ઇમરાન ખાને કબૂલ્યું : પાકિસ્તાનની સેના અને ISIએ અલ કાયદાને આપી હતી ટ્રેનિંગ

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું છે કે પાકિસ્તાને સોવિયેટ રશિયા સામે લડવા માટે ઉગ્રવાદી ગ્રૂપોને ટ્રેનિંગ આપી હતી.

સોમવારે ન્યૂયૉર્કમાં સેન્ટર ફૉર ફોરેન રિલેશનમાં બોલતા ઇમરાન ખાને આ નિવેદન આપ્યું હતું.

ઇમરાન ખાનને અહીં પૂછવામાં આવ્યું કે અમેરિકાના પૂર્વ સંરક્ષણ સચિવ જેમ્સ મેટિસે હાલમાં જ કહ્યું હતું કે અત્યાર સુધી તેમણે જે દેશો સાથે કામ લીધું છે એ બધા દેશોની વચ્ચે તેઓ પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ માને છે.

આ અંગે જવાબ આપતા ઇમરાન ખાને કહ્યું કે જેમ્સ મેટિસ કદાચ પૂરી રીતે એ જાણતા નથી કે પાકિસ્તાને કટ્ટરપંથનો રસ્તો શા માટે અપનાવ્યો.

તેમણે કહ્યું, "આની પાછળનો એક નાનો ઇતિહાસ છે, જે કદાચ બધા જાણતા હશે અને ના પણ જાણતા હોય."

"જ્યારે સોવિયેટ યુનિયને અફઘાનિસ્તાન પર ચઢાઈ કરી. અમે અમેરિકાની મદદથી સોવિયેટનો પ્રતિરોધ કર્યો."

"આ પ્રતિરોધ કરવા માટે પાકિસ્તાનની આઈએસઆઈ સંસ્થાએ ઉગ્રવાદીઓને ટ્રેનિંગ આપી."

"સોવિયેટ યુનિયન સામે જેહાદ કરવા માટે તમામ મુસ્લિમ દેશોમાંથી ઉગ્રવાદીઓને બોલાવવામાં આવ્યા હતા."

"આવી રીતે સોવિયેટ સામે લડાવા માટે ઉગ્રવાદી ગ્રૂપો ઊભાં કર્યાં હતાં. જ્યારે સોવિયેટ સામેની લડાઈને કારણે જેહાદને વધારે મહત્ત્વ મળ્યું."

આવું પ્રથમ વખત બન્યું છે કે પાકિસ્તાનના વડા પ્રધાને ઉગ્રવાદી ગ્રૂપોને ટ્રેનિંગ આપવાની વાત કરી હોય.

'9/11 બાદ અમેરિકા સાથે જોડાવું એ મોટી ભૂલ'

1989માં સોવિયત યુનિયન અફઘાનિસ્તાનને છોડીને જતું રહ્યું. જે બાદ અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અલકાયદાનો ઉદય થયો હતો.

આ મામલે બોલતાં ઇમરાન ખાને કહ્યું કે સોવિયેટ જ્યારે રશિયાને છોડીને જતું રહ્યું ત્યારે અમેરિકા પાકિસ્તાનને છોડીને જતું રહ્યું.

તેમણે કહ્યું, "જે બાદ આ બધાં ગ્રૂપો પાકિસ્તાનમાં રહી ગયાં. 9/11ની ઘટના બની અને પાકિસ્તાને ફરીથી આતંકવાદ સામે લડવા માટે અમેરિકાને સાથ આપ્યો."

"હવે અમારે આ ગ્રૂપોને આતંકવાદી ગણીને તેમની સામે લડવાનું છે. આ બધાને વિદેશી તાકાતો સામે લડવા માટે તૈયાર કરાયાં હતાં."

ઇમરાન ખાને કહ્યું કે તેઓ પ્રથમ દિવસથી જ એ વાતનો વિરોધ કરતા આવ્યા છે કે પ્રથમ આ ગ્રૂપોને જેહાદ દ્વારા લડવા માટે તૈયાર કરાયાં અને હવે તેને આતંકવાદી ગ્રૂપો કહેવામાં આવે છે. પાકિસ્તાને તટસ્થ રહેવું જોઈએ.

તેમણે કહ્યું, "પાકિસ્તાને 9/11 બાદ અમેરિકાનો સાથ આપીને સૌથી મોટી ભૂલ કરી છે. જેના કારણે 70 હજાર પાકિસ્તાનીઓ માર્યા ગયા છે."

"પ્રથમ જે ગ્રૂપો પાકિસ્તાનની સેનાની નજીક હતાં તેની સામે હવે આર્મીએ લડવાનું છે."

'અલ કાયદાને આપી ટ્રેનિંગ'

ઇમરાન ખાને કહ્યું, "પાકિસ્તાનની સેના અને આઈએસઆઈએ અલ કાયદા અને બીજા ગ્રૂપોને અફઘાનિસ્તાનમાં લડવા માટે ટ્રેનિંગ આપી હતી. જેથી તેમની વચ્ચે હંમેશાંથી સંબંધ હતા, કારણ કે તેમને ટ્રેનિંગ આપી હતી."

ઇમરાન ખાને એ બાદ એવું પણ કહ્યું, "અમે જેહાદીઓને ટ્રેનિંગ આપી ત્યારે તેને મહાન કામ કહેવામાં આવ્યું પરંતુ હવે આ જ ગ્રૂપોને ઉગ્રવાદી કહેવામાં આવે છે."

"1989માં સોવિયેટ સંઘ અફઘાનિસ્તાનમાંથી નીકળી ગયું અને હવે અમેરિકા અફઘાનિસ્તાનમાંથી જવાની તૈયારી કરી રહ્યું છે. અમારે આ ગ્રૂપો વચ્ચે રહેવાનું છે."

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કહ્યું કે પાકિસ્તાને એટલા માટે થઈને અમેરિકા-અફઘાનિસ્તાન યુદ્ધમાં તટસ્થ રહેવાની જરૂર હતી.

પાકિસ્તાનમાં ઉગ્રવાદ અને ઉગ્રવાદીઓ પર અંકુશ લગાવવા માટે લગાતાર દબાણ વધી રહ્યું છે. ભારત અને અફઘાનિસ્તાન સતત આંતરરાષ્ટ્રીય મંચો પરથી પાકિસ્તાન પર ઉગ્રવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા રહ્યા છે.

જોકે, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને આ બોલતી વખતે એ કદાચ ધ્યાન નહીં હોય કે તેમની આ વાતોથી પાકિસ્તાનમાં ઉગ્રવાદીઓને ટ્રેનિંગ મળવાના ભારત અને અફઘાનિસ્તાનના આરોપોને બળ મળશે.

અલકાયદાની શરૂઆત ક્યારે થઈ?

અલ કાયદાની શરૂઆત કથિત રીતે પાકિસ્તાનમાં 1988ની આસપાસ થઈ હતી. આ સમયે સોવિયેટ રશિયા અફઘાનિસ્તાનને છોડીને જઈ રહ્યું હતું.

સોવિયેટે 1989માં સંપૂર્ણ રીતે અફઘાનિસ્તાન છોડીને ગયું હતું. જે બાદ અફઘાનિસ્તાનમાં અલકાયદા અને તાલિબાનનો ઉદય થયો.

ઓસામા બિન લાદેન અને અબ્દુલ્લા આઝમ દ્વારા અલ કાયદાની શરૂઆત કરવામાં આવી હતી.

સોવિયત યુનિયન સામે લડવા માટે તૈયાર થયેલા આ ગ્રૂપમાં આરબ દેશના ઉગ્રવાદીઓ સામેલ હતા.

તાલિબાનનો ઇતિહાસ

તાલિબાનના ઉદયની શરૂઆત 1990માં થાય છે, જ્યારે સોવિયટ યુનિયન અફઘાનિસ્તાન છોડીને જતું રહે છે.

ઉત્તર પાકિસ્તાનમાં શરૂઆતમાં તાલિબાનનો બૅઝ હતો અને અહીંથી જ તેને મજબૂતી મળી.

1994માં અફઘાનિસ્તાનમાં તાલિબાનનું વર્ચસ્વ વધવાનું શરૂ થયું. એવું માનવામાં આવે છે કે શરૂઆતમાં તેઓ ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લેતા હતા.

આ કાર્યક્રમો માટે મોટે ભાગે સાઉદી અરેબિયા દ્વારા ફંડ આપવામાં આવતું હતું. જેમાં સુન્ની ઇસ્લામ વિશે ભાષણો આપવામાં આવતાં હતાં.

જે બાદ અફઘાનિસ્તાનમાં તેમના વર્ચસ્વને પડકારી શકે એવું કોઈ ન હતું. અંતે 2001માં અમેરિકાએ અફઘાનિસ્તાન પર ચડાઈ કરી ત્યારે તાલિબાનની સરકાર પડી ભાંગી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો