નારાયણ સાંઈને જનમટીપ : પીડિતાએ કહ્યું, 'અનેક ધમકીઓ મળી પણ મેં લડવાનો નિર્ણય કર્યો'

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

આસારામના પુત્ર અને બળાત્કારના કેસમાં દોષિત નારાયણ સાંઈને સુરતની સેશન્સ કોર્ટે જનમટીપની સજા અને રૂ. એક લાખનો દંડ ફટકાર્યો છે.

નારાયણ સાંઈના સાથી ગંગા અને જમુના તેમજ સહાયક હનુમાનને દસ-દસ વર્ષની સજા ફટકારવામાં આવી છે. આ સિવાય રમેશ મલ્હોત્રાને છ મહિનાની સજા સંભળાવાઈ છે.

આ ઉપરાંત સુરતની કોર્ટે પીડિતાને રૂ. પાંચ લાખનું વળતર ચૂકવવાનો પણ નારાયણ સાંઈને આદેશ કર્યો છે. 1100 પાનાંની ચાર્જશીટ અને દોઢસોથી વધારે સાક્ષીઓના આધારે દુષ્કર્મના 14 વર્ષ બાદ સંબંધિત ચુકાદો અપાયો છે.

બન્ને પીડિતા સુરતનાં છે અને બહેનો છે. મોટાં બહેને આસારામ પર જ્યારે નાનાં બહેને નારાયણ સાંઈ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. જે મામલે કોર્ટે 27 એપ્રિલે નારાયણ સાંઈને દોષિત જાહેર કર્યો હતો.

પોલીસે પીડિત બહેનોનાં નિવેદનો અને ઘટનાસ્થળ પરથી મળેલા પુરાવાના આધારે આ કેસ દાખલ કર્યો હતો.

વર્ષ 2002થી 2005ની વચ્ચે બનેલી ઘટના મામલે 2013માં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેનો હાલ ચુકાદો આવ્યો છે.

પીડિતાએ શું કહ્યું?

નારાયણ સાંઈને જનમટીપ મળવાથી પીડિતાએ સંતોષ વ્યક્ત કરી, ન્યાયતંત્રમાં ભરોસો વધ્યો હોવાની વાત કરી છે.

પીડિતાએ જણાવ્યું, "ભયને કારણે હું અત્યાર સુધી બહાર નહોતી આવી. ભૂતકાળમાં મને ગાંભોઈના આશ્રમમાં માર મારીને કુટિરમાં પૂરી દેવામાં આવી હતી અને ત્યારથી હું ડરી ગઈ હતી."

"એમના સંપર્ક રાજકીય નેતાઓ સાથે હતા. જેના કારણે મને બહાર નીકળતાં પણ ડર લાગતો હતો, પણ રાજસ્થાનમાં જ્યારે આસારામને જામીન ના મળ્યા ત્યારે કેસ કરવાની મારામાં હિંમત આવી."

"આ લડાઈની શરૂઆત થઈ ત્યારે ધાકધમકીઓ મળી હતી, પરંતુ અમે હિંમતથી લડવાનો નિર્ણય કર્યો હતો."

"2014માં મેં કેસ કર્યા એટલે મારા પતિ પર હુમલો થયો. જોકે, પોલીસ અને કોર્ટે અમારી ઘણી મદદ કરી. અમારી હિંમત વધી."

"કાયદાકીય દાવપેચ રમી અમને હરાવવાની કોશિશ કરાઈ, પરંતુ ન્યાયતંત્ર અને પોલીસના કારણે આજે અમને ન્યાય મળી શક્યો. અમને એ વાતનો આનંદ છે."

નારાયણ સાંઈની જાળમાં ફસાવવા અંગે વાત કરતા પીડિતાએ જણાવ્યું, "એ વખતે મારી ઉંમર નાની હતી અને મને કોઈ વાતની સમજણ નહોતી."

"એમની મોડસ્ ઑપરૅન્ડી કંઈક એવી હતી કે યોગના બહાને મહિલાઓને કુટિરમાં લઈ જવામાં આવતી અને ત્યાં તેમના પર દુષ્કર્મ ગુજારાતું. આ કાર્યમાં ગંગા-જમુના અને હનુમાન સાંઈની મદદ કરતા હતા."

"ન્યાય માટેની આ લડત લાંબી ચાલી અને કેટલીય વખત અમને ધમકીઓ મળી હતી. પરંતુ હું અને મારા પતિ હિંમત ન હાર્યાં એટલે આજે અમને ન્યાય મળી શક્યો."

તમે આ વાંચ્યું કે નહીં?

નારાયણ સાંઈનાં પત્નીએ ચુકાદો આવકાર્યો

નારાયણ સાંઈનાં પત્ની જાનકીએ કહ્યું, "આ બહુ સારો ચુકાદો છે. આને કારણે ધર્મના નામે ખોટો ધંધો કરનારા લોકોને પાઠ ભણાવાયો છે."

"હું માનું છું કે સુરતની કોર્ટે જે ચુકાદો આપ્યો, તેના કારણે નારાયણ સાંઈ અને એના પિતા દ્વારા પ્રતાડિત કરાયેલા લોકોને ન્યાય મળ્યો છે."

સરકારી વકીલ પી. એન. પરમારના કહેવા પ્રમાણે, "અમે જે માગ કરી હતી તે પ્રમાણે ચુકાદો આવ્યો છે. આ અમારા પ્રયાસોનો વિજય છે."

"અમે રૂ. 25 લાખના વળતરની માગ કરી હતી, પરંતુ રૂ. પાંચ લાખનું વળતર અપાયું, જે અમે સ્વીકાર્ય રાખ્યું છે."

બી. એન. ગુપ્તાએ કહ્યું હતું કે 'અમે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારીશું.'

આ કેસમાં મહત્ત્વનો ભાગ ભજવનારા નિવૃત્ત એસીપી રિયાઝ મુનશી સાથે બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખે વાત કરી હતી.

રિયાઝ મુનશીએ નારાયણ સાંઈ વિરુદ્ધ પુરાવા એકઠા કરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.

'પુરાવા એકઠા કરવા એક પડકાર હતો'

પહેલાં સીઆઈડી ક્રાઈમ અને પછી સીબીઆઈમાં કામ કરી ચૂકેલા રિયાઝ મુનશી પાસે નારાયણ સાંઈ વિરુદ્ધનો આ કેસ આવ્યો હતો.

જોકે, ફરિયાદ નોંધાયા બાદ નારાયણ સાંઈ ફરાર થઈ ગયો હતો.

રિયાઝ કહે છે, "હું જ્યારે પહેલી વખત પીડિતાને મળ્યો ત્યારે મને તેમની આંખોમાં સચ્ચાઈ દેખાઈ હતી."

"જોકે, મોટી મુશ્કેલી એ હતી કે ફરિયાદ આઠ વર્ષ બાદ કરવામાં આવી હતી. પીડિતાનું લગ્ન થઈ ચૂક્યું હતું. અમારી પાસે કોઈ ફૉરેન્સિક પુરાવા ન હતા. કોઈ સાક્ષી પણ ન હતા."

"અમારા માટે સૌથી મોટો પડકાર કેસમાં પુરાવા એકઠા કરવાનો હતો."

"સૌપ્રથમ અમે મૅજિસ્ટ્રેટ સમક્ષ મહિલાનું નિવેદન દાખલ કરાવ્યું અને આસારામના આશ્રમ સામે સર્ચ વૉરંટ કઢાવ્યું."

'આશ્રમમાં પ્રવેશ સહેલો ન હતો'

રિયાઝ મુનશી કહે છે, "સર્ચ વૉરંટ મેળવ્યા બાદ પણ આશ્રમમાં પ્રવેશ મેળવવો સરળ નહતો. અમને કોઈ આશ્રમમાં પ્રવેશવા જ દેતું ન હતું."

તેઓ કહે છે, "અમે પીડિતા અને તેમના ભાઈને લઈને સુરતના જહાંગીરપુરામાં આવેલા આશ્રમમાં પહોંચ્યાં."

"આખી ઘટનાનું વીડિયો રૅકૉર્ડિંગ કરવામાં આવ્યું હતું. મહિલાના વર્ણન પ્રમાણે જ આશ્રમમાં વસ્તુઓ હતી."

"અમારે નારાયણ સાંઈની કુટિરમાં જવાનું હતું, આ કુટિરમાં આશ્રમના સાધકોને પણ પ્રવેશ અપાતો ન હતો."

"અમે નારાયણ સાંઈની કુટિર પાસે પહોંચ્યાં ત્યારે ત્યાં તાળું લટકતું હતું."

રિયાઝ જણાવે છે કે પીડિતાએ જે વર્ણન કર્યું હતું તેવાં જ દૃશ્યો તેમને કુટિરમાં જોવાં મળ્યાં હતાં.

તેઓ છે, "અમારી સાથે ફૉરેન્સિક વિભાગની એક ટીમ પણ હતી. તેમણે તપાસ કરી કે નારાયણ સાંઈની કુટિરમાં કોઈ ફેરફાર થયા છે કે નહીં."

"2006માં સુરતમાં આવેલા પૂર બાદ કંઈ બદલાયું કે કેમ? દીવાલો જૂની છે કે સમારકામ કરાયું? એવા પુરાવા અમે એકઠા કર્યા હતા."

'મોબાઇલ પર લોકેશન ટ્ર્રૅસ કર્યું'

રિયાઝ કહે છે આશ્રમમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યા બાદ અમે સાંયોગિક પુરાવા એકઠા કરવા માટે કવાયત આદરી હતી. નારાયણ સાંઈના સાધકો અમને ખોટી માહિતી આપતા હતા.

તેઓ કહે છે, "પીડિતાએ અમને નારાયણ સાંઈનો મોબાઇલ નંબર આપ્યો હતો જે અમને મદદરૂપ થયો."

"આ મોબાઇલ નંબર આધારે અમે નારાયણ સાંઈનું લોકેશન ટ્રેસ કરવાનું શરૂ કર્યું, જેમાં અમને સફળતા મળવા લાગી."

"અમે નારાયણ સાંઈ અને તેમના સાધકોના ફોટોગ્રાફ્સ ઍરપોર્ટ પર આપી દીધા હતા, જેથી કરીને તેઓ દેશ છોડીને જાય નહીં."

"આ કેસમાં અમને કેટલીક અન્ય મહિલાઓની પણ મદદ મળી હતી, જેમણે પોતાનાં નામ જાહેર ન થાય તે શરતે સાંયોગિક પુરાવા આપ્યા હતા."

"પીડિતા મુંબઈના નાલાસોપારા અને બિહારમાં જ્યાં રહ્યાં હતાં ત્યાં પણ તપાસ કરાવી અને પુરાવા એકઠા કર્યા હતા."

રિયાઝ કહે છે કે "આ ગાળામાં પીડિતાએ નારાયણ સાંઈને આશ્રમના હિસાબના જે ચૅક આપ્યા હતા અને બૅન્કમાં જે ઍન્ટ્રીઓ થઈ હતી તે પણ પુરાવાના રૂપે કામ લાગ્યાં હતાં."

'અમને ધમકીઓ પણ મળતી હતી'

2013માં પીડિતાએ કરેલા કેસ બાદ નારાયણ સાંઈ ફરાર થઈ ગયા હતા અને તેમને શોધવા માટે આસારામનાં કેટલાંક આશ્રમોમાં તપાસ પણ કરવામાં આવી હતી.

જોકે, આખરે હરિયાણામાંથી નારાયણ સાંઈ અને તેમના સાથીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે બાદ તેને સુરત લાવવામાં આવ્યો હતો.

રિયાઝ કહે છે નારાયણ સાંઈ સામે અમે પુરાવા એકઠા કરતા હતા ત્યારે અમને મોટી રાજકીય વગની ધમકીઓ પણ આપવામાં આવતી હતી.

તેઓ કહે છે, "નારાયણ સાંઈ સાથે કેટલાક લોકોને મિલકતને લઈને પણ ઝઘડા હતા. આ લોકોએ પણ અમને સાંયોગિક પુરાવા એકઠા કરવામાં મદદ કરી હતી."

"જે લોકોને નારાયણ સાંઈએ પૈસા નહોતા આપ્યા એ લોકોએ પણ અમારી મદદ કરી હતી. આ કેસમાં અમને લાંચ આપવાની પણ કોશિશો કરવામાં આવી હતી."

"અંતે એટલું કહીશ કે અમે મજબૂત પુરાવા એકઠા કરી શક્યા અને એના કારણે નારાયણ સાંઈને સજા થઈ શકી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો