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો