દૃષ્ટિકોણ : ડબલ એન્જિન વાળી બિહાર સરકારની હવા નીકળી ગઈ?

નીતીશ કુમાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, સુરૂર અહમદ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

બિહારમાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનાઇટેડના ગઠબંધનની ડબલ એન્જિનવાળી ગાડીની એક વર્ષમાં જ હવા નીકળી ગયેલી નજરે પડે છે. ભલે પછી એ પોતાના પડાવ તરફ આગળ વધી રહી હોય.

વિકાસ, કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા, કૃષિ વિકાસ, રોકાણ, નિર્માણ કરવું, સાંપ્રદાયિક સૌહાર્દ અને ભ્રષ્ટાચાર, આ તમામ મુદ્દાઓ પર બિહારની નવી એનડીએ સરકાર પોતાના ઉદ્દેશ્યોથી જાણે બહુ દૂર છે.

ગયા વર્ષે 27 જુલાઈએ રાષ્ટ્રીય જનતા દળ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવીને જ્યારે નીતિશ કુમાર મહાગઠબંધનથી અલગ થઈને રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન(એનડીએ)માં સામેલ થયા હતા ત્યારે એનડીએના નેતાઓએ નવી સરકારને ડબલ એન્જિન સરકાર કહી હતી.

પણ હવે એક વર્ષ બાદ એવું લાગે છે કે આ બે એન્જિનોમાં કોઈ તાલમેલ નથી અને આ બન્ને એન્જિન અલગ-અલગ ઝડપે ગાડી ખેંચી રહ્યાં છે.

રાષ્ટ્રીય જનતા દળના એક નેતાનું કહેવું છે કે આ બન્ને એન્જિન ગાડીના અલગ-અલગ છેડા પર લાગેલા છે અને આ ગાડીને વિરુદ્ધ દિશાઓમાં ખેચી રહ્યા છે.

તમે આ વાંચ્યું કે નહીં?

બિહારમાં મહિલા સુરક્ષાની સ્થિતિનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે અહીંની દસ વૃદ્ધ મહિલાઓએ આ મુદ્દો ઉઠાવવા માટે 48 કલાકના ઉપવાસ રાખ્યા. જેમાં પદ્મશ્રી સુધા વર્ગીઝ અને કંચન બાલા પણ સામેલ હતાં.

મુઝફ્ફરપુરમાં સરકારના સંરક્ષણમાં ચાલી રહેલા એક બાલિકા ગૃહમાં રહેતી ડઝન કરતાં વધુ બાળકીઓ સાથે રેપ અને ગૅન્ગરેપના રિપોર્ટે મહિલા સુરક્ષાના પ્રશ્નને વધારે ગંભીર બનાવી દીધો છે.

આ બાલિકા ગૃહનું સંચાલન સેવા સંકલ્પ નામના એક એનજીઓ દ્વારા કરાતું હતું.

એનજીઓના સંચાલક બ્રજેશ ઠાકુર સહિત કુલ દસ લોકોની ધરપકડ કરાઈ છે. જેમાં સાત મહિલાઓ પણ સામેલ છે.

line

બિનસરકારી સંગઠનોના ગોટાળા

મુઝફ્ફરપુર

ઇમેજ સ્રોત, SEETU TIWARI/BBC

બ્રજેશ ઠાકુરને સત્તાધારી નેતાઓના નજીકના માનવામાં આવે છે અને તેઓ એક સ્થાનિક અખબાર પણ ચલાવે છે.

અહીં રહેતી બાળકીઓએ મુંબઈ સ્થિત ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સિસના સંગઠનને પોતાની આપવીતી કહી હતી. હવે પોલીસ તપાસમાં આ અંગે નવી જાણકારી બહાર આવી રહી છે.

પીડિતાઓએ આરોપ લગાવ્યો છે કે તેમને પ્રદેશની સત્તાના શક્તિશાળી લોકો પાસે મોકલતા હતા અને વિરોધ કરવામાં આવ્યો ત્યારે એક બાળકીની હત્યા કરી દેવાઈ હતી.

બિહારમાં અન્ય એક એનજીઓના કારનામા પણ સમાચારોમાં છે. ભાગલપુર જિલ્લામાં સૃજન મહિલા વિકાસ તથા સહયોગ સમિતિ નામના એક એનજીઓ પર આશરે પંદર સો કરોડ રૂપિયાનો ગોટાળો કરવાનો આરોપ લાગ્યો છે.

સીબીઆઈ આ ગોટાળાની તપાસ કરી રહી છે અને અત્યાર સુધી એમાંથી કંઈ ખાસ નીકળ્યું નથી.

એ અલગ વાત છે કે આ ગોટાળામાં પણ સત્તાધારી દળ સાથે જોડાયેલા અનેક લોકોના નામ વારંવાર મીડિયા રિપોર્ટમાં લેવાયા છે.

સૃજન કૌભાંડ પછી બિહારમાં શૌચાલય કૌભાંડ પણ બહાર આવ્યું છે. વડા પ્રધાન મોદીના 'બેટી બચાઓ' અને 'સ્વચ્છ ભારત' કાર્યક્રમો સુધી આ કૌભાંડોની તપાસ થઈ.

સત્તામાં આવતા જ બિહાર સરકારે રેતીના ખનન પર પ્રતિબંધ લગાવી દીધો હતો. કારણ દર્શાવ્યું હતું કે રેતી માફિયા પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે અને પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.

નીતીશ કુમાર

વિપક્ષનો આરોપ છે કે આવું કરવામાં આવ્યું કારણકે રેતી ખનનના કામમાં જોડાયેલા મોટાભાગના લોકો યાદવ જાતિના છે. જેની રાજ્યના નિર્માણ ક્ષેત્ર પર વ્યાપક અસર થઈ અને હજારો કાદારોએ કામ ગુમાવવાનો વારો આવ્યો.

ગયા વર્ષે 26 ઑગસ્ટે જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર બિહારના પૂરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે ગયા ત્યારે આ ડબલ એન્જિન સરકારની કાર્યપ્રણાલી સામે આવી.

વડા પ્રધાને પૂર રાહત કાર્ય માટે 500 કરોડ રૂપિયાનું પ્રાથમિક ભંડોળ મંજૂર કર્યું. એનડીએના નેતાઓની નજરમાં પણ આ ખૂબ ઓછું ભંડોળ હતું.

પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહે જ્યારે વર્ષ 2008માં બિહારના પૂરગ્રસ્ત ક્ષેત્રની મુલાકાત કરવા આવ્યા હતા. ત્યારે તેમણે રાહત કામગીરી માટે 1100 કરોડ રૂપિયા આપ્યા હતા.

14 ઑક્ટોબર 2017 જ્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પટના યુનિવર્સિટીને સો વર્ષ પૂર્ણ થવાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ત્યારે પણ નીતિશની નારાજગી દેખાતી હતી.

નીતિશ કુમારે યુનિવર્સિટીને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો દરજ્જો આપવાની માગ ઉઠાવી હતી જેની વડા પ્રધાને અવગણના કરી હતી.

line

નીતીશની ચમક પર પ્રશ્ન

નરેન્દ્ર મોદી અને નીતીશ કુમાર

ઇમેજ સ્રોત, Nitish kumar/twitter

એ જ દિવસે મોકામામાં એક જનસભાને સંબોધિત કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાવો કર્યો કે તેમના સાડા ત્રણ વર્ષના કાર્યકાળમાં એનડીએ સરકારે રેકર્ડ તોડે એટલા રસ્તા બનાવ્યા છે અને સ્વતંત્રતા પછીથી કોઈ સરકાર આવું કરી શકી નથી.

હજુ સુધી નીતિશ કુમાર પ્રકારના દાવા કરતા રહ્યા છે. મહાત્મા ગાંધીના સત્યાગ્રહના સો વર્ષ પૂર્ણ થવા પર 10 એપ્રિલે આયોજિત કાર્યક્રમમાં પણ નીતિશ કુમાર વડા પ્રધાન મોદીની ચમકમાંથી ખોવાઈ ગયા હતા.

પણ તે માર્ચ મહિનો હતો જ્યારે નીતીશ કુમારનું અસલી કદ છતું થઈ ગયું.

રાજ્યના અલગ-અલગ જિલ્લાઓમાં રામનવમી પ્રસંગે નીકળેલા સરઘસોમાં તલવારો અને હથિયારોના પ્રદર્શનોને ભાજપના નેતાઓની સંમતિ મળી હતી.

આ પ્રસંગે ડઝનો જગ્યાએ સાંપ્રદાયિક હિંસાની ઘટનાઓ ઘટી પણ નીતિશ કઈ જ કરી ન શક્યા.

કેન્દ્રિય મંત્રી અશ્વિની ચૌબેના પુત્ર પર રમખાણો કરાવવાના આરોપમાં કેસ દાખલ કરવામાં આવ્યો. પણ તેમના પિતા અને એક અન્ય કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે સરકારને તેમના પર કાર્યવાહી કરવાનો પડકાર આપી દીધો.

પણ 31 મેના રોજ જ્યારે ઘણાં રાજ્યોમાં થયેલી ઉપચૂંટણીમાં ભાજપનો પરાજય થયો તો નીતિશને શ્વાસ લેવાની તક મળી.

નીતીશ કુમાર અને અમિત શાહ

ઇમેજ સ્રોત, Twitter/@Amitshah

નીતિશ કુમારે ભાજપથી નારાજ છે એ દર્શાવવાનો પ્રયાસ કર્યો તો અમિત શાહ દોડીને તેમને મળવા માટે પટના પહોંચ્યા અને એનડીએ સરકારને યથાવત રાખી.

બિહાર રાજકીય અનિશ્ચિતતાઓના સમયમાં જઈ રહ્યું છે, સરકાર પોતાની નિષ્ફળતાઓને છુપાવી શકવામાં અસમર્થ છે.

એનડીએ સરકારનું એક વર્ષ પૂરું થવાના ત્રણ દિવસ પહેલાં નીતિશ કુમારે દારૂબંધીના કડક નિયમોમાં છૂટ આપી દીધી.

હવે પહેલી વખત ઉલ્લંઘન કરનાર પર પચાસ હજાર સુધીનો દંડ અને ત્રણ મહિનાની સજાની કાર્યવાહી થશે. જૂની સજાની તુલનામાં આ સજા ઘણી હળવી છે.

આલોચકોનું કહેવું છે કે નીતિશ કુમારે આવું કર્યું છે કારણકે છેલ્લાં બે વર્ષોમાં દારૂબંધીથી પકડાયેલા લોકોમાં મોટાભાગના કાં તો ગરીબ છે કાં તો દલિત છે. નીતીશ સરકારના આ પગલાંમાં વિશ્વાસની ઊણપ જોવા મળે છે.

ગુંચવાયેલા નીતિશ કુમારે ફરી એક વખત બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાનો મુદ્દો ઉઠાવ્યો છે.

તેઓ આવું કરી રહ્યા છે કેમકે તેમની પાસે વિકાસ, કાયદો વ્યવસ્થા કે મહિલા સુરક્ષાના નામ પર બોલવા માટે કંઈ જ બચ્યું નથી.

ગઈ વખતે જ્યારે ભાજપ સાથે સત્તામાં હતા તો આ જ વાતોનો શ્રેય લેતા હતા.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો