ભારત ચીન સીમાવિવાદ : વાસ્તવિક નિયંત્રણરેખા ઉપર કોણ કેટલું તાકતવર

    • લેેખક, પ્રતીક જાખડ
    • પદ, બીબીસી મોનિટરિંગ

હિમાલયના સરહદી વિસ્તારોમાં માર્ગ નિર્માણ માટે ભારત અને ચીન વચ્ચે સ્પર્ધા જામી છે અને બંને એકબીજાથી આગળ નીકળી જવા માટે પ્રયાસરત છે. જૂન-2020માં ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે અથડામણ થઈ હતી.

ભારતે પોતાના ઍરબેઝ તરફ જતા નવા રસ્તાનું નિર્માણ હાથ ધર્યું તેના કારણે વિવાદ ઊભો થયો હતો, જેણે અથડામણનું સ્વરુપ ધારણ કરી લીધું. એ ઘટનામાં ભારતના ઓછામાં ઓછા 20 સૈનિક મૃત્યુ પામ્યાં હતાં.

255 કિલોમીટર લાંબો 'ડારબુક-શ્યોક-દૌલત બેગ ઑલ્ડી' (DSDBO) પહાડી વિસ્તારમાંથી પસાર થઈને દરિયાઈ સપાટીથી લગભગ 500 હજાર મીટરની ઊંચાઈ લદ્દાખમાં આવેલા દુનિયાના સૌથી ઊંચા રનવે સુધી પહોંચે છે.

લગભગ બે દાયકા સુધી આ રસ્તાનું નિર્માણકાર્ય ચાલ્યું હતું, જે ગત વર્ષે પૂર્ણ થયું હતું.

યુદ્ધની સ્થિતિમાં ભારતીય સૈનિકો તથા શસ્ત્રસરંજામની ઝડપભેર હેરફેર થઈ શકે, તે માટે આ રસ્તાનું નિર્માણકાર્ય થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે.

લદ્દાખની ગલવાન ઘાટીમાં તા. 15મી જૂને થયેલી હિંસક અથડામણ બાદ એ બાબતની ચિંતા વધી ગઈ છે કે પરમાણુ હથિયારથી સંપન્ન બે રાષ્ટ્ર વચ્ચેનો તણાવ ભવિષ્યમાં વિસ્ફોટક સ્થિતિ ઊભી કરી શકે છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા

લગભગ સાડા ત્રણ હજાર કિલોમીટર લાંબી સરહદ પર ક્યાં કોની શું સ્થિતિ છે, તે અંગે બંને દેશ ક્યારેય એકબીજા સાથે એકમત નથી થયા.

બંને દેશો વચ્ચેની સરહદ અનેક દુર્ગમ સ્થળોએથી પસાર થાય છે અને દુનિયાની બે મોટી સેનાઓ અમુક ઠેકાણે લગભગ સામસામે જ છે.

ભારત અને ચીન વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે પોતાના વિસ્તારોમાં ઍરફિલ્ડ (હવાઈપટ્ટી), રેલવે લાઇન તથા રસ્તાના નિર્માણ માટે નાણા તથા માનવસંસાધન કામે લગાડ્યા છે.

આ સાથે જ આ વિસ્તારમાં સૈન્ય સુવિધાઓનું આધુનિકરણ પણ હાથ ધરવામાં આવ્યું છે.

વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે એવી વિભાજન રેખા, જેને બંને દેશ આંતરરાષ્ટ્રીય સરહદ તરીકે સ્વીકારતા નથી, પરંતુ એ રેખા બંને દેશોને અલગ કરે છે એવું બંને પક્ષ માને છે.

હાલમાં ભારત દ્વારા ડી.એસ.ડી.બી.ઓ રોડ સહિત જે કોઈ નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યા છે, તેનાથી ચીન નારાજ છે.

જોકે, ચીને વર્ષોથી પોતાના સરહદી વિસ્તારોમાં ભારે નિર્માણકાર્ય કર્યું છે. બંને દેશ એકબીજાની નિર્માણપ્રવૃત્તિને આગળ નીકળી જવાની પ્રવૃત્તિ તરીકે જુએ છે, એટલે જ જ્યારે કોઈ એક પક્ષ દ્વારા મોટા પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે તણાવ વકરી જાય છે.

ડોકલામ વિવાદ

વર્ષ 2017માં ઉનાળા દરમિયાન ડોકલામમાં બંને દેશ વચ્ચે વિવાદ વકરી ગયો હતો. ડોકલામનો વિવાદ પણ સરહદી વિસ્તારમાં નિર્માણકાર્ય અંગેનો હતો.

એ સમયે ચીને ભારત-ચીન અને ભૂટાનની સરહદ પરના ટ્રાઈ-જંક્શન પાસે માર્ગનિર્માણ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

દોલત બેગ ઑલ્ડી ઍરબેઝ તરફ જતા રસ્તાનું નિર્માણકાર્ય પૂર્ણ થવાથી લદ્દાખ વિસ્તારમાં ભારતની સ્થિતિ મજબૂત બની છે. ભારત ઝડપભેર આ વિસ્તારમાં સામગ્રી પહોંચાડી શકે છે. વર્ષ 2008માં દોલત બેગ ઑલ્ડી ઍરબેઝને ફરી શરૂ કરવામાં આવ્યું હતું.

આ રસ્તો બારેમાસ ખુલ્લો રહે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. કારાકોરમ ઘાટથી 20 કિલોમીટરના અંતરે આવેલો આ રસ્તો પશ્ચિમ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખાને સમાંતર પથરાયેલો છે.

દોલત બેગ ઑલ્ડી ખાતે ભારતીય સૈનિકો લાંબા સમયથી તહેનાત છે, પરંતુ હવાઈપટ્ટીને ફરી શરૂ કરવામાં આવી અને માર્ગ બન્યો તે પહેલા આ બેઝ સુધી સેનાના હેલિકૉપ્ટર મારફત જ સાધનસામગ્રી પહોંચાડવામાં આવતી હતી.

અહીંથી નકામી થયેલી સામગ્રીને હઠાવવામાં મુશ્કેલી પડતી હોવાથી તે જાણે સૈન્યસામગ્રીનું કબ્રસ્તાન બની ગયું હતું.

ભારતની નિર્માણ પ્રવૃત્તિ

આ રસ્તાને અંતરિયાળ વિસ્તારોમાં આવેલા સપ્લાય સેન્ટર સાથે જોડવા માટે તથા સરહદી વિસ્તારોમાં આવેલી ચોકીઓ સાથે પૂરક રસ્તાઓ અને પુલોનું નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે.

જેનાથી ભારતીય સૈનિકોને આગળ વધવામાં તથા વ્યૂહાત્મક રીતે પોતાની સ્થિતિ મજબૂત કરવમાં મદદ મળશે.

તાજેતરની અથડામણ છતાં ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે સરહદી વિસ્તારમાં માળખાકીય સુવિધાઓને વધારવાનું કામ ચાલુ રાખશે.

ઝારખંડમાંથી 12 હજાર શ્રમિકોને લદ્દાખ, હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં માર્ગનિર્માણની કામગીરી માટે લગાડવાની કામગીરી ચાલુ છે.

ભારતમાં સરહદી વિસ્તારોમાં જરૂરી માળખાકીય સુવિધાને વર્ષો સુધી અવગણવામાં આવી હતી. હવે નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે, જેથી કરીને ચીનનો હાથ ઉપર ન રહે. ભારતે સરહદીય વિસ્તારોમાં મોટાપાયે માર્ગનિર્માણ તથા રેલવે લાઇન નાખવાની કામગીરી હાથ ધરી છે.

અલગ-અલગ સૅક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખાની આ બાજુએ વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા 73 રસ્તા તથા 125 પુલના નિર્માણકાર્યને મંજૂરી આપવામાં આવી છે.

જોકે, નિર્માણકાર્ય ધીમું છે અને માત્ર 35 રસ્તા જ બન્યા છે.

ઍડવાન્સ લૅન્ડિંગ ગ્રાઉન્ડ્સ

ઉત્તરાખંડમાં ઘાટીબાગઢ-લિપુલેખ તથા અરુણાચલ પ્રદેશમાં ડામ્પિંરગ-યાંગ્ત્ઝી રોડ મુખ્ય છે.

આ વર્ષના અંતભાગ સુધીમાં 11 રસ્તાનું નિર્માણકાર્ય પૂર્ણ થઈ જાય એવી શક્યતા છે.

ભારતે રણનીતિની દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ હોય એવી નવ રેલવેલાઇન નાખવાને મંજૂરી આપી દીધી છે, જેમાં મિસામારી-તેંગા-તવાંગ તથા બિલાસપુર-મંડી-મનાલી લેહ રેલવેલાઇન મહત્ત્વપૂર્ણ છે.

આ રેલવે લાઇન ચીન સાથે જોડાયેલી એલ.એ.સી. પાસેથી પસાર થાય છે, જેનાથી સૈન્ય સામગ્રીની હેરફેરમાં સરળતા રહેશે.

ઍરબેઝની વાત કરીએ તો એલ.એ.સી પાસેના સરહદી વિસ્તારમાં હાલ ભારત પાસે 25 ઍરબેઝ છે, છતાં ઍડવાન્સ લૅન્ડિંગ ગ્રાઉન્ડ વિકસાવવા ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે.

હજુ ઘણું બાકી છે...

વર્ષ 2018માં ભારતે જાહેરાત કરી હતી કે તે વર્તમાન આઠ ઍ઼઼ડવાન્સ લૅન્ડિંગ ગ્રાઉન્ડને આધુનિક બનાવશે તથા સરહદી વિસ્તારમાં નવા સાત એ.એલ.જી. તૈયાર કરાશે

ચીનની સરહદે આસામના ચાબુઆર ઍરબેઝ ખાતે સુખોઈ-30 જેવા આધુનિક ફાઇટર જેટ તથા ચેતક હેલિકૉપ્ટર તહેનાત છે.

આ ઍરબેઝના આધુનિકીકરણની કામગીરી તાજેતરમાં જ પૂર્ણ થઈ હતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતની સ્થિતિમાં ઘણો સુધાર જોવા મળ્યો છે, પરંતુ ભૂમિ અધિગ્રહણ, દુર્ગમ વિસ્તાર તથા નોકરશાહીને કારણે તેમાં અનેક અડચણો આવી રહી છે.

જોકે ચીનની તોલે આવવા માટે ભારતે હજુ ઘણુંબધું કરવાની જરૂર છે.

ચીનનો હાથ ઉપર

ચીને વાસ્તવિક નિયંત્રણ રેખા પાસે ઍરબેઝ, સૈન્ય છાવણી તથા અન્ય માળખાકીય સુવિધા મોટાપાયે વિકસાવી છે.

1950ના દાયકામાં જ ચીને આ વિસ્તારોમાં નિર્માણકાર્ય હાથ ધર્યું હતું. આ વિસ્તારોમાં ચીને કરેલો વિકાસ જગજાહેર છે. ચીને તેના તાબા હેઠળના તિબેટ તથા યુન્નાનમાં રસ્તા અને રેલવે લાઇનોનું જાળું પાથરી દીધું છે.

વર્ષ 2016 પછી ભારત, ભૂટાન અને નેપાળના સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધા ઉપર સવિશેષ ધ્યાન આપ્યું છે.

ચીને જૂના શિનજિયાંગ-તિબેટ રોડને નેશનલ હાઈવે જી219 સાથે જોડવાની કામગીરી હાથ ધરી છે. જે ભારત-ચીન સીમાને સમાંતર ચાલે છે.

અરુણાચલ પ્રદેશ પાસે મેડોગ તથા જાયુ વિસ્તારને જોડવા માટે ચીને પાક્કો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરી છે, જે આ વર્ષના અંતભાગ સુધીમાં પૂર્ણ થઈ જશે.

તિબેટના બીજા સૌથી મોટા શહેર શિગાત્સેને ચેંગદુ સાથે જોડનારી અન્ય એક રેલવેલાઇન સાથે જોડવાનું નિર્માણકાર્ય પણ ચાલુ છે. આ રેલવે લાઇન ભારતની સીમા પાસે આવેલા નિઇંગ્ચી વિસ્તારમાંથી પસાર થશે. આ સિવાય શિગાત્સે તથા યાડોંગની વચ્ચે એક રેલવે લાઇનની યોજના પણ પ્રસ્તાવિત છે.

ભારતની વાયુસેના સારી અવસ્થામાં

યાડોંગ ભારરતના સિક્કિમની નજીક આવેલું છે. આ વર્ષે મે મહિનાના શરૂઆતના ભાગમાં ભારત તથા ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી.

ચીનના લગભગ એક ડઝન ઍરબેઝ ભારતકેન્દ્રિત છે, જેમાં ચીનના પાંચ ઍરપૉર્ટ પણ સમાવિષ્ટ છે, જેનો ઉપયોગ નાગરિક તથા સૈન્ય હેતુઓ માટે કરવામાં આવે છે. લ્હાસાર, શિગાત્સે અને નગારી ગુનસા ઍરપૉર્ટને અંડગ્રાઉન્ડ ઠેકાણા તથા નવા રનવેના નિર્માણકાર્ય દ્વારા અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. ત્રણ નવા ઍરપૉર્ટનું નિર્માણકાર્ય પણ ચાલુ છે.

રિપોર્ટ્સ મુજબ નગારી ગુનસા ઍરબેઝ ખાતે અત્યાધુનિક ફાઇટર જેટ તથા જમીનથી હવામાં પ્રહાર કરી શકે તેવી મિસાઇલોને તહેનાત કરવામાં આવ્યા છે.

નગારી ગુનસા ઍરબેઝ દરિયાની સપાટીથી લગભગ 14 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. જે પાંગોંગ સરોવરથી લગભગ 200 કિલોમીટર દૂર આવેલું છે. હાલમાં પાંગોગ સરહદ વિશે પણ વિવાદ ચાલી રહ્યો છે.

સૈન્ય નિષ્ણાતોના કહેવા પ્રમાણે, વાયુદળની દૃષ્ટિએ ભારતનો હાથ ઉપર છે. કારણ કે તેના હવાઈમથક વાસ્તવિક નિયંત્રણરેખાથી દૂર છે અને વધુ ઊંચાઈ ઉપર આવેલા છે.

જેનો અર્થ એ થયો કે તેમાં ઓછું ઇંધણ ભરી શકાય તથા ઓછું વજન લઈને તે ઉડી શકે.

સુવિધા અને સંદેહ

આંતરરાષ્ટ્રીય સરહદ તથા એલ.એ.સી. ઉપર જે કોઈ નિર્માણકાર્ય હાથ ધરવામાં આવ્યું છે, તેનો મુખ્ય હેતુ સંઘર્ષ કે યુદ્ધ થાય ત્યારે સૈનિકો તથા શસ્ત્રસરંજામની ઝડપભેર હેરફેર કરવાનો છે.

સેન્ટર ફૉર ન્યૂ અમેરિકન સિક્યૉરિટીએ વર્ષ 2019માં હાથ ધરેલા અભ્યાસ મુજબ, "જ્યારે માળખાકીય સુવિધાનું કામ પૂર્ણ થઈ જશે, ત્યારે ભારતીય સૈનિક વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ વિસ્તારોમાં સરળતાથી અવરજવર કરી શકશે."

લાંબા સમય સુધી ભારતે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાઓનો વધારો નહોતો કર્યો. કારણ કે તેનું માનવું હતું કે સંઘર્ષની સ્થિતિમાં ચીનના સૈનિકોને અંદર સુધી પ્રવેશવામાં સરળતા થઈ જાય. પરંતુ હવે એવું લાગે છે કે ભારત એ દલીલ ઉપરથી પરત ફરી રહ્યું છે.

બંને દેશ હજુ સુધી એક જ વખત 1962માં યુદ્ધ લડ્યા છે, જેમાં ભારતનો કારમો પરાજય થયો હતો.

ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફેલો રાજેશ્વરી પિલ્લાઈના કહેવા પ્રમાણે, "ભારતે સરહદી વિસ્તારોમાં માળખાકીય સુવિધાનો વિકાસ હાથ ધર્યો છે, જે ચીનની સંરક્ષણલક્ષી તૈયારીઓના જવાબ સમાન છે."

"ચીન દ્વારા જે નિર્માણકાર્ય કરવામાં આવ્યું છે, તેને જોખમ તરીકે જોવામાં આવે છે. જેના કારણે સંઘર્ષની સ્થિતિમાં ચીનને આક્રમક કાર્યવાહી હાથ ધરવામાં સરળતા રહે અને તે પોતાના સૈનિકોને સહેલાઈથી મોરચા સુધી લાવી શકે છે."

"ચીનની પેશકદમી સામે ખરાબ માળખાકીય સુવિધાને કારણે ભારતે હંમેશા હાલાકી ભોગવવી પડી છે."

ચીને હંમેશા પેશકદમીની વાતને નકારી છે અને ભારતની ઉપર વાસ્તવિક નિયંત્રણરેખાનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે.

ગત ત્રણ દાયકા દરમિયાન સરહદી વિવાદને ઉકેલવા માટે અનેક રાઉન્ડની બેઠક થઈ છે, પરંતુ તેમાં કોઈ ઉકેલ નથી નીકળ્યો.

દરમિયાન ચીનનું સરકારી મીડિયા એ વાતને ભારપૂર્વક જણાવે છે કે તે સરહદી વિસ્તારોમાં કેટલું ઝડપભેર સૈનિક તથા સૈન્ય સામગ્રી મોકલી શકે છે.

બંને દેશોએ જે પ્રમાણમાં સરહદી વિસ્તારમાં રસ્તા અને રેલવેની લાઇનો પાથરી છે, તેનાથી એ વાતની આશંકા વધી જાય છે કે આગામી સમયમાં પણ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વધુ સૈન્ય અથડામણો થાય.

(બીબીસી મોનિટરિંગ દુનિયાભરના ટીવી, રેડિયો, વેબ અને પ્રિન્ટ માધ્યમોમાં પ્રકાશિત થતા સમાચારોનું રિપોર્ટિંગ તથા વિશ્લેષણ કરે છે. આપ બીબીસી મોનિટરિંગના સમાચાર ટ્વિટર તથા ફેસબૂક પર પણ વાંચી શકો છો.)

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો