You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાજપના સાંસદે કેમ કહ્યું કે અનામત ઉપર ખતરો તોળાઈ રહ્યો છે
ભારતીય જનતા પક્ષના સાંસદ ઉદિત રાજનું કહેવું છે કે બંધારણમાં અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલી અનામત પર ખતરો છે.
ઉદિત રાજના જણાવ્યા મુજબ તેમણે આ વાત વારંવાર તેમના પક્ષના ફોરમમાં ઉઠાવી હતી પરંતુ પક્ષે તેમની વાત સાંભળી નથી.
બીબીસી સાથે વાત કરતાં ઉદિત રાજે કહ્યું, "આજે કૉન્ટ્રાક્ટ સિસ્ટમ વધી ગઈ છે. આઉટસૉર્સિંગ એટલું વધી ગયું છે કે દેશમાં હાલ ભારે બેરોજગારી છે."
"સંપૂર્ણ રીતે અનામત ખતરામાં છે, 80-90 ટકા અનામત ખતમ થઈ ગઈ છે."
જ્યારે ઉદિત રાજને એ સવાલ કરવામાં આવ્યો કે કેન્દ્રમાં ભાજપની સરકાર છે અને તેઓ ખુદ ભાજપના સાંસદ છે તો શું તેમણે આ વાત પહેલાં પક્ષમાં ઉઠાવવી ના જોઈએ.
આ સવાલના જવાબમાં તેમણે કહ્યું, "જનતાથી મોટી કોઈ સંસદ નથી, ના તો સુપ્રીમ કોર્ટ, ના કોઈ સંસ્થા એટલે જનતાની વચ્ચે આવ્યા છે."
"તેઓ અમારી વાત માનતા હોત તો અમે શું કામ અહીં આવતા. અમે તો અનેકવાર આ મુદ્દો ઉઠાવ્યો છે."
મોદી-અમિત શાહનો વિરોધ
દિલ્હીના રામલીલા મેદાનમાં દલિત, પછાત, અલ્પસંખ્યક સંઘના બેનર હેઠળ દલિત નેતાઓ 13 સુત્રોની માગ સાથે વિરોધ પ્રદર્શન કરવા માટે જમા થયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, હજી પણ દલિત નેતા મોદી અને અમિત શાહ સામે ખુલીને કશુ બોલી રહ્યા નથી.
ઉદિત રાજની 13 માગોમાં ઉચ્ચ અદાલતો અને પ્રાઇવેટ સેક્ટરમાં પણ અનામતની વાત સામેલ છે.
સોમવારે રામલીલા મેદાનમાં જમા થયેલા તેમના સમર્થકો દલિતો પર અત્યાચાર બંધ કરવાના નારા સાથે-સાથે સુપ્રીમ કોર્ટ વિરોધી નારા પણ લગાવતા જોવા મળ્યા હતા.
એક ગ્રૂપ તો એવું કહેતાં પણ સાંભળવા મળ્યું હતું, "અમે મોદી સરકારથી નારાજ છીએ, 2019માં ઉખાડી ફેંકીશું."
રોહતકથી આવેલા ઉદિત રાજના સંગઠનના રાષ્ટ્રીય સચિવ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે કોર્ટે અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉત્પીડન કાયદામાં ફેરફાર કરી દીધો હતો, જે દલિત વિરોધી હતો અને હવે આ મામલામાં જ તેઓ એક જાહેરહિતની અરજીની સુનાવણી કરવા જઈ રહી છે.
20 માર્ચના રોજ આપવામાં આવેલા એક ચુકાદામાં કોર્ટે ઉત્પીડન કાયદામાં કેટલાક ફેરફારો કર્યા હતા.
જે મુજબ આ કાયદા અંતર્ગત કોઈની સામે ફરિયાદ દાખલ થયા બાદ તેની તાત્કાલિક ધરપકડના બદલે તેના વિરુદ્ધ તપાસ થવી જોઈએ.
જેને લઈને દેશભરમાં દલિતોએ બે એપ્રિલના રોજ આંદોલન કર્યું હતું જેમાં 11 લોકોનાં મોત થયાં હતાં જ્યારે નવ અન્ય લોકોને ગોળી વાગી હતી.
દલિત કાર્યકર્તાઓ સેંકડો લોકોને કોઈ ગુના વિના જેલમાં નાખી દેવાના આરોપ પણ લગાવી રહ્યા છે.
દલિત કાર્યકર્તાઓનું કહેવું છે કે બે એપ્રિલનું આંદોલન સ્વયંભૂ શરૂ થયું હતું અને તેણે તમામ નેતાઓને ચિંતિત કરી દીધા હતા જેઓ દલિત રાજકારણ કરી રહ્યા છે.
હવે વિરોધના સ્વર કેમ ઊઠી રહ્યા છે?
કેટલીક જગ્યાઓ પર એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દલિતોના મોટા નેતા હોવા છતાં નરેન્દ્ર મોદીએ ના તો તેમને કોઈ પ્રકારનું મંત્રાલય આપ્યું અને હવે પક્ષમાં પણ કંઈ ઊપજતું ન હોવાથી તેઓ ફરીથી દલિત હિતોની વાત લઈને આવી ગયા છે.
જોકે, દલિત રાજનું કહેવું છે કે તેઓ આવા કાર્યક્રમ દર વર્ષે કરે છે.
જોકે, મોદી સરકારની વિરુદ્ધ પક્ષની અંદરથી બોલનારા તેઓ પહેલા દલિત નેતા નથી.
છેલ્લા દિવસોમાં ઉત્તર પ્રદેશનાં સાંસદ સાવિત્રી ફૂલે પણ ભાજપની વિરુદ્ધ ખુલીને નિવેદનો આપતાં રહ્યાં છે.
થોડાક દિવસો પહેલાં પક્ષના સમર્થકો અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાન તરફથી પણ વિરોધના સૂર ઉઠ્યા હતા.
યોગી આદિત્યનાથના 'હનુમાન દલિત હતા' એ પ્રકારના નિવેદન બાદ પણ ઉદિત રાજે કહ્યું હતું, "હનુમાનને જે રૂપમાં દર્શાવવામાં આવે છે તે એક પ્રકારે વાનર છે."
"મંદિરોમાં હનુમાન વાનરના રૂપમાં ચિત્રિત હોય છે તો શું દલિતો વાનર છે?"
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો