NIA જેની તપાસ કરશે એ કેરળનો 13.50 કરોડ રૂપિયાનાં સોનાંની દાણચોરીનો કેસ શું છે?

    • લેેખક, ઇમરાન કુરૈશી
    • પદ, બીબીસી ગુજરાતી માટે

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તિરુવનંતપુરમ્ ઍરપૉર્ટ ઉપર સોનાની દાણચોરીનો કેસ એન.આઈ.એ.ને સોંપવાના આદેશ આપ્યા છે.

ગૃહવિભાગના પ્રવક્તાએ ટ્વીટમાં લખ્યું, "આ સંગઠિત તસ્કરી અભિયાન છે અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપર તેની અસર થઈ શકે છે."

શું છે કેસ?

કેરળમાં ફરી એક વખત કોરોના વાઇરસના કેસની સંખ્યા વધવા લાગી છે, છતાં પ્રસારમાધ્યમોમાં સોનાની તસ્કરીનો એક કેસ ચર્ચાનો વિષય બની ગયો છે.

કેરળવાસીઓમાં સોના પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળે છે.

રવિવારે તિરુવનંતપુરમ્ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ ઉપર કસ્ટમ અધિકારીઓએ લગભગ 13 કરોડ 50 લાખની કિંમતનું 30 કિલોગ્રામ સોનું ઝડપી લીધું હતું.

આ સોનું ડિપ્લોમૅટિક ચેનલ મારફત બૅગમાં રાખીને લાવવામાં આવી રહ્યું હતું.

જે વ્યક્તિ આ સોનું લેવા માટે આવી હતી, તેણે પૂછપરછ દરમિયાન એક રહસ્યમયી પરંતુ શક્તિશાળી મહિલા કવિતા (બદલેલું નામ)ની ઓળખ ઉપરથી પડદો ઊંચક્યો.

આ મહિલા કેટલાં શક્તિશાળી છે, એ વાતનો અંદાજ એના પરથી મૂકી શકાય છે કે મુખ્ય પ્રધાન પી. વિજયને તેમના મુખ્ય સચિવ એમ. શિવશંકરને પદ પરથી હઠાવવા પડ્યા.

ગત બે વર્ષમાં પહેલી વખત કૉંગ્રેસે યુનાઇટેડ ડેમૉક્રેટિક ફ્રન્ટના મુખ્ય પ્રધાનના રાજીનામાની માગ કરી. પાર્ટીએ મુખ્ય સચિવ તથા રહસ્યમયી મહિલા વચ્ચેની કથિત નિકટતા મુદ્દે સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન) દ્વારા તપાસની માગ કરી છે.

કેરળ વિધાનસભામાં વિપક્ષના નેતા રમેશ ચેન્નનિતલાએ બીબીસીને જણાવ્યું : "મેં વડા પ્રધાનને પત્ર લખીને સીબીઆઈ દ્વારા તપાસની માગ કરી છે અને કહ્યું છે કે મુખ્ય પ્રધાન કાર્યાલયને પણ તપાસમાં આવરી લેવું જોઈએ."

"એ મહિલા જે વિભાગ સાથે સંબંધ ધરાવે છે, તેનો હવાલો ખુદ મુખ્ય પ્રધાન પાસે છે."

પ્રસાધનના સામાનમાં દાણચોરી

રવિવારે કસ્ટમના અધિકારીઓએ ડિપ્લોમૅટિક ચેનલ દ્વારા આવેલી બૅગને ખોલવાનો નિર્ણય કર્યો હતો. આ સામાન ત્રણ દિવસથી ઍરપૉર્ટ ઉપર પડેલો હતો.

કસ્ટમ અધિકારીઓને બૅગમાં 'ખાસ સામાન' હોવાની ગુપ્ત માહિતી મળી હતી. પ્રોટોકોલ પ્રમાણે, અધિકારીઓએ બૅગને ખોલવા માટે વિદેશ મંત્રાલયની મંજૂરી લીધી હતી.

બૅગને ખોલતાં પ્રસાધનના સામાનમાં સોનું મળી આવ્યું હતું. સોનાને ઓગાળીને એવી રીતે રાખવામાં આવ્યું હતું કે તે પ્રસાધનના સામાનમાં બરાબર રીતે બેસી જાય.

આ ડિપ્લોમૅટિક સામાન સંયુક્ત આરબ અમિરાતના કૉન્સ્યુલેટના સરનામે જવાનો હતો. વાણિજ્ય દૂતાવાસના પૂર્વ જનસંપર્ક અધિકારી (પબ્લિક રિલેશન ઓફિસર) સરીથ કુમારની પૂછપરછમાં એક મહિલાની સંડોવણી પણ બહાર આવી હતી.

આ મહિલા કેરળના મુખ્ય સચિવની નજીક હોવાનું કહેવાય છે. સમગ્ર ઘટનાક્રમ બાદ તેઓ ફરાર હોવાનું કહેવાય છે.

કોણ છે એ મહિલા?

કવિતા વાણિજ્ય દુતાવાસમાં સરીથ કુમારનાં સહયોગી હતાં, પરંતુ તેમની નોકરી જતી રહી હતી. ત્યારબાદ તેમને કેરળ રાજ્ય ઇન્ફર્મેશન ટેકનૉલૉજી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ઉપગ્રમ સ્પેસ પાર્કમાં માર્કેટિંગ ઍન્ડ લાયઝન ઑફિસર નિમવામાં આવ્યાં.

આ પહેલાં તેઓ ઍર ઇન્ડિયા-એસ.એ.ટી.એસ.માં હ્યુમન રિસોર્સિઝ મૅનેજર હતાં. જે ઍર ઇન્ડિયા તથા સિંગાપુર ઍરપૉર્ટ ટર્મિનલ સર્વિસિઝનું (એસ.એ.ટી.એસ.) સંયુક્ત સાહસ છે.

આ કંપનીમાં તેમનાં કથિત કારસ્તનોને કારણે ઍમ્પ્લૉયીઝ યુનિયનના વડા એલ. એસ. સિબુએ તેમના વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

ગત વર્ષે ફેબ્રુઆરી-2019માં સંસ્થાની આંતરિક ફરિયાદ કમિટીએ પુરાવાના અભાવે કવિતા સામેનો કેસ કાઢી નાખ્યો હતો.

જેની સામે સિબુએ કેરળ હાઈકોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. ઉચ્ચ અદાલતે તેમની અરજીનો સ્વીકાર કર્યો હતો અને છ મહિનાની અંદર તપાસ પૂર્ણ કરવા માટે કેરળ પોલીસને આદેશ આપ્યા હતા.

રિપોર્ટ મુજબ, કવિતા સામે છેતરપિંડીનો કેસ પડતર હોવા વિશે ઇન્ફર્મેશન ઍન્ડ ટેકનૉલૉજી ડિપાર્ટમેન્ટને જાણ ન હતી.

સોનાની તસ્કરીના કેસમાં સરીથ કુમાર દ્વારા કવિતાનું નામ જાહેર થતાં તેમને તત્કાલ સ્પેસ પાર્ક પ્રોજેક્ટમાંથી હઠાવી દેવાયાં છે.

રાજકીય આરોપ પ્રતિઆરોપ

મુખ્ય સચિવ એમ. શિવશંકર આઈ.ટી. વિભાગના પણ સેક્રેટરી છે એટલે વિવાદ મુખ્ય પ્રધાન કચેરી સુધી પહોંચ્યો છે.

રમેશ ચેન્નિતલાનો આરોપ છે, "શિવશંકર એ મહિલાને બચાવવાના પ્રયાસ કરી રહ્યા હતા. અમને લાગે છે કે આ સમગ્ર સોદામાં તેઓ પણ સામેલ હતા. વિવાદાસ્પદ ભૂતકાળ છતાં મહિલાને સ્પેસ પાર્કમાં નોકરી મળી ગઈ. આથી સમગ્ર પ્રકરણની સીબીઆઈ દ્વારા તપાસ થવી જોઈએ."

મુખ્ય પ્રધાન વિજયનનું કહેવું છે કે સમગ્ર પ્રકરણમાં નામ આવવા માત્રથી તેમણે પોતાના મુખ્ય સચિવને હઠાવી દીધા છે. પોતાના સેક્રેટરીનો બચાવ કરતા મુખ્ય પ્રધાને કહ્યું :

"હઠાવવાનો મતલબ એવો નથી કે તેમની સામે કોઈ કાયદેસરનો કેસ ઘડી કઢાયો છે. આ કેસના આરોપી સાથે નામ જોડાયું હોય અને તો પણ તેઓ મુખ્ય પ્રધાનની કચેરીમાં કામ કરતા હોય તે યોગ્ય નથી. બસ એટલી જ વાત છે."

સી.પી.એમ (કૉમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા - માર્કસિસ્ટ)ના પૂર્વ સંસદસભ્ય એમ. બી. રાજેશે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "સમગ્ર પ્રકરણને કારણે મુખ્ય પ્રધાનની પ્રતિષ્ઠાને કોઈ બટ્ટો નહીં લાગે. તેમણે તત્કાળ કાર્યવાહી કરી અને શિવશંકરને તેમના પદ પરથી હઠાવી દીધા."

"અન્ય તમામ આરોપ પાયાવિહોણા છે. મુખ્ય પ્રશ્ન એ છે કે સોનાની દાણચોરીથી કોને લાભ થઈ રહ્યો હતો."

રાજકીય વિશ્લેષક ગૌરીદસન નાયરે બીબીસીને જણાવ્યું, "હજુ સુધી એવી કોઈ વિગત બહાર નથી આવી કે આ કેસને વિજયનની કચેરી સાથે જોડી શકાય. પરંતુ આ વિવાદ સરકાર તથા વિજયન માટે શરમજનક સ્થિતિ ઊભી કરનારો છે."

"વિજયનને તરત જ પદ પરથી હઠાવી દેવામાં આવ્યા છે, છતાં આ વિવાદ તત્કાળ ખતમ થાય એવું નથી લાગતું."

તિરુવનંતપુરમ્ બેઠક ઉપરથી કૉંગ્રેસના સંસદસભ્ય શશી થરૂરે રમેશ ચેન્નિતલા દ્વારા ઉઠાવવામાં આવેલી સીબીઆઈ તપાસની માગનું સમર્થન કર્યું છે. શરુરે ખુદની તપાસ કરવાની તૈયારી દાખવી હતી.

બીબીસી હિંદીને ઈ-મેલ દ્વારા પાઠવેલા નિવેદનમાં થરૂરે જણાવ્યું, "રાજકીટ લાભ ખાટવા માટે કેટલાક લોકો એવી અફવા ફેલાવી રહ્યા છે કે આરોપીને કૉન્સ્યુલેટમાં મારી ભલામણથી નોકરી મળી હતી."

"આ હળાહળ જૂઠાણું છે. સમગ્ર કેસમાં કૉંગ્રેસ દ્વારા જે સવાલ ઉઠાવવામાં આવ્યા છે, તેની ઉપરથી ધ્યાન હઠાવવા માટે આરોપી સાથે સંકળાયેલા રાજકીય પક્ષોના સમર્થકોએ કાવતરું ઘડ્યું છે."

સોના પ્રત્યે સ્નેહ

કેરળના તમામ વર્ગોમાં સોના પ્રત્યે સવિશેષ આકર્ષણ જોવા મળે છે. સોનાની ખપતના મામલે તે પાડોશી રાજ્ય તામિલનાડુ બાદ બીજા ક્રમે છે.

સોના ઉપર ભારે ડ્યૂટી લાગે છે, જેના કારણે તેની તસ્કરી થાય છે. ખાડી દેશોમાં તેની કિંમત ઓછી છે, જેના કારણે તેની દાણચોરી થાય છે.

માત્ર બૅગ કે અન્ય ચીજોમાં છૂપાવીને જ નહીં, પરંતુ કેટલાક લોકો શરીરના પ્રાઇવેટ પાર્ટ્સમાં પણ સોનું છૂપાવીને તેની તસ્કરી કરે છે.

ગત બે વર્ષ દરમિયાન અધિકારીઓએ લગભગ 600 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે. વર્ષ 2018-19 દરમિયાન 220 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું.

જ્યારે ગત વર્ષે 444 કિલોગ્રામ સોનું ઝડપાયું હતું. જે આગળના વરસની સરખામણીએ બમણું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો