You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'દીકરીનાં લગ્નના જમણવાર પર થયેલા એ કેસે મારું જીવન બદલી નાંખ્યું'
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
'આર્થિક પરિસ્થિતિ તો ખરાબ હતી, જ પરંતુ મારી માનસિક પરિસ્થિતિ પણ ખરાબ થઈ ગઈ.'
આ શબ્દો છે સલીમ મકરાણીના જેઓ રાજકોટમાં ચર્ચિત બીફ બિરયાની કેસમાં ૮ મહિના સુધી જેલમાં રહ્યા.
ગુજરાત એનિમલ (પ્રિઝર્વેશન) ઍક્ટ ૨૦૧૭ના નવા કાયદા પ્રમાણે સજા પામનાર સલીમ મકરાણી પ્રથમ વ્યક્તિ હતા અને જાન્યુઆરી ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી તેઓ જેલમાં રહ્યાં.
એમણે પોતાના પરિવારને મળવાની તમામ આશાઓ ગુમાવી દીધી હતી પરંતુ શુક્રવારે હાઈકોર્ટે તેમને છોડી મૂક્યા અને શનિવારે તેઓ જેલમાંથી છૂટીને પોતાને ઘરે પહોંચ્યા.
વૃદ્ધ માતા-પિતા પત્ની અને બે દીકરીઓને મળ્યા બાદ સલીમ મકરાણીના આનંદનો કોઈ પાર નહોતો.
બીબીસી ગુજરાતીએ તેમની સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કર્યો કે પોતાના દીકરીનાં લગ્નમાં બીફ બિરયાની જમાડવાના આરોપ હેઠળ જેલમાં ગયા પછી તેમનું જીવન કેવી રીતે બદલાઈ ગયું.
મારા જીવનમાં સંઘર્ષ વધી ગયો છે- મકરાણી
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મકરાણીએ કહ્યું હતુ કે ''પહેલાં માત્ર આર્થિક તકલીફો હતી પરંતુ હવે તેની સાથે માનસિક તકલીફો પણ આવી ગઈ છે.''
તેમણે કહ્યું "આ ગંભીર આરોપને કારણે હું અને મારો પરિવાર સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો. અમે બહુ હિંમત કરીને આ તકલીફનો સામનો કર્યો છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેઓ કહે છે કે ''આ એક કેસને લીધે મારું જીવન બદલાઈ ગયું છે.''
તેમનું માનવું છે કે બધુ પહેલાં જેવું કરવા માટે ખુબ મહેનત કરવી પડશે.
તેઓ કહે છે કે ''પહેલા મને માત્ર મજૂરી કરીને પૈસા કમાવીને ઘર ચલાવવાની ચિંતા હતી પણ હવે મારી ઉપર દેવું દૂર કરવાની ચિંતા વધી છે.''
મકરાણી છૂટક મજૂરી કામ કરતા હતા. તેઓ કડિયાકામ કે કોઈ પણ મજૂરીનું કામ કરીને દિવસનાં 200થી 300 રૂપિયા કમાઈ લેતા હતા.
જોકે, જેલમાંથી આવ્યાં બાદ તેઓ હજી સુધી મજૂરી કરવા ગયા નથી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું આ કેસને કારણે તેમને કામ મળવામાં કોઈ તકલીફ પડશે એવું લાગે છે તો તેમણે બીબીસીને કહ્યું કે ''કામ મળવામાં તકલીફ પડશે કે નહીં એવી તો હજી કંઈ ખબર નથી પરંતુ લોકો જાણે છે કે મારો મારો કોઈ વાંક નથી.''
સલીમ મકરાણી જ્યારે જેલમાં હતા એ દરમિયાન તેમના ઘરમાં કોઈ કમાનાર વ્યક્તિ નહોતી. તેમના ઘરનો ખર્ચ તેમજ કોર્ટનો ખર્ચ તેમના સગા-વહાલાંઓએ ઉપાડ્યો હતો.
સલીમ મકરાણી કહે છે કે "હું હજી હમણાં આવ્યો છું. હું તેમને મળીશ અને જાણીશ કે મારા પર કેટલું દેવું છે. હવે આ દેવું ચૂકવવા માટે મારે ડબલ કામ કરવું પડશે. મારો સંઘર્ષ પણ ડબલ થઈ જશે," તેમણે કહ્યું.
તેમણે વધુમાં કહ્યું હતું કે ''મને જ્યારે સજા થઇ ત્યારે હું પૂરી રીતે ભાંગી પડ્યો હતો પરંતુ અલ્લાહ એ મને એક જીવનદાન આપ્યું છે.''
તેઓ કહે છે "જેલમાં હું માત્ર મારા વૃદ્ધ માતા-પિતાની ચિંતા કરતો હતો. ઘર પરિવારનાં લોકો મને દિલાસો આપવા સિવાય બીજું કંઈ જ નહોતા કરી શકતા."
એક તરફ દિકરીના લગ્ન અને બીજી તરફ ધરપકડ
સલીમ મકરાણીની ધરપકડ એમની દીકરીનાં લગ્નને દિવસે જ જમણવાર ચાલી રહ્યો હતો ત્યારે થઈ હતી.
તેઓ કહે છે કે ''દીકરીનાં લગ્ન પછી 8 મહિના સુધી મેં તેનો ચહેરો જોયો ન હતો. આ વાત યાદ કરીને હું હજી પણ દુ:ખી થઇ જાઉં છું. જેલથી છૂટીને મેં તેની જોડે વાત કરી. આખી વાત માટે તે ખુબ દુ:ખી હતી.''
મકરાણીની ધરપકડ થતા સમાજના આગેવાનોએ એમની દીકરીનાં લગ્નની વિધિ પૂર્ણ કરી હતી.
રાજકોટ જિલ્લામાં રહેતા સલીમ મકરાણીના પડોશી સત્તાર કોલીયાએ તેમના પર આરોપ મૂક્યો હતો કે એમણે સત્તારની માલિકીનું વાછરડું ચોરી, તેની બીફ બિરયાની પોતાની દિકરીનાં લગ્નમાં મહેમાનોને ખવડાવી હતી.
આ વિશે મકરાણીનું કહેવું હતું કે ''તેમના પરનો આરોપ ખોટો છે. તેમણે માર્કેટમાં બિરયાની ઓર્ડર કરી હતી.''
મકરાણીના વકીલ યુસૂફભાઈએ બીબીસી ગુજરાતીને કહ્યું કે ''હાઈકોર્ટે કહ્યું કે તેમણે બીફ બિરયાનીનો કોઈ વેપાર કર્યો નથી કે તેનો કોઈ વ્યવસાયિક ઉપયોગ નહોતો હતો. માટે તેમને સજા ન આપી શકાય.''
સલીમની દિકરીનાં લગ્ન જાન્યુઆરી 2019માં થયાં હતાં.
મકરાણી સામેનો કેસ જિલ્લા સેશન કોર્ટમાં ચાલ્યો હતો અને જુલાઈ ૨૦૧૯માં તેમને ૧૦ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. કેસ ચાલ્યો તે દરમિયાન મકરાણી જેલમાં જ હતા. આમ આ કાયદાને આધારે સજા પામનારા તેઓ પ્રથમ વ્યક્તિ હતા.
આ સજાની સામે મકરાણીએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને હાઈકોર્ટે તેમને થયેલી સજા રદ કરી હતી.
આ કેસ અગાઉ એમના ઉપર કદી કોઈ કેસ થયો નહોતો અને તેઓ કદી જેલમાં ગયા નહોતા એમ મકરાણી જણાવે છે.
ભોજન અને સંસ્કૃતિ
સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની માને છે કે, ભારત જેવા દેશમાં જ્યાં આપણે વિવિધતામાં એકતા માનીએ છીએ, તેમાં ગુજરાત એનિમલ (પ્રિઝર્વેશન) ઍક્ટ 2017 જેવા કાયદાની કોઈ જરૂરિયાત જ નથી.
તેઓ કહે છે કે ''આ કાયદાને કારણે ઇસાઈ અને મુસ્લિમ સમાજના અનેક લોકો હાંસિયામાં ધકેલાઈ ગયા છે.''
ગૌરાંગ જાની માને છે કે, તેમની સંસ્કૃતિને કારણે તેમને ગુનેગાર ઠેરવવામાં આવે છે.
ગૌરાંગ જાની કહે છે કે ''શું ખાવું અને શું ન ખાવું તેની વાત લોકોની સંસ્કૃતિ સાથે જોડાયેલી છે, અને તેને માટે કોઈ પણ કાયદો કોઈ પણને ગુનેગાર ઠેરવે તેની સમાજમાં જરૂરિયાત નથી.''
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો