You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજસ્થાનમાં અશોક ગેહલોતે શું કર્યું કે કમલનાથની જેમ તેમની સરકાર પડતાં બચી ગઈ?
રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ભૂગોળમાં ફેર હોઈ શકે છે પરંતુ બંને રાજ્યોમાં રાજકારણના રંગ તો એક જેવા જ છે.
તો પણ ભોપાલમાં કમલનાથ સત્તાસંઘર્ષમાં કમળના હાથે હારી ગયા જ્યારે રાજસ્થાનમાં મુખ્ય મંત્રી અશોક ગેહલોત વિરોધીઓ પર ભારે પડ્યા.
વિશ્લેષકો માને છે કે મધ્ય પ્રદેશમાં કૉંગ્રેસનું સંખ્યાબળ નબળું હતું પરંતુ રાજસ્થાનમાં પરિસ્થિતિ થોડી સારી હતી.
રાજકીય વિશ્લેષકો એવું પણ કહે છે કે કમલનાથ પણ રાજકારણના પાકા ખેલાડી છે પરંતુ ગેહલોતની રાજકીય સમજણ અને ગોઠવણ તેમના કરતાં ઘણી વધુ છે એટલે જ્યારે પડકાર સામે આવ્યો તેઓ તૈયાર દેખાયા.
પાંચ વર્ષના વનવાસ પછી રાજસ્થાનમાં દોઢ વર્ષ પહેલાં જ્યારે કૉંગ્રેસ સત્તામાં આવી ત્યારથી પાર્ટીની અંદર વિભાજન સ્પષ્ટ દેખાતું હતું.
આમાંથી એક જૂથ મુખ્ય મંત્રી ગેહલોતનું હતું તો બીજું જૂથ ઉપમુખ્ય મંત્રી સચીન પાઇટલની સાથે હતું.
રાજ્યમાં ત્રીજી વખત મુખ્ય મંત્રી બનેલા ગેહલોતને અંદાજ આવી ગયો હતો કે તેમને પક્ષમાં એક જૂથ પડકારી શકે છે. કારણ કે કૉંગ્રેસને 200 સભ્યો ધરાવતી વિધાનસભામાં 99 બેઠકો પર વિજય મળ્યો હતો.
ગેહલોતે કેવી રીતે પોતાની પરિસ્થિતિ મજબૂત કરી
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, ગેહલોતને લાગ્યું કે આટલું પૂરતું નથી અને તેઓ પોતાની સ્થિતિને મજબૂત કરવાના પ્રયત્ન કરતા રહ્યા. તેમને આ સફળતા ત્યારે મળી જ્યારે બહુજન સમાજપક્ષના છ વિજયી ધારાસભ્યોએ ગત વર્ષે કૉંગ્રેસનો હાથ પકડી લીધો.
આ સહેલું નહોતું. કારણ કે પક્ષમાં ત્યારે પ્રદેશ કૉંગ્રેસના પ્રમુખ સચીન પાઇલટને આ પસંદ નહોતું આવ્યું અને તેમણે વિરોધ નોંધાવ્યો હતો.
આ ધારાસભ્યો કૉંગ્રેસમાં સામેલ થયા ત્યારે વિધાનસભામાં કૉંગ્રેસના સભ્યોની સંખ્યા 107 થઈ ગઈ હતી.
આ દરમિયાન ગેહલોતે લગભગ એક ડઝન ( 12 જેટલા) અપક્ષ ધારાસભ્યોને પણ પક્ષ સાથે જોડી લીધા. આમાંથી મોટા ભાગના નેતા કૉંગ્રેસની પૃષ્ઠભૂમિ ધરાવે છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની પરિસ્થિતિમાં અંતર
રાજસ્થાનના રાજકારણ પર નજર રાખનાર વરિષ્ઠ પત્રકાર અવધેશ અકોદિયાએ બીબીસીને કહ્યું, "રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સ્થિતિમાં ફેર છે. ત્યાં કૉંગ્રેસ પાસે બહુમતી પાંખી હતી. રાજસ્થાનમાં પરિસ્થિતિ સારી છે."
અકોદિયા પ્રમાણે, "ગેહલોત શરૂથી સતર્ક હતા કારણ કે ગેહલોત ભાજપના નિશાના પર છે. તેનાં કારણો પણ છે. તેમણે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પક્ષપ્રભારી તરીકે કૉંગ્રેસને મુકાબલામાં ઊભી કરી હતી. પછી અહમદ પટેલ અને કર્ણાટકમાં તેમની સક્રિયતાને કારણે પણ ભાજપ નેતૃત્વ તેમના પર નજર રાખી રહ્યું હતું. એટલે જ્યારે તેમને પડકારનો સામનો કરવો પડ્યો, તેઓ સાવધાનની મુદ્રામાં જોવા મળ્યા. "
અકોદિયા કહે છે, "મધ્યપ્રદેશમાં કમલનાથ સામે જ્યોતિરાદિત્ય સિંધિયાએ બળવો કર્યો હતો. સિંધિયા ગ્વાલિયર ક્ષેત્રમાં જેવો પ્રભાવ ધરાવે છે એવો પ્રભાવ સચીન પાઇલટનો રાજસ્થાનમાં નથી. કારણ કે સિંધિયા સાથે પૂર્વ રાજપરિવારનો વારસો પણ છે."
રાજ્યમાં વિપક્ષના નેતા ગુલાબચંદ કટારિયાએ બીબીસીને કહ્યું, "આ કૉંગ્રેસનો આંતરિક સત્તાસંઘર્ષ છે. ભાજપનો આની સાથે કોઈ સંબંધ નથી."
તેઓ કહે છે કે મધ્ય પ્રદેશમાં સ્થિતિ અલગ હતી ત્યાં ભાજપ અને કૉંગ્રેસના સંખ્યાબળમાં બહુ ઓછું અંતર હતું.
રાજ્યમાં લોકો એ વાતથી આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા જ્યારે રાજ્યસભાની ચૂંટણીના દસ દિવસ પહેલાં જ ગત મહિને મુખ્ય મંત્રી ગેહલોતે એકાએક ધારાસભ્યોને ભેગા કર્યા અને બાદમાં તેમને બંધ કરી દેવાયા.
સત્તાધારી પક્ષના નેતાઓનું કહેવું હતું કે ભાજપ નેતાઓના ખરીદ-વેચાણના પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ પાઇલટના સમર્થકોએ આને નકામી મહેનત ગણાવે છે અને ગેહલોત પર નિશાન સાધતાં કહે છે કે તેઓ કાલ્પનિક ભય પેદા કરી રહ્યા છે.
'સચીન પાઇલટ પોતાનું વજન ન માપી શક્યા'
ભોપાલમાં વરિષ્ઠ પત્રકાર ગિરીશ ઉપાધ્યાયે બંને રાજ્યોમાં કામ કર્યું છે. બંને રાજ્યનું રાજકારણને તેમણે નજીકથી જોયું છે.
ઉપાધ્યાયે બીબીસીને કહ્યું, "એવું નથી કે કમલનાથ સતર્ક નહોતા, તેઓ ઍલર્ટ હતા કારણ કે મધ્ય પ્રદેશમાં ભાજપના નેતા પહેલા દિવસથી કહી રહ્યા હતા કે સરકાર પડી જશે. કમલનાથ એક ચતુર નેતા છે અને તેમની સાથે રાજકીય પેંતરામાં પારંગત દિગ્વિજય સિંહ પણ હતા. પરંતુ આ બધું કામ ન આવ્યું. કૉંગ્રેસ પાસે સંખ્યા ઓછી હતી અને તેમાં પણ તૂટફૂટ થઈ. ખરેખર કમલનાથ અને દિગ્વિજય સિંહ આંકલન ન કરી શક્યા કે સિંધિયા પોતાના લાવલશ્કર સાથે ભાજપમાં જોડાઈ જશે."
ઉપાધ્યાય કહે છે, "મધ્ય પ્રદેશના નેતાઓની સરખામણીમાં ગેહલોત રાજકીય ગોઠવણ અને રાજકારણની સમજણમાં આગળ છે. ગેહલોતે પાર્ટીની અંદર પોતાના વિરોધીઓને પૂરી ઢીલ આપી. ગેહલોતે તેમને એટલી હદે વધવા દીધા કે તેઓ પાથરેલી જાળમાં રાજીખુશીથી પગ માંડતા ગયા."
ઉપાધ્યાય કહે છે, " ગેહલોતવિરોધી એટલા આગળ નીકળી ગયા કે કૉંગ્રેસ હાઈ-કમાન્ડ પણ મદદ કરવા લાયક ન રહ્યું. ગેહલોતની રણનીતિ પણ બરાબર હતી અને કૂટનીતિ પણ."
તેઓ કહે છે, "સિંધિયા અને પાઇલટમાં એક મોટું અંતર છે. સિંધિયાએ મેદાનમાં કૂદતાં પહેલાં પોતે અને પોતાના સમર્થકોને તોલી લીધા હતા. પણ સચીન પોતાનું અને પોતાના સમર્થકોનું વજન તોલી શક્યા નહીં."
ઉપાધ્યાય ઉમેરે છે, "સિંધિયાના સમર્થકોએ પોતાના નેતા પ્રત્યે એવી જ આસ્થાનું પ્રદર્શન કર્યું જેવું રાજશાહીના કાળમાં થતું હતું."
મધ્ય પ્રદેશમાં જ્યારે ભાજપે કમલનાથનો તખતો પલટવાનું કામ શરૂ કર્યું શિવરાજસિંહ ચૌહાણ બાકી બધા નેતાઓ સાથે હતા પરંતુ રાજસ્થાનમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રી વસુંધરા રાજે આખા ઘટનાક્રમમાં ચુપ રહ્યાં હતાં.
આ દરમિયાન પાઇલટે ગેહલોત અને રાજેની સાઠગાંઠના આરોપ પણ લગાવ્યા. ભાજપના સહયોગી દળ આરએલપીના સાંસદ હનુમાન બેનીવાલે તો એમ કહ્યું કે રાજે આ લડતમાં મુખ્ય મંત્રી ગેહલોતની મદદ કરી રહ્યાં છે.
આ વાત પર ભાજપની અંદર પણ ઘમસાણ મચ્યું અને રાજેના સમર્થકોએ આકરી પ્રતિક્રિયા પણ આપી. રાજેએ લાંબા મૌન બાદ શનિવારે ટ્વીટ કર્યું કે 'કૉંગ્રેસના આંતરિક કંકાસનું નુકસાન જનતા ભોગવી રહી છે.' રાજેએ એવું પણ કહ્યું કે લોકો પરેશાન છે અને કૉંગ્રેસ ભાજપના નેતૃત્વ પર આરોપ લગાવવામાં વ્યસ્ત છે.
રાજકીય જાણકારો માને છે કે પાઇલટના સમર્થકોને લાગે છે કે રાજે તેમના ભાજપ સાથેના કથિત સંપર્કનો વિરોધ કરી રહ્યાં છે એટલે પાઇલટે રાજે પર વગર કારણે નિશાન તાક્યું એવું નથી.
માનવામાં આવે છે કે રાજ્યના પરિવહનમંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસ પાઇલટના નજીકના નેતા છે. પરંતુ પાઇલટે પોતાની સાથે 30 ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરતાં બળવો કર્યો ત્યારે ખાચરિયાવાસે પાઇલટ વિરુદ્ધ મોરચો માંડ્યો હતો.
ખાચરિયાવાસે બીબીસીને કહ્યું, "પક્ષને કોઈ નુકસાન પહોંચાડે એ અમને મંજૂર નથી. મને પહેલાંથી લાગતું હતું કે પાઇલટ આવું કંઈક વિચારી રહ્યા છે. જોકે મુખ્ય મંત્રી ગેહલોત પહેલાંથી સતર્ક હતા."
તેઓ કહે છે કે ગેહલોત પોતાના છેલ્લા કાર્યકાળમાં પણ ઓછી સંખ્યા હોવા છતાં સારી રીતે સરકાર ચલાવી ચૂક્યા છે.
'લડાઈ માટે સાધનો અને ઉપકરણો બધું તૈયાર હતું'
રાજ્યમાં પાઇલટને પદ પરથી હઠાવ્યા બાદ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ બનાવાયેલા ગોવિંદસિંહ ડોટાસરા કહે છે કે "મુખ્ય મંત્રી સંપૂર્ણ રીતે સતર્ક હતા. જે વ્યક્તિ રાત્રે અઢી વાગ્યા સુધી કામ કરતી હોય, આ લોકો તેમનો મુકાબલો કેવી રીતે કરી શકે છે?"
તેઓ કહે છે, " જ્યારે પાઇલટે ભાજપ સાથે મળીને બાજી જીતવા પ્રયાસ કર્યો ત્યારે અમે તૈયાર હતા. અમારી પાસે સંખ્યા, લડવા માટે સાધન અને ઉપકરણ બધું તૈયાર હતું. "
મુખ્યમંત્રી ગેહલોતે મીડિયાને કહ્યું, "પાઇલટ શરૂથી આવી જ ભાવના સાથે કામ કરી રહ્યા હતા. છેલ્લા સાત મહિનાથી તેઓ આ યોજના પર કામ કરી રહ્યા હતા. પહેલાં 11 જૂને તેઓ એક કાર્યક્રમના નામે ધારાસભ્યોને પોતાની સાથે લઈ જવાના હતા. પરંતુ અમે સમય રહેતા પગલાં લીધાં હતાં. "
ગેહલોતે પોતાના સમર્થનમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટીના બે ધારાસભ્યોને પણ તૈયાર કરી લીધા હતા. રાજ્યમાં કમ્યુનિસ્ટ પાર્ટી-માર્ક્સવાદીના બે ધારાસભ્યો છે, તેમાંથી એકને કૉંગ્રેસ પાર્ટીના સમર્થન માટે તૈયાર કરી લેવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશ અને રાજસ્થાન બંને એકબીજાનાં પાડોશી રાજ્ય છે. પરંતુ નદીના બે કિનારાની જેમ બંનેનાં રાજકારણનાં સમીકરણ અને સ્વભાવ અલગઅલગ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો