You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
તેજ બહાદુર યાદવની ઉમેદવારી રદ, મોદી સામે ચૂંટણી નહીં લડી શકે
- લેેખક, સલમાન રાવી
- પદ, બીબીસી સંવાદદાતા
વારાણસીના જિલ્લા ચૂંટણી અધિકારીએ સીમા સુરક્ષાદળના પૂર્વ જવાન તેજ બહાદુર યાદવનું વારાણસી લોકસભા બેઠક પરનું ઉમેદવારીપત્રક રદ કરી દીધું છે.
તેજ બહાદુરે બે ઉમેદવારીપત્રકો ભર્યાં હતાં. એક 24 એપ્રિલના રોજ અપક્ષ ઉમેદવાર તરીકે અને બીજું 29 એપ્રિલના રોજ સમાજવાદી પક્ષના ઉમેદવાર તરીકે ભર્યું હતું.
જિલ્લા ચૂંટણી અધિકારીએ બંને ઉમેદવારીપત્રકો રદ કરી દીધાં છે.
વારાણસી બેઠક પરથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના વર્તમાન સાંસદ છે અને તેઓ આ વખતે આ જ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
વડા પ્રધાન મોદીએ 26 એપ્રિલના રોજ અહીં ઉમેદવારીપત્રક ભર્યું હતું.
આ બેઠક પર કૉંગ્રેસના અજય રાય અને સમાજવાદી પક્ષના એક વધુ ઉમેદવાર શાલિની યાદવે પણ ઉમેદવારી કરી હતી.
જ્યારે તેજ બહાદુર યાદવને નોટિસ મળી
જોકે, આ મામલામાં વળાંક 30મી એપ્રિલના રોજ આવ્યો, તેજ બહાદુર યાદવને જિલ્લા ચૂંટણી અધિકારીની પ્રથમ નોટિસ મળી.
આ નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે સીમા સુરક્ષાદળ(બીએસએફ)માંથી એક ચિઠ્ઠી લઈને આવો કે જેથી જાણ થાય કે તેમને શા માટે કાઢી મૂકવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નોટિસમાં તેમને જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ 1 મે, 2109 એટલે કે 90 વર્ષ પછી હાજર થવાનું કહ્યું હતું.
બાદમાં તેમને બીજી નોટિસ મળી હતી, જેમાં પ્રથમ નોટિસમાં આપવામાં આવેલી તારીખને 'ક્લેરિકલ મિસ્ટેક' ગણાવવામાં આવી હતી.
બીજી નોટિસમાં તેમને 1 મે, 2019ના રોજ સવારના 11 વાગ્યા સુધીમાં બીએસએફ પાસેથી ચિઠ્ઠી લાવી હાજર થવા કહેવામાં આવ્યું.
જિલ્લા ચૂંટણી અધિકારી અને વારાણસીના રિટર્નિંગ ઓફિસર સુરેન્દ્ર સિંહ દ્વારા આ નોટિસો મોકલવામાં આવી હતી.
તેજ બહાદુરનું ઉમેદવારીપત્રક રદ થયું
નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે તેજ બહાદુર યાદવે જ્યારે અપક્ષ ઉમેદવાર તરીકે પોતાનું ફૉર્મ ભર્યું ત્યારે તેમાં પૂછવામાં આવેલા સવાલ -
'શું તમને સરકારી સેવામાં ભ્રષ્ટાચાર અથવા દેશદ્રોહના આરોપમાં ક્યારેય બરતરફ કરવામાં આવ્યા છે?'
આ સવાલના જવાબમાં તેજ બહાદુરે પ્રથમ ફૉર્મમાં 'હા' જવાબ લખ્યો હતો.
જિલ્લા ચૂંટણી અધિકારી અનુસાર તેજ બહાદુરે જ્યારે 29 એપ્રિલના રોજ બીજું ફૉર્મ ભર્યું તો તેની સાથે તેમણે એક સોગંદનામું પણ આપ્યું હતું.
જેમાં તેમણે કહ્યું હતું કે 24 એપ્રિલના રોજ જે ફૉર્મ ભર્યું હતું તેમાં ભૂલથી 'હા' લખાઈ ગયું હતું.
ચૂંટણીપંચના એક અધિકારીનું કહેવું છે કે લોક પ્રતિનિધિત્વના કાયદામાં જોગવાઈ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારના કોઈ કર્મચારીને તેમની સેવામાંથી કોઈ આરોપસર બરતરફ કરવામાં આવ્યા હોય તો તેઓ પાંચ વર્ષો સુધી ચૂંટણી લડી શકતા નથી.
વારાણસી લોકસભાની બેઠક પરથી કુલ 101 ઉમેદવારીપત્રકો ભરવામાં આવ્યાં છે, જેમાંથી 71ને રદ કરી દેવામાં આવ્યાં છે.
બે વર્ષ પહેલાં બીએસએફના જવાન તેજ બહાદુર યાદવ સમાચારોમાં ચમક્યા હતા.
સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો વાઇરલ થયો હતો જેમાં તેમણે જવાનોને મળતા ભોજન અંગે ફરિયાદ કરી હતી.
તેમણે પોતાના વીડિયોમાં કૅમ્પમાં રહેતા જવાનોની કઠિન જિંદગી વિશે પણ ચર્ચા કરી હતી.
તેમનો આરોપ હતો કે અધિકારીઓને ફરિયાદ કર્યા બાદ પણ કંઈ નિરાકરણ ન આવતા આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવો પડ્યો હતો.
તેમનો આરોપ હતો કે ગૃહ મંત્રાલયને પણ ચીઠ્ઠી લખવામાં આવી હતી છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી.
તેજ બહાદુર યાદવના વીડિયોએ બીએસએફ અને રાજકીયક્ષેત્રે ઊથલપાથલ મચાવી દીધી હતી.
બીએસએફે તેમના આરોપો અંગે તપાસ કરાવી અને પછી તેજ બહાદુરને કાઢી મૂક્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો