BSE : સ્ટૉક માર્કેટમાં ઉછાળો, નિફ્ટીએ 11 હજારની સપાટી પાછી મેળવી

અઠવાડિયાના પહેલા દિવસે ભારતીય શૅરબજારો ઉછાળા સાથે ખુલ્યા છે.

કારોબારની શરૂઆતમાં જ સૅન્સેક્સમાં 260 અંકનો ઉછાળો જોવા મળ્યો. જ્યારે અન્ય મહત્વનો સૂચકાંક નિફ્ટી 69 અંકના ઉછાળા બાદ 11,000ની સપાટીને પાર થતો જોવા મળ્યો.

વેબસાઇટ મનીકંટ્રોલ અનુસાર બૅન્ક નિફ્ટીએ પણ માર્કેટમાં ઉછાળાને સાથ આપ્યો અને શરૂઆતી કારોબારમાં જ એમાં 2 ટકાનો વધારો જોવા મળ્યો જેમાં એચડીએફસી બૅંક, આઇડીએફસી ફર્સ્ટ બૅંક અને આઇસીઆઇસીઆઈ બૅંકના શૅરોમાં ખરીદદારી જોવા મળી. આ ઉપરાંત એસબીઆઈ કાર્ડમાં પણ 1 ટકાનો વધારો જોવા મળ્યો.

આજના શરૂઆતી ઉછાળા સાથે નિફ્ટી સૂચકાંકે 11,000ની મહત્ત્વની સપાટી ફરી મેળવી છે.

શરૂઆતી કારોબારમાં બૅન્કિંગ ક્ષેત્રના શૅર ઉપરાંત કોલ ઇન્ડિયા, એચસીએલ ટેકનૉલૉજી અને યુપીએલના શૅરોમાં ખરીદદારી જોવા મળી.

આજે બ્લૂ ડાર્ટ, બૅન્ક ઑફ ઇન્ડિયા, જેએસડબલ્યૂ ઍનર્જી , સનટેક રિઅલ્ટી, ડિશ ટીવી કંપનીના શૅરોમાં સમાચાર આધારિત કારોબારની શક્યતા દર્શાવવામાં આવી છે,

નેપાળ પોલીસનો ભારત સરહદે ગોળીબાર, એક વ્યક્તિ ઘાયલ

ભારત-નેપાળ સીમા પર નેપાળ પોલીસ દ્વારા ગોળીબારની ઘટના બની છે. આ ઘટનામાં ત્રણ ભારતીયો પર ગોળીબાર થયો હતો જેમાં એક વ્યક્તિ ઘાયલ થઈ છે.

હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ પ્રમાણે રવિવારે આ ઘટના બિહારના કિશનગંજમાં ભારત-નેપાળ સીમા પર બની છે.

કિશનગંજના સુપ્રિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસના જણાવ્યા પ્રમાણે ઘાયલ વ્યક્તિને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવી છે અને મામલાની તપાસ ચાલી રહી છે. નેપાળ પોલીસ તરફથી ગોળીબારની આ ઘટનામાં હજુ વધુ વિગતો સામે આવી રહી છે.

અધિકારીઓના જણાવ્યા પ્રમાણે જૂનની શરૂઆતમાં પણ આવી જ ઘટના બની હતી જેમાં નેપાળ પોલીસે કરેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને ચાર લોકો ઘાયલ થયા હતા.

બિહારના સીતામઢી પાસે આવેલી ભારત -નેપાળ સરહદ પર આ બનાવ બન્યો હતો.

12 જૂનની ઘટનામાં બંને બાજુના સુરક્ષાકર્મીઓ વચ્ચે વિવાદ બાદ ફાયરિંગ થયું હતું.

ઉલ્લેખનીય છે કે ભારત અને નેપાળ વચ્ચે તણાવમાં વધારો થયો છે.

દેશમાં બટાટા અને ટામેટા બન્યાં મોંઘા

કેન્દ્રના ગ્રાહક બાબતોના મંત્રાલય અનુસાર શુક્વારે દેશમાં બટાટા અને ટામેટાનાં સરેરાશ ભાવ અનુક્રમે પ્રતિ કિલોગ્રામ 30 રૂપિયા અને 50 રૂપિયા હતા.

ધ ઇન્ડિયન ઍક્સપ્રેસ અખબારના અહેવાલ પ્રમાણે ત્રણ મહિના પહેલાં આ બંને પેદાશોનો ભાવ 20 રૂપિયા પ્રતિ કિલો હતો.

જોકે, આ સમયગાળા દરમિયાન કાંદાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે અને તે 30 રૂપિયાથી ઘટીને 20 રૂપિયા થયો છે.

બટાટાના ભાવમાં વધારો મોટે ભાગે ઓછાં ઉત્પાદનને કારણે જોવા મળ્યો છે. ખેડૂતોની કહેવા પ્રમાણે જો લૉકડાઉનને કારણે માગમાં ઘટાડો ન આવ્યો હોત તો ભાવ હજુ પણ ઊંચા હોત.

ઑગસ્ટ મધ્યથી બટાટાનો નવો પાક આવવાની શરૂઆત થાય પછી ભાવમાં થોડો ઘટાડો આવી શકે છે. ટામેટામાં પણ કર્ણાટક અને મહારાષ્ટ્રમાં ઑગસ્ટથી નવો ખરીફ પાક આવવાની શરૂઆત થતા ભાવમાં આંશિક ઘટાડો જોવા મળી શકે.

ગુજરાતમાં કોરોનામાં કેદીઓની અરજીઓ વધી

લાંબા લૉકડાઉનને કારણે જેલના કેદીઓ તરફથી તેમના પરિવારની સંભાળ લેવા માટે હાઈકોર્ટમાં થતી અરજીઓમાં હાલના સમયમાં વધારો થયો છે.

અમદાવાદ મિરરના અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં અંડરટ્રાયલ અને દોષી બંને પ્રકારના કેદીઓ તરફથી લાંબા લૉકડાઉન અને મંદીને કારણે પરિવારની સંભાળ લેવા બાબતે રોજની 10થી 15 અરજીઓ હાઈકોર્ટમાં દાખલ થઈ રહી છે. અરજીમાં આર્થિક સંકડામણની સ્થિતિમાં આવેલા પરિવારજનોની મદદે પહોંચવા માટે કામચલાઉ જામીનની માગ કરાય છે.

કેટલાક પરિસ્થિતિઓમાં કોર્ટ કામચલાઉ જામીન અથવા પેરોલ મંજૂર પણ કરતી હોય છે.

અહેવાલ પ્રમાણે સામાન્ય સંજોગોમાં કેદીઓ તરફથી આવી અરજી લગ્ન, સંતાનનો જન્મ કે પછી મરણ માટે માંગવામાં આવતી હોય છે. જોકે કોરોનાને પગલે પરિવારની આર્થિક સંકડામણની સ્થિતિનું કારણ રજૂ કરી કેદીઓ તરફથી અરજીની સંખ્યા વધી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો