જેએનયુના પૂર્વ વિદ્યાર્થી ઉમર ખાલિદની UAPA કાયદા હેઠળ ધરપકડ કેમ કરાઈ?

    • લેેખક, વિભુરાજ
    • પદ, બીબીસી સંવાદદાતા

યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટના એક નિવેદન અનુસાર, 11 કલાક ચાલેલી પૂછપરછ બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ઉમર ખાલિદની ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલાં રમખાણો મામલે 'કાવતરાખોર'ના રૂપમાં ધરપકડ કરી છે.

યુનાઇટેડ અગેઇન્સ્ટ હેટ સંસ્થાનાં વકીલ તમન્ના પંકજે બીબીસી સાથે વાત કરતાં ઉમર ખાલિદની ધરપકડની પુષ્ટિ કરી છે.

ઉમર ખાલિદના પિતા સૈયદ કાસિમ રસૂલ ઇલિયાસે જણાવ્યું, "સ્પેશિયલ સેલે મારા પુત્ર ઉમર ખાલિદની રાતે 11 વાગ્યે ધરપકડ કરી છે. પોલીસ તેની બપોરે એક વાગ્યાથી પૂછપરછ કરતી હતી. તેને દિલ્હી રમખાણ મામલે ફસાવ્યો છે."

ઉમર ખાલિદની આ મામલે મૂળ એફઆઈઆર 59માં યુએપીએ એટલે કે 'ગેરકાયદે હિલચાલ રોકથામ અધિનિયમ' (યુએપીએ)ની કલમો અંતર્ગત ધરપકડ કરાઈ છે.

કાયદા પર વિવાદ કેમ

સરકારને જો એ વાત પર વિશ્વાસ આવી જાય કે કોઈ વ્યક્તિ કે સંગઠન 'આતંકવાદી પ્રવૃત્તિઓ'માં સામેલ છે તો તે તેને આતંકવાદી ગણાવી શકે છે.

અહીં આતંકવાદનો મતલબ આતંકવાદી પ્રવૃત્તિઓને અંજામ આપવો કે તેમાં સામેલ હોવું, આતંકવાદ માટે તૈયારી કરવી કે તેને પ્રોત્સાહન આપવું અથવા તો બીજી કોઈ રીતે તેની સાથે જોડાવાના સંદર્ભે છે.

રસપ્રદ વાત એ છે કે 'માત્ર વિશ્વાસના આધારે' કોઈને પણ આતંકવાદી ગણાવી દેવાનો હક સરકાર પાસે છે. તેના માટે કોઈ કોર્ટમાં સાક્ષી કે પૂરાવા રજૂ કરવાની જરૂરી નથી.

વિશેષજ્ઞો માને છે કે રાજકીય અને વૈચારિક વિરોધીઓ તેનું નિશાન હોઈ શકે છે.

UAPA ઍક્ટમાં છઠ્ઠા સંશોધનની કેટલીક જોગવાઈઓ પર સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરનારા વકીલ સજલ અવસ્થી કહે છે, "યૂએપીએ ઍક્ટની સેક્શન 35 અને 36 અંતર્ગત સરકાર કોઈ દિશાનિર્દેશ વગર, કોઈ નક્કી કરાયેલી પ્રક્રિયાનું પાલન કર્યા વગર કોઈ વ્યક્તિને આતંકવાદી ગણાવી શકે છે."

"કોઈ વ્યક્તિને ક્યારે આતંકવાદી ગણાવી શકાય? આવું તપાસ દરમિયાન કરી શકાય? કે તપાસ બાદ? કે સુનાવણી દરમિયાન? ધરપકડ પહેલાં? આ કાયદો આ સવાલોનો જવાબ આપતો નથી."

વકીલ સજલ અવસ્થી જણાવે છે, "આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ અંતર્ગત કોઈ આરોપી ત્યાં સુધી નિર્દોષ છે જ્યાં સુધી તેની સામે ગુનો સાબિત ન થઈ જાય. પરંતુ આ મામલે જ્યારે તમે કોઈ વ્યક્તિને સુનાવણી થયા પહેલાં જ આતંકવાદી ગણાવી દો છો, તો તેના પરિણામ ગંભીર હોઈ શકે છે. તે બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારોની પણ વિરુદ્ધ છે."

શું છે UAPA કાયદો?

સહેલી ભાષામાં વાત કરીએ તો આ કાયદો ભારતમાં ગેરકાયદેસર ગતિવિધિઓનો સામનો કરવા માટે વર્ષ 1967માં અસ્તિત્વમાં આવ્યો હતો.

તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતની અખંડતા અને સંપ્રભુતાને પડકારતી ગતિવિધિઓ પર રોક લગાવવા માટે સરકારને વધારે અધિકાર આપવાનો હતો.

તેવામાં સવાલ ઊઠે છે કે શું તે સમયે ભારતીય દંડ ધારો કે IPC આમ કરવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યાં હતાં?

સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ સાઉથ બિહારમાં યૂએપીએ ઍક્ટ પર સંશોધન કરી રહેલા રમીઝુર રહેમાન જણાવે છે કે યૂએપીએ કાયદો ખરેખર એક સ્પેશિયલ લૉ છે જે વિશેષ પરિસ્થિતિઓમાં લાગુ કરી શકાય છે.

"ભારતમાં હાલ યૂએપીએ ઍક્ટ એકમાત્ર એવો કાયદો છે જે મુખ્યરૂપે ગેરકાયદેસર અને આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ પર લાગુ થાય છે."

"તેવામાં એવા ઘણા ગુના હતા જેનો IPCમાં ઉલ્લેખ ન હતો, એટલે વર્ષ 1967માં તેની જરૂરિયાતનો અનુભવ થયો અને આ કાયદો લાવવામાં આવ્યો."

"જેમ કે ગેરકાયદેસર અને આતંકવાદ સાથે જોડાયેલી ગતિવિધિઓ, આતંકવાદી ગૅંગ અને આતંકવાદી સંગઠન શું છે અને કોણ છે, યૂએપીએ ઍક્ટ તેને સ્પષ્ટ રૂપે પરિભાષિત કરે છે."

કાશ્મીરમાં IPCની જગ્યાએ રણબીર પીનલ કોડ લાગુ હતો પરંતુ યૂએપીએ કાયદો આખા ભારતમાં લાગુ છે.

આતંકવાદી કોણ છે અને આતંકવાદ શું છે?

યૂએપીએ ઍક્ટના સેક્શન 15 અનુસાર ભારતની એકતા, અખંડતા, સુરક્ષા, આર્થિક સુરક્ષા કે સંપ્રભુતાને સંકટમાં મૂકવા અથવા તો તેને સંકટમાં મૂકવાની શક્યતાના ઇરાદે ભારતમાં કે વિદેશમાં જનતા કે જનતાના કોઈ પણ વર્ગમાં આતંક ફેલાવવા કે પછી આતંક ફેલાવવાની શક્યતાના ઇરાદાથી કરવામાં આવેલું કામ 'આતંકવાદી કૃત્ય' છે.

આ પરિભાષામાં બૉમ્બ બ્લાસ્ટથી માંડીને નકલી નોટનો કારોબાર પણ સામેલ છે.

આતંકવાદ અને આતંકવાદીની સ્પષ્ટ પરિભાષા આપવાના બદલે યૂએપીએ ઍક્ટમાં માત્ર એટલું કહેવામાં આવ્યું છે કે તેનો અર્થ સેક્શન 15માં આપવામાં આવેલી 'આતંકવાદી કાર્ય'ની પરિભાષા પ્રમાણે હશે.

સેક્શન 35માં તેનાથી આગળ વધીને સરકારને એ હક આપવામાં આવ્યો છે કે તે કોઈ વ્યક્તિ કે સંગઠનને નિર્ણય આવે તે પહેલાં જ 'આતંકવાદી' ગણાવી શકે છે.

યૂએપીએ ઍક્ટ સાથે જોડાયેલા મામલાની દેખરેખ કરતા વકીલ પારી વેંદન કહે છે, "આ સંપૂર્ણપણે સરકારની મરજી પર નિર્ભર છે કે તે કોઈને પણ આતંકવાદી ગણાવી શકે છે. તેમને માત્ર અનલૉફુલ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ટ્રિબ્યૂનલની સામે આ નિર્ણયને યોગ્ય ગણાવવાનો હોય છે."

યૂએપીએ પહેલાં ટાડા અને પોટા

ટૅરરિસ્ટ ઍન્ડ ડિસરપ્ટિવ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) ઍક્ટ એટલે કે ટાડા અને પ્રિવેન્શન ઑફ ટૅરરિસ્ટ ઍક્ટિવિટિઝ ઍક્ટ (પોટા) હવે અસ્તિત્વમાં નથી.

પરંતુ એક સમયે આ કાયદા તેના ઉપયોગ માટે ખૂબ બદનામ રહ્યા છે.

ટાડા કાયદામાં આતંકવાદી ગતિવિધિની પરિભાષાની સાથે-સાથે વિધ્વંસાત્મક કાર્યને પણ પરિભાષિત કરવામાં આવ્યું હતું.

તેના અંતર્ગત વિધ્વંસાત્મક ગતિવિધિ માટે કોઈની ઉશ્કેરણી કરવી, તેની પેરવી કરવી કે સલાહ આપવી પણ ગુનો હતો.

સાથે જ પોલીસ અધિકારી સામે આપવામાં આવેલા નિવેદનને પુરાવા તરીકે કાયદેસર માનવામાં આવ્યું હતું.

જોકે, દંડ પ્રક્રિયાની ધારા 164 અંતર્ગત માત્ર મૅજિસ્ટ્રેટની સામે આપવામાં આવેલું નિવેદન કાયદેસર માનવામાં આવે છે.

ટાડામાં કાયદામાં ઘટનાસ્થળે આરોપીની આંગળીઓના નિશાન કે આરોપી પાસે હથિયાર કે વિસ્ફોટકો મળી આવે તો માનવામાં આવતું કે આરોપીએ તે અપરાધ કર્યો છે અને પોતાને નિર્દોષ સાબિત કરવાની જવાબદારી આરોપી પર આવી જતી હતી.

પોટામાં આરોપ નક્કી કર્યા વગર કોઈ આરોપીને 180 દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની જોગવાઈ હતી જ્યારે CRPCમાં તેના માટે માત્ર 90 દિવસ સુધીની જોગવાઈ છે.

પોટામાં એ પણ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આતંકવાદી ગતિવિધિની જાણકારી ધરાવતી વ્યક્તિને સૂચના આપવા માટે મજબૂર કરવામાં આવે.

આ જોગવાઈ અંતર્ગત ઘણી વખત પત્રકારોએ પણ ધરપકડનો સામનો કરવો પડ્યો છે.

પોટામાં આતંકવાદી ગતિવિધિઓ માટે પૈસા એકઠા કરવાને પણ અપરાધની શ્રેણીમાં રાખવામાં આવ્યા છે અને તેના માટે સજાની જોગવાઈ હતી. આ કાયદાને વર્ષ 2004માં ખતમ કરી દેવાયો હતો.

પહેલાં પણ કરવામાં આવ્યા છે પરિવર્તન

ગત વર્ષે ઑગસ્ટમાં કરવામાં આવેલા વિવાદાસ્પદ પરિવર્તન પહેલાં યૂએપીએ ઍક્ટમાં પાંચ વખત સંશોધન કરવામાં આવ્યું છે.

રમીઝુર રહેમાન કહે છે, "વર્ષ 1995માં ટાડા અને 2004માં પોટા ખતમ થયા બાદ એ જ વર્ષે યૂએપીએ કાયદામાં મહત્ત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું હતું. પોટાની કેટલીક જોગવાઈ છોડી દેવામાં આવી તો કેટલીક યૂએપીએમાં શબ્દશઃ જોડી દેવામાં આવી. તેમાં ટૅરર ફંડિંગથી માંડીને ચાર્જશીટ દાખલ કર્યાના 180 દિવસ સુધી કસ્ટડીમાં રાખવાની જોગવાઈ છે."

વર્ષ 2008માં થયેલા સંશોધનમાં આતંકવાદી ગતિવિધિની પરિભાષાની મર્યાદા વધારી દેવામાં આવી હતી.

યૂએપીએની વિરુદ્ધ અને પક્ષમાં શું?

એ વખતે રાજ્યસભામાં યૂએપીએ સંશોધન બિલ પર ચર્ચા દરમિયાન તેના વિરોધ અને સમર્થનમાં ઘણી દલીલો કરવામાં આવી હતી.

"આતંકવાદ વિરુદ્ધ લડવાના નામે સરકાર જનતા પર રાજ્યનો આતંકવાદ થોપી રહી છે. વિરોધ વ્યક્ત કરતા લોકોને હવે મન ફાવે તેમ આતંકવાદી સાબિત કરી શકાય છે."

ગત વર્ષે 2 ઑગસ્ટના રોજ અનલૉફુલ ઍક્ટિવિટિઝ (પ્રિવેન્શન) સંશોધન બિલ પર રાજ્યસભામાં ચર્ચા દરમિયાન સીપીએમના સાંસદ ઇલામરલ કરીમની ચિંતાઓના જવાબમાં ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું, "જો અમે એક સંગઠન પર પ્રતિબંધ લગાવીએ છીએ, તો તેઓ બીજુ સંગઠન ઊભું કરી દે છે. આતંકવાદી ગતિવિધિઓને કોઈ સંગઠન નહીં, પણ એક વ્યક્તિ અંજામ આપે છે."

કહેવામાં આવ્યું કે આ કાયદો સંઘીય માળખાની ભાવના વિરુદ્ધ છે અને NIAને કોઈ પણ રાજ્યમાં જઈને પોતાની મરજી પ્રમાણે કામ કરવાની છૂટ મળી જશે.

કેન્દ્ર અને રાજ્યની પોલીસ વચ્ચે ટકરાવની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી. કોઈ ઑફિસર (જે જજ નહીં હોય)ની મરજી અથવા ઝનૂનમાં કોઈને આતંકવાદી ગણાવી દેવાનું જોખમ હોઈ શકે છે અને તેમાં સાવધાની વર્તવા કોઈ ઉપાય કરવામાં આવ્યો નથી.

પરંતુ સરકાર તરફથી બિલના પક્ષમાં જે દલીલો આપવામાં આવી, તેનો સાર એ જ હતો કે આતંકવાદી હત્યાઓ કરીને ભાગી જાય છે અને તેના માટે કાયદામાં પરિવર્તન જરૂરી હતું.

ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં કહ્યું, "રાજ્ય સરકારો અને NIA બન્ને આ કાયદાનો ઉપયોગ કરે છે. NIAના આ કાયદા અંતર્ગત 2078 કેસ નોંધવામાં આવ્યા છે અને તેમાં 204 કેસમાં ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવી."

"અત્યાર સુધી 54 કેસમાં નિર્ણય આવ્યો છે અને તેમાંથી 48 કેસમાં સજા સંભળાવવામાં આવી. NIA પાસે નોંધાયેલા કેસમાં દોષિત સાબિત થવાનો દર 91 ટકા છે."

"આતંકવાદ વિરુદ્ધ NIA જે કેસ નોંધે છે, તે ખૂબ ગૂંચવાયેલા હોય છે. તેમાં પુરાવા મળવાની શક્યતા ઓછી હોય છે કેમ કે તેમની હદ રાજ્યો અને દેશોની સરહદ બહાર સુધી ફેલાયેલી હોય છે."

હાલની પરિસ્થિતિ

1967માં યૂએપીએ 1987માં ટાડા, 1999માં મકોકા, 2002માં પોટા અને 2003માં ગુજકોકા, દેશમાં આતંકવાદનો સામનો કરવા બનાવવામાં આવેલા કાયદાની યાદી લાંબી છે.

મકોકા અને ગુજકોકા ક્રમશઃ મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારે બનાવ્યા હતા. પરંતુ તેમાંથી કોઈ કાયદો એવો નથી, જેને લઈને વિવાદ ન થયો હોય.

રિસર્ચ સ્કૉલર રમીઝુર રહેમાન કહે છે, "આતંકવાદ વિરોધી કાયદાનો કાળો પક્ષ એ જ રહ્યો છે કે તે ટાડા હોય કે પોટા, નાગરિક અધિકારોનું ઉલ્લંઘન, ગેરકાયદેસર ધરપકડ, ટૉર્ચર, ખોટા કેસ અને લાંબા સમય સુધી જેલમાં રાખવાના કેસ વધ્યા."

"ટાડા અંતર્ગત જે 76,036 લોકોની ધરપકડ કરવામાં આવી, તેમાંથી માત્ર એક ટકા લોકો વિરુદ્ધ આરોપ સાચા સાબિત થઈ શક્યા. એ જ રીતે વર્ષ 2004માં જ્યારે પોટા ખતમ કરવામાં આવ્યો હતો ત્યાં સુધી તેના ઉપયોગ અંતર્ગત 1031 લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેમાંથી 18 લોકોની સુનાવણી પૂર્ણ થઈ શકી અને તેમાંથી 13 લોકો દોષિત સાબિત થયા હતા."

એવી જ પરિસ્થિતિ યૂએપીએ ઍક્ટની પણ છે.

એનસીઆરબીના આંકડા પ્રમાણે વર્ષ 2016માં 33માંથી 22 કેસમાં આરોપીઓને મુક્ત કરી દેવામાં આવ્યા જ્યારે વર્ષ 2015માં 76માંથી 65 કેસમાં આરોપ સાબિત થઈ શક્યા ન હતા.

વર્ષ 2014થી 2016 સુધીના આંકડા જણાવે છે કે 75 ટકા કેસમાં ધરપકડ પામેલી વ્યક્તિને મુક્ત કરી દેવાનો નિર્ણય આવ્યો.

ટૅરર ગ્લોબલ ઇન્ડેક્સ 2018 પ્રમાણે પશ્ચિમી દેશ આતંકવાદવિરોધી કાયદાની મદદથી પોતાના દેશમાં ઉગ્રવાદ પર નિયંત્રણ મેળવવામાં મોટાભાગે સફળ રહ્યા છે પરંતુ ભારતમાં તેના પરિણામ વિપરિત જોવા મળ્યા છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો