You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Top News : ગુજરાતમાં 'વાયુ' વાવાઝોડું 140 કિમીના પવન સાથે ત્રાટકવાની આગાહી
ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે 'વાયુ' નામનું વાવાઝોડું ત્રાટકવાની હવામાન વિભાગની આગાહી છે.
ઇન્ડિયન મિટિયૉરોલૉજિકલ ડિપાર્ટમેન્ટ(આઈએમડી)ના હવાલાથી 'લાઇવ મિન્ટ'ના અહેવાલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ વાવાઝોડા દરિમયાન 110થી 140 કિલોમિટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે.
સાયક્લોન વૉર્નિંગ ડિવિઝનના બુલેટિન મુજબ આગામી 24 કલાકમાં આ વાવાઝોડું વધુ પ્રચંડ બનવાના એંધાણ છે.
આ સાથે જ વાવાઝોડું પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવ વિસ્તારમાં અસર કરે તેવી શક્યતા છે.
વાવાઝોડાની આગાહીને પગલે એનડીઆરેફ સહિતની ટીમોને ઍલર્ટ કરી દેવામાં આવી છે. મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ દરિયાખેડુઓને માછીમારી કરવા માટે ન જવાની સલાહ આપી છે.
બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હૅક
'ધ હિંદુ' અખબારના અહેવાલ અનુસાર બોલીવૂડ ફિલ્મ અભિનેતા અમિતાભ બચ્ચનનું ટ્વિટર એકાઉન્ટ હૅક થઈ ગયું છે. તેમના પ્રોફાઇલ પિક્ચરની જગ્યાએ પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનની તસવીર મૂકી દેવામાં આવી હતી.
મુંબઈ પોલીસે આ બાબતની નોંધ લઈ તપાસ હાથ ધરી છે. અમિતાભના ટ્વિટર એકાઉન્ટ પરથી તુર્કી અને પાકિસ્તાન સંદર્ભે ટ્વીટ કરવામાં આવ્યાં હતાં.
હૅકર્સે અમિતાભનો ટ્વિટર બાયો પણ બદલી નાખ્યો હતો. તેમાં તેમણે લખ્યું, 'ચાલો, અમુક લોકો હજી કહી રહ્યા છે. પાકિસ્તાનને પ્રેમ.'
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉલ્લેખનીય છે કે અમિતાભના ટ્વિટર પર 3.74 કરોડ ફૉલોઅર્સ છે. આખરે અમિતાભનું ટ્વિટર એકાઉન્ટ રિકવર કરી લેવામાં આવ્યું છે.
પ.બંગાળને ગુજરાત નહીં થવા દઈએ - મમતા બેનરજી
'ફાયનાન્સિયલ એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે ભાજપ બંગાળને ગુજરાત બનાવી દેવા માગે છે. પરંતુ તેઓ આવું નહીં થવા દે.
બેનરજીએ મીડિયા પર પણ આક્ષેપ કર્યો અને કહ્યું કે ભાજપના કહેવાથી મીડિયા પ.બંગાળનું 'અપમાન' કરે છે.
મમતાએ એવો પણ આરોપ મૂક્યો છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં અશાંતિનું વાતાવરણ ઊભું કરવા માગે છે.
મમતાએ કહ્યું, "બંગાળ એ ગુજરાત નથી. યૂપીમાં બાળકોની હત્યા થાય છે. અમે તેવું અહીં નહીં થવા દઈએ."
ભૂતકાળમાં જીડીપી વૃદ્ધિ દર 7 નહીં 4.5 ટકા હતો- અરવિંદ સુબ્રમણ્યન
'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ અનુસાર ભારતના મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને જીડીપીના નવા આંકડાઓ સંદર્ભે સવાલો ઉઠાવ્યા છે.
તેમણે દાવો કર્યો કે વર્ષ 2011-12થી 2016-17 દરમિયાન દેશના આર્થિક વૃદ્ધિ દરનું અનુમાન લગભગ અઢી ટકા વધારે ગણાવવામાં આવ્યું હતું.
સત્તાવાર રીતે આ સમયગાળામાં ભારતનો જીડીપી વૃદ્ધિ દર સાત ટકા હતો. જોકે, સુબ્રમણ્યનનું કહેવું છે કે આ સમયે વૃદ્ધિ દર સાડા ચાર ટકાની આસપાસ હતો.
તેમણે દાવો કર્યો કે ત્યારે આકલન કરવામાં સૌથી વધુ ગડબડ ઉત્પાદન સેક્ટરના વૃદ્ધિ દરની ગણતરીને લઈને થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો