દૃષ્ટિકોણ : 'કરણી સેનાની જગ્યાએ દલિત કે મુસ્લિમ હોત તો શું થયું હોત?'

    • લેેખક, સત્યેન્દ્ર રંજન
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

કાયદાના શાસનનો મતલબ છે કે કાયદો સૌથી ઉપર છે. સાથે જ કાયદો દરેક સાથે એકસમાન વ્યવ્હાર કરે છે.

પરંતુ શું આ વાત આજે આપણે તાર્કિક અને તથ્યપૂર્ણ ઢબે કહી શકીએ છીએ કે ભારતમાં કાયદાની એટલી ઓકાત બચી છે?

ગુડગાંવમાં બાળકોથી ભરેલી સ્કૂલ બસ પર થયેલા હુમલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે જ્યારે કાયદાના શાસનની અવગણના થાય છે, તો તેના પરિણામ કઈ તરફ અને કેટલી હદ સુધી જોઈ શકાય છે.

વિચારવાની વાત તો એ છે કે જો કરણી સેનાના ઉગ્રવાદીઓને લાગે છે કે સરકાર કડક વલણ અપનાવી શકે છે તો શું તેઓ એવી હિંસા ફેલાવી શકતા, જેવી હાલ તેમણે ઘણાં રાજ્યોમાં ફેલાવીને રાખી છે?

પહેલી નજરે તો એ સ્પષ્ટ થઈ જાય છે કે કરણી સેના ત્યાં જ સક્રિય છે કે જ્યાં ભારતીય જનતા પક્ષની સરકારો છે.

આ માત્ર સંયોગ નથી પણ તેમને ખાતરી છે કે તેમના પર કોઈ કાર્યવાહી થશે નહીં.

આખરે આ બન્ને વચ્ચે શું સંબંધ છે?

આ બન્ને વચ્ચે સંબંધ એ છે કે કેન્દ્રમાં ભાજપની સરકાર બન્યા બાદ સરકારોએ કેટલાક ખાસ પ્રકારના જૂથોની ગતિવિધિઓને સંરક્ષણ આપી દીધું છે.

જ્યારે બીજી તરફ અન્ય સંગઠનોના વિરોધ પ્રત્યે દમનનું વલણ અપનાવ્યું છે.

ધ્યાન આપવા જેવી વાત એ છે કે કરણી સેનાના લોકોએ સિનેમાઘરો પર હુમલા કર્યા. ગાડીઓમાં આગ લગાવી છે.

બંધનું એલાન કર્યું, સંજય લીલા ભણસાલી અને દીપિકા પાદુકોણનાં નાક કાપી નાખવા કે પછી તેમના પર હુમલો કરનારા માટે ઇનામની ઘોષણા કરી હતી.

પરંતુ શું તેમાંથી કોઈ પર રાષ્ટ્રીય સુરક્ષાનો કાયદો લગાવવામાં આવ્યો છે? શું કોઈ પર રાજદ્રોહનો કેસ દાખલ થયો છે?

હવે કન્હૈયા કુમાર, જિગ્નેશ મેવાણી, ઉમર ખાલિદ, હાર્દિક પટેલ અને ચંદ્રશેખર આઝાદ રાવણને યાદ કરો.

આ બધા લોકોને ગમે ત્યારે જેલની હવા ખાવી પડી છે. કેમ?

શું તેમણે કાલ્પનિક મહારાણીનાં સન્માનની રક્ષા માટે કાયદાને પડકાર્યો હતો? સ્પષ્ટ જવાબ છે, ના.

તેમણે કેટલીક રાજકીય માગ ઉઠાવી

ચંદ્રશેખર આઝાદ રાવણની ભીમ આર્મીએ દલિતોનાં શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો પરંતુ આજે તેમને કોર્ટમાંથી જામીન મળી ગયા હોવા છતાં જેલમાં કેદ છે.

કેમ કે ઉત્તર પ્રદેશ સરકારે તેમના પર 'રાસુકા' (રાષ્ટ્રીય સુરક્ષા કાયદો) લગાવી દીધો છે.

પરંતુ ઉત્તર પ્રદેશની સરકારે આ પગલું એ સવર્ણો વિરુદ્ધ ન ઉઠાવ્યું, જેમના કારણે ભીમ આર્મીનું ગઠન થયું હતું.

આ સંદર્ભને ધ્યાનમાં રાખતા આપણે ફિલ્મ 'પદ્માવત'ના મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ પર ધ્યાન આપવું જોઈએ.

કોર્ટે કોઈ નવી વાત કરી નથી. ન્યાયિક નિર્ણયોમાં એવી ટિપ્પણીઓ ઘણી વખત કરવામાં આવી છે.

જે આદેશ આપવામાં આવ્યો તે પણ આ પ્રકારના કેસમાં પહેલા આપવામાં આવેલા આદેશો જેવો જ છે. પણ હવે સંદર્ભ બિલકુલ બદલાયેલો છે.

મુદ્દો ઘણા રાજ્યોમાં 'પદ્માવત' પ્રતિબંધિત કરવાથી જોડાયેલો હતો.

તમને આ પણ વાંચવું ગમશે

ભૂતકાળમાં રાજ્ય સરકારોએ ફિલ્મોનાં પ્રદર્શન પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ તાત્કાલિક પરિસ્થિતિઓ નિપટાવવા માટે કર્યો હતો.

તે પણ પોતાના બંધારણીય દાયિત્વથી બચવાનો એક પ્રયાસ હતો.

નિર્વાચિત સરકારોની આ જવાબદારી છે કે બંધારણમાંથી મળેલા પોતાના અધિકારોનો ઉપયોગ કરી રહેલી વ્યક્તિ કે સંસ્થાને તેઓ સંરક્ષણ આપે.

ભારતીય બંધારણની કલમ 19 અંતર્ગત દરેક ભારતીય નાગરિકને 'વિવેકપૂર્ણ હદ'ની અંદર અભિવ્યક્તિની સ્વતંત્રતા મળેલી છે.

ફિલ્મ બનાવવી આ જ હક અંતર્ગત આવે છે. કોઈ ફિલ્મમાં થયેલી અભિવ્યક્તિ વિવેકપૂર્ણ છે એ નક્કી કરવું કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ (CBFC)નું કામ છે.

કોઈ ફિલ્મને આ સંસ્થાએ સર્ટીફીકેટ આપી દીધું છે તો સરકારો તેના પર પ્રતિબંધ લગાવી શકતી નથી. તે 'સુપર સેન્સર'ની ભૂમિકા નિભાવી શકતી નથી.

સુરક્ષા આપવી સરકારની જવાબદારી

વર્ષ 2012માં ફિલ્મ 'ડેમ-999' પર તમિલનાડુ સરકારના પ્રતિબંધને અમાન્ય ગણાવતા સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી હતી.

ત્યારે કોર્ટે એમ પણ કહ્યું હતું કે કાયદો વ્યવસ્થા ભંગ થવાની આશંકા કોઈ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાનો આધાર બની શકતી નથી.

કાયદા વ્યવસ્થાને સુનિશ્ચિત કરવી રાજ્ય સરકારનું બંધારણીય દાયિત્વ છે. આ વાત સુપ્રીમ કોર્ટે ઘણા અવસર પર સ્પષ્ટ કરી છે.

આ જ વાત સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ના પ્રદર્શન પર ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને હરિયાણામાં લગાવવામાં આવેલા પ્રતિબંધ વિરુદ્ધ સ્ટે આપતા મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્ર, જસ્ટીસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટીસ એ.એમ. ખકનવિલકરની બેંચે પણ ફરી કરી હતી.

આ વાત સિદ્ધાંતો પર આધારિત કોઈ પણ બંધારણનો આત્મા છે. તે જ કારણોસર ન્યાયપાલિકાના આ પ્રકારના નિર્ણય ભારતીય બંધારણ સંબંધિત અનુચ્છેદો તેમજ કાયદાની સ્વાભાવિક વ્યાખ્યા માનવામાં આવ્યા છે.

ભૂતકાળમાં આ પ્રકારના નિર્ણય આવ્યા બાદ સમાજનો વિવેકશીલ તબક્કો આશ્વસ્ત થઈ ગયો હતો.

કેમ કે કોર્ટે પ્રતિબંધિત કરવામાં આવેલી ફિલ્મોનું પ્રદર્શન સુનિશ્ચિત કરાવવાના નિર્દેશ સરકારોને આપ્યા હતા.

આ રાજ્ય સરકારોની ભારતીય બંધારણ તેમજ તેના સિદ્ધાંતોમાં આસ્થા છે કે નહીં, એવી કોઈ ચર્ચા ત્યારે ન હતી. ભલે ઉપરથી તો તેઓ આસ્થાનું પ્રદર્શન કરતા જ હતા.

પરંતુ હવે એક મોટો બદલાવ આવ્યો છે

આજે કેન્દ્ર અને દેશના મોટા ભાગના રાજ્યોમાં એવી સરકારો છે, જેમની વર્તમાન બંધારણ અને તેના સિદ્ધાંતોમાં આસ્થા શંકાસ્પદ છે.

તેવું તેમની વૈચારિક પૃષ્ઠભૂમિકના કારણે છે. તેના બદલાવની અસર વ્યાપક પ્રમાણમાં સમાજમાં જોવા મળી છે.

છેલ્લાં સાડા ત્રણ વર્ષોમાં એક એવો માહોલ બનેલો છે, જેમાં પરંપરાગત રૂપે દબંગ રહેલી શક્તિઓ પોતાની દબંગાઈ અને પૂર્વાગ્રહોને ખુલ્લેઆમ વ્યક્ત કરી રહી છે.

તેવું ઘણી વખત હિંસક રીત અપનાવીને પણ કરવામાં આવી રહ્યું છે. 'પદ્માવત' સાથે જોડાયેલા વિવાદને તેનાથી અલગ નથી જોઈ શકાતો.

આ ફિલ્મનાં નિર્માણથી માંડીને તેને CBFCનું પ્રમાણપત્ર મળવા સુધી બંધારણીય જોગવાઈઓને અનેક પડકાર મળ્યા છે.

ભીડતંત્રને સંતુષ્ટ કરવા માટે CBFCએ પણ સમજૂતીઓ કરી. નહીં તો 'પદ્માવતી' 'પદ્માવત' ન બની જતી.

આ પૃષ્ઠભૂમિમાં મુખ્ય ન્યાયાધિશ જસ્ટીસ મિશ્રની એ ટિપ્પણી મહત્ત્વપૂર્ણ છે કે 'મારું બંધારણીય વિવેક આહત છે'.

અને આ જ પૃષ્ઠભૂમિના કારણે સુપ્રીમ કોર્ટના સ્પષ્ટ આદેશ બાદ પણ એ ભરોસો નથી બંધાયો કે બંધારણીય સિદ્ધાંતોમાં આસ્થા રાખનારા તબક્કાનો વિવેક વધારે જખમી નહીં થાય.

આ વિવેક આજે દાવ પર છે. જેથી આ તબક્કાએ આશ્વસ્ત થવું જોઈએ નહીં. બંધારણની રક્ષાનો સંઘર્ષ લાંબો છે.

તેને રાજકીય જમીન પર લડવા સિવાય બીજો કોઈ વિકલ્પ આપણી સામે નથી.

(લેખમાં વ્યક્ત કરવામાં આવેલા વિચાર લેખકના અંગત વિચાર છે, બીબીસીના નહીં. )

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો