You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દેવામાં ડૂબેલા અનિલ અંબાણી રફાલ 'ઉડાવી' શકશે?
- લેેખક, પ્રશાંત ચહલ
- પદ, બીબીસી સંવાદદાતા
રૂપિયા બે હજાર 892 કરોડની બાકી નીકળતી રકમનું ચૂકવણું કરવામાં નિષ્ફળ રહેતાં પ્રાઇવેટ સૅક્ટરની યસ બૅન્કે અનિલ અંબાણી જૂથના મુખ્યાલયને પોતાના કબજામાં લઈ લીધું છે.
સાથે જ બૅન્કે અખબારમાં જાહેર નોટિસ બહાર પાડીને જણાવ્યું છે કે અનિલ અંબાણી જૂથની 'રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર' દેવું ચૂકવવામાં નિષ્ફળ રહી છે, જેથી દક્ષિણ મુંબઈમાં આવેલા તેના બે ફ્લૅટને પણ તાબા હેઠળ લીધા છે.
અનિલ ધીરુભાઈ અંબાણી ગ્રૂપ (એ.ડી.એ.જી.)ની લગભગ બધી કંપનીઓ મુંબઈના સાંતાક્રૂઝ ખાતે આવેલા 'રિલાયન્સ સેન્ટર' ખાતેથી ચાલે છે. જોકે ગત અમુક વર્ષ દરમિયાન ગ્રૂપની કંપનીઓની આર્થિક સ્થિત કથળી છે.
જૂથની અમુક કંપનીઓએ દેવાળું ફૂંક્યું છે, જ્યારે અમુક કંપનીઓમાં ભાગીદારી આપવી પડી છે.
યસ બૅન્કનું કહેવું છે કે તા. છઠ્ઠી મેના દિવસે તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ 60 દિવસની નોટિસ છતાં ADAGએ બાકી નીકળતી રકમ ચૂકવી ન હતી, એટલે 22મી જૂને તેની ત્રણેય સંપત્તિ કબજામાં લઈ લેવામાં આવી છે.
બૅન્કે જાહેર ચેતવણી આપી છે કે આ સંપત્તિઓ અંગે કોઈ લેણદેણ ન કરે.
રફાલ અને દેવું
ન્યૂઝ એજન્સી પીટીઆઈના રિપોર્ટ મુજબ, 21 હજાર 432 વર્ગમીટરમાં ફેલાયેલા મુખ્યાલયને ભાડાપટ્ટે આપવા માટે ગત વર્ષે ADAGએ પ્રયાસ કર્યા હતા, જેથી કરીને દેવું ચૂકવવા માટેની રકમ એકઠી કરી શકાય.
સોશિયલ મીડિયા ઉપર ઘણા લોકો આ સમાચારને ભારતના રફાલ સોદા તથા તેમાં અનિલ અંબાણીની ભૂમિકા સાથે જોડીને જુએ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાઈઓ વચ્ચે સંપત્તિનું વિભાજન થયા બાદ અનિલ અંબાણીનો કોઈ પણ ધંધો ચાલ્યો ન હતો અને તેમની ઉપર ભારે દેવું છે. તેઓ કશું નવેસરથી કરી શકે તેમ નથી.
અનિલ અંબાણી તેમના મોટાભાગના વેપારધંધા સંકેલી રહ્યા છે અથવા તેને વેચી રહ્યા છે. રફાલનો કૉન્ટ્રેક્ટ તેમને મળ્યો, પરંતુ તે પણ વિવાદમાં સપડાઈ ગયો અને હવે યસ બૅન્કે તેમના માટે નવી મુસિબત ઊભી કરી છે.
ઉલ્લેખનીય છે કે રફાલ વિમાન બનાવનારી દસૉ ઍવિએશને અનિલ અંબાણીની રિલાયન્સ ઍરોસ્ટ્રક્ચર લિમિટેડને ઑફસેટ પાર્ટનર બનાવી છે, જેના કારણે અમુક સવાલ ઊભા થયા છે.
વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે હિંદુસ્તાન ઍરોનોટિકલ લિમિટેડને બદલે દેવાળિયા થઈ ગયેલા અનિલ અંબાણીની કંપની સાથે રૂ. 30 હજાર કરોડનો કરાર કેમ કરવામાં આવ્યો?
ત્યારે એ પણ સવાલ ઊઠે છે કે સંરક્ષણ સોદાની શરતોને પૂર્ણ કરી શકશે કે કેમ ?
આર્થિક બાબતોના જાણકાર તથા વરિષ્ઠ પત્રકાર આલોક જોશીના કહેવા પ્રમાણે, 'અગાઉ પણ આ મુદ્દો ઊભો થયો હતો, જે વધુ ગંભીર બની ગયો છે.'
જોશીના કહેવા પ્રમાણે, "લંડનની કોર્ટમાં અનિલ અંબાણીએ કહ્યું હતું કે આપવા પાસે તેમની પાસે કંઈ નથી. આથી એ સવાલ ઊભો થાય છે કે શું અનિલ અંબાણીને ભારતના આટલા મોટા સંરક્ષણસોદામાં ભાગીદાર રાખવા જોઈએ?"
"આંતરરાષ્ટ્રીય સ્તરે આવી રીતે દેવાળું ફૂંકનારાઓને સામેલ કરવામાં નથી આવતા."
સંરક્ષણક્ષેત્રે નહીં જેવો અનુભવ ધરાવનારી અનિલ અંબાણીની કંપની 'રિલાયન્સ ડિફેન્સ'ને આ સોદામાં સામેલ કરવા ઉપર પણ હોબાળો થયો હતો. વિપક્ષે આરોપ મૂક્યો હતો કે 'આ સોદો ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપનારો છે.'
આલોક જોશીના કહેવા પ્રમાણે, "અગાઉ માત્ર અંબાણીની કંપનીના અનુભવ વિશે જ વાત હતી, જેના જવાબમાં ભારત સરકારે કહ્યું હતું કે ફ્રાન્સની કંપની 'દસૉ ઍવિએશન'એ માત્ર અંબાણીને જ નહીં, પરંતુ અન્ય ભારતીય કંપનીઓને પણ ભાગીદાર બનાવી છે."
"અનિલ અંબાણીની કંપનીનો દાવો છે કે 'અમે આ સોદામાં નિર્ણાયક ભાગીદાર છીએ.' આમાં ભારત સરકારની શું ભૂમિકા છે, તેના વિશે ટીમ-મોદી કશું નથી બોલતી."
"આ મુદ્દે સવાલ ઉઠતો ત્યારે તેને 'પવિત્ર મુદ્દા' જેવો બનાવી દેવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે 'દેશની સુરક્ષાને લગતો મુદ્દો છે અને આ વિશે કશું સાર્વજનિક કરવામાં નહીં આવે.' તો પછી સવાલ એ ઊઠે છે કે જો આ સોદ્દો ખરેખર એટલો મહત્ત્વપૂર્ણ હોય તો પછી ડૂબવાને આરે ઊભેલી કંપનીને શા માટે સાથે લેવામાં આવી છે."
આલોક જોશી એ વાત ઉપર આશ્ચર્ય વ્યક્ત કરે છેકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિદેશની સફર ખેડે ત્યારે અમુક વેપારી તેમની સાથે જાય છે. ત્યાં યોજાનારા કાર્યક્રમોમાં પણ તેમની સાથે જોવા મળે છે.
તેમાં અંબાણી, અદાણી અને જિંદાલ પણ હોય ચે, છતાં સરકાર એવું કહે છે કે આ પ્રકારમાં તેની કોઈ ભૂમિકા નથી હોતી.
બે વર્ષ દરમિયાન વિપક્ષે એવો મુદ્દો ઉઠાવ્યો હતો કે 'સંરક્ષણસોદામાં અંબાણીની 'નવસવી કંપની'ને એચ.એ.એલ. કરતાં વધુ મહત્ત્વ કેમ અપાયું?'
આલોક જોશી કહે છે, "અંબાણીની જે ઇમારતને યસ બૅન્કે કબજામાં લીધી છે, તે વાસ્તવમાં વીજ વિતરણ કરતી કંપની બી.એસ.ઈ.એસ. (બૉમ્બે સબઅર્બન ઇલેક્ટ્રિક સપ્લાય)ની હતી. અંબાણીએ તેની પાસેથી આ જગ્યા ખરીદી હતી."
"મુંબઈમાં BEST (બૃહણ મુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય ઍન્ડ ટ્રાન્સપૉર્ટ), ટાટા તથા રિલાયન્સ પાવર વીજ વિતરણનું કામ કરતા હતા. અંબાણીનો વીજ વિતરણનો ધંધો અદાણીએ ખરીદી લીધો છે. આ ઉદ્યોગપતિઓ સરકારની સાથે હોય તેવી દેખાય છે અને તેમની વચ્ચે જ સોદા થતા રહે છે."
"તેમની વચ્ચે અંદરખાને શું ચાલે છે, તે કહેવું મુશ્કેલ જણાય છે. રફાલ મુદ્દે કાલે ફરી સરકાર સામે સવાલ ઊભા થાય તો તે એમ કહી શકે છે કે અંબાણી મુશ્કેલીમાં છે તો તે દસૉ ઍવિશેન તેની ચિંતા કરે અથવા અંબાણી આ સોદો અન્ય કોઈને વેંચી દે."
મુકેશ કરતાં અનિલ આગળની આગાહી
મુકેશ તથા અનિલ અંબાણીની વચ્ચે સંપત્તિનું વિભાજન થયું, તેના બે વર્ષ પછી સુધી, એટલે કે વર્ષ 2007માં 'ધનવાનોની યાદી'માં બંને ભાઈ ટોચ ઉપર હતા.
ફૉબ્સની યાદી મુજબ, મોટાભાઈ મુકેશ અંબાણી 49 અબજ ડૉલર, જ્યારે અનિલ અંબાણી 45 અબજ ડૉલરની સંપત્તિના માલિક હતા.
2008માં રિલાયન્સ પાવરનો પબ્લિક ઇસ્યુ આવ્યો, તે પહેલાં એવું માનવામાં આવતું હતું કે મુકેશ અંબાણી કરતાં અનિલ આગળ નીકળી જશે.
એવી અટકળો હતી કે 'આ તેમનો મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ છે અને એક શૅરની કિંમત રૂ. એક હજાર ઉપર પહોંચી જશે.' જો એવું થયું હોત તો ખરેખર મુકેશ કરતાં અનિલ અંબાણી આગળ નીકળી ગયા હોત.
એક દાયકા પહેલાં અનિલ અંબાણી સૌથી ધનવાન ભારતીય બનવાની અણિ ઉપર હતા. એ સમયે તેમના ઉદ્યોગો વિશે એવું કહેવાતું હતું કે 'તેમનો દરેક વેપાર વિસ્તરી રહ્યો છે અને અનિલ તેનો લાભ લેવા માટે તૈયાર છે.'
આર્થિક બાબતોના જાણકાર એવું માનતા હતા કે 'અનિલની પાસે દૂરંદેશી અને જોશ છે. તેઓ 21મી સદીના ઉદ્યમી છે અને તેમના નેતૃત્વમાં ભારતમાં એક મોટી બહુરાષ્ટ્રીય કંપની ઊભી થશે.'
અનેક લોકોને એવું લાગતું હતું કે અનિલ તેમના ટીકાકારો તથા મોટાભાઈને ખોટા સાબિત કરી દેશે, પરંતુ એવું ન થયું.
જ્યાર સુધી ધીરુભાઈ જીવિત હતા, ત્યાર સુધી અનિલ અંબાણીને નાણાબજારના સ્માર્ટ ખેલાડી માનવામાં આવતા હતા. તેમને માર્કેટ વૅલ્યુએશનની આર્ટ તથા સાયન્સ એમ બંનેના નિષ્ણાત માનવામાં આવતા હતા.
એ સમયે મુકેશની સરખામણીએ અનિલ વધુ પૉપ્યુલર હતા.
દેવાના દબાણમાં દબાયા
વર્ષ 2002માં ધીરુભાઈ અંબાણીનું નિધન થયું. તે સમયે અને તેના થોડા સમય પછી પણ કંપનીની ઉત્તરોત્તરના ચાર મુખ્ય કારણ હતા. મોટી યોજનાઓનું સફળ સંચાલન, સરકારો સાથે સારું સામંજસ્ય, મીડિયા મૅનેજમૅન્ટ તથા આશાઓ પર પાર ઉતરવું.
મુકેશ અંબાણીએ પણ પિતાની જેમ ચારેય બાબતોનું ધ્યાન રાખ્યું, પરંતુ અનિલ કોઈ ને કોઈ કારણસર પાછળ રહી ગયા.
1980-90 દરમિયાન ધીરુભાઈએ રિલાયન્સ ગ્રૂપ માટે બજારમાંથી સતત પૈસા ઊભા કર્યા. તેમના શૅરની કિંમત હંમેશા સારી રહી, જેના કારણે રોકાણકારોનો તેમનામાં વિશ્વાસ જળવાઈ રહ્યો.
ગત દાયકા દરમિયાન નફાના જોરે ભારે વિસ્તાર કર્યો. બીજી બાજુ, વર્ષ 2010માં ગૅસના કેસનો ચુકાદો અનિલ અંબાણીની તરફેણમાં ન આવ્યો, આ સિવાય રિલાયન્સ પાવરના ભાવ સતત ગગડતા રહ્યા. આને કારણે અનિલ અંબાણીનો માર્ગ મુશ્કેલ બની ગયો.
આ સંજોગોમાં અંબાણી પાસે ભારતીય તથા વિદેશી બૅન્કો તથા નાણાસંસ્થાઓ પાસેથી લૉન લેવા સિવાય કોઈ વિકલ્પ ન રહ્યો.
એક દાયકા દરમિયાન મોટાભાઈનો કારોબાર વિસ્તરતો રહ્યો, જ્યારે નાના ભાઈની કંપનીઓ ઉપર દેવું વધતું ગયું. ફૉર્બ્સની યાદી મુજબ, છેલ્લા 10 વર્ષથી મુકેશ અંબાણી સૌથી ધનવાન ભારતીય છે.
અનિલ અંબાણીનું ડૂબવું અસામાન્ય
આજની તારીખે અનિલ અંબાણની અમુક કંપનીઓએ નાદારી જાહેર કરવા માટેની અરજી દાખલ કરી છે.
એક સમયે 'દુનિયાના છઠ્ઠા ક્રમાંકના ધનવાન' અનિલ અંબાણીએ આ વર્ષે ફેબ્રુઆરીમાં કહ્યું હતું કે 'મારી નેટવર્થ શૂન્ય થઈ ગઈ છે.'
આર્થિક બાબતોના જાણકારોના કહેવા પ્રમાણે, થોડા સમય પહેલાં સુધી તેમના સંબંધ શક્તિશાલી લોકો અને રાજકીય પક્ષો સાથે હતા, જેથી તેમની કંપનીને ચૂકવણું કરવામાં થોડી મહેતલ મળી રહેતી.
પરંતુ હવે તેમનું એન.પી.એ. (નૉન-પર્ફૉર્મિંગ એસેટ્સ) રાજકીય બાબત બની ગઈ છે. બૅન્કોની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. આ સિવાય બૅન્કિંગ સંબંધિત કાયદાઓમાં પણ વ્યાપક ફેરફાર થયા છે.
હવે લેણદારો કંપની લૉ ટ્રિબ્યૂનલ મારફત કંપનીઓને નાદાર જાહેર કરાવીને દેવાદારો પાસેથી બાકી નીકળતી રકમ વસૂલવા માટે તેમને કોર્ટમાં ઢસડી જઈ શકે છે.
આથી, જ અનિલ અંબાણી પાસે તેમની કંપનીઓને વેચવા અથવા નાદાર જાહેર કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. રિલાયન્સ જૂથ વિશે વિખ્યાત પુસ્તક 'અંબાણી વર્સેજ અંબાણી: સ્ટોર્મ ઇન ધ વિન્ડ' નામનું પુસ્તક લખનારા વરિષ્ઠ પત્રકાર આલમ શ્રીનિવાસના કહેવા પ્રમાણે ;
"એક તબક્કે ધીરુભાઈ અંબાણીના ખરા વારસદાર હોવા મુદ્દે બંને ભાઈઓ વચ્ચે સ્પર્ધા હતી. હવે તે ખતમ થઈ ગઈ છે અને અનિલ તેમના મોટાભાઈ મુકેશથી ખૂબ જ પાછળ રહી ગયા છે."
"અનિલ અંબાણીનો ચામત્કારિક રીતે બચાવ ન થયો તો કમનસીબે તેમની ગણતરી દેશના વેપાર ઇતિહાસમાં સૌથી નિષ્ફળ ઉદ્યોગપતિઓમાં થશે, કારણ કે એક દાયકમાં 45 અબજ ડૉલરની રકમ ધોવાઈ જવી એ કોઈ સામાન્ય બાબત નથી."
તેઓ ઉમેરે છે, "લડાઈ દરમિયાન બંને ભાઈઓએ એકબીજા ઉપર દરેક પ્રકારે હુમલા કર્યા. સરકાર તથા મીડિયા ખાસ્સા સમય સુધી બે જૂથમાં વિભાજીત રહ્યા, પરંતુ ધીમેધીમે મુકેશ અંબાણીએ મીડિયા તથા તંત્રના લોકોને પોતાની તરફેણમાં કર્યા."
"આ લડાઈ દરમિયાન અનિલ અંબાણીએ કેટલાક નવા મિત્ર બનાવ્યા, તો કેટલાક દુશ્મન પણ ઊભા કર્યા. પ્રભાવશાલી નેતાઓ-અધિકારીઓ અને સંપાદકોએ અનિલની સરખામણીએ વધુ સૌમ્ય અને શાંત મુકેશને સાથ આપવાનો નિર્ણય કર્યો."
"વિભાજન પહેલાં અનિલ અંબાણી 'ઍક્સ્ટર્નલ ઍલિમૅન્ટ્સ' (કંપનીના નિયંત્રણ બહારના પરિબળ)ને પ્રભાવિત કરવાનું કામ કરતા હતા, પરંતુ વિભાજન બાદ, તેમને આ કામ કરવામાં ખાસ સફળતા ન મળી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો