You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વારાણસીમાં નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડી રહેલા કૉંગ્રેસના અજય રાય કોણ છે?
ઉત્તર પ્રદેશના વારાસણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સામે કૉંગ્રેસે અજય રાયને ટિકિટ આપી છે.
આ પહેલાં એવી ચર્ચા હતી કે કૉંગ્રેસ પ્રિયંકા ગાંધી વાડ્રાને વારાણસીથી ટિકિટ આપશે.
આ મામલે પ્રિયંકાએ પણ કહ્યું હતું કે કૉંગ્રેસના અધ્યક્ષ તેમને કહેશે તો તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે.
અજય રાય વર્ષ 2014માં પણ વારાણસીથી કૉંગ્રેસના ઉમેદવાર હતા. તેઓ બીજી વખત નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડશે.
આજે નરેન્દ્ર મોદી વારાણસીમાં રોડ શૉ ચાલી રહ્યો છે. મોદી આવતીકાલે 26 એપ્રિલે ઉમેદવારીપત્ર દાખલ કરશે.
આ બેઠક પર કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને ઉતારશે એમ કહેવાતું હતું પરંતુ કૉંગ્રેસે જૂના ઉમેદવાર અજય રાયને રિપીટ કર્યા છે.
2014માં મોદી સામે જ હાર્યા હતા
ગત 2014ની લોકસભા ચૂંટણીમાં વારાણસીથી ઊભેલા અજય રાયને 75,000 મત મળ્યા હતા, તેઓ ત્રીજા ક્રમે રહ્યા હતા.
અજય રાયથી વધારે મત આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને હાલ દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગત ચૂંટણીમાં મોદીએ ઉત્તર પ્રદેશના વારાણસી અને ગુજરાતના વડોદરા બંને જગ્યાએથી ઉમેદવારી કરી હતી અને તેઓ બંને જગ્યાએથી વિજયી થયા હતા.
વારાણસી બેઠક પરથી નરેન્દ્ર મોદીને 5.8 લાખ મત, અરવિંદ કેજરીવાલને બે લાખ મત અને અજય રાયને 75,000 હજાર મત મળ્યા હતા.
આપને આ પણ વાચવું ગમશે
અજય રાયનાં મૂળિયાં ભાજપમાં
અજય રાય ભૂમિહાર સમુદાયના છે અને તેઓ પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે.
તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપ તરફી ગણાતી વિદ્યાર્થી પાંખથી કરી હતી.
1996માં નવ વખત ધારાસભ્ય રહેલા ઉમેદવારને હરાવીને તેઓ તેમણે પોતાને 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત કર્યા હતા.
બાદમાં તેઓ ભાજપમાં જોડાયા હતા અને 1996થી 2007ની વચ્ચે તેઓ ત્રણ વખત ભાજપની ટિકિટ પર ઉત્તર પ્રદેશની કોલાસલા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા.
વર્ષ 2007માં ભાજપે તેમને ટિકિટ આપવાની ના પાડી દીધી અને તેમની જગ્યાએ મુરલી મનોહર જોશીને ઉમેદવાર ઘોષિત કરતા રાયે પક્ષ છોડી દીધો હતો.
ભાજપને છોડ્યા બાદ અજય રાય સમાજવાદી પક્ષમાં જોડાયા હતા.
વર્ષ 2009માં તેમણે લોકસભાની ચૂંટણી લડી હતી, પરંતુ ભાજપના મુરલી મનોહર જોશી સામે તેઓ હારી ગયા હતા.
કૉંગ્રેસમાં રાયની નવી ઇનિંગ્સ
આ જ વર્ષે તેઓ અપક્ષ તરીકે ઉત્તર પ્રદેશની કોલાસલા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીતી ગયા હતા.
ઉત્તર પ્રદેશમાં વિધાનસભા બેઠકોનાં નવા સીમાંકન બાદ તેમની પરંપરાગત કોલાસલા બેઠકને અન્ય બેઠકમાં ભેળવી દેવામાં આવી હતી.
જે બાદ તેઓ 2012માં કૉંગ્રેસની ટિકિટ પરથી પિંડ્રા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત મેળવી હતી. આ બેઠક વારાણસી જિલ્લામાં જ આવે છે.
જોકે, 2017માં તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના અવધેશ સિંહ સામે ચૂંટણી હારી ગયા હતા.
2015માં થઈ હતી ધરપકડ
વારાણસી બેઠક પર 19 મેના રોજ સાતમા તબક્કામાં મતદાન થવાનું છે અને અહીં આ વખતે ફરી ત્રિપાંખિયો જંગ થશે.
વારાણસીમાં મોદી, અજય રાય ઉપરાંત સપા-બસપા-આરએલડીના ગઠબંધનનાં ઉમેદવાર શાલિની યાદવ છે.
બીજી વખત મોદી સામે બાથ ભીડવા માગતા અજય રાયની વર્ષ 2015માં ધરપકડ કરવામાં આવી હતી.
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, 2015માં તેમની ઉપર ગંગામાં મૂર્તિ વિસર્જન પરના પ્રતિબંધ બાદ હિંસા આચરવાના અને તેને ઉત્તેજન આપવાના આરોપ લાગ્યા હતા.
આ આરોપસર ધરપકડ બાદ તેમને જામીન આપવામાં આવ્યા હતા.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો