પ્રિયંકા ગાંધી વાડ્રા ચાર મહિનામાં શું કરી શક્યાં? દૃષ્ટિકોણ

    • લેેખક, કલ્યાણી શંકર
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

જાન્યુઆરી મહિનામાં નવવર્ષના આગમનની સાથે પ્રિયંકા ગાંધીએ સક્રિય રાજકારણમાં પદાર્પણ કર્યું, એવું માનવામાં આવતું હતું કે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસ માટે બ્રહ્માસ્ત્ર તરીકે કામ કરશે અને તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના વિજયની શક્યતાઓને સમાપ્ત કરી દેશે.

પ્રિયંકાને સૌથી વધુ બેઠક ધરાવતા ઉત્તર પ્રદેશમાં કૉંગ્રેસનો વ્યાપ વધારવાની જવાબદારી સોંપવામાં આવી અને પૂર્વ ઉત્તર પ્રદેશના પ્રભારી બનાવવામાં આવ્યાં છે.

પ્રિયંકા ગાંધીએ પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી હાથમાં લીધી એને ચાર મહિના થઈ ગયા છે, ત્યારે એ સવાલ ઊભો થાય છે કે તેઓ કેટલી હદે સફળ રહ્યાં છે?

આમ તો કોઈ રાજનેતાને આંકવા માટે ચાર મહિનાનો ગાળો ખૂબ જ ટૂંકો સમય કહેવાય, પરંતુ ચૂંટણી ચાલી રહી હોવાથી પ્રિયંકા ગાંધીના પ્રદર્શનનું આકલન કરવું જરૂરી પણ છે.

તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ઉત્તર પ્રદેશમાં 38 હજાર મતદારોનો સરવે કર્યો હતો.

જેમાં માલૂમ પડ્યું હતું કે 44 ટકા મતદારો સમાજવાદી પાર્ટી તથા બહુજન સમાજ પક્ષના મહાગઠબંધનનું સમર્થન કરે છે.

એટલે કે પ્રિયંકાના આગમનને કારણે કૉંગ્રેસને ખાસ લાભ થયો હોય તેવું જણાતું નથી.

પ્રિયંકાને મીડિયા કવરૅજ

પ્રિયંકા ગાંધી રાજકારણમાં સક્રિય થયાં, તેના ગણતરીના દિવસોમાં પુલવામા ખાતે હુમલો થયો, જેના કારણે પ્રિયંકાએ લગભગ દસ દિવસ સુધી મૌન રહેવું પડ્યું, તેને પ્રિયંકાનું દુર્ભાગ્ય જ ગણી શકાય.

ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ અનેક રેલીઓ સંબોધી, હોડી દ્વારા યાત્રા કરી તથા રોડ-શો પણ કર્યા, જેને સારું એવું મીડિયા કવરૅજ મળ્યું.

પ્રિયંકા ગાંધી નાની-નાની બેઠકોને સંબોધિત કરે છે તથા મીડિયાની સાથે કોઈપણ જાતના ખચકાટ વગર વાત કરે છે.

રાયબરેલીમાં તેમણે કોઈપણ જાતના ભય વગર નાગ લઈને મદારી સમુદાય સાથે વાતચીત કરી હતી.

આપને આ પણ વાચવું ગમશે

પ્રિયંકાનો જાદુ

પ્રિયંકા ગાંધી યુવાન છે, ઉપરાંત તેઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. તેઓ વાચાળ છે અને સહેલાઈથી લોકો સાથે હળીમળી શકે છે. સ્વાભાવિક રાજનેતા તરીકેના ગુણ પ્રિયંકામાં સ્પષ્ટ દેખાય છે.

ઘણી વખત પ્રિયંકા ગાંધીની સરખામણી તેમનાં દાદી તથા પૂર્વ વડાં પ્રધાન ઇંદિરા ગાંધી સાથે થાય છે, પરંતુ પ્રિયંકાએ હજુએ સાબિત કરવાનું બાકી છે કે તેમનામાં ઇંદિરા ગાંધી જેવી કાબેલિયત છે કે નહીં.

પ્રિયંકા ગાંધીને રાજકારણમાં ઉતારવાને કારણે નુકસાન પણ થઈ શકે છે, છતાંય ગાંધી પરિવારે આ જોખમ વહોરી લીધું છે.

વાસ્તવમાં કૉંગ્રેસને પ્રિયંકાના જાદુ ઉપર વિશ્વાસ છે.

ગત લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપના વ્યૂહરચનાકાર તથા હાલમાં જનતા દળ (યુનાઇટેડ)ના ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોર કહે છે : "મને લાગે છે કે કોઈની પાસે જાદુઈ લાકડી નથી હોતી. મને નથી લાગતું કે પ્રિયંકા ગાંધી કૉંગ્રેસમાં ખાસ કોઈ ફેરફાર કરી શકશે, પરંતુ તેમનું નામ બહુ મોટું છે."

"આવનારા સમયમાં તેઓ ચોક્કસપણે એનડીએ (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ) માટે પડકારજનક બની રહેશે."

રાજકારણમાં પ્રિયંકાની ભૂમિકા

એક રીતે પ્રિયંકા ગાંધી માટે રાજકારણ એ નવી વાત નથી.

ગત ચૂંટણીઓ દરમિયાન તેમણે માતાની પરંપરાગત બેઠક રાયબરેલી તથા ભાઈની પરંપરાગત બેઠક અમેઠી માટે પ્રચાર અભિયાનની કમાન સંભાળી છે.

કૉંગ્રેસ તથા ગાંધી પરિવારના મહત્ત્વપૂર્ણ નિર્ણયોમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી છે.

વર્ષ 2014માં કૉંગ્રેસના ચૂંટણીપ્રચાર અભિયાનમાં પ્રિયંકાએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી.

ત્યારે એક એવો સવાલ ઊભો થાય છે કે શું કૉંગ્રેસ પ્રિયંકાને વર્ષ 2022ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે તૈયાર કરી રહી છે અને તેમને મુખ્ય પ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવા વિચારી રહી છે.

તાજેતરમાં મીડિયા સાથેની વાતચીતમાં પ્રિયંકાએ કહ્યું હતું: "હું 2022 માટે કૉંગ્રેસને તૈયાર કરવા માગું છું, જેથી કરીને એ સમયે કૉંગ્રેસ સારી રીતે ટક્કર આપી શકે."

પ્રિયંકાએ આસામ, કેરળ તથા ગુજરાતમાં ચૂંટણીપ્રવાસ ખેડ્યા છે, પરંતુ તેમણે પોતાનું કાર્યક્ષેત્ર હજુ પણ મર્યાદિત જ રાખ્યું છે.

પ્રિયંકાએ અલાહાબાદથી વારાણસીની વચ્ચે હોડીયાત્રા કરી હતી, પરંતુ આ યાત્રાને કારણે કૉંગ્રેસને કેટલા મત મળશે, તે કહેવું મુશ્કેલ છે, કારણ કે ત્રણ દાયકાથી કૉંગ્રેસ ઉત્તર પ્રદેશમાં સત્તાથી દૂર છે.

ખુદ કૉંગ્રેસના સમર્થકો પણ સ્વીકારે છે કે એકાદ દિવસમાં કોઈ સંગઠન ઊભું ન થાય. ઉત્તર પ્રદેશમાં આવનારો સમય સરળ નહીં હોય.

મોદીની સામે પ્રિયંકા નહીં

ચાર મહિનામાં પ્રિયંકા ગાંધીએ બે ખોટાં પગલાં ભર્યાં. એક તો તેમણે ભીમ આર્મીના વડા ચંદ્રશેખર આઝાદની સાથે મુજ્જફરનગરની હૉસ્પિટલમાં મુલાકાત કરી હતી.

આ મુલાકાતને પગલે સ્પષ્ટ થઈ ગયું કે કૉંગ્રેસને માયાવતીથી વધુ જોખમ છે, એટલે જ આ મુલાકાત બાદ માયાવતીએ કૉંગ્રેસ પ્રત્યે વધુ આક્રમક વલણ અપનાવ્યું.

બીજું કે રાહુલ તથા પ્રિયંકા ગાંધીએ લાંબા સમય સુધી સસ્પેન્સ રાખ્યું કે પ્રિયંકા વારાણસીની બેઠક ઉપરથી ચૂંટણી લડશે કે નહીં.

છેલ્લી ઘડીએ કૉંગ્રેસે અજય રાયને ફરી ચૂંટણીજંગમાં ઉતાર્યા. ગત લોકસભા ચૂંટણીમાં વારાણસીની બેઠક ઉપર મોદીની સામે તેમનો કારમો પરાજય થયો હતો.

સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવે વારાણસીની બેઠક ઉપરથી પ્રિયંકા ગાંધીની ઉમેદવારીનું સમર્થન કર્યું હતું, પરંતુ માયાવતીએ તેનો વિરોધ કર્યો હતો.

જ્યારે પ્રિયંકા ગાંધીને પૂછવામાં આવ્યું કે 'શું તેઓ મોદીની સામે ઊતરવામાં ગભરાઈ રહ્યાં છે?'

પ્રિયંકાએ જવાબમાં કહ્યું હતું, "જો પ્રિયંકા ગાંધીને ભય લાગશે તો તે ઘરે બેસી જશે અને રાજકારણમાં નહીં આવે."

"હું કંઈક સારું કરવા માટે રાજકારણમાં આવી છું અને કરતી રહીશ."

એમ કહી શકાય કે ગાંધી પરિવાર 2019ની લોકસભા ચૂંટણીમાં મોદીની સામે પ્રિયંકાને ઉતારીને તેમની પહેલી ઇનિંગ બગાડવા માગતી ન હતી, કારણ કે કદાચ તેઓ વારાણસીની બેઠક ઉપરથી હારી ગયાં હોત.

માયાવતી-અખિલેશને નારાજ કર્યાં

પ્રિયંકા ગાંધીએ એવી ટિપ્પણી કરી હતી કે તેમણે નબળાં ઉમેદવાર ચૂંટણીજંગમાં ઉતાર્યાં, જેથી ભાજપના વોટ કપાઈ જાય.

તેમની આ ટિપ્પણી ઉપર માયાવતી તથા અખિલેશે કડક પ્રતિક્રિયા આપી હતી.

પાછળથી પ્રિયંકા ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું, "મેં કહ્યું હતું કે આ ચૂંટણી કૉંગ્રેસ આપબળે લડી રહી છે."

"અનેક સ્થળો ઉપર અમારા ઉમેદવાર મજબૂત છે."

"મને એમ પૂછવામાં આવ્યું હતું કે 'શું અમે ભાજપને લાભ પહોંચાડી રહ્યાં છીએ?' તેના જવાબમાં મેં કહ્યું હતું કે ભાજપને લાભ પહોંચાડવા કરતાં હું મરવાનું પસંદ કરીશ."

લોકસભા ચૂંટણીના હજુ ત્રણ તબક્કા બાકી છે, જેમાં ઉત્તર પ્રદેશની 41 બેઠક ઉપર પણ મતદાન યોજાશે.

નાદુરસ્ત તબિયતને કારણે સોનિયા ગાંધીએ હજુ સુધી ચૂંટણીપ્રચાર અભિયાનની શરૂઆત કરી નથી.

આથી પ્રિયંકાએ અમેઠી તથા રાયબરેલીનો પ્રભાર પણ સંભાળવો પડ્યો છે.

હાલ તો પ્રિયંકા ચર્ચામાં છે, પરંતુ એટલું પૂરતું નથી.

એ ખરું કે પ્રિયંકા ગાંધીની રેલીઓમાં ભીડ ઊમટી પડે છે, પરંતુ શું તે વોટમાં રૂપાંતરિત થશે?

જ્ઞાતિ આધારિત સમીકરણ, મતદારોની આશા, વોટિંગ, પાર્ટીનું પ્રદર્શન તથા ગઠબંધન સાથે સુમેળ જેવી અનેક સમસ્યાઓ પ્રિયંકા ગાંધી સામે ઊભી છે.

પ્રિયંકા ગાંધીનો જાદુ ચાલ્યો છે કે નહીં એ તો ચૂંટણી પરિણામના દિવસે જ જાણ થશે.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો