You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આસામનો બોગીબીલ પુલ ભારત માટે મહત્ત્વપૂર્ણ શા માટે છે?
- લેેખક, દિલીપ કુમાર શર્મા
- પદ, બીબીસી હિંદી માટે, ગુવાહાટીથી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રહ્મપુત્ર નદી ઉપર બનેલા દેશના સૌથી લાંબા ડબલ ડેકર રેલ અને રોડ બ્રિજનું લોકાર્પણ કર્યું.
આસામના ડિબ્રુગઢ શહેર પાસે બોગીબીલમાં બ્રહ્મપુત્ર નદી પર બનેલા આ પુલની લંબાઈ લગભગ 4.94 કિલોમીટર છે.
સુરક્ષા નીતિની દૃષ્ટિએ આ પુલને ખૂબ જ મહત્ત્વનો માનવામાં આવે છે.
સુરક્ષા નિષ્ણાતોનું માનવું છે કે બ્રહ્મપુત્રની બન્ને તરફ વસેલા લોકોને જોડવા સહિત આસામના આ ભાગને અરુણાચલ પ્રદેશમાં જોડવું ખૂબ જ જરૂરી હતું, કારણ કે અરુણાચલ પ્રદેશની સરહદી સીમા ચીન સાથે જોડાયેલી છે.
આ પુલને કારણે ભારતીય સેના તાત્કાલિક સરહદી વિસ્તારમાં પહોંચી શકે છે.
લગભગ 5900 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચથી તૈયાર થયેલો બોગીબીલ પુલ નીચે બે રેલવે લાઇન પાથરવામાં આવી છે.
તેની ઉપર ત્રણ લેનની લાઇન બનાવવામાં આવી છે, જેના પરથી ભારે સૈન્ય ટૅન્કો પસાર થઈ શકશે.
આ પુલ મારફતે આસામથી અરુણાચલ પ્રદેશ વચ્ચેની યાત્રાનો સમય ચાર કલાક ઘટી જશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીજી તરફ દિલ્હીથી ડિબ્રુગઢ વચ્ચેની ટ્રેન યાત્રા ત્રણ કલાકનો ઘટાડો થશે.
આ સિવાય આ પુલને કારણે ધેમાજીથી ડિબ્રુગઢનું અંતર માત્ર 100 કિમી થઈ જશે અને ત્રણ કલાકમાં જ પૂરું થશે.
આ પહેલાં બન્ને શહેરો વચ્ચે 500 કિમીનું અંતર હતું, જેને માટે 34 કલાકનો સમય લાગતો હતો.
તમે આ વાંચ્યું કે નહીં?
1962ના યુદ્ધ બાદ ઊઠી માગણી
બોગીબીલ પુલ પરિયોજનાને વર્ષ 1985માં થયેલી આસામ સમજૂતીની શરતનો એક ભાગ માનવામાં આવી રહ્યો છે.
સૌપ્રથમ બોગીબીલ પર પુલ બનાવવાની માગ વર્ષ 1965માં ઊઠી હતી.
વર્ષ 1962માં 'ચીનના આક્રમણ' બાદ ડિબ્રુગઢ નજીક આવેલા બ્રહ્મપુત્રના આ ભાગ પર પુલ બનાવવાની માગ ઊઠી હતી.
ડિબ્રુગઢ સ્થિત ઇસ્ટર્ન આસામ ચેમ્બર ઑફ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીના અધ્યક્ષ ભુદેવ ફુકને બીબીસીને કહ્યું, "ચીનના આક્રમણ બાદ ચીનની સેના આસામના તેજપુર સુધી આવી ગઈ હતી."
"ચીનની સેનાએ સરકારી કાર્યાલય સહિત સ્ટેટ બૅન્કની શાખાઓમાં આગ લગાવી દીધી હતી. તે સમયે તત્કાલીન જિલ્લા પ્રશાસન બ્રહ્મપુત્રની આ તરફ આવી ગયું હતું."
"વર્ષ 1965માં જ્યારે તે સમયના કેન્દ્રીય મંત્રી જગજીવન રામ ડિબ્રુગઢની મુલાકાતે આવ્યા હતા, ત્યારે અહીં પુલ બનાવવાની માગ ઊઠી હતી અને લેખિતમાં નિવેદન આપ્યું હતું."
જોકે, બોગીબીલ પુલના નિર્માણ સાથે જોડાયેલી પરિયોજના 1997-98માં સ્વીકૃત થઈ હતી.
આ પરિયોજનાની આધારશિલા તત્કાલીન વડા પ્રધાન એચ. ડી. દેવગૌડાએ 22 જાન્યુઆરી, 1997ના રોજ રાખી હતી.
ત્યારબાદ આ પરિયોજના પર 21 એપ્રિલ, 2002ના રોજ અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન કામ શરૂ હતું.
ડિબ્રુગઢ શહેરથી માત્ર 17 કિમીના અંતર પર બોગીબીલ પુલ બ્રહ્મપુત્ર નદીના દક્ષિણ કિનારાને અરુણાચલ પ્રદેશના સીમાડાના પ્રદેશ ધેમાજી જિલ્લાના સિલાપખથાર સાથે જોડશે.
એક માહિતી પ્રમાણે, બોગીબીલ પુલનું આયુષ્ય 120 વર્ષનું હશે.
આ પુલ ભારતનો એક માત્ર વેલ્ડેડ પુલ છે, જેના નિર્માણમાં ભારતમાં પ્રથમ વખત યુરોપિયન વેલ્ડિંગ માપદંડોનું પાલન કરવામાં આવ્યું છે.
આ પુલમાં 125 મીટરના 39 ગર્ડર્સ (લોખંડના પટ્ટા) અને 33 મીટર સ્પૈનના બે ગર્ડર્સ છે.
ગર્ડર્સમાં રેલવે ટ્રેક માટે સ્ટીલ ફ્લોર સિસ્ટમ અને રસ્તા માટે કૉંક્રીટનો ઉપયોગ કરાયો છે.
ભારતીય રેલવેમાં આ પ્રકારનું બાંધકામ પ્રથમ વખત કરવામાં આવ્યું છે.
પુલનો ફાયદો
પુલ ઉત્તર પૂર્વ ક્ષેત્ર માટે એક જીવન રેખા સ્વરૂપે કામ કરશે જે ડિબ્રુગઢ અને અરુણાચલ પ્રદેશની રાજધાની ઇટાનગર વચ્ચે 150 કિમીના અંતરને ઘટાડશે સાથે જ ડિબ્રુગઢથી દિલ્હી વચ્ચેની રેલવે યાત્રામાં ઓછામાં ઓછા ત્રણ કલાકનો સમય ઘટાડશે.
સૌથી મહત્ત્વની વાત એ છે કે ભારતીય સેનાને અરુણાચલ પ્રદેશના સરહદ વિસ્તારોમાં પહોંચવા માટે આ પુલ મદદગાર સાબિત થશે.
સૈન્ય સુરક્ષાની રણનીતિની વિશેષજ્ઞ રુપક ભટ્ટાચાર્ય કહે છે, "આ એક રાજનૈતિક પરિયોજના હતી. આ પુલ બનવાથી સેનાને મોકલવા અને સુરક્ષા આપવાનું કામ સરળ થઈ જશે."
"જ્યારે બોગીબીલ પુલ પર બનેલો રસ્તો અરુણાચલ પ્રદેશના રસ્તા સાથે જોડાઈ જશે તો સૈન્ય સરહદના અંતિમ પ્રદેશ સુધી સરળતાથી પહોંચી શકશે."
બોગીબીલ પુલના ઉદ્ઘાટનને લઈને અરુણાચલ પ્રદેશના ભાજપના મુખ્ય પ્રવક્તા ડોમિનિક તાદાર કહે છે :
"વડા પ્રધાન મોદી દ્વારા બોગીબીલ પુલનું ઉદ્ઘાટન ચીન માટે એક મોટો જવાબ છે. આ પુલથી ચીનનું મોઢું બંધ થઈ જશે."
"આપણે ભારતમાં કોઈ પુલ બનાવીએ અથવા અન્ય વિકાસ કાર્ય કરીએ તેમાં ચીનને બોલવાનો કોઈ હક નથી. આ પુલને લીધે ભારતીય સેનાની અવરજવર સહજ બની જશે."
લાંબા સમયથી ચીનનો દાવો રહ્યો છે કે અરુણાચલ પ્રદેશ તેમનો ભાગ છે અને તેઓ આને 'દક્ષિણ તિબેટ' કહીને બોલાવે છે.
વડા પ્રધાન મોદી આજે બપોરે બે વાગે બોગીબીલ પુલનું ઉદ્ગાટન કરશે. આ સાથે જ વડા પ્રધાન બોગીબીલ પુલ પરથી પસાર થતી પ્રથમ મુસાફર ટ્રેનને લીલી ઝંડી આપશે.
આસામના તિનસુકિયા અને અરુણાચલ પ્રદેશના નાહરલગુન વચ્ચે મંગળવારથી શરૂ થયેલી ઇન્ટરસિટી એક્સપ્રેસ અઠવાડિયામાં પાંચ દિવસ દોડશે.
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે વડા પ્રધાન મોદીએ આસામ અને અરુણાચલ પ્રદેશ વચ્ચે બ્રહ્મપુત્ર નદી પર નિર્માણ કરવામાં આવેલા 9.15 કિમી લાંબા ધોલા-સાદિયા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ દેશનો સૌથી લાંબો પુલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો