You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત પરથી વાયુનું સંકટ ટળ્યું, ચોમાસાને નકારાત્મક અસર કરી ગયું
ગુજરાતમાં ચિંતાનું નિમિત્ત બનેલા વાયુ વાવાઝોડાને કારણે અગાઉથી જ મોડું થયેલું ચોમાસું વધુ મોડું થાય તેવી શક્યતા છે.
ગુરુવારે વાવાઝોડું ગુજરાત પરથી પસાર થશે, ત્યારે તેની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિકલાકની રહેશે.
વાવાઝોડું વાતાવરણમાં રહેલો ભેજ પોતાની તરફ ખેંચી લે તેવી શક્યતા છે, જેના કારણે ઉત્તર દિશા તરફ આગળ વધી રહેલાં ચોમાસાની ગતિ ધીમી પડશે, વરસાદ મોડો પડશે.
સામાન્ય રીતે પહેલી જૂને કેરળના રસ્તે દેશમાં ચોમાસું બેસે છે, પરંતુ આ વખતે આઠમી જૂને ચોમાસાનું આગમન થયું હતું, જે સામાન્ય કરતાં એક સપ્તાહ મોડું છે.
આ દક્ષિણ-પશ્ચિમી ચોમાસું દેશના લગભગ 75 ટકા વિસ્તારમાં વરસાદ લાવે છે.
કઈ રીતે કરશે અસર?
વાવાઝોડું વાયુ ભારતમાં વરસાદ માટે જવાબદાર હવાની અંદરથી ભેજ પોતાની તરફ શોષી લે તેવી શક્યતા છે, જેના કારણે ચોમાસાની ગતિમાં અવરોધ ઊભો થશે.
કોઈ પણ વાવાઝોડાનાં કેન્દ્ર ભાગમાં હળવા દબાણવાળો વિસ્તાર હોય છે, જેથી આજુબાજુની હવાઓ આ ખાલી જગ્યાને ભરવા માટે કેન્દ્ર તરફ ધસી જાય છે.
આથી વિપરીત જો કિનારા પાસે કે જમીન ઉપર હળવા દબાળવાળું ક્ષેત્ર ઊભું થાય તો તે વરસાદ લાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈએમડીના ડી. શિવાનંદ પાઈએ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું કે "ઉત્તર તરફ આગળ વધી રહેલાં ચોમાસામાં અવરોધ ઊભો થઈ શકે છે."
"પશ્ચિમી દરિયા કિનારાના વિસ્તારમાં વરસાદ પડશે, પરંતુ જે વિસ્તારમાં વરસાદ નથી પડ્યો ત્યાં વાવાઝોડું નબળું ન પડે, ત્યાં સુધી વરસાદ નહીં પડે અને બે-ત્રણ દિવસ બાદ ચોમાસું આગળ વધશે."
અગાઉ વર્ષ 2015માં જૂન મહિનામાં આશોબા વાવાઝોડું કેરળના તટીય વિસ્તારો ઉપર ત્રાટક્યું હતું, જેના કારણે ચોમાસાની આગેકૂચમાં અવરોધ ઊભો થયો હતો.
સ્કાયમેટ વેધરના વી. પી. શર્માના જણાવ્યા પ્રમાણે, "વાયુ વાવાઝોડામાં આવેલો વરસાદ પ્રિ-મોન્સુન વરસાદ ગણાશે, તેને ચોમાસાના વરસાદમાં ગણવામાં નહીં આવે."
"સામાન્ય રીતે ચોમાસું 15 જૂનના રોજ ગુજરાતમાં શરૂ થતું હોય છે, પરંતુ આ વખતે હજી ચોમાસાને આવવામાં થોડી વાર લાગશે."
અધિક પરિબળ અલ-નિનો
અલ-નિનો એક કુદરતી પ્રક્રિયા છે જેના કારણે વિશ્વના અલગ-અલગ ભાગમાં હવામાન તથા આબોહવામાં પરિવર્તન આવી રહ્યું છે. જમીન તથા દરિયાની સપાટીનું તાપમાન વધવાને કારણે આ પરિવર્તન જોવા મળે છે.
IMDના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડી. એસ. પાઈને ટાંકતા લાઇવ મિન્ટ જણાવે છે, 'અલ-નિનોની સ્થિતિમાં ખાસ પરિવર્તન નથી આવ્યું. હાલમાં એપ્રિલ જેવી જ સ્થિતિ પ્રવર્તમાન છે. ચોમાસાનાં પ્રથમ તબક્કામાં તેની અસર જોવા મળી શકે છે.'
વર્લ્ડ મેટ્રોલૉજિકલ ઑર્ગેનાઇઝેશન (WMO)ની આગાહી પ્રમાણે, સપ્ટેમ્બર મહિનામાં અલ-નિનો નબળું પડવા લાગશે અથવા તો સ્થિતિ સામાન્ય બની જશે. જોકે, 'લા-નિના' (અલ-નિનોથી વિપરીત સ્થિતિ) ઊભી થાય તેની શક્યતા નહિવત્ છે.
કેવું રહેશે ચોમાસું?
ઇન્ડિયા મેટ્રોલોજિકલ ડિપાર્ટમેન્ટે (IMD) મે મહિનાના અંત ભાગમાં આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસું સામાન્ય રહેશે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સને ટાંકતા બિઝનેસ સ્ટાન્ડર્ડનો અહેવાલ જણાવે છે, LPA (લૉંગ પિરિયડ ઍવરૅજ) મુજબ ચોમાસું સામાન્ય રહેશે. છેલ્લાં 50 વર્ષનો સરેરાશ વરસાદ 89 સેમી રહ્યો છે.
જો 96 થી 104 ટકા વરસાદ પડવાની શક્યતા હોય તો તેને 'સામાન્ય ચોમાસું' ગણવામાં આવે છે.
LPA મુજબ, જુલાઈ મહિનામાં 95 % તથા ઑગસ્ટ મહિનામાં 99 % વરસાદ પડે તેવી શક્યતા છે.
આમ શરૂઆતમાં ચોમાસું ધીમું રહેશે, પરંતુ ઑગસ્ટ મહિનામાં પાછોતરો વરસાદ સારો રહેશે.
દેશનો 50 ટકા ખેતી માટે વરસાદ ઉપર આધારિત હોય ચોમાસાં ઉપર ઘણોખરો આધાર રહે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો