You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ICC WC 2019ની ENG v WI મૅચમાં જો રૂટના રૌદ્ર સ્વરૂપ સામે વેસ્ટ ઇન્ડીઝ વામણું
વિશ્વ કપની આજનો દિવસ જો રૂટને નામે રહ્યો હતો. રૂટની બે વિકેટ અને આક્રમક સદી સાથે વેસ્ટ ઇન્ડીઝની ટીમને ઇંગ્લૅન્ડે આસાનીથી પરાજય આપ્યો હતો.
આમ ઇંગ્લૅન્ડે વર્તમાન ટુર્નામેન્ટમાં ત્રીજો વિજય હાંસલ કર્યો હતો.
રૂટનો ઑલરાઉન્ડર દેખાવ
રોઝ બાઉલ ખાતે રમાયેલી મેચમાં ઇંગ્લૅન્ડે ટૉસ જીતીને વેસ્ટ ઇન્ડીઝને પ્રથમ બૅટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
વેસ્ટ ઇન્ડીઝ 44.4 ઓવરમાં 212 રનના સામાન્ય સ્કોર સાથે ઓલઆઉટ થઈ ગયું હતું
આ ટાર્ગેટ ઇંગ્લૅન્ડે 33 ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.
વેસ્ટ ઇન્ડીઝ સામેના આ વિજય સાથે ઇંગ્લૅન્ડ પૉઇન્ટ ટેબલમાં ઑસ્ટ્રેલિયાને પાછળ રાખીને બીજા ક્રમે આવી ગયું છે.
જો રૂટે વન ડે કારિકિર્દીની 16મી અને વેસ્ટ ઇન્ડીઝ સામે પોતાની ચોથી સદી ફટકારી હતી. તેણે 94 બૉલમાં 11 બાઉન્ડરીની મદદથી 100 રન કર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો રૂટને સાથ આપતા ઓપનર જોની બૅરસ્ટૉએ 45 રનનું યોગદાન આપીને પહેલી વિકેટ માટે 95 રનની ભાગીદારી નોંધાવી ટીમનો વિજય આસાન કરી દીધો હતો.
બૅરસ્ટૉએ 46 બોલમાં 45 રન ફટકારીને આઉટ થયા બાદ બાદ રૂટ અને ક્રિસ વૉક્સે 40 રનની ભાગીદારી સાથે ટીમને લક્ષ્યાંકની નજીક પહોંચાડી હતી.
ગેલ-રસેલ ન ચાલ્યા
વેસ્ટ ઇન્ડીઝ માટે નિકોલસ પૂરનને બાદ કરતાં અન્ય તમામ બૅટ્સમૅન નિષ્ફળ રહ્યા હતા.
ઓપનર ક્રિસ ગેલે 36 રન ફટકાર્યા હતા. એવિન લેવિસ અને શાઈ હોપ સસ્તામાં આઉટ થઈ જતાં કેરેબિયન ટીમને પ્રારંભમાં જ ફટકો પડ્યો હતો.
નિકોલસ પૂરને 63 રનની ઉપયોગી ઇનિંગ્સ રમી હતી. 78 બોલની ઇનિંગ્સમાં તેમણે ત્રણ બાઉન્ડરી ઉપરાંત એક સિક્સર ફટકારી હતી.
આઇપીએલમાં ધમાકેદાર ફોર્મ દાખવનારો આન્દ્રે રસેલ વર્લ્ડ કપમાં નિષ્ફળ જઈ રહ્યો છે જેની અસર વેસ્ટ ઇન્ડીઝના પ્રદર્શન દેખાય છે.
મૂળ બાર્બાડોઝમાં જન્મેલા અને જુનિયર ક્રિકેટ વેસ્ટ ઇન્ડીઝમાં જ રમેલા જોફરા આર્ચર તરફથી ઘણી અપેક્ષા રખાતી હતી.
તેઓ હવે ઇંગ્લૅન્ડ માટે રમી રહ્યા છે. આર્ચર ત્રણ વિકેટ ખેરવીને અપેક્ષા પર ખરા ઊતર્યા હતા. માર્ક વૂડે પણ ધારદાર બૉલિંગ કરીને ટીમને ત્રણ સફળતા અપાવી હતી.
ઇંગ્લૅન્ડ હવે તેની આગામી મૅચમાં 18મીએ અફઘાનિસ્તાન સામે રમશે, જ્યારે વેસ્ટ ઇન્ડીઝ 17મીએ બાંગ્લાદેશ સામે ટકરાશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો