કઠુઆ કેસમાં લાગુ થયેલો રણબીર પીનલ કોડ શું છે?

    • લેેખક, સિન્ધુવાસિની
    • પદ, બીબીસી સંવાદદાતા

કઠુઆ રેપ કેસમાં પંજાબના પઠાણકોટની વિશેષ અદાલતે છ આરોપીઓને દોષી ઠેરવ્યા છે.

જેમાં બળાત્કાર અને મર્ડરના આ કેસમાં ત્રણ દોષિતોને આજીવન કેદ અને ત્રણને પાંચ-પાંચ વર્ષની સજા કરવામાં આવી છે.

સાંઝી રામ, દીપક ખજુરિયા અને પરવેશને આજીવન કેદની સજા કરવામાં આવી છે. જ્યારે તિલક રાજા, આનંદ દત્તા અને સુરેન્દ્રકુમારને 5-5 વર્ષની સજા કરવામાં આવી છે.

આ કેસમાં સાત પૈકી એકમાત્ર આરોપી ગુનેગાર નથી ઠર્યા, જે સાંજી રામના પુત્ર વિશાલ છે.

આ કેસમાં સજા ભારતીય દંડ સંહિતા ( આઈપીસી) હેઠળ નહીં પરંતુ આ કેસમાં સજા રણબીર દંડસંહિતા પ્રમાણે સજા કરવામાં આવી છે. શું છે આ રણબીર દંડસંહિતા અને આરપીસી?

શું છે આરપીસી?

આરપીસી એટલે રણબીર પીનલ કોડ અથવા રણબીર દંડસંહિતા જમ્મુ-કાશ્મીરમાં લાગુ થાય છે.

મહત્ત્વનું છે કે આઈપીસી એટલે કે ઇન્ડિયન પીનલ કોડ કે ભારતીય દંડસંહિતાની જોગવાઈ જમ્મુ-કાશ્મીર રાજ્યને છોડીને દેશના દરેક રાજ્યમાં લાગુ છે.

આપણે તેને એ રીતે સમજી શકીએ છીએ કે જમ્મુ-કાશ્મીર રાજ્યમાં આઈપીસીના બદલે આરપીસી લાગુ થાય છે જેને ભારતીય દંડસંહિતાની જેમ જ આ કાયદાને તૈયાર કરવામાં આવ્યો છે.

બંધારણનો અનુચ્છેદ 370 જમ્મુ-કાશ્મીર રાજ્યને સ્વાયત્તાનો દરજ્જો આપે છે, એ માટે ભારત સંઘના કાયદા આ રાજ્યમાં સીધા લાગુ થતા નથી.

એ જ કારણ છે કે જમ્મુ-કાશ્મીરમાં આઈપીસીના બદલે આરપીસી લાગુ છે.

આઈપીસી અને આરપીસીમાં તફાવત

આરપીસી, આઈપીસી જેવી જ અપરાધસંહિતા છે જેમાં અપરાધોની પરિભાષાઓ અને તેના માટે નક્કી કરવામાં આવેલી સજાઓ વિશે જણાવવામાં આવ્યું છે.

રણબીર પીનલ કોડ જમ્મુ-કાશ્મીર માટે બનાવવામાં આવ્યો હતો એટલે આઈપીસી કરતાં તે કેટલાક મામલે અલગ છે.

કેટલીક કલમોમાં 'ભારત'ની જગ્યાએ 'જમ્મુ-કાશ્મીર'નો ઉપયોગ થયો છે.

વિદેશી જમીન પર કે સમુદ્રમાં યાત્રા દરમિયાન જહાજ પર કરવામાં આવેલા અપરાધ સાથે સંબંધિત કલમોને આરપીસીમાંથી હટાવી દેવાઈ હતી.

વધુ એક વાત જાણવા લાયક છે કે આઈપીસીની ઘણી કલમો ભારતનાં અલગ-અલગ રાજ્યોમાં અલગ-અલગ જોગવાઈઓ સાથે લાગુ થાય છે.

એ જમ્મુ-કાશ્મીરમાં બ્રિટિશ શાસનના સમયથી લાગુ છે. તે સમયે જમ્મુ-કાશ્મીર એક સ્વતંત્ર રાજ્ય હતું અને ડોગરા વંશના રણબીર સિંહ અહીંના રાજા હતા.

કઠુઆ મામલે આરપીસી

કઠુઆ જમ્મુ અને કાશ્મીરમાં આવે છે. જેથી બાળકીના બળાત્કાર અને હત્યાના મામલે આ જ રાજ્યનો કાયદો એટલે કે આરપીસી લાગુ થયો છે.

સુપ્રીમ કોર્ટે ભલે કેસની સુનાવણી જમ્મુ-કાશ્મીરની બહાર પંજાબના પઠાણકોટમાં કરાવવાનો નિર્ણય લીધો છે પરંતુ તેના કાયદાનો ક્ષેત્રાધિકાર બદલતો નથી.

પઠાણકોટમાં સુનાવણી હોવા છતાં આ કેસની ટ્રાયલ આઈપીસી અંતર્ગત નહીં પણ આરપીસી અંતર્ગત થઈ છે કેમ કે અપરાધની જગ્યા પઠાણકોટ નહીં, કઠુઆ છે.

કઠુઆ મામલે બાળકીના પરિવારનાં વકીલ દીપિકા સિંહ રાજાવત જણાવ્યું હતું, "આઈપીસી અને આરપીસીમાં વધારે કોઈ ફેર નથી. ખાસ કરીને બળાત્કાર અને હત્યાના મામલે. જોકે, કલમોના ક્રમમાં ફેરફાર ચોક્કસ છે પરંતુ તેનાથી કઠુઆ મામલાની સુનાવણી પર કોઈ અસર પડશે નહીં."

સુપ્રીમ કોર્ટે દખલગીરી કરી આ કેસને જમ્મુ-કાશ્મીરથી બહાર પંજાબના પઠાણકોટમાં ખસેડ્યો હતો.

આ કેસમાં જ્યારે પોલીસ ચાર્જશીટ દાખલ કરવા જઈ રહી હતી ત્યારે રસ્તામાં કેટલાક સ્થાનિક પત્રકારોએ તેમનો રસ્તો રોક્યો હતો. આરોપીઓના પક્ષમાં રેલીઓ પણ કાઢી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો