You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં શા માટે કામ કરવા આવે છે રાજસ્થાની યુવાનો?
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, રાજસ્થાનથી
24 વર્ષનાં દિનેશ ડામોરનો જીવન ડુંગરપુરનાં તેના નાનકડા ગામ અને અમદાવાદ વચ્ચે અવરજવર કરતા રહે છે.
ચાર વર્ષ પહેલાં પરણેલા દિનેશ, પોતાની પત્ની, દીકરી અને વૃદ્ધ માતા-પિતા સાથે ખૂબ ઓછો સમય વીતાવી શકે છે.
ડામોર અમદાવાદમાં વેઇટર તરીકે કામ કરે છે અને પોતાના ગામમાં દર બે મહિને એક વખત આવે છે.
ડામોર રાજસ્થાનનાં એેવા ઘણા યુવાનોમાં એક છે, જે રાજસ્થાનથી ગુજરાતમાં જઈને રોજગાર મેળવે છે.
બેરોજગારી રાજસ્થાનની ચૂંટણીનો મુખ્ય મુદ્દો તો બની ગયો છે, જોકે આ યુવાનોને સરકારથી ખૂબ ઓછી અપેક્ષાઓ છે.
ડામોર 2016માં અમદાવાદમાં કામ કરવા આવી ગયા હતા અને ત્યારથી તેઓ અમદાવાદના સાયન્સ સિટી રોડ પર એક નાનકડા રુમમાં રહે છે.
તેમના વિસ્તારનાં બીજા યુવકોની જેમ તેઓ લગ્ન પ્રસંગ તેમજ પાર્ટીઓમાં વેઇટરનું કામ કરીને તેઓ મહીને આશરે 9000 રુપિયા કમાઈ લે છે.
હાલમાં દિનેશ કૉર્મસ પ્રવાહમાં બૅચલર ડિગ્રીના ઍક્સ્ટર્નલ વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા દિનેશ કહે છે, "અહીં નોકરીઓ જ નથી અને જો હોય તો તેઓ ખૂબ ઓછો પગાર આપે છે. રોજિંદા મજૂરોની માગ ગુજરાત કરતાં અહીં ઓછી છે."
રાજસ્થાનમાં આશરે સાત કરોડની વસ્તી છે. દક્ષિણ રાજસ્થાન, અને તેમાંથી ડુંગરપુરથી મોટા પ્રમાણમાં લોકો અમદાવાદમાં કામની શોધમાં આવે છે.
આ યુવાનો અમદાવાદમાં ઘરઘાટી, જમવાનું બનાવતા મહારાજ, હોટલ સ્ટાફ તથા કન્સ્ટ્રકશન ક્ષેત્રે કામ કરતા હોય છે.
સ્થાનિક ક્ષેત્રે ઓછી તકો તેમજ સિંચાઈની વ્યવસ્થા ન હોવાથી મોટાભાગે યુવાનો અમદાવાદમાં કામ કરવા આવે છે.
સાબલા તાલુકાના કાબ્જા કામમાં રહેતા ગણેશ મીણા પાસે બે એકર જમીન છે. છતાંય તેઓ અમદાવાદમાં કામ કરવા મજબૂર છે.
પોતાનાં પત્ની સાથે રહીને બન્ને ઘરઘાટીનું કામ કરી મહીને રૂ. 12000 જેટલી આવક મેળવે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા ગણેશ કહે છે કે રાજસ્થાનમાં એકધારી આવક મેળવવી મુશ્કેલ છે, માટે એક દિવસ તેમણે નક્કી કર્યું કે તેઓ પોતાનું જન્મસ્થળ છોડીને બીજે કામ કરવા જતા રહેશે.
ગણેશ કહે છે, "હું ભૂખે મરી રહ્યો હતો, માટે પહેલાં તો 2013માં હું એકલો જ અમદાવાદમાં કામ કરવા ગયો અને પછી 2015માં મેં મારા પરિવારજનોને ત્યાં બોલાવી લીધા હતા."
"આ બન્ને હાલમાં અમદાવાદનાં બોપલ વિસ્તારની સોસાયટીઓમાં ઘરઘાટીનું કામ કરે છે. તેઓ તેમનાં બે બાળકો સાથે એક રુમ રસોડાનાં મકાનમાં ભાડેથી રહે છે."
જોકે, યુવાનોની બેરોજગારીની આ સમસ્યાને કારણે હવે અહીંના રાજકીય પક્ષો પણ બેરોજગારીને એેક મુખ્ય સમસ્યા તરીકે જોઈ રહ્યાં છે.
રાજસ્થાનની ચૂંટણીમાં બેરોજગારી એક મુખ્ય મુદ્દો બનીને બહાર આવી રહ્યો છે.
આસપુર, જે ડુંગરપુરના ત્રણ વિધાનસભા ક્ષેત્રમાંની એક વિધાનસભા છે, તેના ભાજપાના ઘારાસભ્ય અને 2018ની ચૂંટણીના ભાજપના ઉમેદવાર ગોપીચંદ મીણા કહે છે, "અહીંના યુવાનોમાં ભણતરનું પ્રમાણ ઓછું હોવાને કારણે તેમની પાસે ગુજરાતમાં જઈને કામ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી."
જોકે, તેમણે વધુમાં કહ્યું કે જો તેમની સરકાર ફરી સત્તામાં આવે તો તેઓ ડુંગરપુરના યુવાનોને રોજગારી મળે તે રીતે અહીં એક ટેક્સ્ટાઇલ મીલની સ્થાપના કરાવશે. પોતાના ચૂંટણી વાયદામાં તેમણે કહ્યું છે કે જો તેઓ ફરીથી સરકારમાં આવશે તો તેઓ 50 લાખ નવી નોકરીઓ આપશે.
જોકે, વિરોધ પક્ષ કોંગ્રેસ પક્ષે ભારતીય જનતા પક્ષની આ વાતને ખોટી કહીને નકારી દીધી છે. કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે વસુંધરા રાજે સરકારે કહ્યું છે કે તેમણે છેલ્લા 5 વર્ષમાં 44 લાખ નોકરીઓ આપી છે, જે તદ્દન ખોટી વાત છે.
સુરજેવાલાએ કહ્યું હતું કે જે દોઢ લાખ નોકરીઓ તેમણે આપી છે તેમાંથી 1.10 લાખ નોકરીઓ માટેનું જાહેરનામું તો તે પહેલાની કોંગ્રેસ સરકારે બહાર પાડ્યું હતું.
કોંગ્રેસે પોતાના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે યુવાનોને નોકરી મળે તેવું વાતાવરણ તેઓ રાજ્યભરમાં ઊભું કરશે. તેમણે બેરોજગારી ભથ્થા તરીકે યુવાનોને 3500 રુપિયા આપવાનો વાયદો કર્યો છે.
તમે આ વાંચ્યું કે નહીં?
ગામમાં રહી મહિલાઓનો સંઘર્ષ
દિનેશ ડામોરનાં પત્ની મનીકુમારી 23 વર્ષના છે અને ગામડામાં રહેવા માટે ઘણી તકલીફોનો સામનો કરે છે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા મીનાકુમારી કહે છે, "ઘણી વખત મને મારા પતિ ઉપર બહુ ગુસ્સો આવે છે, કારણ કે ઘરનું બધું કામ, ખેતીનું કામ અને નાની બાળકીને સંભાળવાનું કામ મારી ઉપર છે."
"અમારી પાસે તેમને અમદાવાદ મોકલવા સિવાય બીજો કોઈ ઉપાય નથી, અમે શું કરીએ?"
મનીકુમારી ઇચ્છે છે કે તેમના પતિ પોતાનું ભણતર પૂરું કરીને ગામડાની જ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરે.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા આજીવિકા બ્યૂરોના પ્રાંત કો-ઑર્ડિનેટર કમલેશ શર્મા કહે છે:
"એક વખત જ્યારે પુરુષ કામે જતો રહે છે, પછી બાળકોને શાળાએ મોકલાથી માંડીને કોઈ સામાજિક પ્રસંગમાં હાજરી આપવા સુધીનાં તમામ જવાબદારી ઘરની મહિલાએ જ નિભાવવાની હોય છે."
"એવા ઘણાં ઉદાહરણો છે, જેમાં ઘરમાં કોઈ મેડિકલ ઇમર્જન્સી વખતે મહિલા એકલી પડી ગઈ હોય."
આજીવિકા બ્યૂરો સ્થળાંતરીત લોકોના અધિકારો માટે કામ કરતી એક સ્વૈચ્છિક સંસ્થા છે, જેઓ રાજસ્થાન ઉપરાંત બીજા રાજ્યોમાં જ્યાં આ સ્થળાંતરિત લોકો સાથે મળીને કામ કરે છે.
લોકો સાથે કામ કરવાના પોતાના અનુભવ દરમિયાન શર્માએ જાણ્યું છે કે જંગલ અને ખેતલાયક જમીનના અભાવે તેમજ ખેતીલાયક જમીન પર પાણીની તંગીને કારણે છેલ્લા ઘણાં સમયથી સ્થળાંતરની સંખ્યા વધી ગઈ છે.
શર્મા માને છે કે સ્થળાંતર ખોટું નથી, પરંતુ તેના કારણે લોકોને અને તેમના પરિવારોને જે તકલીફ પડે છે તે ખોટું છે.
સરકારે સ્થળાંતરિત લોકો અને તેમના પરિવારોના હકના રક્ષણ માટે કામ કરવાની તાતી જરુર છે.
શર્મા ઉમેરે છે, "ઘણા યુવાનો તકલીફ અને ગરીબીને કારણે સ્થળાંતર કરતા હોય છે, જેને કારણે તેમને કામ આપતા લોકો અમદાવાદ જેવા શહેરોમાં તેમને ઓછો પગાર આપી તેમનો શોષણ કરતા હોય છે.
આજીવિકા બ્યૂરોના 2014નાં એક સરવે પ્રમાણે, રાજસ્થાનનાં ગ્રામીણ વિસ્તારોમાંથી 46 ટકા એવા મકાનો છે કે જેમાંથી ઓછામાં ઓછી એક કે તેથી વધુ વ્યક્તિ પોતાનું ઘર છોડીને બહાર કામ કરવા ગઈ હોય.
આ સ્થળાંતરિત લોકોમાં આશરે 51 ટકા લોકો માત્ર ગુજરાતમાં કામ કરવા જાય છે, જ્યારે 78 ટકા પુરુષો એકલા રહીને કામ કરે છે.
ગુજરાતમાં તેઓ અમદાવાદ, સુરત અને ઇડર જેવાં શહેરોમાં કામ કરવા જાય છે.
રાજસ્થાનનાં કુલ સ્થળાંતરિત લોકોમાંથી 20 ટકા લોકો માત્ર અમાદાવાદમાં કામ કરવા જાય છે.
રાજસ્થાનનાં ડુંગરપુર, ચિત્તોડગઢ, ઉદયપુર, બારમેર, અજમેર, નાગૌર, જોધપુર અને ઝુઝનું જિલ્લાના સ્થળાંતરિત લોકો અમદાવાદમાં કામ કરવા માટે આવે છે. આમાંથી મોટાભાગના લોકો ઘરઘાટી તેમજ રસોડાના કામ માટે અમદાવાદ જાય છે.
આજીવિકા બ્યૂરોએ આ સરવે કેવી રીતે કર્યો?
સ્થળાંતરના મુદ્દા પર સંસ્થાએ રાજસ્થાનનાં કુલ 10 વિવિધ સ્થળો પર એક સરવે કર્યો હતો.
ઉત્તર-પશ્ચિમ (અજમેર અને ટોંક), દક્ષિણ-પૂર્વ (ચિત્તોડગઢ અને બારન), પૂર્વ (જોધપુર અને બારમેર), દક્ષિણ (ઉદયપુર અને ડુંગરપુર), ઉત્તર (નાગૌર અને ઝુંઝનું) જેવા વિસ્તારોનાં ગામોથી લોકોને પૂછવામાં આવ્યું હતું.
જેમાં સ્થળાંતરની વાત કરી હોય તેવા સેન્સસના આંકડાઓનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.
કમલેશ શર્માના કહેવા પ્રમાણે, આ સરવે સ્થળાંતરિત લોકો પર કરવામાં આવેલો એકમાત્ર સર્વે છે જે તેમની અને તેમના પરિવારોની વાત કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો