You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
અમદાવાદ હિંસા: કેવી રીતે બની હતી આ ઘટના?
સંજય લીલા ભણસાલીની ફિલ્મ 'પદ્માવત'ના વિરોધમાં અમદાવાદમાં મલ્ટીપ્લેક્સની બહાર હિંસક ઘટનાઓ બની હતી.
ત્રણ જગ્યાઓ પર તોડફોડ કરવામાં આવી હત. ક્યાંક વાહનોના કાચ તોડવામાં આવ્યા હતા તો ક્યાંક વાહનોને આગ ચાંપવામાં આવી હતી.
થલતેજના એક્રોપૉલિસ મૉલ, ગુરુકુળ મેમનગરના હિમાલયા મૉલ અને વસ્ત્રાપુરના આલ્ફા વન મૉલની બહાર તોડફોડ અને આગની ઘટના બની હતી.
ઇસ્કૉન મંદિરથી એક્રોપૉલિસ મૉલ સુધી એક કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ માર્ચ પૂર્ણ થતાની સાથે જ હિંસા અને તોડફોડની શરૂઆત થઈ હતી.
શું કહે છે પોલીસ?
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ઇન્સપેક્ટર એમ. એમ. જાડેજાએ બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારાને જણાવ્યું હતું કે બંને જગ્યાએ એકઠી થયેલી ભીડે આ તોડફોડ કરી હતી.
તેમણે જણાવ્યું હતું કે હિમાલયા મૉલની પાસે પરિસ્થિતિ વધારે ખરાબ હતી.
જોકે, આલ્ફા વન મૉલની બહાર પ્રદર્શનકર્તાઓને થોડા સમય બાદ રોકવામાં સફળતા મળી હતી, જેથી વધારે નુકસાન કરી શક્યા ન હતા.
કરણી સેનાનું શું કહેવું છે?
જોકે, ગુજરાતમાં 'શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના'ના પ્રદેશ પ્રમુખ રાજ શેખાવતે આ હિંસામાં કરણી સેનાનો કોઈ હાથ ન હોવાની વાત કહીને ઘટનાની નિંદા કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસી સાથે વાત કરતાં રાજ શેખાવતે કહ્યું, "કરણી સેના આ ઘટનાઓની પાછળ નથી. ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજપૂત સમાજ તરફથી એક કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. ત્યાં આ ઘટના બની છે."
"આ તો ટોળાએ કર્યું છે. ભીડનો મગજ કેવું હોય છે એ તો તમને ખબર જ છે. કરણી સેનાનાં નામ પર કોઈ પણ કંઈ કરે તો તેના માટે કરણી સેના જવાબદાર નથી."
તેમણે કહ્યું, "મને લાગે છે કે આ ઘટના પાછળ અસામાજિક તત્વોનો હાથ છે. કેમ કે કરણી સૈનિક અને રાજપૂતો પણ આવું ના કરે. કેટલાક લોકો મોકાનો ફાયદો ઉઠાવતા હોય છે."
"કરણી સેના બિલકુલ હિંસાનું સમર્થન નથી કરતી. ભીડ જ્યારે બેકાબૂ થઈ જાય છે ત્યારે તેને અંકુશમાં લેવાનું મુશ્કેલ હોય છે."
"અમે શાંતિનો સંદેશો મોકલ્યો છે કે કોઈ હિંસા ન કરે, સામાન્ય લોકો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડવામાં ના આવે. આંદોલન કરવાની રીત આવી નથી હોતી. "
કેવી રીતે બની ઘટના?
બીબીસી સંવાદદાતા સાગર પટેલ ઘટના બન્યાના થોડા સમયમાં જ એક્રોપૉલિસ મૉલ પહોંચ્યા ત્યારે તેમને મૉલની સામે સળગેલાં વાહનો અને તૂટેલા કાચ જોવા મળ્યાં હતાં.
તેમને એક પરિવાર મળ્યો જે પોતાની ક્ષતિગ્રસ્ત કાર પાસે રડી રહ્યો હતો.
ઘટનાની શરૂઆત પથ્થરમારાથી થઈ હતી. પછી મૉલની બહાર પાર્ક કરાયેલાં છ ટુવ્હિલર્સ અને ચાર કારોમાં આગ લગાવવામાં આવી હતી.
મૉલની અંદર જે લોકો હતા તેઓ ડરના માર્યાં બહાર ના નીકળ્યાં અને પોતાના બચાવ માટે મૉલમાં જ રહ્યાં.
એક હજારથી વધુ લોકો આ કેન્ડલ માર્ચમાં સામેલ થયા હતા. પરંતુ આ દરમિયાન કદાચ પોલીસનો કાફલો પૂરતો ન હતો.
થોડીવારમાં ફાયર બ્રિગેડ આવી અને આગ બુઝાવી હતી.
પાર્કિંગમાં ઘૂસીને તોડફોડ
હિમાલયા મૉલની બહાર ડૉમિનોઝ અને બીજા રેસ્ટોરાંના બહાર પાર્ક કરાયેલાં અન્ય વાહનોને પણ આગના હવાલે કરી દેવામાં આવ્યાં હતાં.
કેટલાક લોકો બેઝમેન્ટ પાર્કિંગમાં ઘૂસી ગયા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી. પછી પોલીસ ત્યાં પહોંચીને હવામાં ફાયરિંગ કર્યું હતું.
કહેવામાં આવી રહ્યું છે કે એક્રોપૉલિસ પીવીઆર અને હિમાલયા મૉલના સિનેમાના માલિકોએ જાહેરાત કરી દીધી હતી કે તેમના થિયેટરોમાં ફિલ્મ 'પદ્માવત' દર્શાવવામાં આવશે નહી. તેમ છતાં અહીં હિંસાની ઘટના બની હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો