You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાન સ્ટૉક એક્સચેન્જ ઍટેક : કરાચીમાં ચાર હુમલાખોરો સહિત 8 લોકોનાં મૃત્યુ
પાકિસ્તાનના સૌથી મોટાં શહેર કરાચીમાં આવેલા સ્ટૉક એક્સચેન્જની બિલ્ડિંગ પર બંદુકધારીઓએ કરેલા હુમલામાં શરૂઆતની માહિતી મુજબ ચાર હુમલાખોરો સહિત 8 લોકો માર્યા ગયા છે.
કરાચી સ્થિત બીબીસી સંવાદદાતા રિઆઝ સોહેલ જણાવે છે કે આ ઘટના સવારે 10 વાગે બની. પ્રાથમિક માહિતી મુજબ હુમલાખોરોએ કંપાઉન્ડ વિસ્તારમાં પાર્કિગ એરિયામાંથી પ્રવેશ કર્યો અને બિલ્ડિંગમાં પ્રવેશવા માટે ગ્રેનેડ ફેંક્યાં.
અત્યારે બિલ્ડિંગની બહાર મોટી સંખ્યામાં પોલીસ અને રેન્જર્સ હાજર છે અને નજીકમાંથી જ ઇદી ફાઉન્ડેશનના સ્વયં સેવકો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.
ઇદી ફાઉન્ડેશનના મોવડી ફૈઝલ ઇદીએ કહ્યું કે એમણે બે હુમલાખોરોના મૃતદેહ જોયા.
એમણે એમ પણ કહ્યું કે ત્રણ સિક્યૉરિટી ગાર્ડ સહિત ત્રણ ઈજાગ્રસ્તોને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
સંવાદદાતા મુજબ આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત બલોચીસ્તાન લિબરેશન આર્મીએ લીધી છે. આ સમૂહના પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું કે એમની આ ઘટના એમની માજિદ બ્રિગેડનો આત્મઘાતી હુમલો હતો.
સિંધના એડિશનલ આઈજી ગુલામ નબી મેમણે બીબીસીને કહ્યું કે હુમલાખોરો સિલ્વર રંગની કોરોલા ગાડીમાં આવ્યા હતા. તેમને ગેટ પર પોલીસે અટકાવ્યા અને ત્યાં સામસામે ફાયરિંગ થયું. બે હુમલાખોરો ગેટની બહાર ઠાર કરવામાં આવ્યા. બે હુમલાખોરો ગેટની આગળ જવામાં સફળ રહ્યાં જોકે તેમનો પીછો કરીને તેમને પણ ઠાર કરવામાં આવ્યા.
ગુલામ નબી મેમણે કહ્યું કે હુમલાખોરોની મુખ્ય બિલ્ડિંગ સુધી પહોંચવાની કોશિશ નિષ્ફળ રહી. તેમની પાસેથી ગ્રેનેડ અને હથિયારો કબજે કરી લેવામાં આવ્યા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, આબિદ અલી હબીબ કે જેઓ સ્ટૉક એક્સચેન્જના ડાયરેક્ટર છે તેમણે જીઓ ટીવીને એવું કહ્યું કે હુમલાખોર બિલ્ડિંગની અંદર પ્રવેશ્યાં અને ટ્રેડિંગ હૉલમાં ફાયરિંગ કર્યું જેને પગલે અફરાતફરી મચી.
ઉલ્લેખનીય છે કે કરાચી સ્ટૉક એક્સચેન્જ ચંદ્રાગર રોડ પર આવેલું છે અને આ વિસ્તારમાં જ બૅન્ક ઑફ પાકિસ્તાન, પોલીસ હૅડક્વાર્ટર, મીડિયા હાઉસ વગેરે આવેલા છે. સિંધ રૅન્જરની ઑફિસ પણ આ વિસ્તારમાં જ છે. આ એક્સચેન્જની દરરોજ હજારો લોકો મુલાકાત લે છે.
બિલ્ડિંગમાંથી લોકોને ખસેડવામાં આવ્યા છે કે તેને ખાલી કરાવવામાં આવ્યું છે એની વિગતો હજી સ્પષ્ટ નથી થઈ શકી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો