ઑસ્ટ્રેલિયામાં હાઈવે ઉપરથી મળ્યો ત્રણ આંખવાળો સાપ

ઑસ્ટ્રેલિયાની નૉર્થન ટૅરિટરી પાર્ક્સ ઍન્ડ વાઇલ્ડલાઇફ સર્વિસે ત્રણ આંખવાળા સાપની તસવીર શૅર કરી છે.

ફેસબુક ઉપર આ તસવીરોને શૅર કરતા પાર્કે લખ્યું કે કાર્પેટ પ્રજાતિનો આ 'વિશિષ્ટ' સાપ તેમને હાઈવે ઉપરથી મળ્યો હતો.

મૉન્ટી પાઇથન નામનો આ અજગર મળ્યાના અમુક સપ્તાહમાં જ મૃત્યુ પામ્યો હતો.

જાણકારોના કહેવા પ્રમાણે, સાપનું ત્રીજું નેત્ર કુદરતી ફેરફાર છે.

અધિકારીઓના કહેવા પ્રમાણે, લગભગ 15 ઇંચ લાંબો આ સાપ કુદરતી વિકૃતિને કારણે બરાબર રીતે ભોજન લઈ શકતો ન હતો.

'કુદરતી' કારણ

વન વિભાગના નિષ્ણાતોના કહેવા પ્રમાણે, ઍક્સ-રે તપાસ કરતા માલૂમ પડ્યું કે તેને બે માથા ન હતા.

ફેસબુક પોસ્ટ પ્રમાણે, "એક જ ખોપડીમાં જ ત્રીજી આંખ નીકળી હતી અને ત્રણેય આંખ કામ કરી રહી હતી."

ક્વિન્સલૅન્ડ યુનિવર્સિટી ખાતે સાપોના જાણકાર પ્રો. બ્રાયન ફ્રાયના કહેવા પ્રમાણે, આ પ્રકારની વિકૃતી આવવી એ કુદરતી ઉત્ક્રાંતિ છે.

પ્રો. ફ્રાય કહે છે, "દરેક સાપોલિયામાં કોઈ અને કોઈ પ્રકારની વિકૃતિ હોય છે, પરંતુ આ વિકૃતી વધારે પડતી વિકૃતી છે."

"મેં અગાઉ ક્યારેય ત્રણ-આંખવાળો સાપ જોયો નથી, પરંતુ અમારી પાસે બે માથાવાળો કાર્પેટ પ્રજાતિનો સાપ અમારી લૅબોરેટરીમાં છે. સિયામી ટ્વીન્સની અલગ પ્રકારની વિકૃતિ સમાન છે."

આપને આ પણ વાચવું ગમશે

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો