You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નરેન્દ્ર મોદી આ વખતે વારાણસીમાં સરળતાથી જીતી શકશે?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી છે.
ગુરુવારે વારાણસીમાં રોડ શૉ કર્યા બાદ મોદીએ આ શુક્રવારે ઉમેદવારીપત્ર ભર્યું હતું.
ઉમેદવારી દાખલ કરતી વખતે મોદી સાથે ભાજપના અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ અને રાજનાથ સિંહ પણ મોદી સાથે હતા.
ઉપરાંત બિહારના મુખ્ય મંત્રી નીતિશ કુમાર, શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, અકાલી દળના અધ્યક્ષ પ્રકાશ સિંહ બાદલ સહિત અન્ય સહયોગી દળોના નેતાઓ પણ સાથે હતા.
વડા પ્રધાન મોદીએ ઉમેદવારી કરતાં પહેલાં ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.
કાર્યકર્તાઓને સંબોધિત કર્યા બાદ તેઓ કાલભૈરવ મંદિરે દર્શન કરવા ગયા હતા.
"પહેલાં મને લાગ્યું કે ભારતીય જનતા પક્ષે મને અહીં મોકલ્યો છે, પછી લાગ્યું કે કદાચ હું કાશી જઈ રહ્યો છું, પરંતુ આજે અહીં આવ્યા બાદ મને લાગે છે કે ના કોઈએ મને મોકલ્યો છે, ના હું અહીં આવ્યો છું, મને મા ગંગાએ બોલાવ્યો છે."
2014માં લોકસભા ચૂંટણી માટે વારાણસીમાં ઉમેદવારીપત્ર ભર્યા બાદ નરેન્દ્ર મોદીએ આ વાત કહી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એ વખતે ભાજપે વડા પ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વડોદરાની સાથે-સાથે વારાણસીના ચૂંટણીમેદાનમાં પણ ઉતાર્યા હતા.
ઉત્તર પ્રદેશના વધારેમાં વધારે મતદારોને ભાજપ તરફ આકર્ષિત કરવાનો તેનો ઉદ્દેશ હતો.
બીજી તરફ વારાણસીથી ચૂંટણી લડવી ભાજપના હિંદુત્વના ઍજન્ડાને પણ પૂરો કરે છે.
ફરી વારાણસીના શરણે
લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદી ફરી એક વાર વારાણસીના મેદાનમાં છે. હાલનાં સમીકરણોને જોતાં ગયા વર્ષ કરતાં તેમના માટે આ ચૂંટણી સરળ હોવાની સંભાવના દેખાઈ રહી છે.
શુક્રવારે નરેન્દ્ર મોદી વારાણસીની બેઠક પર ઉમેદવારી નોંધાવી દીધી છે.
ઉમેદવારીના એક દિવસ પહેલાં મોદીએ ગુરુવારે રોડ શૉ કર્યો હતો અને જનતાને સંબોધન કરતાં કહ્યું, "માતાએ એટલા લાડ કર્યા, કાશીનાં બહેનો-ભાઈઓએ એટલો પ્રેમ કર્યો કે બનારસની ફકીરીમાં આ ફકીર પણ ભળી ગયો."
છેલ્લા કેટલાક દિવસોથી એવી પણ ચર્ચા ચાલી રહી હતી કે મોદીની સામે કૉંગ્રેસ અહીં પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવાની હતી.
જોકે, ગુરુવારે કૉંગ્રેસે તમામ અટકળોનો અંત લાવતા અહીં અજય રાયને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.
2014માં અજય રાય મોદી સામે જ ચૂંટણી લડ્યા હતા પરંતુ તેમને માત્ર 75,000 મત જ મળ્યા હતા.
તેઓ નરેન્દ્ર મોદી(લગભગ 5.80 લાખ મત) અરવિંદ કેજરીવાલ(લગભગ 2.09 લાખ મત) બાદ ત્રીજા સ્થાને રહ્યા હતા.
જોકે, હજી એ સવાલનો જવાબ બાકી છે કે શું પૂર્વાંચલનાં ચૂંટણી પ્રમુખ બનાવ્યાં બાદ પ્રિયંકા ગાંધી અને સપા-બસપા ગઠબંધન આ બેઠકનાં સમીકરણો પર પ્રભાવ પાડી શકશે?
'મોદીની જીતને લઈને કોઈ શક નથી'
વરિષ્ઠ પત્રકાર રશીદ કિદવઈ કહે છે કે આમાં કોઈ શક નથી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી જીતીને જ આવશે. જોકે, 2014ની સ્થિતિની સરખામણીએ અહીં થોડો ફેરફાર ચોક્કસ થશે.
રશીદ કિદવઈએ કહ્યું કે એમાં કોઈ શક નથી કે લોકો મોદીનું સમર્થન જરૂર કરી રહ્યા છે, પરંતુ સાથે જ અહીં થયેલાં કામોની ચર્ચા પણ કરી રહ્યા છે. 2014માં ખૂબ જ ઉત્સાહ દર્શાવનારા મતદારો હવે વાસ્તવિક મુદ્દાઓની વાત કરી રહ્યા છે.
અત્યાર સુધી અમેઠી અને રાયબરેલીના ચૂંટણીપ્રચાર સુધી સીમિત રહેલાં પ્રિયંકા ગાંધીને કૉંગ્રેસે પૂર્વાંચલની જવાબદારી તો આપી છે, પરંતુ સવાલ એ છે કે વારાણસીમાં 'પ્રિયંકા ફૅક્ટર' કૉંગ્રેસ માટે કેટલું કામ કરશે.
પ્રિયંકા ગાંધીનો જાદૂ ચાલશે?
વરિષ્ઠ પત્રકાર પ્રદીપ સિંહે બીબીસીને કહ્યું, "2014માં લોકસભા ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ એક વિરોધના ચહેરા તરીકે હતા અને કેટલાક વિસ્તારમાં તેમનું પ્રભુત્વ પણ હતું."
"જોકે, આજે તેમની પણ એવી સ્થિતિ નથી કે તેઓ નરેન્દ્ર મોદી સામે અહીં ચૂંટણીના જંગમાં ઊતરી શકે છે. આ આજની સ્થિતિ છે. મોદીને મળનારા મતો ઘટશે નહીં."
તેઓ કહે છે, "પ્રિયંકાને કૉંગ્રેસ અહીં ઉતારવા માગતી ન હતી કારણ કે ચૂંટણીના આવનારા પરિણામ અંગે તેને અંદાજ છે."
પ્રદીપ સિંહ કહે છે, "2014માં વારાણસી વડા પ્રધાનની બેઠક ન હતી પરંતુ હવે તે એક વડા પ્રધાનની બેઠક બની ગઈ છે."
"છેલ્લાં પાંચ વર્ષોમાં તેમણે તેને બદલી નાખી છે, લોકોમાં ક્યાંય નારાજગી જોવા મળતી નથી અને એવું લાગે છે કે મતદારો અન્ય ઉમેદવારને પસંદ નહીં કરે."
વારાણસીનાં રાજકીય સમીકરણો
નરેન્દ્ર મોદીની ઉમેદવારીને કારણે વારાણસીની બેઠક ભારતમાં સૌથી વધારે ચર્ચાસ્પદ બેઠક બની ગઈ છે.
જોકે, સત્ય એ પણ છે કે 1991ને બાદ કરતાં પહેલાંથી જ અહીં ભાજપના ઉમેદવાર જીતતા આવ્યા છે.
આ વખતે સપા-બસપા સાથે મળીને ચૂંટણી લડી રહ્યાં છે પરંતુ 2014માં અહીં ઊતરેલા જુદાજુદા ઉમેદવારોને કુલ એક લાખથી થોડા વધુ મતો મળ્યા હતા.
બસપા ઉમેદવાર વિજય પ્રકાશ જયસ્વાલને લગભગ 60 હજાર તો સપાના ઉમેદવાર કૈલાશ ચૌરસિયાને માત્ર 45 હજાર મત મળ્યા હતા.
મોદી અને કેજરીવાલ વચ્ચે મતોનું અંતર લગભગ 3.75 લાખ જેટલું હતું.
જો ભાજપની વિરુદ્ધ પડેલા મતોનો સરવાળો કરવામાં આવે તો પણ મોદીને મળેલા મતો જેટલો થતો નથી.
એ કહેવું મુશ્કેલ નથી કે મોદીને ચોંકવાનારું પરિણામ આવવાની શક્યતા બહુ ઓછી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો