વાયુ વાવાઝોડું : ગુજરાતમાં આવતાં વાવાઝોડાંની પળેપળની માહિતી કેમ નથી મળતી?

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, ન્યૂ દિલ્હી

ગુજરાત પર હાલ વાયુ વાવાઝોડાનો ખતરો છે. હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે જે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે.

હવામાન ખાતાની તાજેતરની માહિતી પ્રમાણે આ વાવાઝોડું ગુજરાતના દરિયાકિનારાને સ્પર્શ કરીને આગળ જતું રહેશે. તે રાજ્ય પર ત્રાટકશે નહીં.

ગુજરાતના કુલ 10 જિલ્લાઓને વાવાઝોડું સીધી અસર કરવાનું હતું અને ખતરાને જોતાં રાજ્યની વિવિધ એજન્સીઓને પણ સતર્ક કરી દેવામાં આવી છે.

આ પહેલાં ઓડિશામાં આવેલું ફોની વાવાઝોડું કેટલી ગતિથી આગળ વધી રહ્યું છે તેની પળેપળની માહિતી મળતી હતી.

સ્કાયમેટ વેધર નામની વેબસાઇટનો દાવો છે કે વાયુ વાવાઝોડાની માહિતી ધીમી આવી રહી છે.

વાવાઝોડાં અને રડારથી માહિતી

સ્કાયમેટે વેધરના એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે વાયુ વાવાઝોડાને રિયલ ટાઇમ ટ્રેક કરી શકાતું નથી.

અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઓડિશામાં આવેલા ફોની વાવાઝોડાને રિયલ ટાઇમ ટ્રેક કરી શકાતું હતું.

અહેવાલ અનુસાર વાવાઝોડાને સાયક્લોન ડિટેક્શન રડાર (સીડીઆર) દ્વારા ટ્રેક કરવામાં આવે છે. જે દેશના પૂર્વના કિનારા પર પૂરતા પ્રમાણમાં છે.

પૂર્વ બાજુ આ રડાર ચેન્નાઈ, મછલીપટ્ટનમ, વિશાખાપટ્ટનમ અને કોલકાતામાં આવેલાં છે. ઉપરાંત ગોપાલપુર અને પારાદીપમાં પણ સીડીઆરનું નેટવર્ક છે.

જેના કારણે બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતાં વાવાઝોડાં પર વધારે સારી રીતે નજર રાખી શકાય છે.

જ્યારે પશ્ચિમ કિનારા એટલે કે અરબ સાગરમાંથી સર્જાતાં વાવાઝોડાંને ટ્રેક કરવા માટે મુંબઈ અને ભુજમાં જ રડારો આવેલાં છે.

શા માટે રિયલ ટાઇમ માહિતી મળતી નથી?

સ્કાયમેટનો દાવો છે કે પૂર્વ કિનારા પર વધારે રડારો હોવાને કારણે તે એકબીજાને ઓવરલેપિંગ નેટવર્ક પૂરું પાડે છે.

જેથી બંગાળની ખાડીમાં આવતાં વાવાઝોડાંને રિયલ ટાઇમ ટ્રેક કરી શકાય છે. એટલે કે એનો સાદો અર્થ એવો થયો કે તેની પળેપળની માહિતી મળતી રહે છે.

જ્યારે વાયુ વાવાઝોડાના કિસ્સામાં મુંબઈના કાંઠાને પસાર કર્યા બાદ તેને ભુજના રડારમાં ટ્રેક કરવાનું હોય છે, પરંતુ તે ભુજના રડારની ઇફેક્ટિવ રેન્જથી બહાર હતો. જેથી વાયુ વાવાઝોડાની મિનિટ ટુ મિનિટની માહિતી મળવી શક્ય નથી.

જોકે, સ્પેશ આધારિક કેટલાંક પ્લૅટફૉર્મ છે જેના દ્વારા પણ વાવાઝોડાની માહિતી મેળવી શકાય છે. જેમાં સેટેલાઇટ ઇમેજનો પણ સમાવેશ થાય છે. તે જરા ધીમા છે. જેના કારણે કદાચ રિયલ ટાઇમ માહિતી આપી ન શકે.

મુંબઈ-કચ્છનાં રડાર માહિતી માટે પૂરતાં છે : મોહંતી

હવામાન વિભાગના રિજનલ એડિશનલ ડિરેક્ટર મનોરમા મોહંતીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે પૂર્વ કિનારે લાગેલાં રડારો માહિતી માટે પૂરતાં છે.

તેમણે કહ્યું, "અરબ સાગર માટે એક રડાર કચ્છમાં છે અને બીજું મુંબઈમાં છે. પશ્ચિમમાં આ બે રડાર આવેલાં છે."

"આ બંને નેટવર્ક 500 કિલોમિટરના વિસ્તારને આવરી લે છે, તેથી મુંબઈથી દર કલાકે માહિતી મળી રહી છે. મુંબઈના રડારનું નેટવર્ક દ્વારકા સુધી ફેલાયેલું છે."

"જ્યારે તેની બીજી બાજુ ભુજમાં સીડીઆરનું રડાર આવેલું છે. જેથી વાવાઝોડાની માહિતી સમયસર મળતી રહે છે."

જ્યારે આઈએમડી અમદાવાદના ડિરેક્ટર જયંત સરકારે કહ્યું, "સીડીઆર કોઈ મુદ્દો જ નથી. નિયત સમયે માહિતી મળી જ રહી છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો