You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કરણી સેના શું છે? કઈ રીતે કરે છે કામ?
- લેેખક, નારાયણ બારેઠ
- પદ, જયપુરથી બીબીસી ગુજરાતી માટે
તમે ગૂગલ પર સર્ચ કરશો તો જાણવા મળશે કે 2017ના જાન્યુઆરી પહેલાં સુધી ઇન્ટરનેટ યુઝર્સને કરણી સેના વિશે જાણવામાં બહુ રસ ન હતો, પણ 'પદ્માવત' ફિલ્મના વિરોધના નામે દીપિકા પદુકોણનું નાક કાપવા જેવી ધમકી બાદ કરણી સેના અચાનક ચર્ચાનું કેન્દ્ર બની હતી.
આખા દેશના લોકો એ જાણવા ઈચ્છે છે કે કરણી સેના છે શું? એ કઈ રીતે કામ કરે છે? તેનો ઉદ્દેશ શું છે? અને એ 'પદ્માવત'નો વિરોધ શા માટે કરી રહી છે?
જયપુરમાં કરણી સેનાના આહ્વાનને પગલે એક મલ્ટીપ્લેક્સ સામે એકઠા થયેલા સ્ટુડન્ટ્સ સાથે વાત કરીને આ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
રાજકીય સંગઠન નથી
કરણી સેના કોઈ રાજકીય સંગઠન નથી, પણ રાજકીય પક્ષોનો ટેકો જરૂર ધરાવે છે.
સોશિઅલ મીડિયા પર કરણી સેનાનો મેસેજ આવતાંની સાથે જ સંખ્યાબંધ રાજપૂત યુવકો અને સ્ટુડન્ટ્સ જયપુરમાં એકઠા થયા હતા.
જોશભર્યાં અને લાગણીસભર ભાષણો વડે રાજપુતોની આન-બાન અને શાનના વખાણ કરવામાં આવ્યાં ત્યારે એ લોકોની આંખોમાં ભવ્ય કિલ્લાઓ અને મહેલોનો ઇતિહાસ તાદૃશ્ય થયો હતો.
જયપુરમાં કાયદાનો અભ્યાસ કરતા દલપતસિંહ દેવડાએ કહ્યું હતું, "કરણી સેના માત્ર રાજપૂતોના ગૌરવની રક્ષા જ નથી કરતી. એ સમાજના હિતની ચિંતા પણ કરે છે."
"આજે શિક્ષિત રાજપૂત યુવકો બેરોજગાર છે. કરણી સેના હિન્દુ સંસ્કૃતિના સંરક્ષણનું કામ કરી રહી છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કેટલાક રાજપૂત યુવકો આર્થિક આધારે અનામતની વાત પણ કરી રહ્યા હતા.
જેસલમેરના રહેવાસી ત્રિલોક પણ એ ભીડમાં સામેલ હતા.
ત્રિલોકે કહ્યું હતું, "રાજપૂતો આજે ભણી પણ રહ્યા છે અને આગળ પણ વધી રહ્યા છે પણ અનામતને કારણે તેમની પ્રગતિ રોકાઈ જાય છે."
"રાજપૂત યુવકો અનામતને બંધ કરવાની નહીં, પણ તેમાં સુધારાની માગણી કરી રહ્યા છે."
ઝડપભેર વિસ્તાર
રાજસ્થાનમાં રાજપૂતોના બાહુલ્યવાળા જિલ્લાઓમાં કરણી સેનાનો ઝડપભેર વિસ્તાર થયો છે અને હવે કરણી સેનાના આહ્વાનને પગલે હજ્જારો યુવકો તરત એકઠા થઈ જાય છે.
કરણી સેનાના એક પદાધિકારી શેર સિંહે કહ્યું હતું, "જયપુરમાં કરણી સેનાનો મજબૂત પ્રભાવ છે."
"જયપુરના ઝોટવાડા, ખાતીપુરા, વૈશાલી અને મુરલીપુરા જેવા વિસ્તારોમાં રાજપૂતો મોટા પ્રમાણમાં વસવાટ કરે છે."
"એ વિસ્તારોમાંના રાજપૂત યુવાનો કરણી સેનાનું આહ્વાન સાંભળીને દોડતા આવે છે."
"છેલ્લા કેટલાક સમયમાં કરણી સેનાએ વિસ્તાર કર્યો છે અને રાજસ્થાન બહાર પણ પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો છે."
રાજપૂત સમાજના એક જાણકારે તેમનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું હતું, "રાજપૂત સમાજના લોકોએ છેલ્લાં કેટલાંક વર્ષોમાં નોકરી-ધંધા માટે અન્ય રાજ્યોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે."
"કોઈ રાજસ્થાનથી આવીને જ્ઞાતિની અસ્મિતાની વાત કરે એવું આ પ્રવાસી રાજપૂતોને બહુ ગમે છે."
"તેથી પદ્માવત ફિલ્મના વિરોધ સંબંધે કરણી સેનાના અધિકારીઓ બીજાં રાજ્યોમાં ગયા ત્યારે તેમને ટેકો મળ્યો હતો."
તેમણે ઉમેર્યું હતું, "મોટાં શહેરોમાં રાજપૂત સભા કાર્યરત છે, જ્યારે ક્ષત્રિય યુવક સંઘ છેલ્લા કેટલાય દાયકાઓથી સંગઠિત રહીને કામ કરી રહ્યો છે."
"કરણી સેનાએ અલગ રસ્તો અપનાવ્યો છે અને યુવકો પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે."
અસલી કરણી સેના કઈ?
રાજપૂત સમાજના એક સભ્યે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે જ્ઞાતિગૌરવ અને ભાવનાત્મક મુદ્દાઓને લઈને સડકો પર સક્રીય થયું હોય તેવું પહેલું સંગઠન કરણી સેના છે.
પોતાને ઇતિહાસ સાથે જોડવામાં આવી રહ્યા છે એ જાણીને રાજપૂત યુવકોને સારું લાગે છે.
રાજપૂત સમાજના સભ્યે ઉમેર્યું હતું કે બેરોજગારી પણ એક મોટો મુદ્દો છે.
ગામડાં છોડીને શહેરોમાં આવેલી પહેલી પેઢીને તો રોજગાર મળી ગયો હતો, પણ બીજી પેઢીને રોજગાર મળ્યો નથી.
હવે તો હિન્દુત્વના ટેકેદારોને પણ કરણી સેનાના નારાઓ અને મુદ્દાઓમાં રસ પડવા લાગ્યો છે.
પોતાના આ વિસ્તાર અને વિકાસને કરણી સેના ત્રણ હિસ્સામાં વહેંચાઈ ગઈ છે. ત્રણેય હિસ્સાઓ ખુદને અસલી કરણી સેના ગણાવી રહ્યા છે.
અસલી કરણી સેનાનો વિવાદ એટલો વધ્યો છે કે વાત કોર્ટમાં પહોંચી છે.
એ ત્રણ પૈકીની એક છે શ્રી રાજપૂત કરણી સેના. તેના સંરક્ષક લોકેન્દ્રસિંહ કાલ્વી છે.
બીજી શ્રી રાજપૂત કરણી સેવા સમિતિ અજિતસિંહ મામડોલીની છે, જ્યારે ત્રીજી શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના સુખદેવસિંહ ગોગામેડીની છે.
કરણી સેનાના મહિપાલસિંહ મકરાણા માને છે કે લોકેન્દ્રસિંહ કાલ્વીએ આ સંગઠન બનાવ્યું છે. તેથી એ જ અસલી કરણી સેના છે.
મહિપાલસિંહે કહ્યું હતું, "અન્ય સંગઠનોમાં પ્રૌઢ કે મોટી વયના લોકો હોય છે, પણ શ્રી રાજપૂત કરણી સેના સંપૂર્ણપણે યુવકોનું સંગઠન છે."
ત્રણેય સંગઠનની પોતપોતાની ઓફિસો છે. એ ચલાવવાના સાધનો અને નાણાં ક્યાંથી આવે છે?
મહિપાલસિંહે કહ્યું હતું, "અમારી પાસે કોઈ ભંડોળ નથી, કોઈ ખજાનચી નથી. અમે ફાળો એકઠો કરતા નથી. લોકો આપસી સહયોગ વડે સંગઠન ચલાવે છે."
શું છે ઉદ્દેશ?
શ્રી કરણી સેના સેવા સમિતિના અજિતસિંહ મામડોલીએ કહ્યું હતું, "અમારું સંગઠન જ અસલી સંસ્થા છે. હું એ માટે કોર્ટ સુધી ગયો છું.અમારા સંગઠને સ્થાપનાનાં 11 વર્ષ પૂર્ણ કર્યાં છે."
"રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સુખદેવસિંહ ગોગામેડી રાજપૂત અસ્મિતાની સાથે હિન્દુત્વના નારા પણ પોકારતા રહે છે. તેઓ વિશ્વ હિન્દુ પરિષદના વડા પ્રવીણ તોગડિયાને તાજેતરમાં જ મળ્યા હતા."
"સુખદેવસિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા પણ કરતા રહે છે. અન્ય સંગઠનોના મોટાભાગના નેતાઓ બિઝનેસ કરે છે. કોઈ રિઅલ એસ્ટેટ તો કોઈ માઇનિંગમાં સક્રીય છે."
"કેટલાક સામે પોલીસ કેસ પણ નોંધાયેલા છે."
બીજી તરફ સુખદેવસિંહે કહ્યું હતું, "હા, કેટલાક સામે કેસ નોંધાયેલા છે પણ એ તો આ પ્રકારનો સંઘર્ષ કરવાને લીધે નોંધાયા હતા અને તેમને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે."
"તમે કોઈ પીડિત માટે અવાજ ઉઠાવો ત્યારે તમારી સામે કેસ નોંધાતા હોય છે. આ સંગઠને પહેલાં અનામતનો મુદ્દો ઉઠાવ્યો હતો અને પછી આંદોલન ચલાવ્યું હતું."
"રાજપૂત અસ્મિતાની વાત આવતી હોય એવા તમામ પ્રસંગો અને મુદ્દાઓ સુધી આ સંગઠન પહોંચતું રહ્યું છે."
અજિતસિંહે કહ્યું હતું, "ફિલ્મોમાં રાજપૂતોના અયોગ્ય ચિત્રણનો મુદ્દો બહાર આવ્યો ત્યારે સંગઠન સક્રીય થયું હતું. તેમાં જોધા-અકબર ફિલ્મનો વિરોધ કર્યો હતો"
"ગયા વર્ષે પોલીસ એન્કાઉન્ટરમાં આનંદપાલનું મોત થયું ત્યારે પણ કરણી સેના સક્રીય થઈ હતી અને સંજય લીલા ભણસાલીની ફિલ્મે તેને મંચ પૂરો પાડ્યો હતો."
સુખદેવસિંહે કહ્યું હતું, "અમારા સમાજની કોઈ વ્યક્તિ કે અધિકારી સાથે અન્યાય થાય અને રાજકીય પક્ષો ચૂપ રહે ત્યારે અવાજ ઉઠાવવાનું કરણી સેના માટે જરૂરી બની જાય છે."
"રાજપૂત સમાજમાં એવા ઘણા લોકો છે, જે બદલતી પરિસ્થિતિ સંબંધે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે."
"કેટલાક પ્રેક્ષકો કહે છે કે રાજકીય પક્ષોએ ખુદને ચૂંટણી લડવા અને જીતીને સરકાર ચલાવવા સુધી જ મર્યાદિત રાખ્યા હોવાથી જ્ઞાતિગત સંગઠનો ઝડપભેર ઉભરી રહ્યાં છે."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો