આજથી શરૂ થયેલા સંસદના સત્રમાં કેવા ફેરફારો કરાયા?

કોરોના વાઇરસના કેસ ભારતમાં દિવસેદિવસે વધી રહ્યા છે અને એવામાં આજથી સંસદમાં ચોમાસુસત્રનો પ્રારંભ થઈ રહ્યો છે.

રાજ્યસભા સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 1 વાગ્યા સુધી ચાલશે અને લોકસભા બપોરે 3 વાગ્યાથી લઈને સાંજે 7 વાગ્યા સુધી ચાલશે.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ અનુસાર, રવિવારે લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ સંસદના પરિસરની મુલાકાત લીધી હતી અને સ્વાસ્થ્ય સુરક્ષા ઉપાયો તથા તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

લોકસભા અધ્યક્ષે એક-એક સ્થાને ઝીણવટથી જોયું હતું અને તૈયારીઓમાં રહેલી ખામીઓ તરફ ધ્યાન દોર્યું હતું.

ઓમ બિરલાએ જણાવ્યું હતું કે સત્ર પહેલાં બધા સાંસદો અને તેમના પરિજનોના કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

બધા સાંસદોને સૅનિટાઇઝર, માસ્ક, મોજાં સહિત અન્ય સ્વાસ્થ્ય સુરક્ષા સંબંધી સામગ્રીની કિટ મોકલી છે. સાંસદના બધા અધિકારીઓ-કર્મચારીઓના ટેસ્ટ પણ કરાવ્યા છે.

કેવા ફેરફારો કરાયા?

કોરોના મહામારી બાદ પહેલી વાર સંસદ શરૂ થઈ રહી છે અને એટલે તેમાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે.

એક ઑક્ટોબર સુધી ચાલનારા આ સત્રમાં સોશિયલ ડિસ્ટન્સિંગથી માંડીને કોરોના સાથે જોડાયેલા અન્ય નિયમોનું પાલન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

ચોમાસુસત્રમાં દરેક દિવસ લોકસભા અને રાજ્યસભાના ચાર-ચાર કલાકનાં સેશન હશે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, સરકાર આ સત્રમાં 23 નવાં બિલ લઈને આવશે, જેમાં 11 જૂના અધ્યાદેશ છે, જે બિલના રૂપમાં આવશે.

સાંસદોનું વેતન ઓછું કરવાની જોગવાઈવાળું બિલ પણ સંસદમાં રજૂ કરાશે.

આ માટે સરકાર પહેલાંથી અધ્યાદેશ લાવી ચૂકી છે, જે અનુસાર એક એપ્રિલ 2020થી એક વર્ષ સુધી સાંસદોનો પગાર 30 ટકા ઓછો કરી દીધો છે. બચેલી રકમનો ઉપયોગ કોરોના મહામારી સામે લડવા માટે કરાશે.

નવાં બિલોમાં જમ્મુ-કાશ્મીર આધિકારિક ભાષા વિધેયક 2020 પણ સામેલ છે. વિધેયકમાં ઉર્દૂ અને અંગ્રેજી સહિત કાશ્મીરી, ડોગરી અને હિન્દીને જમ્મુ અને કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશની સત્તાવાર ભાષા તરીકે રાખવાની જોગવાઈ છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો