Top News : 'વાયુ' વાવાઝોડું 48 કલાકમાં પરત ગુજરાત તરફ આવી શકે છે

વાયુ વાવાઝોડું ફરીથી પોતાનો માર્ગ બદલીને ગુજરાતના કિનારે ત્રાટકે એવી શક્યતા પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ રજૂ કરી હતી.

એનડીટીવી ઇન્ડિયાના અહેવાલ મુજબ પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સચિવ એમ.રાજીવે જણાવ્યું, "વાયુ 16 જૂને પોતાનો માર્ગ બદલીને 17-18 જૂનના રોજ ફરી કચ્છના કિનારે આવે તેવી શક્યતા છે."

તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડાની તીવ્રતા ઘટવાની શક્યતા છે. આ વાવાઝોડું 'ડીપ ડિપ્રેશન' તરીકે કચ્છના કિનારા સાથે ટકરાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારે પણ વાયુનો માર્ગ બદલાઈ શકે એવી ચેતવણી જાહેર કરી દીધી છે.

બુધવારે વાયુ ગુજરાતના કિનારા પરથી પસાર થવાનું હતું, પરંતુ દિશઆ બદલાઈ જતા તે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું

બંગાળમાં રહેવું હોય તો બંગાળી બોલવું પડશે : મમતા

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ બિનબંગાળીઓ પ્રત્યે પોતાનું વલણ કડક કર્યું છે.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ શુક્રવારે તેમણે નિવેદન આપ્યું છે કે બંગાળમાં રહેવું હોય તો બંગાળી બોલવું પડશે.

તૃણમૂલ કૉંગ્રેસની સભામાં મમતા બેનરજીએ કહ્યું, "જ્યારે હું બિહાર, યૂપી, પંજાબમાં જાઉં છું, ત્યારે હું તેમની ભાષા બોલું છું. જો તમે બંગાળમાં છો તો તમારે બંગાળી બોલવી પડશે. મોટરસાઇકલ પર ફરતા ગુનેગારોને હું બંગાળમાં સાંખી નહીં લઉં."

તેમણે બરાકપોરના સાંસદનું નામ લીધા વગર કહ્યું કે તેઓ હિંદીભાષી લોકો તરફ પક્ષપાત ધરાવે છે. સાથે જ તેમણે કહ્યું, "મહારાષ્ટ્ર અને ગુજરાતમાંથી બિહારીઓને હાંકી કઢાયા છે, આપણે એવું નથી કર્યું. પરંતુ તમે બિહારમાંથી બિહારીને કે ઉત્તર પ્રદેશ અને બંગાળમાંથી તેમના સ્થાનિકોને હાંકી શકો નહીં. જે અહીં રહે છે, તેમને બંગાળી ધરતી અને સંસ્કૃતિને પ્રેમ કરવો પડશે."

ઓમાનમાં ટૅન્કરમાં બ્લાસ્ટ : અમેરિકાએ વીડિયો જાહેર કર્યો

અમેરિકાની સેનાએ એક વીડિયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેમાં ઈરાનની સ્પેશિયલ ફોર્સના લોકો એક તેલના ટૅન્કરમાંથી વિસ્ફોટક હઠાવતા દેખાય છે. ઓમાનની ખાડીમાં ગુરુવારે થયેલા હુમલામાં આ ટૅન્કરને નુકસાન થયું હતું.

અમેરિકાએ જાપાનના ટૅન્કરની તસવીરો પણ જાહેર કરી છે, જેમાં વિસ્ફોટકો દેખાય છે. જો કે, આ વીડિયો બાદમાં હઠાવી દેવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર ઓમાનની ખાડીમાં નોર્વેના એક ટૅન્કરમાં પણ ત્રણ બ્લાસ્ટ થયા. અમેરિકાએ આ બ્લાસ્ટ મુદ્દે ઈરાનને દોષી ઠેરવ્યું છે, જો કે ઈરાને આ આરોપને ફગાવી દીધા છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આ કામ ઈરાનનું જ છે કારણ કે આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે હોડીની મદદથી રાત્રે વિસ્ફોટક હઠાવવાની કોશિશ થઈ રહી છે અને વિસ્ફોટક હઠાવી પણ લેવામાં આવે છે. આ હોડી ઈરાનની હતી."

"ઈરાન કોઈ જ પુરાવા છોડવા માગતું નથી, પરંતુ તેને ખબર નથી કે અમે અંધારામાં પણ વસ્તુઓ શોધી કાઢવામાં માહેર છીએ."

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટેનિયો ગુટેરેશ આ મુદ્દે નજર રાખી રહ્યા છે. શુક્રવારે તેમણે કહ્યું કે ખાડી વિસ્તારનો આ સંઘર્ષ દુનિયા સાંખી શકશે નહીં. શનિવારે તેમણે આ ઘટનાની એક સ્વતંત્ર તપાસ કરાવવાની માગ કરી છે.

તેમણે કહ્યું કે જે કંઈ પણ થયું હોય તેનું સત્ય દુનિયા સામે આવવું જ જોઈએ. જોકે, આવી કોઈ તપાસ બેસાડવાનો અધિકાર માત્ર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પાસે જ છે.

ઝારખંડમાં નક્સલી હુમલો, 5 પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો

ઝારખંડના સરાયકેલા ખરસાંવા જિલ્લામાં શુક્રવારે સાંજે થયેલા નક્સલી હુમલામાં પાંચ પોલીસકર્મીઓએ જીવ ગુમાવ્યો છે. જેમાં બે આસિસ્ટન્ટ સબઇન્સ્પેક્ટર અને ત્રણ કૉન્સ્ટેબલ સામેલ છે.

પોલીસના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળની સરહદ પરના તિરુલડીહ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ઝારખંડના પોલીસકર્મીઓ એક ગાડીમાં 'કુકડૂ સાપ્તાહિક હાટ'થી પરત ફરી રહ્યા હતા.

રસ્તામાં પહેલાંથી જ ઘાત લગાડીને બેઠેલા નક્સલવાદીઓએ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો.

છેલ્લા એક મહિનામાં નક્સલીઓ દ્વારા થયેલો આ ચોથો હુમલો છે. ઝારખંડના પોલીસ પ્રવક્તા અને એડીજી ઑપરેશન્સ એમ. એલ. મીણાએ આ ઘટનાની પુષ્ટિ કરી હતી.

તેમણે જણાવ્યું, "બંગાળની સરહદ પરથી આવેલા લગભગ દોઢ ડઝન નક્સલવાદીઓએ પોલીસની ગાડીને ઘેરી લીધી અને તેના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. તેમાં ગાડીમાં બેઠેલા બધા જ પોલીસકર્મીઓનાં મૃત્યુ થયાં."

"મોટરસાઇકલ પર આવેલા નક્સલીઓએ હુમલો કર્યા બાદ પોલીસના હથિયારો પણ લૂંટી લીધાં. અમારા જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી, તેમાં કેટલાક નક્સલવાદીઓ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે."

"જોકે, તેઓ પોતાના સાથીઓ સાથે ભાગવામાં સફળ રહ્યા હતા. પોલીસ તેમની શોધખોળ કરી રહી છે."

પ.બંગાળમાં ચોથા દિવસે પણ ડૉક્ટર્ની હડતાલ યથાવત્

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીની ધમકીઓ અને ચેતવણીઓ છતાં પશ્ચિમ બંગાળમાં જુનિયર ડૉક્ટર્સ ની હડતાલ યથાવત્ છે.

અત્યાર સુધીમાં રાજ્યની વિવિધ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલના 406 ડૉક્ટર આંદોલનના સમર્થનમાં રાજીનામાં ધરી ચૂક્યા છે. મમતા બેનરજીએ એક નિવેદનમાં કહ્યું હતું કે હડતાલ કરનારા ડૉક્ટર્સ બંગાળી નથી, બહારના છે. એ લોકો ગડબડ ફેલાવી રહ્યા છે.

અપર્ણા સેન સહિત ઘણા બુદ્ધિજીવીઓ અને ફિલ્મ કલાકારોએ આ હડતાલને ટેકો જાહેર કર્યો છે. જુનિયર ડૉક્ટરોએ આ આંદોલન પાછું ખેંચવા માટે મમતા બેનરજી સામે છ માગ કરી છે, જેમાં મમતા બેનરજીની બિનશરતી માફી પણ સામેલ છે.

શુક્રવારે હડતાલના ચોથા દિવસે આ આંદોલનની અસર દિલ્હી સુધી પહોંચી છે, જેના કારણે દૂરના વિસ્તારોમાંથી આવતા હજારો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

મમતાએ આ મુદ્દે ભાજપ પર સાંપ્રદાયિક રંગ ચઢાવવાનો અને ડૉક્ટરોને મુસ્લિમ દર્દીઓની સારવાર નહીં કરવાના આદેશનો આરોપ લગાવ્યો છે.

મમતાના પોતાના ભત્રીજા આબેશ બેનરજી પણ આ આંદોલનના ટેકામાં રસ્તા પર ઊતરી આવ્યા છે, મમતાના નજીકના મનાતા અને કોલકતા નગર નિગમના મેયર ફિરહાદ હકીમના ડૉક્ટર પુત્રીએ પણ મમતાની આ ટીકા કરી છે.

બીજી તરફ શુક્રવારે કોલકતા હાઇકોર્ટમાં આ મુદ્દે કરવામાં આવેલી પીઆઈએલ પર સુનાવણી કરતા કોર્ટે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કરીને રાજ્ય સરકારને આ સમસ્યાનું સમાધાન કરવા આદેશ કર્યો છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો