ચીનને તેની જ રણનીતિથી ઘેરી શકે છે ભારત : દૃષ્ટિકોણ

    • લેેખક, ભરત કર્નાડ
    • પદ, સુરક્ષા વિશેષજ્ઞ, બીબીસી ગુજરાતી માટે

શક્તિશાળી દેશો સહિત મોટા ભાગના દેશોનું માનવું છે કે ચીનની એ મંશા પર લગામ લગાવવાની જરૂર છે, જેમાં ચીન પોતાને અમેરિકાની જગ્યાએ દુનિયાના સૌથી શક્તિશાળી દેશના રુપમાં સ્થાપિત કરવા માગે છે.

અમેરિકાના વિદેશ વિભાગના નીતિ નિર્ધારણ વિભાગના પૂર્વ પ્રમુખ રિચર્ડ હાસે લખ્યું છે કે આમ સંબંધોના પ્રબંધનના માધ્યમથી થઈ શકે છે.

ભારત સરકાર માટે આ કોઈ નવી વાત નથી. 1962માં હિમાલયમાં થયેલા યુદ્ધમાં હારનો સામનો કર્યા બાદ ભારત પોતાના પાડોશી દેશ ચીન સાથે સંબંધોનું પ્રબંધન કરી રહ્યું છે.

આ યુદ્ધ બાદ દિલ્હીએ 'હિંદી-ચીની ભાઈ ભાઈ'ના સૂત્રને તિલાંજલિ આપી દીધી હતી.

સ્વતંત્રતા બાદ આ એ રાગ હતો, જેને વડા પ્રધાન જવાહરલાલ નહેરુ એશિયાઈ મામલાઓને પ્રોત્સાહન આપવા માટે ભારત-ચીનના મધુર સંબંધોના રુપમાં આલાપતા હતા.

પરંતુ સમય પસાર થતા સંબંધોનું પ્રબંધન કષ્ટદાયક બની રહ્યું છે, કેમ કે ચીને વ્યૂહાત્મક રીતે પોતાની યોજનાઓને મજબૂત કરી છે.

તે પોતાની નીતિઓ અને ક્રિયાકલાપોમાં સુગમતા રાખે છે.

તેની પાસે મિત્રો બનાવવા અને લક્ષિત દેશોને પ્રભાવિત કરવા માટે ભારે સંસાધનો પણ છે. તેના બળ પર તે સતત આગળ વધી રહ્યું છે.

તમે આ વાંચ્યું કે નહીં?

શું છે ચીનની વ્યૂહરચના?

હિંદ મહાસાગર ક્ષેત્ર તેમજ એશિયાના તટીય દેશોનો સમૂહ સતત ચીનની વધતી શક્તિને રોકવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તેમાં જે દેશ કમજોર છે, તેમના માટે ચીનની મદદ અને તેની પાસે સહેલી શર્તો પર મળતા ઋણના માધ્યમથી ગુણવત્તાપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણની લોભામણી ઓફરથી બચવું મુશ્કેલ છે.

આ ઉચ્ચ સ્તરીય 'દેવા આધારિત કૂટનીતિ' છે અને આ મામલે હિંદ- પ્રશાંત ક્ષેત્રમાં કોઈ પણ દેશ ચીનની સરખામણી કરી શકતા નથી. જાપાન અને ભારત પણ નહીં.

એક રસ્તો તો શ્રીલંકાએ હમ્બનટોટા બંદરને લઈને શોધ્યો છે.

ઉચ્ચ રોકાણ ધરાવતી આ પરિયોજનાના કારણે ઉત્પન્ન થતી મુશ્કેલીઓ દૂર કરવા માટે તેણે ઋણ ચૂકવ્યું અને ચીનની કંપની સાથે 99 વર્ષોનો પટ્ટો સમાપ્ત કર્યો.

આ પાઠ મહત્ત્વપૂર્ણ છે અને તેને જલદી અપનાવવામાં પણ આવ્યો.

તેનું અનુસરણ કરતા મ્યાનમાર, મલેશિયા અને થાઇલૅન્ડે ચીન પાસેથી ઋણ લેવાની પરિયોજના સમાપ્ત કરી દીધી છે અથવા તો ઓછી કરી દીધી છે.

પાકિસ્તાનમાં, જે સંભવિત ચીન- પાકિસ્તાન આર્થિક કૉરિડોરને પોતાના માટે મહત્ત્વપૂર્ણ માની રહ્યું હતું, વધુમાં વધુ લોકો તે ઋણને શંકાની નજરે જોઈ રહ્યા છે, જેમાં તેમનો દેશ ફસાઈ શકે છે.

પોતાનું પ્રભુત્વ જમાવવા માટે ચીન આર્થિક સિવાય વ્યૂહાત્મક ઉદ્દેશ્યોની પૂર્તિ પર પણ ધ્યાન આપે છે, જેને ચીનના વ્યૂહરચનાકાર 'મલક્કા ડિલેમા' કહે છે.

હિંદ મહાસાગરના રસ્તે પસાર થતા તેના 80 ટકા વેપારની સુરક્ષા જરુરી છે.

આ રસ્તો મલક્કા, લમ્બોક અને સુન્ડા જલડમરુમધ્યોના ચેકપોઇન્ટથી પસાર થઈને જાય છે.

તેને દેશના પૂર્વી તટો પર અને આંદમાન નિકોબાર દ્વીપસમૂહમાં સ્થિત ભારતીય નૌસેનાના એકીકૃત કમાન્ડ પ્રભાવશાળી રીતે નિયંત્રિત કરે છે.

તેવામાં ચીનના બંદર અને સમુદ્રી ઠેકાણાની શોધમાં સતત લાગેલું રહેવું જગજાહેર છે.

આ સમસ્યાનું વાસ્તવિક સમાધાન તો નથી, પણ તેની સમસ્યાને આંશિક રીતે હળવી ચોક્કસથી કરી શકે છે.

તે માટે ચીને ઉત્તર- દક્ષિણી રોડ અને રેલ પરિયોજનાઓમાં રોકાણ કર્યું છે, જેથી મ્યાનમારમાં બંગાળની ખાડી સ્થિત ચૉકપ્યૂ અને પાકિસ્તાનના અરબ સાગરમાં ગ્વાદરમાં વર્ષો સુધી તેને બંદર મળી રહે.

ચીનને કેવી રીતે રોકી શકાય છે?

તો ચીનના આ તોફાનને જો આગળ રોકવામાં ન આવે તો તેનો પ્રભાવ ઓછો કરવા માટે શું કરી શકાય છે?

તેનું સમાધાન સૈન્ય નિવારણ જ છે.

ભારત સહિત અન્ય તટીય તેમજ દૂર આવેલા દેશોએ એકસાથે સુરક્ષા જૂથ બનાવીને મજબૂત વ્યૂહરચના વિકસિત કરવી પડશે.

ભારતની સૈન્ય પહોંચ ઓમાનના દુકમ, આફ્રિકા સ્થિત જિબૂતીમાં ફ્રાંસિસી બેસ હેરૉન સેશેલ્સ, માલદીવ અને શ્રીલંકાના ત્રિંકોમાલી સુધી છે.

હવે ભારતીય સેનાએ સુમાત્રાના બંદર સબાંગ અને મધ્ય વિયેતનામ સ્થિત ના થરાંગમાં મજબૂત થવાની જરુર છે.

વિયેતનામે આ બંદરના ભારતીય નૌસેના દ્વારા ઉપયોગ માટે મદદ આપવાની રજૂઆત કરી છે.

આ સાથે જ સંયુક્ત રૂપે ઇલેક્ટ્રોનિક ઇન્ટેલિજન્સ એકત્ર કરવાના સ્ટેશન વિકસિત કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો કે જેથી હૈનાન ટાપુ પર ચીનની નૌસેનાના મુખ્ય ઠેકાણા પર નજર રાખી શકાય.

સૈન્ય ઠેકાણાના આ શૃંખલાને મેજબાન, સ્થાનિક અને ક્ષેત્રીય નૌસેના સાથે મળીને નિયમિત તેમજ મુશ્કેલ અભ્યાસના માધ્યમથી સશક્ત કરવાની જરુર છે કે, ચીનને સ્પષ્ટ સંદેશ મળી શકે કે તે ત્રણેય જલડમરુમધ્યોની બન્ને તરફ ગમે તેટલી શક્તિ કેમ ન એકત્રિત કરી લે, તેણે પરેશાનીઓનો સામનો કરવો જ પડશે.

ભારતે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ વિયેતનામ અને તેને ખરીદવા માગતા અન્ય દેશોને પણ ભારે સંખ્યામાં પૂરી પાડવાને પ્રાથમિકતા આપવી પડશે.

નિશ્ચિત રૂપે તેનાથી ચીનના દક્ષિણી સાગરના કાફલા અને હિંદ મહાસાગરમાં ગોપનીય એવા ચોથા કાફલા પર લગામ મૂકી શકશે.

આનાથી એ દેશોના આત્મવિશ્વાસમાં પણ વધારો થશે કે જેઓ દક્ષિણી ચીન સાગરમાં ચીનના એકાધિકારનો વિરોધ કરી રહ્યા છે અને અત્યાર સુધી આવા વ્યૂહાત્મક ગઠબંધનના અભાવનો અનુભવ કરી રહ્યા હતા.

તે પરસ્પર સહયોગ પર આધારિત નૌસેનિક વ્યૂહરચના છે, જે ભારત સરકારની 'થિયેટર સ્વિચિંગ' વ્યૂહરચનાની સરખામણીએ સારી છે.

ભારતની થિયેટર સ્વિચિંગ વ્યૂહરચના સ્પષ્ટ રૂપે અસ્થિર છે.

નવી વ્યૂહરચના અપનાવવાથી 4,700 કિલોમીટર લાંબી જમીની સીમા અને તથાકથિત વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનનું વર્ચસ્વ ઓછું થઈ જશે.

ભારતે બદલવી પડશે વ્યૂહરચના

ચીનનું માનવું છે કે તે ભારતની નૌસેના અને થળ સેના પર એક સાથે ભારે પડી શકે છે.

ચીનને લાગે છે કે તે જરુર પડવા પર જરુરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સારા કરી સુદૂર હવાઈ પટ્ટીઓને સ્થાયી અડ્ડામાં પરિવર્તિત કરી શકે છે અને તિબેટમાં પોતાની વાયુસેના અને મિસાઇલોની તહેનાતી વધારી શકે છે.

તેના જવાબમાં ભારત પાસે કંઈ પણ યોગ્ય વસ્તુ નથી.

તે પહાડોમાં આક્રમણ કરનારી એકમાત્ર ટૂકડી વિકસિત કરી રહ્યું છે કે જેને હલકી ટૅન્કના બદલે મેદાની વિસ્તારોના આધારે આક્રમણ કરવા માટે ઉપયોગી થતી સામગ્રીઓ આપવામાં આવી રહી છે.

આ તરફ આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પની આગેવાની વાળા અમેરિકા પર વિશ્વાસ કરી શકાય તેમ નથી.

સીરિયા અને અફઘાનિસ્તાનથી અમેરિકાની સેનાનું પરત ફરવું અને જનરલ જેમ્સ મેટિસની પેન્ટાગનથી અચાનક વિદાયે નરેન્દ્ર મોદી સરકાર અને એ એશિયાઈ દેશોની સરકારોને ફરીથી વિચાર કરવા મજબૂર કરી દીધા છે કે જેમને પોતાની સુરક્ષા મામલે અમેરિકા પર ભરોસો હતો.

ટ્રમ્પે નાટોનો દરજ્જો ઘટાડી દીધો છે. દક્ષિણ કોરિયા સાથે સૈન્ય સહયોગ ઓછો કરી નાખ્યો છે અને તેઓ નોટિસ આપ્યા વગર અમેરિકાના મિત્રો અને સહયોગીઓના હિતોની અવગણના કરી રહ્યા છે.

આ બધું ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ચાહતને અનુરુપ થઈ રહ્યું છે.

વર્ષ 1947 બાદથી મિત્રો અને સહયોગી લોકતાંત્રિક દેશો સાથે અમેરિકાના સંબંધ ન્યૂનતમ સ્તર પર છે અને તેના પર ભરોસો કરી શકાય તેમ નથી.

ભારત સરકાર ભૂલી જાય છે કે કેવી રીતે હાલ જ સાર્વજનિક કરવામાં આવેલા ગોપનીય દસ્તાવેજોથી જાણવા મળે છે કે 70ના દાયકાના અંતિમ તબક્કામાં રાષ્ટ્રપતિ જિમી કાર્ટરની ડેમોક્રેટ સરકારે ચીનના નેતા ડેંગ શાઓપિંગની એક સલાહને માની લીધી હતી.

સલાહ હતી કે ક્ષેત્રમાં સ્થિરતા માટે, અને અફઘાનિસ્તાનને રશિયન કબજામાંથી મુક્ત કરાવવામાં પાકિસ્તાનથી મદદ લેવાના બદલે, અમેરિકાએ ચીનને એ પરવાનગી દેવી જોઈએ કે તે પાકિસ્તાનને પરમાણુ હથિયારોથી સજ્જ કરે.

કાર્ટરના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જ્બિગનિયવ બ્રેજિંસ્કીની ખૈબર નજીક એકે-47 સાથે લેવામાં આવેલી તસવીર યાદ છે?

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો