અગસ્તા વેસ્ટલૅન્ડ કેસ : ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલાયા

    • લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હી

સીબીઆઈની સ્પેશિયલ કોર્ટે અગસ્તા વેસ્ટલૅન્ડ કેસ મામલે ક્રિશ્ચિયન મિશેલને પાંચ દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી દીધા છે.

સીબીઆઈ તરફથી સરકારી વકીલ કોર્ટમાં હાજર થયા હતા. તેમણે મિશેલની કસ્ટડીની માગ કરી હતી.

જોકે, મિશેલના વકીલ તરીકે કોર્ટમાં હાજર રહેલા એ. કે. જોસેફે આ સીબીઆઈને મિશેલની કસ્ટડી આપવાનો વિરોધ કર્યો હતો.

આ મામલે સીબીઆઈ તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે આ કેસ ખૂબ જ સંવેદનશીલ છે.

જેથી 14 દિવસની કસ્ટડીની સીબીઆઈ તરફથી માગ કરવામાં આવી હતી. જે બાદ કોર્ટે પાંચ દિવસની કસ્ટડી આપી હતી.

અગસ્તા વેસ્ટલૅન્ડ ખરીદીમાં કથિત વચેટિયાની ભૂમિકા ભજવનારા ક્રિશ્ચિયન મિશેલને ભારતને સોંપી દેવાયા છે. મંગળવારે રાત્રે તેને દૂબઈથી પ્રત્યાર્પિત કરવામાં આવ્યા હતા.

મંગળવારે એક નિવેદન બહાર પાડીને સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)એ જણાયું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલના નિર્દેશન હેઠળ 'ઑપરેશન યુનિકોર્ન' હાથ ધરવામાં આવ્યું હતું.

મોદીએ મિશેલ મામલે શું કહ્યું?

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે અગસ્તા વેસ્ટલૅન્ડ મામલે કથિત વચેટિયા ક્રિશ્ચિયન મિશેલ રાજનેતાઓના અનેક રાજ પરથી પડદો હટાવી શકે છે.

મોદીએ રાજસ્થાનની પાલીની એક ચૂંટણીસભામાં કહ્યું, "તેઓ ઇંગ્લૅન્ડના નાગરિક હતા, ,દુબઈમાં રહેતા હતા, શસ્ત્રોના સોદાગર હતા, હેલિકૉપ્ટર ખરીદવા વેંચવામાં દલાલીનું કામ કરતા હતા."

"દુબઈમાં રાજનેતાઓની સેવા કરતા હતા. ભારત સરકાર કાલે તેમને દુબઈથી ઉઠાવીને લઈ આવી છે."

"હવે આ રાજદાર રાઝ ખોલશે, ખબર નથી કે વાત ક્યાં સુધી પહોંચશે, કેટલા દૂર સુધી પહોંચશે."

અગસ્તા વેસ્ટલૅન્ડ કંપની પાસેથી 12 હેલિકૉપ્ટર ખરીદવાનો સોદો કૉંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકારના કાર્યકાળમાં થયો હતો.

ચૂંટણીના માહોલની વચ્ચે મિશેલને ભારત લાવવાનો મામલો રાજકીય રંગ પકડવા લાગ્યો છે.

તમે આ વાંચ્યું કે નહીં?

મિશેલનું મહત્ત્વ

પીટીઆઈના અહેવાલ મુજબ દુબઈની કોર્ટે 57 વર્ષીય મિશેલની અપીલ ફગાવી દેતા યુએઈની સરકારે મિશેલના પ્રત્યાર્પણને લીલીઝંડી આપી હતી.

સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર એમ. નાગેશ્વર રાવે મિશેલના પ્રત્યાર્પણનું ઑપરેશન કૉર્ડિનેટ કર્યું હતું.

જોઇન્ટ ડાયરેક્ટર સાઈ મનોહરના નેતૃત્વમાં અધિકારીઓની એક ટીમ દુબઈ ગઈ હતી. આ ટુકડીએ પ્રત્યાર્પણની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

સંરક્ષણ બાબતોના જાણકાર રાહુલ બેદીના કહેવા પ્રમાણે, ચૂંટણીના થોડા સમય અગાઉ જ મિશેલનું પ્રત્યાર્પણ ભાજપના લાભમાં છે. સાથે જ ઉમેરે છે કે 'મિશેલ પાસેથી કેટલું નીકળે છે, એ પણ મહત્ત્વપૂર્ણ છે.'

12 વીવીઆઈપી હેલિકૉપ્ટર ખરીદવાનો સોદો કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના કાર્યકાળ દરમિયાન થયો હતો.

બેદી કહે છે, 'સતત રફાલનો મુદ્દો ઉઠાવી રહેલી કોંગ્રેસ અગસ્તા મુદ્દે ઘેરાઈ શકે છે.'

ભાજપનું માનવું છે કે આ મામલે મિશેલનું પ્રત્યાર્પણ એ 'ભારતની જીત' છે. ભાજપનું કહેવું છે કે મિશેલનું ભારતમાં આગમન એ 'ફર્સ્ટ ફૅમિલી' માટે 'મોટી સમસ્યા' બની શકે છે.

મિશેલની ધરપકડનો આધાર

સીબીઆઈના પ્રવક્તા અભિષેક દયાળને ટાંકતા ન્યૂઝ એજન્સી પીટીઆઈ જણાવે છે, "અગસ્તા વેસ્ટલૅન્ડને કૉન્ટ્રેક્ટ મળે તે માટે મિશેલે વચેટિયાની ભૂમિકા ભજવી હતી."

"કૉન્ટ્રેક્ટને પાર પાડવા માટે ભારતીય અધિકારીઓને લાંચ આપવામાં આવી હોવાની વાત વર્ષ 2012માં બહાર આવી હતી."

"ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી પરંતુ તપાસથી બચવા માટે મિશેલ ફરાર થઈ ગયા હતા."

નવી દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે સપ્ટેમ્બર 2015માં મિશેલની સામે 'બિનજામીનપાત્ર' વોરંટ કાઢવામાં આવ્યું હતું.

આ વોરંટના આધારે મિશેલ સામે ઇન્ટરપોલ (ઇન્ટરનેશનલ ક્રિમિનલ પોલીસ ઑર્ગેનાઇઝેશન)એ તેની સામે 'રેડ કૉર્નર'ની નોટિસના આધારે ફેબ્રુઆરી 2017માં દુબઈ ખાતે મિશેલની ધરપકડ કરવામાં આવી હતી.

શું છે કથિત કૌભાંડ?

પીટીઆઈના રિપોર્ટ મુજબ મિશેલ પર વાયુદળના તત્કાલીન વડા એસ.પી. ત્યાગી, તેમના પરિવારજનો તથા અન્ય આરોપીઓ સાથે મળીને ગુનાહિત કાવતરું ઘડ્યું હતું.

હેલિકૉપ્ટરની ઉડ્ડાણ ક્ષમતા છ હજાર થી ઘટાડીને 4,500 મીટર કરીને ત્યાગીએ તેમના પદનો દુરુપયોગ કર્યો હતો.

તા. આઠમી ફેબ્રુઆરી 2010ના સંરક્ષણ મંત્રાલયે 12 વીવીઆઈપી હેલિકૉપ્ટર ખરીદવાનો કૉન્ટ્રેક્ટ રૂ. 3,600 કરોડના ખર્ચે અગસ્તા વેસ્ટલૅન્ડને આપ્યો હતો.

આમ જ માલ્યા-મોદી પરત આવશે?

બીબીસી સંવાદદાતા નવીન નેગી સાથે વાતચીતમાં રાહુલ બેદીએ જણાવ્યું, "આ કિસ્સાની સરખામણી "વિજય માલ્યા તથા નીરવ મોદીની સાથે ન કરી શકાય. મિશેલનો કિસ્સો અલગ છે. તેઓ અલગ-અલગ દેશોમાં છે. ત્યાં લાંબી કાયદાકીય પ્રણાલિ બાદ તેમને પ્રત્યાર્પિત કરવા શક્ય બને."

"જોકે સંયુક્ત આરબ અમિરાત (યુએઈ)ની ન્યાય પ્રણાલી અલગ છે. ત્યાં શેખનો આદેશ જ સર્વોપરી છે. મિશેલના કિસ્સાને અન્ય કિસ્સાઓ સાથે જોડવો યોગ્ય નહીં હોય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો