વિકાસ દુબે 'ઍન્કાઉન્ટર' : ઉત્તર પ્રદેશ પોલીસની 'ઠોકી દઈશું'ની પરંપરામાં કાયદો ક્યાં?

    • લેેખક, સરોજ સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

"મધ્ય પ્રદેશ પોલીસ દ્વારા ધરપકડ બાદ પોલીસ તથા એસ.ટી.એફ. ટીમ આજે તા. 10.07.2020 ના કાનપુર લાવી રહી હતી. કાનપુર નગર ભૌંતીની પાસે પોલીસનું ઉપરોક્ત વાહન દુર્ઘટનાગ્રસ્ત થઈને પલટી ગયું હતું, જેના કારણે તેમાં બેઠેલા આરોપી તથા પોલીસકર્મી ઘાયલ થઈ ગયા હતા. આ દરમિયાન આરોપી વિકાસ દુબેએ ઘાયલ પોલીસકર્મીની પિસ્તોલ ખૂંચવીને નાસવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસ ટીમે પીછો કરીને તેને આત્મસમર્પણ કરી દેવા કહ્યું હતું, પરંતુ તે માન્યો નહીં અને પોલીસ ટીમ ઉપર જીવ લેવાના હેતુથી ફાયર કર્યું હતું. પોલીસે આત્મરક્ષણ માટે વળતો ગોળીબાર કર્યો હતો, વિકાસ દુબે ઘાયલ થઈ ગયો, જેને તત્કાળ હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં ઇલાજ દરમિયાન આરોપી વિકાસ દુબેનું મૃત્યુ થઈ ગયું."

વિકાસ દુબેના મૃત્યુ બાદ કાનપુર પોલીસે પત્રકારોને ઉપરનો મૅસેજ મોકલ્યો હતો.

ગત શુક્રવારે આઠ પોલીસમૅનનાં મૃત્યુ સાથે શરૂ થયેલો ક્રમ એક અઠવાડિયા બાદ, તમામ ઉતાર-ચઢાવ પછી મુખ્ય આરોપી વિકાસ દુબે તથા તેના પાંચ સાગરિતોના મૃત્યુ સાથે ખતમ થતો જણાય છે.

સોશિયલ મીડિયા સહિત તમામ મીડિયા ચેનલ ઉપર અથડામણ વિશે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે.

પ્રિયંકા ગાંધીનું કહેવું છે, "અપરાધીનો અંત થઈ ગયો, અપરાધ અને તેને પીઠબળ આપનારા લોકો ક્યાં?"

રાજ્યના પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે લખ્યું, "વાસ્તવમાં કાર નથી પલટી, રહસ્ય ખુલી જવાથી સરકારને પલટતી બચાવવામાં આવી છે."

નેતાઓના નિવેદનો રાજકારણથી પ્રેરિત હોય છે અને તેઓ આવા આરોપ મૂકતા રહે, પરંતુ પૂર્વ આઈ.પી.એસ. (ઇન્ડિયન પોલીસ સર્વિસ)ના અધિકારી, વકીલ અને માનવઅધિકાર કાર્યકર્તા પણ આવા જ સવાલ ઉઠાવી રહ્યા છે જેનો જવાબ દેશની કાયદાકીય વ્યવસ્થામાં જ છે.

પોલીસની ભૂમિકા ઉપર સવાલ

કાનપુર પોલીસના નિવેદનને વાચતાં જ વકીલ વૃંદા ગ્રોવર કહે છે, "આ કેસમાં શું થયું છે, તે આપણાંમાંથી કોઈ જાણતું નથી. આપણે જાણવું જરૂરી છે, દેશના નાગરિકોએ જાણવું જરૂરી છે, પોલીસખાતા માટે જાણવું જરૂરી છે, વિકાસ દુબેના પરિવારે જાણવું જરૂરી છે. આ અથડામણ બાદ આપણને ગત અઠવાડિયે શું થયું અને આજે શું થયું, તેના વિશે માહિતી કેવી રીતે મળશે, તે એક સવાલ છે."

વૃંદા સમગ્ર ઘટનાક્રમ ઉપર સવાલ ઉઠાવે છે. યુ.પી. પોલીસ અને જનતા જાણતી હતી કે તે આઠ પોલીસમૅનની હત્યામાં સંડોવણીનો આરોપી છે, તો શું ઉત્તર પ્રદેશ પોલીસ પૂરતી વ્યવસ્થા કરીને ગઈ હતી?

શું ઘટના સમયે તેના હાથ બાંધેલા હતા? ઉજ્જૈનના મંદિરની બહાર વિકાસ દુબે સરન્ડર કરતો જણાયો હતો, શું માત્ર બે-ત્રણ ગાડી મારફત તેમને મધ્ય પ્રદેશથી ઉત્તર પ્રદેશ લાવવામાં આવી રહ્યા હતા? શું તેઓ કાનપુરમાં પ્રવેશી ચૂક્યા હતા? ત્યાં તો વધુ કેટલીક ગાડીઓ જોડી શકાઈ હોત?

વૃંદા કહે છે કે પોલીસની કામગીરી પર શા માટે સવાલ ઊઠે છે, તે વિચારવા જેવી બાબત છે. સ્પષ્ટપણે અવિશ્વાસનો માહોલ પ્રવર્તમાન છે. 'તે કહે છે, પોલીસ ગૅંગસ્ટરને લઈને આવે, ગાડી પલટે, ગૅંગસ્ટર પિસ્તોલ ખૂંચવે, નાસી છૂટે, પોલીસવાળા કશું કરી ન શકે અને માત્ર સ્વરક્ષણમાં ગોળી ચલાવે અને ગૅંગસ્ટર માર્યો જાય.'

આ કહાણી આપણે અનેક વખત સાંભળી ચૂક્યા છીએ, હવે થાક લાગે છે. ગૅંગસ્ટરનું નામ બદલાઈ જાય છે પણ સ્ક્રિપ્ટ નથી બદલાતી.

ગુરુવારે વિકાસ દુબેની નજીક મનાતા પ્રભાત મિશ્રાની પણ પોલીસ સાથે અથડામણ થઈ હતી. એ કેસમાં ગાડીનું ટાયર પંક્ચર થયું હતું અને આજે વિકાસ દુબેના ઍન્કાઉન્ટરમાં ગાડી પલટી ગઈ હતી.

ત્યારે સોશિયલ મીડિયા ઉપર એ વાતની ચર્ચા થઈ રહી છે કે પોલીસે ગાડી બદલવાની જરૂર છે, પોતાની પદ્ધતિ કે પછી ઍન્કાઉન્ટરની સ્ક્રિપ્ટ.

વૃંદા ગ્રોવરની વાતને પૂર્વ આઈ.પી.એસ. અધિકારી તથા પૂર્વ સી.આઈ.સી. (ચીફ વિજલન્સ કમિશનર) યશોવર્ધન આઝાદ બીજી રીતે જુએ છે.

તેમના કહેવા પ્રમાણે, દેશના દરેક રાજ્યની પોલીસ સુધારની માગ કરી રહી છે, પરંતુ સરકારી ડિપાર્ટમેન્ટ તથા રાજકારણીઓ તેની મંજૂરી નથી આપતા. આઝાદના કહેવા પ્રમાણે, પોલીસને ત્રીજા દરજ્જાની સુવિધા મળે છે, પ્રૉસિક્યુશનની સુવિધા ચોથા દરજ્જાની તથા ફૉરેન્સિક સાધનો છઠ્ઠા દરજ્જાના છે.

એટલું જ નહીં, બાકી રહેતી કસર પોલીસની જૂની ઢબની તાલીમ પૂરી કરી દે છે. અનેક પોલીસમૅને વર્ષોથી ફાયરિંગ નહીં કર્યું હોય.

આઝાદ ઉમેરે છે, "રાજ્યનું ગૃહ વિભાગ હોય કે કેન્દ્ર સરકારનું પોલીસ તંત્ર, તેને વ્યવસ્થિત ઢબે ચલાવવું એ ગંભીર સમસ્યા છે. કોઈને સિક્યૉરિટી આપવી કે હઠાવવી, એ સિવાય ભલામણના આધારે બદલી કરવીએ આ વિભાગનું કામ ન હોવું જોઈએ. આ વિભાગને ચલાવવા માટે નિપુણતા તથા ઇચ્છાશક્તિની જરૂર હોય છે."

યશોવર્ધન કહે છે કે સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો કે પોલીસ કમિશનરોને ઓછામાં ઓછો બે વર્ષનો કાર્યકાળ આપવો જોઈએ, પરંતુ એ આદેશનો ક્યારેય અમલ જ ન થયો.

સર્વોચ્ચ અદાલતે પોલીસ ઇન્સ્પેક્ટરોની પોસ્ટિંગ માટે પોલીસ ઍસ્ટાબ્લિસમૅન્ટ બોર્ડ બનાવવું જોઈએ એમ પણ કહ્યું હતું પરંતુ તેનો અમલ ન થયો. જ્યાં સુધી નવી વ્યવસ્થા લાગુ નહીં થાય, ત્યારસુધી આપણે આ વાતો ઉપર જ ચર્ચા કરતા રહીશું. પ્રકાશસિંહ 2005થી 'પોલીસ સુધાર કાયદા' માટેની લડાઈ લડી રહ્યાં છે.

ઍન્કાઉન્ટર અંગે કાયદો

આ બધાની વચ્ચે એ સવાલ ઉઠે છે કે દેશમાં ઍન્કાઉન્ટર વિશે કોઈ કાયદો છે કે નહીં?

વરિષ્ઠ વકીલ વૃંદા ગ્રોવરના કહેવા પ્રમાણે, દેશમાં ઍન્કાઉન્ટર મુદ્દે કાયદા છે, પરંતુ પોલીસ તથા રાજનેતાઓની સાંઠગાંઠથી તેને તોડી-મરોડી દેવાય છે. નેતાઓ પાસે રાજકીય ઇચ્છાશક્તિ નથી. વૃંદા આને 'ઍક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગ' કહે છે.

સુપ્રીમ કોર્ટે તેના એક ચુકાદામાં આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટની ફુલ બેન્ચના ચુકાદાની ઉપર મંજૂરીની મહોર મારી હતી. એમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ઍન્કાઉન્ટરના કેસની એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) નોંધાવી જોઈએ જેથી માલૂમ પડે કે વાસ્તવમાં શું થયું હતું.

ઍન્કાઉન્ટરમાં પોલીસ અથડામણની તપાસ ન કરી શકે અને આ કામગીરી અલગ લોકોને સોંપવી. તેની વીડિયોગ્રાફી કરવી. વ્યક્તિનું મૃત્યુ થયું હોવાથી ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ કેસ દાખલ થવો જોઈએ તથા પોલીસવાળાને આરોપી બનાવવા જોઈએ. પોલીસે સાબિત કરવું રહ્યું કે તેમણે સ્વરક્ષણમાં ગોળીબાર કર્યો હતો.

વૃંદા કહે છે કે સામાન્યપણે એવું નથી થતું. આ કેસમાં એફ.આઈ.આર. દાખલ થશે, જેમાં વિકાસ દુબેને આરોપી બનાવવામાં આવશે અને આઈ.પી.સી.ની કલમ 302ને બદલે 307 લગાવવામાં આવશે.

સરળ શબ્દોમાં કહીએ તો હત્યાના આરોપીની ઉપર કલમ-302 હેઠળ કેસ દાખલ કરવામાં આવે છે, જ્યારે 307ની કલમ હત્યાના પ્રયાસ જેવા કેસમાં લગાડવામાં આવે છે.

વૃંદા ઉમેરે છે કે આવા કિસ્સામાં અથડામણ ખરી હતી કે નહીં, તે સાબિત કરવાની જવાબદારીનો બોજો મૃતકના પરિવાર ઉપર આવી પડે છે, એટલે કેસ આગળ નથી વધતો.

ઇશરત જહાં ઍન્કાઉન્ટરમાં તેમનાં માતાએ આવો પ્રયાસ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટમાં ગયાં, સ્પેશિયલ ટીમનું ગઠન થયું, કોર્ટે તપાસને મૉનિટર કરી, પછી આ કેસ સી.બી.આઈ. (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ને સોંપવામાં આવ્યો, તમામ પોલીસવાળા સામે ચાર્જશીટ દાખલ થઈ. આગળની કહાણી આપણે બધા જાણીએ છીએ.

વૃંદાના મતે ઍન્કાઉન્ટરમાં ન્યાય પ્રણાલિએ સારું કામ કર્યું છે. તેનાં અનેક સારા ઉદાહરણ છે. ગત વર્ષે હૈદરાબાદ પોલીસના ડૉક્ટર રેપ કેસમાં વર્તમાન ચીફ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ બોબડેએ રિટાયર્ડ જજના નેતૃત્વમાં 'કમિશન ઑફ ઇન્ક્વાયરી'નું ગઠન કર્યું હતું.

ગ્રોવર ઉમેરે છે, "હું એવું નથી કહેતી કે પોલીસ ખોટું બોલી રહી છે, શક્ય છે કે ખરેખર વિકાસ ભાગ્યો હોય. મને સત્ય વિશે જાણ નથી, પરંતુ જેણે ગોળી ચલાવી તેના મોઢેથી નીકળેલી વાતને સત્ય ન માની શકું."

"કાયદા મુજબ ગોળી સ્વરક્ષણ માટે ચલાવવામાં આવી હતી, તે વાત કોર્ટમાં સાબિત થવી જોઈએ."

યોગીરાજમાં ઍન્કાઉન્ટર

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે વર્ષ 2017માં રાજ્યની કમાન સંભાળી હતી. જાન્યુઆરી-2019માં સરકાર દ્વારા એક પ્રેસ નોટ બહાર પાડવામાં આવી હતી, જેમાં તેમણે દાવો કર્યો હતો કે બે વર્ષ દરમિયાન 67થી વધુ પોલીસ ઍન્કાઉન્ટર થયા હોવાની વાત કહી હતી.

યોગી સરકાર ઉપર નકલી ઍન્કાઉન્ટર કરાવવાના આરોપ પણ લાગ્યા હતા. એક પછી એક ઍન્કાઉન્ટર ઉપર વિધાનસભા તથા સંસદમાં હોબાળો થયો, રાષ્ટ્રીય માનવઅધિકાર પંચે પણ તેની ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

બીબીસી સંવાદદાતા નિતિન શ્રીવાસ્તવને આપેલા ઇન્ટરવ્યૂમાં યોગી આદિત્યનાથે ઍન્કાઉન્ટર ખોટાં હોવાની વાતને નકારી હતી અને કહ્યું હતું: "અમે કોઈપણ બનાવટી કામ કરવામાં નથી માનતા. અમે લોકો જનતાની સેવા કરવા માટે આવ્યા છીએ અને મારું માનવું છે કે મારી સરકારના કાર્યકાળમાં એક પણ નકલી અથડામણ નથી થઈ. ઉત્તર પ્રદેશની પોલીસને સુપ્રીમ કોર્ટ તથા માનવઅધિકાર પંચ દ્વારા આપવામાં આવેલાં નિર્દેશોનું પાલન કરવા માટેના આદેશ આપવામાં આવ્યા છે."

બાદમાં યોગી આદિત્યનાથે ઉમેર્યું, "પરંતુ જો કોઈ પોલીસ ઉપર બળજબરીપૂર્વક ફાયર કરે તો મને લાગે છે કે પોલીસને ગોળીબાર કરતા અટકાવી ન શકીએ."

માનવઅધિકાર કાર્યકર્તા આકાર પટેલ માને છે કે વિકાસ દુબે ઍન્કાઉન્ટર વિશે કોઈ સંદેહ નથી. તેઓ આને માટે સીધેસીધો 'હત્યા' એવો શબ્દ વાપરે છે. તેમના કહેવા પ્રમાણે, આવું 1984થી ચાલી રહ્યું છે અને તેમાં કોઈ નવી વાત નથી.

આકાર પટેલે બીબીસી સાથે વાતચીતમાં કહ્યું, "ફૉરેન્સિક પુરાવા એકઠા કરીને તેના આધારે મજબૂત કેસ ઊભો કરવાનું કામ મુશ્કેલ હોય છે અને એટલે જ આ રસ્તો સરળ બની રહે છે."

"મુદ્દો એ છે કે આપણા સમાજે આવી બાબતોને સ્વીકૃતિ આપી દીધી છે. અન્ય કોઈ જગ્યાએ આવું નથી થતું. ત્યાં આવા કામ બદલ નોકરી જાય અને જેલમાં પણ મોકલી દેવાય છે."

આકાર પટેલનું માનવું છે કે કેન્દ્ર કે રાજ્ય સરકારે પોલીસ પ્રણાલીમાં આધુનિક્તા આવે તે માટે પ્રયાસ નથી કર્યા. આપણા દેશમાં ફૉરેન્સિક પુરાવા એકઠા કરવાનું કામ જેવી રીતે થવું જોઈએ, તેવી રીતે થતું નથી. ચાહે તે ડી.એન.એ. ટેસ્ટિંગની વાત હોય, ફિઝિકલ ક્રાઇમ કે અન્ય પ્રકારના સાયબર અપરાધ.

દેશમાં આવી બાબતો માટે કોઈ નિષ્ણાત નથી અને સરકારની ઇચ્છા તેમાં નાણાં રોકવાની પણ નથી. ભારતની પોલીસે દંડાવાળીને જ પોતાનું કામ માની લીધું છે.

વાસ્તવમાં તપાસ તથા ફૉરેન્સિક રીતે પુરાવા એકઠા કરવાનું કામએ પોલીસની કામગીરીનો મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. પટેલના મતે, આ સમગ્ર સિસ્ટમની નિષ્ફળતા છે.

રાષ્ટ્રીય માનવાધિકાર પંચ એવી સંસ્થા બની રહી છે કે નિવૃત્તિ પછી જે કોઈપણ અધિકારીને ગાડી-બંગલાની જરૂરિયાત હોય તેને આ પોસ્ટ આપી દો. તેના પાસે કોઈ અધિકાર નથી હોતા.

ભારતે આવી સંસ્થાઓને મજબૂત કરવાની જરૂર છે, જે સવાલ ઉઠાવી શકે અને નક્કર પગલાં લઈ શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો