You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
દૃષ્ટિકોણ - વિજય રૂપાણીનું વાયુપુરાણ : 'વાવાઝોડું ફંટાવી દેવામાં શિવનો સાથ અલ્લાહે કેમ ન આપ્યો?'
- લેેખક, ડૉ. ધીમંત પુરોહિત
- પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
ગુજરાત પર જે સંભવિત વાયુ વાવાઝોડું ત્રાટકવાનું હતું તે ભગવાન સોમનાથ-દ્વારકાધીશ અને હરસિદ્ધ માતાની કૃપાથી સદનસીબે દરિયામાં ઓમાન તરફ ફંટાઈ ગયું છે. - વિજય રૂપાણી, મુખ્ય મંત્રી, ગુજરાત.
ગુજરાતના સંવેદનશીલ ગણાતા મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ વાવાઝોડું વાયુ ગુજરાત પર ત્રાટકવાને બદલે ફંટાઈ ગયું એની સંપૂર્ણ ક્રૅડિટ ઑફિસિયલી ભગવાન સોમનાથ, દ્વારકાધીશ અને હરસિદ્ધ માતાને આપીને નમ્રતાની બધી જ હદો વટાવી દીધી છે.
જોકે એમની આ અતિ નમ્રતાએ બીજા ઘણા ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.
જાન હથેળી પર રાખી ફરજ બજાવનારાઓનું અપમાન
વાવાઝોડાનું આવવું અને ફંટાઈ જવું સંપૂર્ણપણે એક કુદરતી ઘટના છે. માણસ પોતે અને સરકારી તંત્ર તો જેની પર પોતાનો કોઈ કંટ્રોલ નથી એવાં કુદરતી પરિબળો સામે બચવાના ઉપાયો જ કરી શકે.
એ ઉપાયોની સંપૂર્ણ ક્રૅડિટ મુખ્ય મંત્રી, એમનું મંત્રીમંડળ, સરકારી તંત્ર, સુરક્ષાબળો અને ઈસરો-નાસાના સેટેલાઇટ્સની વૈજ્ઞાનિક કરામતો અને હવામાન વિભાગની સચોટ આગાહીઓને જાય છે.
1998ના કંડલાના વાવાઝોડામાં પૂર્વ સૂચના અને તૈયારીઓના અભાવે દસ હજારથી વધુ માણસો ગુમાવનાર ગુજરાત 21 વર્ષ પછી વાવાઝોડા - વાયુનો મુકાબલો કરવા સંપૂર્ણ સજ્જ હતું.
હવામાન વિભાગે વાવાઝોડાના આગમન અને એની હરેક મૂવમૅન્ટની સચોટ આગાહીઓ કરી હતી, જેનાથી ગુજરાત સરકારે 24 કલાકમાં રેકર્ડબ્રેક 3 લાખથી વધુ માણસોનું સુરક્ષિત સ્થળોએ સ્થળાંતર કર્યું.
સૈન્યની ત્રણે પાંખ ઉપરાંત કોસ્ટગાર્ડ, એનડીઆરએફ અને ગુજરાત પોલીસના હજારો જવાનો જાનના જોખમે ગુજરાતની દરિયાઈ પટ્ટી પર તહેનાત હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચોવીસે કલાક ગાંધીનગરના કંટ્રોલરૂમથી મૉનિટરિંગ થતું
મુખ્ય મંત્રી સહિત વરિષ્ઠ મંત્રીઓ અને અધિકારીઓની આંખ ચોવીસે કલાક ગાંધીનગરના કંટ્રોલરૂમના મૉનિટર પર હતી.
વાવાઝોડું જો આવ્યું પણ હોત તો આ વખતે જાનમાલનું નુકસાન બેશક ઓછામાં ઓછું હોત એવી સજ્જડ તૈયારીઓ હતી.
ગુજરાતના મુખ્ય મંત્રી આ બધાને ક્રૅડિટ આપવાને બદલે સાવ ભગવાન ભરોસે જતા રહે ત્યારે એ જાન હથેળીમાં લઈને જેમણે ફરજ બજાવી, એ સૌનું અપમાન કરે છે.
બીજી વાત વૈજ્ઞાનિક અભિગમની. આ અપેક્ષા ભલે વધુ પડતી છે, છતાં રાખવી પડે.
અઢારમી - ઓગણીસમી સદીમાં ભૂકંપ, વાવાઝોડાં, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ અને સૂર્ય - ચંદ્રગ્રહણ જેવી સાવ કુદરતી ઘટનાઓ પણ દૈવીકોપ ગણાતી અને એનાથી બચવા લોકો મંદિરમાં દોડતા અને દેવને પ્રસન્ન કરવા બાધાઓ રાખતા.
ગુજરાતના વડામાં 18-19મી સદીની માનસિકતા?
વૈજ્ઞાનિક શોધખોળની આખી વીસમી સદી આ બધી અંધશ્રદ્ધાઓમાંથી બહાર નીકળવામાં ગઈ.
આજે એકે એક વાવાઝોડાની સચોટ આગાહી સેટેલાઈટની લાઇવ તસવીરોથી થઈ શકે છે અને એ આગાહી ટીવી અને મોબાઇલ ફોન્સની મદદથી પલક વારમાં કરોડો લોકો સુધી પહોચાડી શકાય છે.
ત્યારે આજે 21મી સદીના બીજા દાયકામાં 2019માં પણ એ જ 19મી સદીની માનસિકતા, એ પણ સૌથી સમૃદ્ધ અને અગ્રેસર ગણાતા ગુજરાતના વડામાં?
અને આવી અંધશ્રદ્ધા પાછી વિજ્ઞાનની અણમોલ શોધ ઇન્ટરનેટ અને મોબાઇલ ફોન પર ટ્વીટ કરીને દુનિયાભરમાં ફેલાવાય અને સેટેલાઈટ ટીવી પર લાઇવ થાય!
ભગવાન શ્રદ્ધાનો વિષય છે અને નિર્બળનું મોટામાં મોટું બળ છે.
વાત એમના વિરોધની નથી જ નથી. પણ જે ભગવાન સોમનાથની વાત છે, એમણે પુરાણકથા મુજબ સમુદ્રમંથન વેળાએ સમુદ્રમાંથી નીકળેલા ઝેરથી દેવો અને દાનવોને પણ બચાવવા પોતે વિષપાન કર્યું હતું.
એ મહાદેવ પોતાના હિંદુ ભક્તોને બચાવવા વાવાઝોડાની દિશા ઓમાન કે પાકિસ્તાન તરફ ફેરવી દે? એવું બને કદી?
સેક્યુલારિઝમ ગાયબ
છેલ્લે વાત સેક્યુલારિઝમ એટલે કે, બિનસાંપ્રદાયિકતા ઉર્ફે ધર્મનિરપેક્ષતાની. છેલ્લે એટલા માટે કે ભલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બીજી ટર્મની શરૂઆતમાં જે બંધારણને મસ્તક નમાવ્યું, એમાંથી 'સેક્યુલારિઝમ' રદ નથી કરાયું, છતાં જાહેરમાં એ શબ્દ હવે જુદા સંદર્ભમાં વપરાય છે.
એ બંધારણ કાયદેસર રીતે દેશના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કોઈ એક ધર્મનો પક્ષ લેવાની ના પાડે છે.
જે સોમનાથ મંદિરની અહીં વાત છે, એના પુનર્નિર્માણ વખતે એટલે જ ગાંધી અને વડા પ્રધાન જવાહરલાલ નહેરુએ નિર્માણ સરકારથી અલગ રહીને સરદાર પટેલને ટ્રસ્ટ બનાવીને કરવાનું સૂચવેલું અને એમ જ થયેલું.
બાય ધ વે, નહેરુએ જ બાદમાં એક જુદા સંદર્ભમાં કહેલું કે, "ભારતમાં અણુયુગ અને છાણયુગ સાથેસાથે ચાલે છે."
વાયુના ભય વચ્ચે અનેક ધર્મને પાળતા હજારો લોકોએ પોતાપોતાના આરાધ્યને પ્રાર્થના કરી જ હશે. એમાં ચર્ચ પણ આવે અને મસ્જિદ પણ અને જેમની આસ્થા સાવ અલગ છે એવા આદિવાસીઓના આરાધ્ય વાઘ-જંગલદેવ પણ આવે.
જોકે, વાત જ્યારે ક્રૅડિટ આપવાની આવે છે ત્યારે મોટા ભાગે શિવ-કૃષ્ણ જ બાજી મારી જતા હોય છે.
વિજય રૂપાણીના વાયુપુરાણમાં વાવાઝોડાને ઓમાન તરફ વાળી દેવામાં શિવનો સાથ અલ્લાહે કેમ ન આપ્યો?
(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો