You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાત: કરણી સેનાના ગુજરાત પ્રમુખ જ મલ્ટિપ્લૅક્સને સિક્યુરિટી પૂરી પાડે છે
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી ગુજરાતી
'પદ્માવત' ફિલ્મના વિવાદ પહેલા રાજ શેખાવતની ઓળખ એક એવી વ્યક્તિની હતી કે જે વાઇબ્રન્ટ ગુજરાત જેવા મોટા કાર્યક્રમોમાં ખાનગી સુરક્ષા પૂરી પાડતા હતા.
એક સમયે રાજ શેખાવત BSFમાં સેવા આપતા હતા. હવે તેઓ અમદાવાદમાં એક ખાનગી સુરક્ષા એજન્સી પણ ચલાવે છે.
હાલમાં રાજ શેખાવત કરણી સેનાના ગુજરાત પ્રમુખ તરીકે સમગ્ર રાજ્યમાં જાણીતા થયા છે. કારણ કે, તેમની આગેવાની હેઠળની કરણી સેના ગુજરાતમાં સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'નો વિરોધ કરી રહી છે.
તમને આ પણ વાંચવું ગમશે
ઇન્ટરનેટ પર રાજ શેખાવતના વીડિયો વાઇરલ થઈ રહ્યા છે કે જેમાં તેઓ જાહેર જનતાને ચીમકી આપતા અને થિયેટર સળગાવવાની ધમકી આપતા જોવા મળી રહ્યા છે.
આશ્ચર્યની વાત તો એ છે કે આજ દિન સુધી તેમના વિરુદ્ધ કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી.
અગાઉ, રાજ શેખાવતની કંપનીએ જ દીપિકા પાદુકોણ જેવાં અભિનેત્રીને અમદાવાદની મુલાકાત દરમિયાન સુરક્ષા આપી હતી.
હવે એ જ કરણી સેના દીપિકા પાદુકોણ પર રાણી પદ્મિનીને બદનામ કરવાના આરોપસર તેમનું નાક કાપી નાખવાની ધમકી આપી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોણ છે રાજ શેખાવત?
રાજ શેખાવત એક એવી વ્યક્તિ છે કે જેઓ હંમેશા હાથમાં ઘણી બધી વીંટીઓ પહેરીને ફરે છે. હંમેશા પોતાની સાથે સોનાનાં દાગીના લઈને ચાલે છે.
તેમના ફેસબુક પેજ પર તેઓ ગર્વ સાથે અમદાવાદ પોલીસ કમિશનર એ. કે. સિંહ સાથેની આ તસવીરમાં જોવા મળે છે.
શેખાવત હંમેશા પોતાની સાથે પાંચ બૉડીગાર્ડ રાખે છે.
તેમની ત્રણ વર્ષ જૂની કંપનીને સરકાર તરફથી ઘણાં કોન્ટ્રાક્ટ મળ્યા છે.
તેમાં તેઓએ કેટલાક પ્રવાસન કાર્યક્રમો અને બિઝનેસ મીટિંગ જેવા કાર્યક્રમોમાં સુરક્ષા આપી છે.
તેઓ અમદાવાદમાં એક હોટેલ તેમજ જીમની પણ માલિકી ધરાવે છે.
તેઓ દાવો કરે છે કે સુરક્ષા એજન્સીની શરૂઆત કરતા પહેલાં કાશ્મીરમાં બીએસએફ (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)માં ફરજ બજાવતા હતા.
જ્યારથી 'પદ્માવત' ફિલ્મનો વિરોધ શરૂ થયો છે, ત્યારથી તેઓ ઘણી ન્યૂઝ ચેનલના સ્ટુડિયોઝમાં જોવા મળ્યા છે.
ન્યૂઝ ચેનલ પર આવીને તેમણે ઘણી વખત સિનેમાના માલિકોને તેમજ 'પદ્માવત' ફિલ્મનું સમર્થન કરતા લોકોને ધમકીઓ આપી છે.
'હું હિંસાને સમર્થન આપતો નથી'
એક તરફ શેખાવત મલ્ટિપ્લૅક્સને સુરક્ષા આપે છે, અને બીજી તરફ એ જ શેખાવત ટીવી પર બેસીને મલ્ટિપ્લૅક્સને સળગાવી દેવાની ધમકીઓ આપે છે.
તેઓ જણાવે છે, "ધર્મ અને કર્મનું મિશ્રણ થવું ન જોઈએ. મારું કાર્ય અને આ વિરોધ પ્રદર્શન અલગ વસ્તુ છે. હું મારા ધર્મ અને ઇતિહાસને સુરક્ષા આપવા માટે કરણી સેનાનો ભાગ છું."
તેઓ ઉમેરે છે, "મેં સિનેમામાં કામ કરતા મારા માણસોને સિનેમાને સુરક્ષા આપવા જણાવ્યું છે. જો તેમને લાગશે કે સ્થિતિ નિયંત્રણની બહાર છે, તો મેં તેમને પોલીસ હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરવા જણાવ્યું છે."
લોકો દ્વારા પબ્લિક પ્રોપર્ટીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે. દુકાનો સળગાવવામાં આવી રહી છે, સરકારી સંપત્તિનો વિનાશ કરવામાં આવી રહ્યો છે.
આ મામલે તેઓ કહે છે, "હું નથી જાણતો કે આ લોકો કોણ છે. અમે લોકો ફિલ્મની વિરુદ્ધ છીએ. અમે ફિલ્મ થીએટરની બહાર જઈશું.
"જે લોકો ફિલ્મ જોવા જશે તેમને એક ફુલ આપી વિવાદાસ્પદ ફિલ્મ જોવા ન જવાની આજીજી કરીશું."
શેખાવતે રાજકારણ સાથે કોઈ સંબંધ હોવાની વાતને નકારી છે.
જોકે, તેમણે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમના કામના કારણે સરકારી નેતાઓ સાથે સારા સંબંધ છે.
તેમણે ઉમેર્યું કે કરણી સેના દ્વારા કરવામાં આવતા વિરોધ દરમિયાન પરિસ્થિતિ પર કાબુ મેળવવા ગુજરાતના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ તેમની મદદ પણ માગી હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો